‘મા મારી ભૂલ થઈ ગઈ છે. મને આ પરિસ્થિતિમાંથી ઉગારી લે… હું ફસાઈ ગઈ છું…’ એક
છોકરી રડતાં રડતાં મલયાલમ ભાષામાં પોતાની માને કહે છે. અફઘાનિસ્તાનના કોઈક નાનકડા
ગામમાં એને બંધ કરી દેવામાં આવી છે. એને એક નાનકડી દીકરી છે અને એને પરણીને જે છોકરો
અહીં લઈ આવ્યો છે એ ક્યાંક ગૂમ થઈ ગયો છે. ઘરમાં ખાવાનું નથી, દીકરી સતત રડે છે અને છતાં
એ એકલી બહાર નીકળી શકે એમ નથી કારણ કે, એકલી બહાર નીકળતી સ્ત્રીઓને ગોળીએ દેવામાં
આવે છે અથવા વેચી દેવામાં આવે છે!
આ ‘ધ કેરલા સ્ટોરી’ની કથાનો એક હિસ્સો છે. હજી હમણા જ રજૂ થયેલી સુદિપ્તો સેન
દિગ્દર્શિત, વિપુલ શાહ, સૂર્યપાલ સિંઘ અને સુદિપ્તો સેન લિખિત આ ફિલ્મ હૃદયના તાર
ઝણઝણાવી મૂકે એવી નથી, પરંતુ એકવાર વિચારતા કરી દે તેવી ચોક્કસ છે. ઈસ્લામનો જે રીતે
પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે એને કારણે ધર્મ વિશે પૂરું ન જાણતા બાળકો આવી વાતોમાં
આવીને ભ્રમિત થઈ જાય છે. પ્રેમના નામે એમને છેતરવામાં આવે છે. શારીરિક શોષણ કરવામાં આવે
છે અથવા પ્રેગ્નેન્ટ કરી દેવામાં આવે છે. ધર્મપરિવર્તન કરીને નિકાહ પઢાવીને એમને ‘ખલીફા’ની
સેવામાં મોકલી દેવામાં આવે છે… એમને જે ‘શરિયા’ સમજાવવામાં આવ્યા છે એનાથી કશું જુદું જ
ચિત્ર એમને જોવા મળે છે. આ ગૂંચવાયેલી-ગૂંગળાયેલી દીકરીઓ ઉપર વારંવાર બળાત્કાર કરવામાં
આવે છે, એમને ખાડીના દેશોમાં અને યુરોપમાં વેચી દેવામાં આવે છે!
લવજેહાદ-જે આજકાલ ખૂબ ભયજનક અને છતાંય ખૂબ વ્યાપક શબ્દ બન્યો છે એના વિશે
આપણે બધાએ સમજવાની જરૂર છે. આ આખીયે પરિસ્થિતિ વિષમ છે, પરંતુ એના મૂળમાં નવી
પેઢી નહીં, માતા-પિતા વધુ જવાબદાર અને ગુનેગાર છે. ઘરમાં દીકરીઓ સાથે અજાણતાં જ આપણે
કડક વલણ અપનાવીએ છીએ. આપણે બધા જ માનીએ છીએ કે, દીકરીને કંટ્રોલમાં રાખવી જોઈએ,
જમાનો ખરાબ છે અને એકવાર પ્રતિષ્ઠા ચાલી જશે તો પાછી નહીં આવે… વાત ખોટી નથી, પરંતુ
કંટ્રોલમાં રાખવાની રીત ખોટી છે અને બીનજરૂરી રીતે કડક છે.
દીકરા અને દીકરી વચ્ચે હજી પણ સહજ રીતે ઉછેરભેદ જોવા મળે છે. દીકરો રાત્રે મોડો
આવે, મિત્રો સાથે ફરે, પાર્ટી કરે તો માતા-પિતા એની સામે ખાસ વાંધો નથી ઉઠાવતા. દીકરી માટે
જુદા નિયમો છે, સમજી શકાય એવું છે, પરંતુ આ વાત દીકરી ઉપર ઠોકી બેસાડવાને બદલે એને
સમજાવવાની અને એની સાથે મિત્રભાવે ચર્ચા કરીને એને ગળે ઉતારવાની જરૂર છે. ઉંમર પ્રેમ
કરવાની છે, ઘરથી દૂર રહેતી છોકરીઓ સહજ રીતે પ્રેમમાં પડી જાય એ વિશે ઝાઝો ઉહાપોહ કરવાને
બદલે પ્રેમ શું છે, એમાં કેટલી જવાબદારી છે અને લગ્ન કરતી વખતે શેનું ધ્યાન રાખવું જોઈએ એવા
મુદ્દા દીકરીને સમજાવવા જરૂરી છે.
‘ધ કેરલા સ્ટોરી’ માત્ર ધર્મપરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાની કથા નથી. ત્રણ જુદા પરિવારોમાં
દીકરીનાં ઉછેર વિશે ત્રણ જુદી માન્યતાઓ અને પધ્ધતિ છે અને આ ત્રણ પરિવારોની દીકરીઓ કેવી
રીતે ફસાય છે અને પછી શું થાય છે એની આ કથા છે. એક લડે છે, એક આત્મહત્યા કરે છે અને એક
એવી રીતે ફસાય છે જ્યાંથી ક્યારે અને કેવી રીતે નીકળશે એ વિશેનું પ્રશ્નાર્થચિહ્ન આપણને સૌને
બેચેન કરી દે છે… સવાલ એ છે કે, આ દીકરીઓ આવા ટ્રેપમાં ફસાય કેવી રીતે! એનો જવાબ એ છે
કે, આપણે આપણા સંતાનો સાથે કોમ્યુનિકેશન એટલું ઓછું કરી નાખ્યું છે કે, એમના જીવનની
રોજિંદી વિગતો, એમના મિત્રો, એમના ગમા-અણગમા, શોખ, સપનાં અને ઝંખના વિશે આપણે
એમની સાથે વાત કરતા જ નથી. ક્યારેક એ લોકો પોતાના વિચારો આપણી સાથે શેર કરે તો એને
તુક્કા અથવા બેવકૂફી ગણીને એમની મજાક ઉડાવીએ છીએ અથવા ક્યારેક ‘અમારા જમાનામાં તો…’
કહીને એમનો સમય કેટલો ખરાબ અને એમની પેઢી કેટલી નકામી છે એ વિશે ભાષણ આપવા
સિવાય ખાસ બીજું કંઈ કરી શકતા નથી. જે ઘરમાં ચર્ચા-વિચારણા કે દલીલ નથી થતી એ ઘરમાં
સંતાનો અને માતા-પિતા વચ્ચે અંતર આવતું જાય છે. જે માતા-પિતા દલીલ સાંભળી નથી શકતા એ
માતા-પિતા પોતાના સંતાનોના વિચારો સમજી નથી શકતા. ધીરે ધીરે એક એવો સમય આવે છે
જ્યારે સંતાનો એમની સાથે વાત કરવાનું બંધ કરી દે છે, એમના વિચારો કે પ્રવૃત્તિ છુપાવવા લાગે છે
અને આ જ એવો કાચો સમય છે જ્યારે બીજા લોકો એના મગજ ઉપર પોતાના વિચારો થોપી શકે
છે. કેટલીક વખત માતા-પિતા બહુ વ્યસ્ત હોય ત્યારે એ સંતાનોને ઢગલાબંધ વસ્તુઓ અને સગવડો
તો આપી શકે છે, પરંતુ એ ઉંમરે સમય નથી આપી શકતા અને એ ઉંમરે એમને સૌથી વધુ જરૂર
સમયની હોય છે. કેટલાક માતા-પિતા દલીલ કરે છે કે, સંતાનોને વસ્તુઓ જોઈએ છે, એને માટે
કમાવું પડે… પરંતુ, એની સામે બીજું સત્ય એ પણ છે કે, જે ઘરમાં સંવાદ અને સમજદારી છે એ
ઘરમાં સંતાનો વસ્તુ માટે જીદ નથી કરતા બલ્કે, પોતાના માતા-પિતાની સ્થિતિ સમજીને યોગ્ય ઉંમરે
પોતાની રીતે કમાવાનો કે આર્થિક ઉપાર્જનનો પ્રયાસ કરે છે.
‘કેરલા સ્ટોરી’માંથી એટલું સમજવાનું છે કે, કાચી ઉંમરે માત્ર ધર્મ બાબતે નહીં, પણ જીવન
બાબતે, સંબંધો બાબતે અને પરંપરા-સંસ્કૃતિ બાબતે સ્વતંત્રતા વિચારો શરૂ થતા હોય છે. આ એવી
ઉંમર છે જ્યારે ચડસા-ચડસીમાં ડ્રગ્સ કે શરાબના રવાડે ચડી જવાના કિસ્સા પણ બનતા હોય છે. જે
માતા-પિતા પોતાના સંતાન સાથે વાતચીતના સંબંધ રાખે, એમની દલીલ અને વિચારોને મુક્ત મને
સાંભળી શકે, એમની માન્યતાઓ કે વિરોધને સમજવાનો પ્રયત્ન કરી શકે એ માતા-પિતાને ‘કેરલા
સ્ટોરી’ના માતા-પિતાની જેમ પસ્તાવાનો વારો નથી આવતો.