મારા અને દુશ્મનમાં ફરક છે એક જ,ટીકાથી એ બેપરવા, હું તારીફથી પર

મરીઝ સાહેબનો આ શે’ર જિંદગીની એક એવી ફિલોસોફી છે જે આપણને સૌને જીવવાનો એક
જુદો જ અભિગમ-પર્સપેક્ટિવ કે વિચાર આપે છે. મોટાભાગના લોકોને દુનિયાની બહુ પરવાહ હોય છે.
‘લોકો શું કહેશે’ એ વિચારી વિચારીને મોટાભાગના લોકો પોતાના વાણી, વર્તન અને વ્યવહાર સતત ચેક
કર્યા કરે છે. મજાની વાત એ છે કે, આપણે ગમે તેટલા પરફેક્ટ રહેવાનો પ્રયત્ન કરીએ તેમ છતાં ‘લોકો’
કંઈક તો કહેવાના જ છે. જ્યાં સુધી આપણે બીજાના અભિપ્રાય કે અપ્રુવલ પર જીવવાનો પ્રયત્ન કરતા
રહીશું ત્યાં સુધી ચોક્કસ નિરાશા મળશે એ નક્કી છે. જિંદગી આપણી પોતાની છે, સવાલ સ્વાર્થી
થવાનો નથી, પરંતુ સ્વમાન અને આત્મવિશ્વાસ સાથે જીવવાનો છે.

મરીઝ સાહેબના આ શે’રમાં એમણે પોતાની અને દુશ્મનની સરખામણી કરી છે. એક રીતે બંને
સરખા છે અને છતાં બંને જુદા છે. એક ટીકાથી બેપરવાહ છે… લોકો શું કહે છે એ વિચાર્યા વગર એ
દુશ્મની નિભાવે છે. ખોટું કરતી વખતે એને ભય લાગતો નથી. એ જજમેન્ટલ જગતને ગણકારતો નથી
અને બીજી તરફ પોતે છે જે ‘સારા’ હોવાનો દંભ કે ડોળ કર્યા વગર, કોઈ શું માને છે એની ચિંતા કર્યા
વગર, અપ્રુવલના સર્ટિફિકેટ વગર પોતે જે છે તેવા જ જીવવાનો પ્રયાસ કરે છે.

પુરાણની એક કથામાં ભગવાન વિષ્ણુના કાનમાંથી મેલ નીકળે છે અને એ મેલમાંથી બે રાક્ષસો
જન્મે છે. એક મધુ અને બીજો કૈટભ. મધુ મીઠો છે અને કૈટભ કડવો. એક ટીકા છે, બીજી પ્રશંસા છે.
મજા એ છે કે બંને કાનના મેલમાંથી જન્મ્યા છે. બંને કાનમાં જઈને ગંદકી કરવાનું જ કામ કરે છે! માણસ
તરીકે આપણે સામાન્ય રીતે પ્રશંસા કે ટીકાથી દોરવાઈને આપણા નિર્ણયો કરીએ છીએ, પરંતુ જે નિર્ણય
કરીએ એમાં કોઈક ટીકા અને કોઈ પ્રશંસા તો મળવાની જ છે, એ નક્કી છે. બધાને આપણી બધી જ
બાબતો ગમશે જ એવું તો શક્ય જ નથી. એટલે આપણું જીવન આપણું પોતાનું છે એવું માનીને
આપણી પરિસ્થિતિને શ્રેષ્ઠ રીતે સમજીને આપણને જે સાચું અને યોગ્ય લાગે તે રીતે જીવવું એ જ
જીવવાનો સાચો રસ્તો છે.

હવે આમાં મજા એ છે કે, કેટલાક લોકો ‘મારી જિંદગી’ના લેબલ હેઠળ બીજા લોકોના જીવનમાં
દખલ કરે છે, તકલીફ ઊભી કરે છે, નડે છે. મારી જિંદગી છે માટે હું મને જે ફાવે તે અવાજે મ્યુઝિક
વગાડીશ, મને જ્યાં ફાવશે ત્યાં ગાડી ઊભી રાખીશ, જ્યાં ફાવશે ત્યાં કચરો ફેંકીશ, જેવા ફાવશે એવા
કપડાં પહેરીશ કે મનફાવતું વર્તન કરીશ… આ સ્વતંત્રતા કે આત્મવિશ્વાસ નથી જ. આ તો નફ્ફટાઈ અને
બેવકૂફી છે. માતા-પિતા સાથે રહેતું ટીનએજ કે યુવા સંતાન ‘મારી જિંદગી’ના નામે ફાવે તેમ જીવે છે,
પરંતુ કોના ખર્ચે, હિસાબે અને જોખમે? એ જ સંતાન તથ્યની જેમ ગાડી ઠોકે, આર્યનની જેમ ડ્રગ્સ
સાથે પકડાય કે જે કંઈ ક્રેડિટ કાર્ડના બિલો આવે એ બધું કોણે ભોગવવાનું? પોતાની જિંદગી જીવવા
માટે-બેપરવાહ જીવવા માટે પોતાના પગ પર ઊભા રહેવું જરૂરી છે. મોટાભાગના માતા-પિતા આ વાત
પોતાના સંતાનોને સમજાવી શકતા નથી, એમના કારણમાં પ્રેમ હોય કે સંતાન કઈ ખોટું કરી બેસશે એનો
ભય… પરંતુ, મોટાભાગના લોકો ટીકાથી બેપરવાહ તો જીવે છે પણ પ્રશંસાથી પર રહી શકતા નથી કારણ
કે, સોશિયલ મીડિયા પર સતત પોતે કેટલા સારા દેખાય છે અને શું પહેરે છે, શું ખાય છે એ લખ્યા કરતા
આ લોકો ખરેખર તો પ્રશંસા માટે જ જીવે છે! ફૉલોઅર ઘટી જાય તો પ્રશંસા ઘટ્યાનું ડિપ્રેશન આવે છે…
ટ્રોલરને સહન કરી શકતા નથી. એમને માત્ર સારું સાંભળવું છે, વખાણ જ જોઈએ છે.

ફિલ્મસ્ટાર, રાજનેતાઓ અને મોટા માણસો પોતાની આજુબાજુ એવા લોકોને રાખે છે જે સતત
એમના વખાણ કર્યા કરે. મોટાભાગના લોકોની પડતી આવા જ લોકોને કારણે થાય છે કારણ કે, એમને
મોઢે સાચું કહી શકે એવા લોકો એમના સુધી પહોંચતા જ નથી. સત્ય તો એ છે કે, સાચી અને પ્રામાણિક
ટીકા કરનાર માણસને હંમેશાં મહત્વ આપવું કારણ કે, એવા જ લોકો જીવનમાં આપણી પ્રગતિમાં
મદદરૂપ થાય છે. સતત આપણા વખાણ કરનાર લોકો આપણને આગળ વધવા દેતા નથી બલ્કે, આપણી
ભૂલ આપણને જ ન દેખાય એવી સ્થિતિ ઊભી થઈ જાય ત્યારે આપણો વિકાસ કે પ્રગતિ રોકાઈ જાય છે.

જિંદગી વખાણ અને ટીકાના બે પલ્લાંની વચ્ચે ટકી છે. ગાંધીજી કે સરદાર પટેલ જેવા નેતાની
પણ ટીકા થયા વગર રહી નથી, ફિલ્મસ્ટાર હોય કે ક્રિકેટર, ફિલ્મ સારી ચાલે કે ફોમમાં હોય ત્યારે જે લોકો
એને માથે બેસાડે છે એ જ લોકો એની ફિલ્મ ફ્લોપ થાય કે એકાદ-બેવાર ઓછા રનમાં આઉટ થઈ જાય
કે વિકેટ ન લઈ શકે તો માછલાં ધોતાં અચકાતાં નથી. ગઈકાલ સુધી જે અંગત મિત્ર હતા, અને આપણું
બધું કામ કરતા હતા-ત્યાં સુધી આપણને વાંધો નહોતો, પરંતુ કદાચ એણે એકાદ કામની ના પાડી કે યોગ્ય
સમયે આપણું કામ ન કરી શક્યા તો પાછલો બધો ડેટા વિસારીને આપણે પણ એની ટીકા કરતાં-એની
સામે વાંધાવચકા પાડતા અચકાતાં નથી જ ને?

આમ તો પ્રશંસા અને ટીકા બંનેનું કોઈ મહત્વ નથી કારણ કે, બંને પરમેનેન્ટ નથી. આજે જે
પ્રશંસક છે તે કાલે ટીકાકાર હોઈ શકે, આજે જે ટીકા કરે છે એ કાલે એનું કામ કઢાવવા પ્રશંસા કરતાં
અચકાશે નહીં…

મરીઝ સાહેબનો આ શે’ર બહુ રસપ્રદ એ રીતે છે કે, ટીકા અને પ્રશંસાથી પર એવી દોસ્તી અને
દુશ્મની જો મળી જાય તો જિંદગી ખરેખર ખૂબ રસપ્રદ અને મજાની બની જાય. આપણે બધા ટીકા અને
પ્રશંસાને બહુ સિરિયસલી લઈએ છીએ, પરંતુ ગુગલ પરની ગોસિપની જેમ જો એને પણ સાંભળીને
ભૂલી જઈએ અને એ વિશે બહુ ગંભીર ન થઈએ તો આપણે આપણી જાતે આપણા વિચારો પ્રમાણે જીવી
શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *