માત્ર સવલત નહીં, સભાનતા આપવી પડશે

મહિલા અનામત સાથે આ વર્ષની નવરાત્રિનો શુભારંભ થયો છે. છેલ્લી સરકારો ના કરી શકી
એ કામ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે કરી બતાવ્યું છે. હવે, સરકારમાં
મહિલા માટે અનામત સીટ રહેશે, દેશની મહિલાઓ રાજકારણમાં સીધો ભાગ લઈ શકશે.
સાંભળવામાં ચોક્કસ સારું લાગે છે પરંતુ એક તરફ જ્યારે દેશની સરકાર મહિલાને સત્તાની દોર
સોંપવા માંગે છે ત્યારે બીજી તરફ ભારતીય ટેલિવિઝન ભારતની જ મહિલાને વધુ કુંઠિત, વધુ ઈર્ષાળુ
અને વધુ રિગ્રેસિવ (પછાત) બનાવવા તૈયાર છે.

ભારતીય ટેલિવિઝન ઉપર એકતરફ ઓટીટી છે, જે કોરોના પછી વધુ લોકપ્રિય માધ્યમ બન્યું
છે. ઓટીટી ઉપર જે બતાવવામાં આવે છે એ પણ સાચું ભારત નથી કારણ કે, એ એલજીબીટી,
ડિવોર્સ, હિંસા અને સ્કેમ-માફિયાથી ભરપૂર છે. બીજી તરફ ભારતીય ટેલિવિઝન છે જે પણ સાચું
ભારત નથી, કારણ કે ત્યાં રસોડાનું રાજકારણ, એકમેકની ઈર્ષા, બીનજરૂરી કાવાદાવા અને
પારિવારિક ઝઘડાથી ભરપૂર સ્ત્રીની છબિને મેલી કરી નાખતી ટેલિવિઝન સીરિયલો (શો) બની રહ્યા
છે. આપણી પાસે આપણા પોતાના ઓરિજિનલ કહી શકાય એવા વિષયો છે તેમ છતાં આપણે
વિદેશથી રિયાલિટી શોના રાઈટ્સ લઈને ખતરો કે ખિલાડી, બિગબોસ જેવી ગેમ્સ ટીવી પર
દેખાડીએ છીએ અને એની લોકપ્રિયતા ન માની શકાય એટલી વધારે છે. અર્થ એ થયો કે, કાં તો
આપણે એક અંતિમ પર પહોંચી જઈએ છીએ અને કાં તો સાવ નીચેના, બીજા છેડે એવા અંતિમ પર
રોકાઈ જઈએ છીએ જ્યાં સમજણ કે વિકાસની કોઈ શક્યતા રહેતી નથી.

ભારતીય રાજકારણમાં સ્ત્રીઓને અનામત આપીને ચૂંટણી લડાવવાથી જ માત્ર દેશની
પરિસ્થિતિ નહીં બદલાય એ બાબત આપણે સૌએ સમજી લેવી પડશે. આ કાયદાનો ફાયદો તો ત્યારે
થશે જ્યારે સ્ત્રીને પોતાને પોતાના આધ્યાત્મિક, બૌધ્ધિક અને શૈક્ષણિક વિકાસની સમજણ આવશે.
આ દેશમાં અમદાવાદ, મુંબઈ, કલકત્તા કે બેંગલોર જેવા મેટ્રોમાં વસતી સ્ત્રીઓ પાસે એક અલગ
જીવન છે. વધુ ભણેલી અને કોર્પોરેટમાં કામ કરતી યુવા છોકરીઓ નાના શહેરોમાં કે ગામડામાં વસતા
એમના માતા-પિતાથી દૂર રહે છે, પ્રેમમાં પડે છે, લિવઈન રહેવાનું શરૂ કરે છે-એ વિશે માતા-પિતાને
મોટેભાગે ગંધ સુધ્ધાં આવતી નથી. આ છોકરીઓ આધુનિકતાના નામે શરાબ, સિગરેટ અને ક્યારેક
ડ્રગ્સના રવાડે પણ ચડી જાય છે. સ્વતંત્રતા અને પોતાની કમાણી, એમને પાંખો તો આપે છે, પરંતુ
આકાશનું જીપીએસ એમની પાસે નથી. બીજી તરફ, નાના શહેરોની કે ગામડાની છોકરીઓ
ટેલિવિઝન અને મોબાઈલના માધ્યમથી નવી દુનિયા અને કહેવાતા આધુનિક જગત સાથે જોડાય છે.
એના સપનાં એની આંખો અને પરિસ્થિતિ કરતાં મોટા છે, જે પૂરાં કરવા માટે આ છોકરીઓ એની
સમજણ અને વય પ્રમાણે સાચા ખોટા રસ્તા પસંદ કરી લે છે. બંને પરિસ્થિતિમાં છોકરીઓ ગૂંચવાય
છે, ફસાય છે, છેતરાય છે અને પસ્તાય છે.

એની સાથે, એક પેઢી એવી છે જે સ્વતંત્રતાના 20-25 વર્ષ પછી જન્મી, એ માનસિક રીતે
સ્વતંત્ર હોવાની ભ્રમણા તો ધરાવે છે, પરંતુ નાના શહેરની સ્ત્રીઓ અંગ્રેજી જાણતી નથી, વર્નાક્યુલર
(માતૃભાષા)માં ભણી હોવાને કારણે એમને એક કોમ્પ્લેક્સ છે. માતા-પિતાએ કંટ્રોલમાં-મર્યાદા અને
પરંપરાઓના પાંજરામાં ઉછેર્યાં છે માટે એમની પાસે હવે એવી કોઈ શક્યતા નથી જ્યાં એ જીવાઈ
ગયેલા વર્ષોને બદલી શકે. એમને અફસોસ છે, વસવસો છે અને રહી ગયાની લાગણી પણ છે જ.
એમના ઘરમાં આવેલી પુત્રવધૂ મોર્ડન છે-અહીંથી સંઘર્ષ શરૂ થાય છે. આ સંઘર્ષમાં સાસુ પોતાની
‘આધુનિક ઈમેજ’ છોડી શકતી નથી અને પુત્રવધૂની અણસમજમાં જે ‘આધુનિકતા’ છે એને સ્વીકારી
શકતી નથી. આવી સ્ત્રીઓની દીકરીને એ શીખવે છે કે, આર્થિક રીતે પગભર રહેવું, પોતાની સ્વતંત્રતા
છોડવી નહીં અને પુરુષની જોહુકમી ચલાવી લેવી નહીં, પરંતુ બીજી તરફ એ દીકરીએ બીજા ‘પારકે
ઘેર’ જવાનું છે અને સેટલ થવું જ પડશે, એ વાતનો ભય આવી મમ્મીઓને સતાવે છે. પોતાને ઘેર
પરણીને આવેલી પુત્રવધૂ ઉપર એમને કંટ્રોલ જોઈએ છે અને પોતાની દીકરીને કોઈ કંટ્રોલ ન કરે એ
માટે આવી મમ્મીઓ સજાગ છે-આ સંઘર્ષનો બીજો મુદ્દો છે.

ત્રીજી અને મહત્વની વાત એ છે કે, દીકરીઓ ભણી રહી છે, વધુને વધુ સ્વતંત્ર થતી જાય છે,
કમાય છે, જ્યારે સામે પુરુષો શિક્ષણમાં ઓછો રસ લઈ રહ્યા છે. પ્રમાણમાં થોડા બેફિકર અને એક
રીતે જોવા જઈએ તો કામ નહીં કરવાની આળસુ મનોવૃત્તિ ધરાવતા થઈ ગયા છે. જે ઘરમાં પિતાએ
સંઘર્ષ કર્યો છે અને આર્થિક રીતે સંપન્ન થયા છે એવા મોટાભાગના ઘરોમાં બીજી પેઢી, એટલે કે
દીકરો ખાસ કશું કરતો નથી-એને દિશા સૂઝતી નથી અને એની પાંખો ઊઘડતી નથી, માટે ઉડવા
તૈયાર નથી. મોટા સપનાં અને સારું શિક્ષણ લઈને જીવનની હરિફાઈમાં ઉતરવા તૈયાર યુવતિઓ
આવા આળસુ અને બેફિકર યુવાનો સાથે પોતાનું ભવિષ્ય કલ્પી શકતી નથી. માતા-પિતા આગ્રહ
કરીને પરણાવે તો આવાં લગ્નો ટકતા નથી…

આ બધા સવાલોની સામે સ્ત્રીને ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર કે એને માટે અનામત
સીટ રાખીને પુરુષો સાથેની એની હરિફાઈ ઘટાડવાથી જ માત્ર આ દેશની મહિલાનો વિકાસ નહીં
થઈ શકે. ચૂંટણીમાં જીતી ગયા પછી પણ એ ભવિષ્યને કેવી રીતે જુએ છે, આ દેશના વિકાસમાં શું
પ્રદાન કરી શકે છે એની બૌધ્ધિક, અધ્યાત્મિક અને માનસિક પ્રગતિની તૈયારી કેવી અને કેટલી છે આ
બધું પણ આપણે જોવું અને સમજવું પડશે. એક રબર સ્ટેમ્પ, મહિલા, એમપી કે એમએલએ આ
દેશને કશું નહીં આપી શકે.

મુદ્દો ફક્ત ચૂંટણી લડવાનો કે જીતીને લોકસભામાં એક સીટ વધારવાનો નથી. મુદ્દો છે આ
રાષ્ટ્રના હીતનો, દેશના રાજકારણને સમજવાનો, દેશના લોકોની માનસિકતાને બરાબર ઓળખીને
એમની સાથે કંઈ રીતે કામ પાડવું એ શીખવાનો… આ દેશની મહિલા એ કરવા માટે તૈયાર છે ખરી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *