મોમ, યુ હેવ રેઈઝ્ડ એ પરફેક્ટ મેન.

એક પુત્રવધૂએ એની સાસુને એના જન્મદિવસે એક કાર્ડ આપ્યું, જેમાં એણે લખ્યું હતું, ‘તમે સાસુ
તરીકે કદાચ બહુ સારા નથી. મને તમારી સામે ઘણા વાંધા છે, પરંતુ આજે તમને એક વાત માટે કોમ્પ્લિમેન્ટ આપું
છું… તમે તમારા દીકરાનો ઉછેર બહુ સરસ રીતે કર્યો છે. એક શાલિન, સમજદાર, સંવેદનશીલ અને સ્નેહાળ પુરુષનો
ઉછેર સરળ નથી. તમે એક પરફેક્ટ પુરુષ ઉછેર્યો છે. એ માટે તમે અભિનંદનના હક્કદાર છો.’ આ કાર્ડ જ્યારે વાંચ્યું
ત્યારે એક સવાલ થયો, કેટલી ભારતીય સાસુને આવા કોમ્પ્લિમેન્ટ મળી શકે?

આપણા દેશમાં દીકરાનો ઉછેર અત્યંત લાડ અને લગભગ બગડી જાય એટલી સગવડો સાથે
કરવામાં આવે છે. ટૂથબ્રશ ઉપર પેસ્ટ લગાડી આપવાથી શરૂ કરીને પગના બૂટની દોરી બાંધી આપવા
સુધી ઓળઘોળ થતી મમ્મીઓ એવું ભૂલી જાય છે કે, કાલે સવારે આ ‘બાબો’ મોટો થશે ત્યારે આ જ
બધી ટેવો એને કેટલું નુકસાન કરી શકે છે! ભાઈ અને બહેન બંને હોમવર્ક કરતાં હોય એમાંથી દીકરીને
ઘરકામમાં મદદ કરવા માટે ઊભી કરી શકાય, પરંતુ દીકરાને નહીં… એવું માનતી મમ્મીઓની સંખ્યા
ભારતમાં ઘણી મોટી છે. દીકરી તો પારકે ઘેર જશે, દીકરો જ સેવા કરશે એવા મિથનો તો અંત આવી
ચૂક્યો છે. વૃધ્ધાશ્રમોની સંખ્યા આપણી આંખો ઊઘાડી નાખે એ ઝડપે વધી રહી છે ત્યારે એક પુત્રવધૂ
પોતાની સાસુને એમ કહે કે, તમે એક સારા પુરુષને ઉછેર્યો છે તો એટલું ચોક્કસ સમજાય કે, માએ
પોતાના દીકરાને એ બધું શીખવાડવાની કોશિષ કરી જ હશે જે એક સ્ત્રી તરીકે એને પોતાના પતિ કે
પ્રેમીમાં જરૂરી લાગ્યું હશે!

મોટાભાગના પુરુષો એવું માને છે કે, વિદેશમાં વસતા પરિવારોમાં પુરુષોએ વાસણ ઘસવા પડે,
પત્નીને મદદ કરાવવી પડે, પરંતુ ભારતમાં એવી કંઈ જરૂર નથી! કેટલીકવાર આપણે એ વિશે મજાક અને
ઘસાતી કમેન્ટ્સ પણ સાંભળી જ છે. સવાલ એ છે કે, પત્નીને મદદ કરાવવી એ વહુઘેલા હોવાની
નિશાની છે કે, સમજદાર, સંવેદનશીલ, સ્નેહાળ પતિ હોવાનો પુરાવો? કોરોના વખતે જ્યારે બધા ઘરમાં
રહ્યા અને ડોમેસ્ટિક હેલ્પ બિલકુલ નહોતી ત્યારે કેટલાય પુરુષોએ ઘરમાં કચરાપોતાં કરતાં વીડિયો
સોશિયલ મીડિયામાં ફરતા કરેલા… ત્યારે એ ગૌરવની વાત બની ગઈ હતી?

પત્નીના મૂડ સાથે અડજેસ્ટ કરવું, એના ગમાઅણગમા સમજવા, ક્યારેક એના પ્રત્યે પોતાના
પ્રેમને પ્રદર્શિત કરવો, એને સમય આપવો, એની વાત સાંભળવી, ક્યારેક એ ગુસ્સે હોય ત્યારે શાંત
રહેવું… આ બધું માત્ર દીકરીએ શીખવાની જરૂર નથી, દીકરાઓને પણ આ શીખવવું જ જોઈએ.
જીવનસાથી તરીકે બંને જણાંએ એકમેકને સમજવાના અને સ્વીકારવાના છે, માત્ર સ્ત્રીએ જ પુરુષને
સહન કરવાનો કે ચલાવી લેવાનો એ વિચાર ક્યારનો ય ભૂલાઈ ગયો છે. લગ્નજીવન ટકાવવા માટે હવે
બંને જણાંએ પોતપોતાના તરફથી પ્રયાસ કરવો જ પડશે એવો સમય શરૂ થઈ ગયો છે ત્યારે દરેક માએ
પોતાના દીકરાને એની પત્નીને ખુશ રાખતાં શીખવવું જ જોઈએ. એવું કરવાથી દીકરો આપણા
હાથમાંથી જતો રહેશે, વહુના પાલવમાં બંધાઈ જશે, એનું જ કહ્યું કરશે આવી બધી ખોટી આશંકાઓ
રાખ્યા વગર એ બંને જણાં એકબીજા સાથે ખુશ રહે એ જોઈને માને પણ ખુશી થવી જોઈએ. મા ગુજરી
જાય એ પહેલાં એના દીકરાનું ધ્યાન રાખનાર કોઈ વ્યક્તિ એને મળી ગઈ છે અને હવે દીકરો સુખી અને
ખુશ રહેશે… એ જ એક માનું અંતિમ સુખ હોવું જોઈએ, એને બદલે દીકરો ને વહુ એકબીજા સાથે સુખી
હોય અથવા એકમેકની ખૂબ કાળજી કરતાં હોય, સમજતા હોય ત્યારે કેટલીક મમ્મીને ઈર્ષ્યા થાય છે! હવે,
આ ’20 નખવાળી’ એના દીકરાને મુઠ્ઠીમાં બંધ કરીને ધાર્યું કરાવે છે આવું વિચારતી મમ્મીઓ ક્યારેય
દીકરાનું લગ્નજીવન સુખી થવા દેતી નથી. નુકસાન એમના જ સંતાનનું થાય છે એ વાત એમને કેમ નહીં
સમજાતી હોય?

કેટલાક પરિવારોમાં દીકરો કશું શીખ્યા વગર પોતાની મરજીથી જ પત્નીને પ્રેમ કરે, એની મરજી
પૂછે કે જાણે અથવા એના મૂડ સાથે અડજેસ્ટ કરે ત્યારે મમ્મીઓને ઈનસિક્યોરિટી અથવા ઈગો પ્રોબ્લેમ
થતા હોય છે. દીકરો પોતાના જ કહ્યામાં રહેવો જોઈએ એવો આગ્રહ હોય તો મમ્મીએ એના લગ્ન
કરવાની જ ક્યાં જરૂર છે?

એક મા તરીકે આપણે આપણા પુત્રને ખૂબ લાડ કરીએ, તો આવનારી દીકરી પણ એના માતા-
પિતાની લાડકી પુત્રી હોય જ. એ એના માતા-પિતાને મૂકીને આવી છે, આપણા ઘરની કુળવધૂ બનીને…
આવા સમયે એ જેનો હાથ પકડીને આવી છે એ માણસ પણ એને ન સમજે કે એના પ્રત્યે સંવેદનશીલ,
સ્નેહસભર ન બની શકે તો એને માટે આ ઘરમાં રહેવાનું મોટિવેશન જ ખતમ થઈ જાય છે. સત્ય તો એ
છે કે, પત્ની તરીકે, પુત્રવધૂ તરીકે, સ્ત્રી તરીકે આપણને જે ખૂટ્યું હોય એ બધું જ આપણા પછીની પેઢીને
આપણી દીકરી કે પુત્રવધૂને મળે એવો પ્રયત્ન એક સ્ત્રી તરીકે આપણે સૌએ કરવો જોઈએ. જેમ શિક્ષણ,
રમકડાં કે સગવડ આપણને નથી મળ્યા તે બધું જ આપણે આપણા સંતાનને આપવાનો પ્રયત્ન કરીએ
છીએ એવી જ રીતે સમજણ, ક્ષમા, શાંતિ અને સ્નેહ પણ આપણને મળ્યા હોય કે ન મળ્યા હોય,
આપણી પુત્રવધૂને મળે એ માટે આપણા દીકરાને સાચો અને સારો ઉછેર આપવો, બંને વચ્ચે મધુરતા
જળવાઈ રહે એ માટે સતત પ્રયત્ન કરવો એ એક મા તરીકે આપણી જ ફરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *