મીડિયાથી મજબૂરઃ ફેનથી ફ્રસ્ટ્રેટેડ…

‘હું જાણું છું કે તમે મીડિયાનું પ્રતિનિધિત્વ કરો છો. તમારે 24 કલાક સતત
સમાચાર આપવા પડે… ટીઆરપીનું ધ્યાન રાખવું પડે, એવા સમયમાં લોકોના
અંગત જીવનમાં ડોકિયા કર્યા સિવાય બીજું શું કરી શકો? અમે જાહેરજીવનમાં છીએ
એટલે ક્યાંક અમારે પણ તમારી જરૂરિયાતને સમજવી અને સ્વીકારવી પડે. તમને
નિરાશા થશે, પરંતુ અમે હજી છૂટાં નથી પડ્યાં.’ હાથમાં પહેરેલી લગ્નની વીંટી
બતાવતા અભિષેક બચ્ચને એક વીડિયોમાં આ કોમેન્ટ કરી. છેલ્લા દોઢ વર્ષથી
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાની અફવા શેરબજારની જેમ
નરમગરમ ચાલ્યા કરે છે! એની સામે દીકરીના જન્મદિવસે, દીકરીના સ્કૂલના
એન્યુઅલ ડેના દિવસે અને વેકેશન ઉપર સાથે દેખાતાં રહેલાં અભિષેક અને
ઐશ્વર્યાએ અફવાની પુષ્ટિ પણ નથી કરી કે એને નકારવાની પણ તસ્દી લીધી નથી!

અભિષેક બચ્ચનની આ કોમેન્ટ એક્ચ્યુઅલી જાગૃત કરી મૂકે એવી છે. ભારત
દેશમાં અંગ્રેજી અને બીજી ભાષાઓ મળીને 1,032 જેટલી સેટેલાઈટ ટીવી ચેનલ
ચાલે છે, સાથે પ્રાદેશિક ચેનલ્સ અને નાની મોટી પ્રાઈવેટ ચેનલ્સને અલગથી
ગણીએ તો દરેક અખબારની પોતાની ડિજિટલ આવૃત્તિ સહિત યુટ્યુબ ઉપર પણ
અનેક લોકોની પોતાની ન્યૂઝ ચેનલ્સ અને પોડકાસ્ટ ચાલે છે. આ બધાનો કુલ
સરવાળો કરીએ તો માત્ર ભારત દેશમાં 10 હજારથી વધુ લોકોએ સતત એક યા
બીજી રીતે પોતાની મોનિટાઈઝ્ડ ચેનલ ઉપર કંઈને કંઈ પીરસતા રહેવું પડે છે. આ
આંકડાને જોતાં આપણને સૌને એટલું તો ચોક્કસ સમજાય કે, ગળાકાપ હરિફાઈમાં
ટકી રહેવા લગભગ દરેકને સતત કંઈક એવું જોઈએ છે જેનાથી યુઝરનું ધ્યાન એના
તરફ ખેંચાય. જેટલા વધારે વ્યૂ, એટલું વધારે મોનિટાઈઝેશન-આ સિધ્ધાંતને આધારે
મોટાભાગના લોકો સાચા-ખોટાની ચિંતા કર્યા વગર ફક્ત ‘સેન્સેશન’ ઊભું કરવાના
પ્રયાસમાં સતત ઝઝૂમ્યા કરે છે. અભિષેક બચ્ચનના જવાબથી એટલું ચોક્કસ
સમજાય કે, જાહેરજીવનમાં પડેલી વ્યક્તિઓએ ધીરે ધીરે આવા અંગત જીવનમાં
ડોકિયું કરનારા લોકોથી ટેવાઈ જવું પડે છે. આમ તો આપણા પડોશીને પણ આપણા
ઘરમાં શું ચાલે છે એમાં રસ હોય જ, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ સફળ થાય છે ત્યારે,
એના ફેન જેટલા જ એના ક્રિટિક્સ હોય છે. આમ જોવા જઈએ તો બંનેને સિરિયસલી
ન લેવા જોઈએ-પરંતુ, કેટલાક ક્રિટિક્સ એવા હોય છે કે જે મનથી આ પ્રસિધ્ધ
વ્યક્તિ સાથે સંવાદ ઈચ્છતા હોય છે-કોઈપણ રીતે એમનું જ્ઞાન પોતાના તરફ
ખેંચાય એ માટે આવા ફેન્સ કે ક્રિટિક્સ કંઈક એવું લખે છે, કહે છે કે વર્તે છે જેનાથી
આવી પ્રસિધ્ધ વ્યક્તિ એમના તરફ રિએક્ટ થાય-પ્રતિભાવ આપે, પછી એ પ્રતિભાવ
ગુસ્સાનો હોય તો પણ પોતાને અટેન્શન મળ્યું એ વાતે આવા લોકોનો અહમ
સંતોષાય છે.

