માનો તો મૈં ગંગા મા હૂં, ના માનો તો બહેતા પાની…

જગજિતસિંઘજી પર બનાવેલી ડોક્યુમેન્ટરી ‘વો કાગઝ કી કશ્તી’માં એમના એક મિત્રએ કહ્યું છે
કે, જે રાત્રે એમના પુત્ર વિવેકસિંઘનો એક્સિડન્ટ થયો એ રાત્રે જગજિતસિંઘ એક પાર્ટીમાં હતા. એ
દિવસે ગાવાના નહોતા, પરંતુ સહુએ ખૂબ આગ્રહ કર્યો એટલે એમણે એમની ફેવરિટ ગઝલ ‘દર્દ સે મેરા
દામન ભર દે યા અલ્લાહ’ ગાઈ. ગાતી વખતે ખૂબ રડ્યા, પછી પણ રડતાં રહ્યા. પછી પણ રડતાં રહ્યા…
એ જ દિવસે રાત્રે વિવેકસિંઘના મૃત્યુના સમાચાર આવ્યા. મૃત્યુથી સ્મશાન યાત્રા સુધી જગજીતજી ખૂબ
સ્વસ્થ રહ્યા, પરંતુ પાછા ફરીને એમણે ચશ્મા ઉતાર્યા, ફેંક્યા અને રડતાં રડતાં કહ્યું, ‘દર્દ સે દામન ભરને
કો કહા થા… લો! ભર દિયા!’

ઘણીવાર આપણે શું માંગીએ છીએ અથવા શું કરી રહ્યા છીએ એ વિશે આપણને પોતાને ખબર
નથી હોતી. વડીલો કહેતા, ‘દિવસમાં એક ક્ષણ ‘તથાસ્તુ’ની આવે છે, એ ક્ષણે જો આપણે કંઈ માંગીએ કે
બોલીએ તો એ સફળ થઈ જાય છે!

એવી જ એક બીજી વાત 1970માં લખાયેલી એક ગઝલની છે. ઈબ્ને ઈન્શા નામના એક કવિએ
એક ગઝલ લખી હતી, ‘ઈન્શાજી અબ કુછ કરો ઈસ શહેરમેં જી કો લગાના ક્યા, વહશી કો સુકું સે ક્યા
મતલબ, જોગી કા નગર મેં ઠિકાના ક્યા. જબ શહેર કે લોગ ના રસ્તા દે, ક્યૂં બન મેં ન જા બિસરામ કરેં,
દિવાનો કિ સી ન બાત કરેં તો ઔર કરેં દિવાના ક્યા…’

આ ગઝલ જીવનના વિતરાગની, વૈરાગ્યની ગઝલ છે. ગઝલમાં જીવનની વ્યર્થતાની વાત કરવામાં
આવી છે. અમાનત અલી ખાન નામના ગાયકે આ ગઝલ કમ્પોઝ કરી અને જાહેરમાં ગાઈ, એ પછી
થોડાક જ મહિના પછી એમનું અવસાન થયું. અમાનત અલીના દીકરા અસત અમાનત અલીએ આ
ગઝલ ગાઈ અને એમનું એ આખરી રેકોર્ડિંગ પૂરવાર થયું. એવી જ રીતે આ ગઝલ ગાનારા બીજા બે
ગાયકો પણ સમયસમયાંતરે કોઈ માંદગી વગર મૃત્યુને ભેટ્યા. ઈબ્ને ઈન્શાએ પોતાના મૃત્યુના એક દિવસ
પહેલા એમના એક મિત્રને પત્રમાં લખ્યું હતું, ‘યે મનહુસ ગઝલ ઔર કિતનોં કી જાન લેગી!’

કેટલીક વાતો, કેટલાંક સ્થળો, કેટલીક ઘટનાઓ એવી હોય છે જેમાં માણસ કરતાં વધારે કુદરતનો
કોઈ ઈશારો હોય છે. ગુગલ અને યુટ્યુબ ઉપર ભેતપ્રેમના અનુભવોની અનેક વાતો લોકો કહેતા હોય છે.
ભૂતના ફોટા, પ્રેતના હોવાની કેટલીક અનુભૂતિઓના સચોટ દાખલા-દલીલ સાથેના દાવા પણ અનેક
લોકો કરતાં હોય છે, પરંતુ જેણે આ જોયું નથી-જાણતા નથી એને માટે આ બધી વાતો કોઈ કપોળ
કલ્પિત કથાઓ છે. ભૂત, પ્રેત કે આત્મા જેવી વાતોને મોટાભાગના લોકો માનતા નથી. સાચું જ છે, જે
જોયું નથી, જેના વિશે કશું જાણતા નથી એને માનવું કે એનાથી ડરવું યોગ્ય નથી, પરંતુ રજનીશજીએ
એકવાર કહ્યું હતું, ‘શું છે અને શું નથી એના વિશે હું કંઈ જાણતો નથી, પરંતુ જો અજવાળું છે-આપણે
એનો અનુભવ કરી શકીએ છીએ તો અંધારું પણ હશે જ, હોવું જ જોઈએ, એટલું તો માની જ શકાય!’

જેમ આ બે ગઝલની કથાઓ છે એમ એટલાન્ટિક મહાસાગરની ઈશાન દિશામાં એક બર્મ્યુડા
ટ્રાઈંગલ નામનો વિસ્તાર આવેલો છે. એને ડેવિલ સ્ટ્રાઈંગલ પણ કહેવાય છે. ત્રિકોણની કથાનો પહેલો
લેખ ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ ઍસોસિએટેડ પ્રેસના માધ્યમ દ્વારા ઈ. વી. ડબલ્યુ જોન્સ દ્વારા
એક અખબારમાં લખવામાં આવ્યો હતો. આ લેખમાં લેખકે એવા ઘણા બધા વિમાનો અને વહાણોની
યાદી આપી જેઓ એકાએક ગુમ થયા હતા આ યાદીમાં ફ્લાઈટ ૧૯ તરીકે ઓળખાતી, તાલિમી ઉડાન
દરમિયાન ગુમ થયેલી અમેરિકન નૌકાદળના પાંચની ટુકડી એવા ટીબીએમ એવેન્જર (TBM Avenger
બોમ્બર વિમાનોનો સમાવેશ થતો હતો. એ લેખમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફ્લાઈટ લીડરને
એવું કહેતો સાંભળવામાં આવ્યો હતો કે, “અમેgreenપાણીમાં પ્રવેશી રહ્યા છે અહીં કશું જ સારું
જણાતું નથી.અમને જાણ નથી અમે ક્યાં છીએ, અહીં પાણી લીલું છે સફેદ નહીં.” જ્યાં કેટલાય વિમાનો
અને વહાણો લાપતા બન્યા છે. કેટલાક લોકો દાવો કરે છે કે લાપતા થવાનું કારણ માનવીય ભૂલ,
સાધનોની ખામી કે પછી કુદરતી હોનારત સિવાયનું છે, જે માનવીય હસ્તક્ષેપથી પર છે. આ ઘટનાઓ
બનવા પાછળ સામાન્ય રીતે પેરાનોર્મલ (માનવીય તપાસની કક્ષા બહારનું), ભૌતિક વિજ્ઞાનના
નિયમોથી પર અથવા રગ્રહવાસીઓની પ્રવૃતિઓને જવાબદાર માનવામાં આવે છે. આ ત્રિકોણને લગતું
ઘણું સંશોધન કરવામાં આવ્યું છે, ઘણી બધી સરકારી એજન્સીઓએ રેકોર્ડ તપાસ્યા બાદ કહ્યું છે કે
મહાસાગરના વિસ્તારમાં અન્ય જગ્યાઓએ લાપતા થવાની બનતી ઘટના જેવી જ આ ઘટનાઓ છે.
આ ઘટનાઓ અંગે જે હાઉ ઉભો કરવામાં આવ્યો છે તે ઘણી બધી તપાસો કરવા છતાં ઉકેલી શકાયો
નથી.

એવી જ રીતે પોલેન્ડમાં આવેલું ક્રુકેડ ફોરેસ્ટ પણ બહુ રસપ્રદ સ્થળ છે. ત્યાં ઉગતા પાઈનના
બધા જ વૃક્ષો વાંકાચૂંકા અને એકમેકની સામે લડતાં હોય એવી રીતે ઊભા છે. એવું માનવામાં આવે છે કે,
આ જંગલમાં પ્રવેશ કરનાર વ્યક્તિ ત્યાં રાત રોકાઈ શકતી નથી. કેમ્પિંગ કે નાઈટ ટ્રેલ માટે અહીંયા
પરમિશન નથી. રાજસ્થાનના ભાનગઢમાં આવેલો કિલ્લો પણ આવો જ એક ભયાનક કિલ્લો માનવામાં
આવે છે. ભગવંતદાસના પુત્ર માધોસિંહ માટે બનાવવામાં આવેલા આ કિલ્લા વિશે એટલી બધી
લોકવાયકાઓ ફેલાઈ કે અંતે સરકારે સૂર્યાસ્ત પછી ત્યાં પ્રવેશબંધી કરવી પડી. રોમાનિયામાં આવેલો બ્રાન
કેસલ પણ એક આવી જ જગ્યા છે. વ્લાડ ત્રીજો ત્યાં રાજ્ય કરતો હતો ત્યારે એણે એટલા બધા લોકોને
મારી નાખ્યા કે એ કિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિ જીવતી પાછી નથી આવતી એવી એક દંતકથા વહેતી
થઈ. અમેરિકન કેરેક્ટર ‘ડ્રેક્યુલા’નું મૂળ આ બ્રાન કેસલમાં વસતા વ્લાડ ત્રીજા પાસેથી મળે છે. બાન્ફ
સ્પ્રિંગ હોટેલ, કેનેડામાં કેલગરી પાસે આવેલા બાન્ફ નામના હિલ સ્ટેશન ઉપર આવેલી છે. એક આખા
પરિવારનું હોટેલના એક રૂમમાં અચાનક મૃત્યુ થયું એ પછી કેટલાક લોકોને હોટેલમાં એ પરિવાર દેખાય
છે એવું કહેવામાં આવે છે. સાઉથ અમેરિકામાં આવેલા પેરુ પાસે ઈન્કાઝનું એક લોસ્ટ સિટી છે.
વિમાનમાં પ્રવાસ કરતી વખતે એ શહેરની લાઈન્સ-રસ્તા, મકાનોનો આભાસ થાય છે, જેને નાઝકા
લાઈન્સના નામે ઓળખવામાં આવે છે, પરંતુ નીચે ઉતરીએ અને શહેરમાં જઈએ તો આવું કશું દેખાતું
નથી!

સૌથી ઈન્ટ્રેસ્ટિંગ આપણા દેશમાં આવેલો કૈલાશ પર્વત છે. સનાતન ધર્મ માને છે કે, એના પર
મહાદેવનો વાસ છે. પર્વતારોહકો એવરેસ્ટ, નંદાદેવી જેવા અઘરા શિખર સર કરી આવ્યા છે, પરંતુ હજી
સુધી કોઈ કૈલાશ ચડી શકતું નથી…

માનો યા ન માનો, કેટલીક વાતો લોજિક અને બુધ્ધિને પેલે પાર હોય છે. દેખાય, અનુભવાય
છતાંય, સમજાય નહીં એવી વાતોથી ભય પામવાને બદલે એમાં કોઈ દૈવી સંકેત હશે એમ માનીને એના
શરણમાં મસ્તક ઝુકાવવું એ સરળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *