મુન અને મોનસુનઃ મુડ સ્વીંગ્ઝનું મેનેજમેન્ટ

ચોમાસાની ઋતુમાં મોર કળા કરે છે. વૃક્ષો લીલાછમ થઈ જાય છે. જ્યાં સુકીભઠ્ઠ જમીન દેખાતી હતી ત્યાં પણ
ઘાસની ચાદર પથરાઈ જાય છે… વરસાદ આપણા બધા માટે જીવાદોરી છે. અનાજ પાકે, ભૂગર્ભ જળનો સંગ્રહ થાય અને
નદી-તળાવમાં પણ પાણી ઉમેરાય… આવી ઋતુમાં માણસનું મન બે રીતે રિએક્ટ થાય છે. કેટલાક લોકોને ઘેરાયેલા વાદળો
વરસાદની ઋતુ એની સાથે જોડાયેલો બફારો અને તડકા વગરના દિવસો ડિપ્રેશનમાં ધકેલે છે જ્યારે, કેટલાક લોકોનો મુડ
ચોમાસાના દિવસોમાં, ખાસ કરીને વરસાદ પડતો હોય ત્યારે તો એકદમ લીલોછમ થઈ જાય છે. આ બે તદ્દન જુદા પ્રકારના
રિએક્શનનું કારણ એ છે કે આપણા શરીરમાં રહેલું જળ (75 ટકા) ક્યારેક બહારના જળ સાથે પોતાનો તાલમેળ સાધી લે
છે, તો ક્યારેક આપણી ભીતર રહેલું જળ બહારના જળતત્વ સાથે તાલમેળ સાધી શકતું નથી.

શરીરમાં રહેલા પંચતત્વો, બહારની દુનિયામાં રહેલા કુદરતના પંચતત્વો સાથે પોતાનો સંબંધ પ્રસ્થાપિત કરે છે.
કુદરતના પંચતત્વો એટલે જળ, વાયુ, આકાશ, પૃથ્વી અને અગ્નિ. આપણા શરીરમાં પણ આ પાંચેય તત્વો છે. શરીરનું
તાપમાન અમુક લેવલ પર રહે છે, શ્વાસ આવનજાવન કરે છે. આપણે અનેક ફિલોસોફરને કહેતા સાંભળ્યા છે કે, “શરીર
માટીનું બનેલું છે…” કેટલાક ધર્મોમાં મૃત્યુ પછી શરીર માટીને સમર્પી દેવામાં આવે છે તો કેટલાક ધર્મોમાં મૃત શરીરને
અગ્નિને સમર્પિત કરાય છે કારણ કે, પંચતત્વના બનેલા શરીરને ફરી પાછું એના મૂળતત્વ સાથે જોડી દેવાની લગભગ દરેક
ધર્મની ફિલોસોફી છે. આપણે બધા આ પંચતત્વના બનેલા શરીરો છીએ. વૈજ્ઞાનિક રીતે વિચારીએ, અધ્યાત્મિક રીતે
વિચારીએ કે ધાર્મિક રીતે, પરંતુ આ પંચતત્વ સાથે માનવશરીરના સંબંધને આપણે નકારી શકતા નથી.

જે શરીરો આકાશ તત્વ સાથે ગાઢ સંબંધ ધરાવતા હોય એમને કદાચ ઘેરાયેલા વાદળો એમના આકાશ સાથેના
સંબંધમાં નડતરરૂપ થતા હોવા જોઈએ. એવા લોકોનો મુડ ‘સની ડે’ અથવા આકાશ ખુલ્લું દેખાતું હોય એવા દિવસોમાં
સારો રહેતો હોય છે. એવા લોકોને પતંગ ચગાવવાનો, ફ્લાઈંગનો કે અમસ્તા સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવાનો પણ શોખ હોય
છે. એવા લોકોને પહાડો પર, જ્યાં આકાશ નજીક દેખાતું હોય ત્યાં વધુ મજા પડે છે. આવા લોકો બ્લ્યૂ, સફેદ કે આકાશી
રંગના વસ્ત્રો પસંદ કરે છે. આવા લોકો ભોજનમાં સાદું અને બેઝિક પસંદ કરે છે. એમને બહુ મસાલાવાળું કે તેજ ભોજન
અનુકૂળ આવતું નથી. જેમના શરીરમાં જળતત્વનું પ્રાધાન્ય હોય એમને માટે વરસાદના આ દિવસો કે ચોમાસું ખૂબ જ
મજાના દિવસો હોય છે, એવા લોકોને દરિયા કિનારે, નદી કિનારે કે વોટર બોડીની નજીક રહેવું ગમે છે. એમને સ્વીમિંગપુલ
કે વોટર સ્પોર્ટ્સ આકર્ષે છે. આવા લોકોને પણ સી બ્લ્યૂ કે ગ્રીન રંગના જુદા જુદા શેડ વધુ આકર્ષે છે. આવા લોકોને પાતળા
કપડાં પહેરવાની વધુ મજા આવે છે. જળતત્વનું પ્રાધાન્ય હોય એવા લોકોને સી ફૂડ બહુ ભાવે છે. જે લોકો વેજિટેરિયન
હોય એમને પાણીવાળા ફ્રૂટ અથવા મોકટેલ્સ કે શરબત, પીવાની વસ્તુઓ વધુ પસંદ પડે છે. એવી જ રીતે કેટલાક લોકો
ગાર્ડનિંગ અથવા ખેતીના કામમાં ખૂબ જ રસ ધરાવે છે. એમને એ કામ કરવામાં કોઈ અજબ જેવો સંતોષ અથવા શાંતિ
મળે છે. એવા લોકો પૃથ્વીતત્વ સાથે જોડાયેલા હોય છે. એમને માટીની નજીક રહીને પોતાનો ‘અસ્તિત્વ બોધ’ થાય છે. એ
લોકોની પસંદગી સામાન્ય રીતે અર્ધી કલર, બ્રાઉન, બેઈજ, ખાખી કે ગ્રે જેવા રંગો પર ઉતરે છે. આવા લોકોને ખાદી
અથવા સુતરાઉ કાપડ વધુ પસંદ હોય છે. એમને ભોજનમાં જમીનમાંથી ઊગતી વસ્તુઓ એટલે કે, કઠોળ, અનાજ અને
શાકભાજી સૌથી વધુ પસંદ પડે છે. એમને સલાડ અથવા કાચું ભોજન પણ વધુ અનુકૂળ અને પસંદ હોય છે. વાયુતત્વના
લોકો હળવા અને સામાન્ય રીતે ખુલ્લા વાતાવરણમાં વધુ સારા મુડમાં રહે છે. એમને બંધ બારીઓ, પાડેલા પડદા કે એર
કન્ડીશન કરતા ખુલ્લી બારીઓ, અગાસી કે ખુલ્લા મેદાનમાં વધુ ગમે છે. એવા લોકોને પણ ફ્લાઈંગનો કે પેરાગ્લાઈડિંગનો
શોખ હોઈ શકે છે. એમને ઓફ વ્હાઈટ, વ્હાઈટ કે આછા રંગો, સ્કાય બ્લ્યૂ, લેમન યલો કે બેબી પિંક જેવા પેસ્ટલ કલર
વધુ પસંદ પડે છે. વાયુતત્વનું પ્રાધાન્ય ધરાવતા લોકો ઠંડું અને ગળ્યું ભોજન પસંદ કરે છે. તીખું, તળેલું ભોજન એમને વધુ
અનુકૂળ આવતું નથી. એને બદલે હલકું અને પ્રમાણમાં સ્વાદિષ્ટ ભોજન એમની પસંદગી હોય છે. અગ્નિતત્વના લોકોના
શરીરનું તાપમાન સામાન્ય લોકો કરતા સહેજ ઊંચું રહે છે. એમનું શરીર પ્રમાણમાં સહેજ વોર્મ અથવા ગરમ કહી શકાય
એવું રહે છે. એમનો સ્વભાવ પણ સહેજ તેજ અથવા તીખો હોય છે. એમને ભોજનમાં પણ તીખાશ વધુ પસંદ હોય છે.
આવા લોકો પ્રમાણમાં ઝડપથી ગુસ્સે થાય છે અને એમના ક્રોધમાં એ અગ્નિની જેમ જ લીલું સૂકું બધું બાળી નાખે છે.
આવા લોકોને ઉનાળો ગમે છે. એ લોકો દરિયા કિનારે કે બીજા સ્થળોએ તડકો ખાવાની મજા લઈ શકે છે. એમનાથી ગરમી
સહન થતી નથી અને ઠંડી એમને માટે ખૂબ જ આરામદાયક ઋતુ હોય છે… અગ્નિતત્વનું પ્રાધાન્ય ધરાવતા લોકોને કેસરી,
પીળા કે પ્રમાણમાં ઉઘડતા રંગો પસંદ પડે છે. એમને ઓછી ગરમી લાગે એવા, ઢીલા અને કમ્ફર્ટેબલ વસ્ત્રો વધુ ફાવે છે.

આપણે કોઈપણ આ લક્ષણો દ્વારા આપણી ભીતર રહેલા કુદરતી તત્વના પ્રાધાન્યને શોધી શકીએ છીએ. એ
શોધ્યા પછી શું ફાયદો ? જો આપણે આપણી ભીતર રહેલા પંચતત્વમાંના એક તત્વના પ્રાધાન્યને શોધી શકીએ તો આપણે
આપણો વ્યવસાય, રંગોની પસંદગી, ભોજનની પસંદગી અને મુડને એ પ્રમાણે મેનેજ કરી શકીએ છીએ. કોઈ ખાસ કામે
જતી વખતે આપણા તત્વને પ્રાધાન્ય રંગ પહેરવાથી એની અસર આપણા મુડ ઉપર અચૂક થાય છે. ક્યારેક એવું બને કે, મુડ
ખરાબ હોય ત્યારે આપણી ભીતર જે તત્વનો પ્રાધાન્ય હોય એને અનુરૂપ ખોરાક કે સ્થળ પસંદ કરવાથી આપણા મુડ ઉપર
એની પોઝિટિવ અસર થઈ શકે. સૂર્ય અને ચંદ્ર પણ જેમ દરિયાની ભરતી ઉપર પોતપોતાની અસર છોડે છે એવી જ રીતે
આપણી ભીતર રહેલા તત્વો સાથે એમનું પણ સંયોજન સાધી શકાય છે.

આ વિજ્ઞાન છે, કોઈ તુક્કાબાજી નથી. આના ઉપર અનેક પુસ્તકો લખાયા છે, અનેક સંશોધનો થયા છે. આપણે
પણ જો આપણી ભીતરના તત્વોને પીછાણીએ તો એની સાથે તાલમેળ બેસાડીને આપણા મન અને મગજમાં ચાલતા
ઉતાર-ચઢાવને મેનેજ કરી જ શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *