પીઢ અને સન્માનનીય અભિનેતા ધર્મેન્દ્ર જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે સની દેઓલે હાથ
જોડીને પાપારાઝીઓને કહ્યું હતું, ‘તમારે ઘરે પણ માતા-પિતા છે. એ પણ ક્યારેક બિમાર પડ્યા હશે.
મારા પિતાની માંદગીનો આવો તમાશો ન બનાવો…’
જયા બચ્ચને બરખા રોય સાથેના ઈન્ટરવ્યૂમાં પાપારાઝીઓ વિશે ઘણી ઘસાતી કોમેન્ટ કરી.
પાપારાઝીઓએ સામે આંદોલન છેડ્યું અને અંતે માફી માગીને એનો નિવેડો લાવવો પડ્યો…
એક તરફથી આપણે દરેક વ્યક્તિની પ્રાઈવસીની વાત કરીએ છીએ-બીજી તરફથી આપણે
ફ્રીડમ ઓફ પ્રેસની વાત કરીએ છીએ. અન્ય વ્યક્તિના જીવનમાં ઘૂસીને તાકા-ઝાકી કરવાની
આવડતને આપણે એટલું બધું મહત્વ આપી દીધું છે કે, હવે કોઈના જીવનમાં કશું અંગત રહી શકતું
નથી. એથી આગળ વધીને બીજી સમસ્યા એ છે કે, હવે ઘણા વ્યક્તિઓ પાસે મોરલ પોલિસીંગ છે.
કોણે શું બોલવું, કોણે શું ન બોલવું, શું પહેરવું, શું ન પહેરવું, કોની સાથે લગ્ન કરવા, શું ખાવું, કઈ
રીતે વર્તવું એ વિશેના અંગત અભિપ્રાયો હવે ધીરે ધીરે સામાજિક, ધાર્મિક અને રાજકીય અભિપ્રાયો
બનતા જાય છે. નાની નાની વાતમાં સેલિબ્રિટી પાસે માફી મંગાવવાનો એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો
છે. સફળ લોકોને ડરાવી, દબાવીને કે પછી ક્યારેક બ્લેકમેઈલ કરવાના ઈરાદાથી એમના સોશિયલ
મીડિયાના એકાઉન્ટ તપાસવામાં આવે છે. પાંચ-પાંચ વર્ષ જૂની વાતો બહાર કાઢીને એને તોડી-
મરોડીને એનું રીલ બનાવીને એવી રીતે ફેરવવામાં આવે છે જેથી કોઈક ખાસ સમાજની કે ખાસ
ધર્મની લાગણી દુભાય… આ સમાજના કે ધર્મના લોકોમાં પણ જાણે-અજાણે ઉશ્કેરાટ ફેલાવવામાં
આવે છે. એ પછી નોટિસ આપવામાં આવે, માફી માગવા માટે મજબૂર કરવામાં આવે અને એ
માફીનું પણ રીલ ફેરવીને કોઈ એક ધર્મ, સમાજ કે સંસ્થાના મુઠ્ઠીભર લોકોનો ઈગો સંતોષાય!
ભારતીય બંધારણ સૌને ફ્રીડમ ઓફ સ્પીચ-પોતાની વાત કહેવા કે વિચારવાનો અધિકાર આપે
છે. પોતાની રીતે જીવવાનો, અનુકૂળ ભોજન કરવાનો, ગમે તે ધર્મ પાળવાનો મૂળભૂત અધિકાર સૌ
પાસે છે તેમ છતાં ભારતીય બંધારણના આપણા મૂળભૂત અધિકારો છડેચોક છીનવાઈ રહ્યા છે. આને
માટે બીજું કોઈ નહીં, આપણે-ભારતીય નાગરિકો જ જવાબદાર છે. સંવિધાનના સાત દાયકા પૂરા
થઈ ગયા હોય ત્યારે પણ દેશની પરિસ્થિતિમાં કોઈ ફેર ન પડ્યો હોય તો એને માટે કોને જવાબદાર
ઠેરવી શકાય? કાયદાનું ઉલ્લંઘન થતું હોય ત્યારે પ્રશ્ન પૂછવાની કે જાગીને કાયદો પળાવવાની
જવાબદારી ફક્ત પોલીસ કે ન્યાયતંત્રની છે? માત્ર ફરિયાદો કરવાથી કે, ‘કશું નથી થતું, કોઈ સાંભળતું
નથી’ એવું કહીને ફરિયાદ કરવાથી શું આપણી જવાબદારી પૂરી થઈ જાય છે? સોશિયલ મીડિયાનું
ટ્રોલિંગ, સ્ત્રીઓનું જાહેર અપમાન, પુરુષો કે એના પરિવાર સામે થતી ખોટી ફરિયાદો, ભ્રષ્ટાચાર કર્યા
વિના આગળ નહીં વધતું તંત્ર… આવી કેટલીય બાબતો છે જેને માટે સરકાર કરતાં વધારે આપણે
આપણી જાતને જવાબદાર ગણવી જોઈએ.
એક એવો સમય શરૂ થયો છે જેમાં અવાજ ઊઠાવનાર દરેકને કઈ રીતે ચૂપ કરાવવા, કઈ રીતે
દબાવી દેવા એ વિશેની એક આખી ટોળાશાહી વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગઈ છે. લગભગ બધા જ
ડરે છે કે જો પોતે અવાજ ઉઠાવશે તો આ બગડી ગયેલા તંત્ર સામે ઝીંક ઝીલવી પડશે… બંધારણે
આપેલી વાણીની, ધર્મની કે અન્ય સ્વતંત્રતાઓનું હવે કોઈ મૂલ્ય કે અર્થ નથી રહ્યા. દરેક નાગરિકનું
સન્માન જળવાવું જોઈએ એ વાતને બધા કન્વિનિયન્ટલી ભૂલી ગયા છે!
૧૯૩૫ના અધિનિયમ બાદ રાષ્ટ્રીય આંદોલનોની સાથે જ બંધારણ વિકાસની પ્રક્રિયા
અપ્રત્યક્ષરૂપે આગળ વધતી રહી. ૧૯૨૩માં દિલ્હી ખાતે આયોજીત સર્વદલીય સંમેલનમાં
‘કોમનવેલ્થ ઓફ ઈન્ડિયા બીલ’ દ્વારા બંધારણના આવશ્યક તત્ત્વોની રૂપરેખા પ્રસ્તુત કરવામાં
આવી. આ પહેલો સંગઠિત પ્રયાસ હતો. ૧૯૩૪માં કોંગ્રેસે શ્વેતપત્ર દ્વારા વયસ્ક મતાધિકાર અને
બંધારણ સભાની રચનાની માંગ કરી. ૧૯૪૦માં ઑગષ્ટ પ્રસ્તાવ દ્વારા તત્કાલીન વાઈસરોય લૉર્ડ
લિનલિથગોએ વિશ્વયુદ્ધ બાદ બંધારણ સભાના નિર્માણની ખાતરી આપી. ૧૯૪૨માં કેબીનેટ મંત્રી
સર સ્ટેફોર્ડ ક્રિપ્સની અધ્યક્ષતામાં કિપ્સ મિશન ભારત મોકલવામાં આવ્યું પરંતુ બધા જ રાજકીય
પક્ષોએ તેની દરખાસ્તોને જુદાં જુદાં કારણોસર ફગાવી દીધી. કોંગ્રેસને દેશના ભાગલા પડી જવાની
શક્યતા જણાતા આ દરખાસ્તને ‘પાછલી તારીખનો ચેક’ કહી વખોડી કાઢી હતી. ૧૯૪૫માં
તત્કાલીન વાઈસરોય લૉર્ડ વેવેલ એ ૨૫ જૂનના રોજ શિમલા ખાતેના સંમેલનમાં હિંદવાસીઓ
પોતાનું બંધારણ જાતે ઘડે ત્યાં સુધી કામચલાઉ વ્યવસ્થા તરીકે હિંદુઓ અને મુસ્લિમોની સમાનતાના
ધોરણે એક્ઝિક્યૂટિવ કાઉન્સિલમાં સમાવેશ કરવાની ‘વેવેલ યોજના’નો પ્રસ્તાવ રજૂ કર્યો. કોંગ્રેસની
અખંડ હિંદુસ્તાનની માંગ અને મુસ્લિમ લીગની પૃથક પાકિસ્તાનને માંગણીને કારણે આ વાટાઘાટો
પણા નિષ્ફળ ગઈ. વેવેલ યોજનાની નિષ્ફળતા બાદ ૧૯૪૬માં ભારતના રાજનૈતિક ગતિરોધને દૂર
કરવા કેબિનેટ મિશનને ભારત મોકલવામાં આવ્યું. પૈથિક લૉરેન્સ, સર સ્ટેફોર્ડ ક્રિપ્સ અને
એ.વી.એલેક્ઝાંડરની સદસ્યતાવાળા આ મિશને બંધારણ સભાના ગઠનની ખાતરી આપી. બ્રિટીશ
ભારત અને દેશી રાજ્યોના સંગઠનથી ભારતીય સંઘ બનાવવો. વિદેશી બાબતો, સંરક્ષણ, સંચાર
જેવા વિષયો સંબંધિત સત્તા આપવી. કેન્દ્રીય કારોબારીતંત્ર અને વિધાનમંડળની રચના કરવી જેમાં
બ્રિટીશ ભારત અને દેશી રજવાડાંને પ્રતિનિધીત્ત્વ આપવું. વચગાળાની સરકારની રચના કરવી વગેરે
કમિશનની મુખ્ય ભલામણો હતી. ૨૪ ઑગષ્ટ ૧૯૪૬ના રોજ વચગાળાની સરકારની જાહેરાત
કરવામાં આવી. જવાહરલાલ નહેરૂના નેતૃત્ત્વમાં ૧૧ સહયોગી સદસ્યોની સાથે ૨ સપ્ટેમ્બર
૧૯૪૬ના દિવસે સરકાર રચાઈ.
બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ‘બંધારણા સભા’ કહેવાઈ.
આ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ પ્રતિનિધિઓ બ્રિટિશ હિંદના ૧૧ પ્રાંતોની
વિધાનસભાઓથી, ૯૩ પ્રતિનિધિઓ દેશી રજવાડાંના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશ્નરોના ચાર
પ્રાંત દિલ્હી, અજમેર-મારવાડ, કૂર્ગ અને બ્રિટિશ બલૂચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતાં.
પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં
આવી હતી. જુલાઈ ૧૯૪૬માં બંધારણ સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૩૮૯
સ્થાન પૈકી ૨૯૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી
જ્યારે મુસ્લિમ લીગના ફાળે ૭૩ બેઠકો આવી હતી. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩
સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા
સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા પરંતુ
બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર પર હતી. ડો.
આંબેડકરે રચેલા સંવિધાનને કેટલા લોકોએ હાથમાં પકડીને જોયું છે? જે દેશમાં વસીએ છીએ, જેની
રોજી-રોટી ખાઈએ છીએ એ દેશના કાયદા જો જાણતા નથી, તો પાળવા વિશે કઈ આશા રાખી
શકાય? આ દેશ દરેક વ્યક્તિને સમાન હક્ક આપે છે. દરેકનું સન્માન થવું જોઈએ, સ્વતંત્રતા
જળવાવી જોઈએ, પરંતુ આ અધિકાર બંધારણ આપે છે, (દેશ) બાંધવો આ અધિકાર કોઈને ન મળે
એ માટે ટોળાં રચી રહ્યા છે. આવા ટોળાં ઉન્માદ અને ઉશ્કેરાટ સાથે બંધારણને બાજુએ મૂકીને ફક્ત
સામાજિક, ધાર્મિક અને રાજકીય આતંક ફેલાવવાનું કામ કરે છે.
આપણે ત્યાં દરેક વાતમાં ઈગો પ્રોબ્લેમ છે. કાયદો પાળવા કે પળાવવામાં પણ ઈગો પ્રોબ્લેમ
નડે છે. અહીં કાયદો તોડવો એ બહાદુરી છે. ઉન્માદમાં છકેલા ટોળાંમાંથી કોઈ એકાદ કાયદો પાળવા
કે પળાવવાની વાત કરે તો એ ‘વેવલા’ ‘વાયડા’ ‘દોઢડાહ્યા’ કે ‘ગાંધીનો ચમચો’ કહેવાય છે!
એક જ વાત યાદ કરાવવાનું મન થાય, જે દેશ પોતાની સંવિધાનિક હદ, ફરજ કે જવાબદારી
નથી સમજતો એ દેશને મળેલા અધિકારો અંતે એનું જ સત્યાનાશ કરે છે.