શાહરૂખ ખાનની ફિલ્મ ‘ફેન’માં કે ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘સેલ્ફી’માં જે
પ્રકારના ફેનની વાત છે એવા લોકો ખરેખર અસ્તિત્વ ધરાવે છે. એમના તરફ ધ્યાન
ન આપો કે એમની માગણી ન સંતોષાય તો આવા લોકોને ફેનમાંથી દુશ્મન બની
જતા વાર નથી લાગતી! સ્માર્ટફોનના આગમન પછી તો પોતાના પ્રિય કલાકાર-
લેખક કે અભિનેતા, સ્પોર્ટ્સ સ્ટાર સાથે ફોટો પડાવવાનું એક વિચિત્ર વળગણ
લગભગ દરેક વ્યક્તિમાં જોવા મળે છે. પોતે એ પ્રસિધ્ધ વ્યક્તિને મળ્યા હતા, એ
વાત પોતાના ઈન્સ્ટા, એફબી પાના ઉપર સૌને જણાવવાનું મહત્વ એટલું બધું વધી
ગયું છે કે ફોટો પડાવવાની ‘ના’ પાડનાર કલાકાર કે સ્ટારને ‘અભિમાની’ અથવા
‘ઘમંડી’નું લેબલ ચોંટાડી દેતાં વાર નથી લાગતી. કલાકાર પણ માણસ જ છે… એને
ઉજાગરો હોય, થાક લાગ્યો હોય, મન અને મગજ ઠેકાણે ન હોય, આવી કોઈ
પરિસ્થિતિ ક્યારેય હોઈ શકે-એવું સ્વીકારવા પણ આ કહેવાતા ‘ફેન’ તૈયાર નથી
હોતા! એ લોકો કલાકારોને પોતાની મિલકત સમજે છે. ફોટો પડાવતી વખતે એમને
એવી રીતે પકડે જે શારીરિક રીતે અત્યંત અગવડભર્યું હોય-અથવા એમની તકલીફ,
મુશ્કેલી કે સમયની મર્યાદા સમજ્યા વગર ફોટો પડાવવા માટે જે રીતે ખેંચાખેંચ કરે,
ધક્કામુક્કી કરે એ સાચે જ આપણી અસભ્યતા અને અસમજનું વરવું પ્રતિબિંબ હોય છે.

એક કલાકાર, સ્ટાર-અભિનેતા, ક્રિકેટર કે લેખક પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરે છે,
માટે કદાચ લોકોને એ ગમે છે. આવા કલાકારો કે સ્ટાર લોકોને ગમે છે, માટે એ
પ્રસિધ્ધ છે, લોકપ્રિય છે અને સફળ છે, પરંતુ અંતે એ પણ માણસ જ છે. એમને પણ
ગમા-અણગમા, મૂડ અને ઈચ્છા-અનિચ્છા જેવું કંઈ હોઈ શકે… એને પણ અંગત
જીવન છે જેમાં સ્પાઉસ સાથેના ઝઘડા કે સંતાનો સાથેની સમસ્યા હોય જ! બલ્કે,
એક કલાકાર અથવા સ્ટારના જીવનમાં આવી સમસ્યાઓ વધુ હોય, કારણ કે પોતાની
અંગત સમસ્યાઓને પ્રાથમિકતા આપવાને બદલે એમને માટે એમની ફિલ્મ કે
ક્રિકેટને એ વધુ મહત્વ આપે છે-આ એમની પસંદગી નથી હોતી, જવાબદારી અથવા
ક્યારેક મજબૂરી પણ હોય છે! આવા કોઈપણ સત્યોને સમજવાને બદલે ફેન,
પાપારાઝી કે મીડિયા જ્યારે આવા કલાકારોના-પ્રસિધ્ધ વ્યક્તિઓના જીવનને-એમની
સમસ્યાઓને કે મુશ્કેલીઓને ભજિયાં બનાવીને વેચે ત્યારે જે ખરેખર ‘ફેન’ હોય એણે
આવી વાતોમાં રસ લેવાને બદલે પોતાના પ્રિય કલાકાર કે સ્ટારને સમજવાનો,
સપોર્ટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ! સોશિયલ મીડિયા અને યુટ્યુબ, 24 કલાક
ચાલતી ચેનલ્સ માટે તો અન્ય લોકોના જીવન-પ્રશ્નો કે ઈમોશનલ તોડફોડ ફક્ત
ટીઆરપીના આંકડા છે, કારણ કે એ એમનો વ્યવસાય છે, પરંતુ આપણે તો માણસ
છીએ-આપણે આપણી માણસાઈને યાદ રાખીને પણ, આપણે જેના ફેન છીએ-અથવા
આપણે જેની કલા કે રમતને વખાણીએ છીએ એના અંગત જીવનને ચૂંથવાને બદલે
એની આવડત અને મહેનત તરફ ધ્યાન આપીએ તો વધુ સારું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *