મર્દ કો દર્દ નહીં હોતા?

‘મારી પત્ની નાની નાની વાતમાં રિસાય છે, બોલવાનું બંધ કરી દે, રસોઈ બનાવવાનું બંધ કરી દે,
એટલું જ નહીં, રડી રડીને પડોશીઓને અને બાળકોને એવી ઈમ્પ્રેશન આપી છે કે હું બહુ ક્રૂર અને
અત્યાચારી પતિ છું. આ સાચું નથી, પણ હવે હું એનાથી ડરવા લાગ્યો છું. એ જેમ કહે તેમ કરું છું, જેથી
ઘરમાં શાંતિ રહે. પણ હવે થાકી ગયો છું. આત્મહત્યાના વિચારો આવે છે…’ એક વાચકે લખેલા આ
પત્રમાં સાડા ત્રણ પાનાંની વિગતો છે. એમણે જે કંઈ લખ્યું છે એમાં સત્ય હશે જ કે છે એવી પૂર્વધારણા
સાથે ન વિચારીએ તો પણ એક વાત ચોક્કસ સમજાય છે કે, દરેક વખતે ફરિયાદ કરતી પત્ની સાચી જ
હોય એવું માની લેવાની ભૂલ ન કરવી જોઈએ. સ્ત્રીઓ પોતાની જાતને પીડિત, શોષિત, અપમાનિત
અને ત્રાસી ગયેલી કોઈ ‘બિચારી’ અથવા ‘અબળા’ સાબિત કરીને ઘણીવાર પોતાનું ધાર્યું કરાવતી હોય છે,
એ વાતને નકારી શકાય એમ નથી.

આપણે બધા એવા સમાજમાં જીવીએ છીએ, જ્યાં સ્ત્રીઓને ‘વસ્તુ’ માનીને એનો વ્યાપાર
કરવામાં આવે છે, ડોમેસ્ટિક વાયોલેન્સ, બળાત્કાર અને વગર વાંકે છૂટાછેડા જેવી ઘટનાઓ અવારનવાર
આપણી સામે આવતી હોય છે. સોશિયલ મીડિયા અને પ્રસાર માધ્યમો પણ આવા કિસ્સાઓને ચગાવે
છે. જેને કારણે એક ઓવરઓલ ઈમ્પ્રેશન એવી છે કે, સ્ત્રીઓની સ્થિતિ હજી સુધરી નથી. રાજારામ
મોહનરાયના સમયમાં અશિક્ષિત રહી જતી સ્ત્રી કે એને સતી કરી દેવામાં આવતી ત્યારે એના પર થતો
અત્યાચાર અને આજના સમયમાં સ્ત્રીની સ્થિતિ વચ્ચે આસમાન-જમીનનો ફેર છે તેમ છતાં, કેટલીક
સંસ્થાઓ અને કેટલીક મહિલાઓ ફક્ત પુરુષવિરોધી માનસિકતા ધરાવે છે. મહિલા પર થતા અત્યાચાર
સામે અવાજ ઉઠાવવા માટે અનેક ઓર્ગેનાઈઝેશન્સ અને સરકારી કાયદાઓ છે. માનવામાં આવે છે કે,
સરકારી કાયદાઓ મહિલાઓ તરફી છે, પરંતુ જે ઘરમાં આવી સ્થિતિ હોય એ ઘરના પુરુષને મદદ કરવા
માટે ખરેખર કોણ આગળ આવે છે? જે સ્ત્રી રડીને પોતાના પતિ વિરુધ્ધ ફરિયાદ કરે એ સાચી જ હશે
એવું માની લેવાની ભૂલ આપણે બધા નથી કરતા?

બીજી એક દુઃખની વાત એ છે કે, આપણે બધા જ કકળાટ ટાળવા માટે કે ઘરમાં શાંતિ જાળવવા
માટે એ વ્યક્તિને સરેન્ડર થઈ જઈએ છીએ જે કકળાટ કરતી હોય, રડતી હોય કે ઘરમાં અશાંતિ ઊભી
કરતી હોય. હવે આમાં બને છે એવું કે, આપણે ઝઘડો ટાળવા, કકળાટ ઓછો થાય એ માટે કે, ઘરના
સભ્યો (વડીલો કે બાળકોના સુખ માટે), પડોશમાં પ્રતિષ્ઠા જાળવવા કે સગાંઓ સામે ખોટી ઈમેજ ઊભી
ન થાય એ માટે આવા કકળાટિયા, ઝઘડાળુ વ્યક્તિની વાત માનતા રહીએ છીએ એટલે એ એવું શીખી
જાય છે અથવા એને એવું સમજાઈ જાય છે કે, આપણું ધાર્યું કરાવવા માટે, ઘરના સૌ સભ્યોને આપણા
કાબૂમાં રાખવા માટે કકળાટ એ જ ઉત્તમ રસ્તો છે! લડી-ઝઘડી, રડીને આવી વ્યક્તિઓ ઘરના સભ્યોને
એક રીતે બ્લેક મેલ જ કરે છે. ‘બળિયાના બે ભાગ’ જેવી સ્થિતિ ઊભી થઈ જાય છે. આ વિષચક્ર એવું
ચાલવા લાગે છે કે, પછીથી ઘણો પ્રયત્ન કરવા છતાં પણ પરિસ્થિતિ સુધારી શકાતી નથી.

કાચી ઉંમરના બાળકોના મનમાં રડતી-કકળતી માને જોઈને પિતાની વિરુધ્ધ એક વિદ્રોહ ઊભો
થાય છે. નાના બાળકો માટે મા જ સર્વસ્વ હોય અને એમાં પણ જે રડતું હોય, દુઃખી હોય, ફરિયાદ કરતું
હોય એ જ નબળું હોય એવી આપણા સમાજમાં એક માન્યતા છે. આ માન્યતા ખોટી છે કે સાચી, એની
તપાસ કરવા જેટલી સમજણ નાના બાળકમાં હોતી નથી એટલે એના મનમાં પિતા વિશે એક એવી
ઈમેજ ઊભી થાય છે જે મોટી ઉંમર સુધી ભૂંસી શકાતી નથી, અને ક્યારેક તો કદી ભૂંસાતી નથી. માને
દુઃખી કરતા પિતા વિશે એક અણગમો ઊભો થાય છે અને તેથી પિતા સાથેનું કમ્યુનિકેશન ઓછું રહે છે…
બાળકને પોતાનો હીરો મળતો નથી! બીજી તરફ સતત ઘરમાં કકળાટનું વાતાવરણ હોવાને કારણે બાળકો
વધુ સમય બહાર વિતાવતા થાય છે અને ટીનએજ સુધી પહોંચે એ પછી જો દીકરી હોય તો ખોટા
સંબંધોમાં ફસાવવાની શક્યતા, દીકરો હોય તો વ્યસનમાં ફસાઈ જવાની શક્યતા રહે છે.

કકળાટ કરનાર વ્યક્તિને તો તાત્કાલિક મળતા લાભોમાં જ રસ હોય છે. રડીને, પોતાની ફરિયાદ
કરીને, રિસાઈને, પોતે પીડિત, શોષિત છે એવું પ્રસ્થાપિત કરીને ધાર્યું થઈ જાય એથી વધારે રસ કે
સમજણ આવી વ્યક્તિમાં હોતાં નથી, એમને લાંબાગાળે કુટુંબ અને સંતાનો પર પડનારી અસર વિશે
વિચારવા જેટલી સમજણ હોત તો કદાચ એવું કરતા જ ન હોત.

પુરુષને બાળપણથી એવું શીખવવામાં આવે છે કે, એ મજબૂત છે ‘મર્દ’ છે. એણે ફરિયાદ નથી
કરવાની… એણે પરિસ્થિતિનો સામનો કરવાનો છે. કોઈ સાથે વાત કરવાથી એ નબળો સાબિત થશે,
પરિવારને સુરક્ષા આપવાની એની જવાબદારી છે વગેરે વગેરે… આને કારણે મોટાભાગના પુરુષો
ગૃહકલેશની વાત કે પોતાની સાથે જે કંઈ થઈ રહ્યું છે એ વિશે કોઈને કહેતા અચકાય છે. પોતે પત્નીથી
દબાય છે, ડરે છે આવું સ્વીકારતાં સદીઓથી એમના ડીએનએમાં વહેતી ‘મર્દાનગી’ ઘવાય છે. આવા
પુરુષો માટે મોટો પ્રશ્ન એ હોય છે કે, એ કોઈને કહી શકતા નથી અને આ પરિસ્થિતિને સહી શકતા
નથી.

જેમણે આ પત્ર લખ્યો છે એમણે કદાચ પોતાના મનની વાત એક લેખકને કહી, પરંતુ એવા
કેટલાય પુરુષો હશે કે જે કોઈને કહેતા નહીં હોય અને એમને બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી બિમારીઓ
થતી હશે. હૃદય રોગનો હુમલો આવતો હશે કે કદાચ, આત્મહત્યાનો વિચાર નહીં, પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *