છ વર્ષનું બાળક એરપોર્ટ ઉપર હાથમાં ફોન લઈને મા-બાપથી દૂર બેઠું બેઠું કંઈક કરે છે.
ફોનની રિંગ વાગે છે, રમતમાં મગ્ન બાળક ફોન ડિસકનેક્ટ કરે છે, આવું એક-બે, ત્રણ-ચાર વાર થાય
છે. થોડીવાર પછી માના ફોન પર ફોન આવે છે, પરિવારમાં કોઈનું મૃત્યુ થયું છે!
બીજું એક દ્રશ્ય, એક ટીનએજર છોકરો પિતાના પર્સમાંથી પૈસા ચોરે છે કારણ કે, એ
ફોન પર રમાતી રમીના વ્યસનમાં સારા એવા પૈસા ગૂમાવી ચૂક્યો છે.
ત્રીજું દ્રશ્ય, ટીનએજની છોકરી બ્લેકમેલનો શિકાર બની છે કારણ કે, દસમા ધોરણમાં
ભણતી છોકરી ડેટ રેપનો ભોગ બની છે. એના ડેટ રેપના વીડિયો સોશિયલ મીડિયા પર ફરવા ન માંડે
એ માટે એણે છોકરાના મિત્રો સાથે પણ સંબંધ બાંધવો પડે છે.
આ બધા કોઈ ફિલ્મોના કે ઓટીટી પર ચાલતી સીરિઝના દ્રશ્યો નથી. રોજિંદા
જીવનમાં આપણી આજુબાજુ બનતી ઘટનાઓ છે. ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારોમાં અને મોટા
શહેરોમાં હવે ‘બાળક’ જોવા મળતા જ નથી. છેલ્લાં દસ વર્ષમાં બાળકો બહુ ઝડપથી મોટા થવા
લાગ્યા છે. નાના, સાવ બોલતાં પણ ન શીખ્યાં હોય એવાં બાળક સુધી જ કદાચ ‘બાળપણ’ સીમિત
રહ્યું છે. ત્રણ-ચાર વર્ષની ઉંમરે તો બધા બાળકો ટેકનોલોજી જાણતા અને સમજતા થઈ જાય છે.
સાત-આઠ વર્ષની ઉંમરે કાર્ટુન અને ટેલિવિઝન, વીડિયો ગેમ્સના બંધાણી થઈ જાય છે અને દસ-
અગિયાર વર્ષની ઉંમરે એ 16-17ના ટીનએજર જેવી માનસિકતા ધરાવતા હોય છે. એક સમય હતો
જ્યારે 10-11 વર્ષનું બાળક ‘ભોળું’ લાગતું. હવે એની વાતો અને વર્તાવ બંનેમાં ક્યાંય આપણને
‘બાળપણ’ જોવા મળતું નથી. ફોન, ફેશન, કાર્સ અને ફોરેન ટુર્સની વાતો કરતાં આ બાળકો પાસે હવે
ઈન્ફર્મેશન અને એઆઈ જેવા હથિયાર છે. એસ્ટ્રોલોજીથી શરૂ કરીને સ્પીરિચ્યુઆલિટી સુધીનું જ્ઞાન
એમને એટલું વહેલું મળી જાય છે કે, એમના જીવનમાં હવે ‘આશ્ચર્ય’ નામનો ભાવ રહ્યો જ નથી!
એમને માટે કોઈ પણ ચીજ અઘરી કે મોંઘી નથી. તમે પણ ક્યારેક સાંભળ્યું જ હશે, ‘ઓનલી ફાઈવ
થાઉઝન્ડ રૂપિઝ…’
આ બદલાઈ રહેલા બાળપણ અને નવી પેઢી એમના પ્રશ્નો માટે આપણે કોને
જવાબદાર ગણીએ? જે ટીનએજમાં પહોંચ્યા છે કે 20-22ના છે, એમના રફ ડ્રાઈવિંગ, રેસિંગ,
શરાબ, ડ્રગ્સ કે નાની ઉંમરે બનતા અને બદલાતા શારીરિક સંબંધો માટે કોને દોષ દઈએ?
આપણે નવી પેઢી, સમય, જમાનો જેવી વાતો કરીએ છીએ, પરંતુ સૌથી મહત્વની
વાત એ છે કે, આજના બાળકોને બાળક નહીં રહેવા દેવાનો ગુનો એના માતા-પિતાએ જ કર્યો છે.
મોટાભાગના માતા-પિતા એમના બાળકોના ટેલેન્ટ શોથી શરૂઆત કરે છે. ઘરમાં આવેલા મહેમાનોની
સામે કે બહાર ક્યાંક પાર્ટી કે સોશિયલ ગેધરિંગમાં એમનું બાળક જે ગીતના શબ્દો સમજતું પણ નથી
એવા કામુક અને હલકી ભાષા ધરાવતા ગીતો ઉપર એમનું બાળક કેટલું ‘સરસ’ નૃત્ય કરે છે એનું
પ્રદર્શન કરવામાં માતા-પિતા ગૌરવ અનુભવે છે! એથી આગળ, બાળકની તોછડાઈ, આડોડાઈ,
ગેરવર્તન કે બીજા બાળકો ઉપર બૂલી કરવાની એમની ટેવને બિરદાવવામાં આવે છે. કેટલાં બધાં
માતા-પિતા એવાં છે કે જે ગૌરવ અને આનંદથી કહે છે, ‘એ તો કોઈનું માનશે જ નહીં!’
બાળક તો નાનું છે, અણસમજું છે એટલે કંઈ પણ માગે, પરંતુ એની દરેક ઈચ્છા પૂરી
કરનારા માતા-પિતા એના ભવિષ્યને પોતાના ‘પ્રેમ’ના નામે રગદોળી નાખે છે. દુઃખની વાત એ છે કે,
માતા-પિતા આ વાત સમજતા નથી એટલે મિત્રો અને પરિવારમાં એની જાહેરાત કરતી વખતે એમને
લાગે છે કે, એમણે કોઈ બહુ મોટું કામ કર્યું છે! 5 શૂઝ છે, પણ એરપોર્ટ ઉપર જીદ કરીને નવા શૂઝ
લીધા ત્યારે જ જંપ્યો! કહીને એ હસે છે! કબાટમાં સમાય નહીં તેમ છતાં ઓનલાઈન એપ્સ પર
કપડાં અને વસ્તુઓ ઓર્ડર કરતી દીકરીના માતા-પિતા પણ એને રોકવાને બદલે કહે છે, ‘અમારે ત્યાં
તો રોજ પાર્સલ આવે…’ આ પરિસ્થિતિમાં જે હજી દુનિયાને ઓળખતા પણ નથી એવાં બાળકોને
જવાબદાર કઈ રીતે ગણી શકાય?
અહીંથી શરૂ થાય છે, એક બેજવાબદાર અને બેપરવાહ ઉછેર. મોટું થઈને આ જ
બાળક જ્યારે બેફામ પૈસા વાપરે છે ત્યારે એ જ માતા-પિતાનો જીવ બળે છે, એ ફરિયાદ કરે છે,
પસ્તાય છે, પરંતુ ત્યાં સુધીમાં તો બાળકને ટેવ પડી ચૂકી છે. હવે એ સાંભળવા કે રોકાવા તૈયાર નથી!
મોટાભાગના માતા-પિતાને લાગે છે કે, ઈન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન અપાવી દેવાથી કે વર્ષમાં
એકવાર ‘ફેમિલી વેકેશન’ કરાવી દેવાથી એમણે એમનું ‘પેરેન્ટિંગ’ પૂરું કરી દીધું છે. મિત્રોને ત્યાં સ્લીપ
ઓવર માટે જતો દીકરો શું કરે છે એ જાણવાની તસ્દી લીધા વગર માતા-પિતા એ સાંજે ‘રિલેક્સ’
થાય છે કે પછી ‘પાર્ટી’ કરે છે!
10 વર્ષની છોકરી સ્કિન કેર પ્રોડક્ટ, મેક-અપ અને બોયફ્રેન્ડની વાતો કરે છે, તો એ જ
ઉંમરનો છોકરો અંગ્રેજી રોકસ્ટારને પોતાના આદર્શ માનીને એની જેમ મિડલ ફિંગર બતાવે છે. 12-
14ની ઉંમરે સિગરેટ ટ્રાય કરી લેનારી પેઢી માટે 18-19ની ઉંમરે ‘એક્સાઈટમેન્ટ’ના નામે ડ્રગ્સ સુધી
પહોંચવું અઘરું નથી! પિઅર પ્રેશર અને એની આસપાસની દુનિયામાં (ઓટીટી, ટેલિવિઝન,
સિનેમા, ઈન્ટરનેટ) બધે જ એને માટે પ્રલોભનો છે. ‘કુલ’ દેખાવા માટે એણે આ બધાની સાથે
જોડાવું જ પડશે એવું એના મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે. એક તરફ, ‘દીકરી’ને ભણાવી-
ગણાવીને એની કારકિર્દી બનાવવા માગતા માતા-પિતા બીજી તરફ એ જ દીકરીને અસભ્ય વસ્ત્રો
પહેરીને પાર્ટીમાં જતા રોકી શકતા નથી, કારણ કે જો એમ કરવા જાય તો ‘જૂનવાણી’ હોવાનું લેબલ
લાગી જાય!
આપણે નવી પેઢી માટે ઘણું કહીએ છીએ અને સાંભળીએ છીએ, નવી પેઢી એટલે જે
લોકો 2000 પછી જન્મ્યા છે એવા બાળકો (જેન ઝી) વિશે કંઈ પણ કહેતાં પહેલાં એના ઉછેરને
તપાસી જોવો જોઈએ.