મધર ઈઝ નોટ એ જેન્ડરઃ એ સંવેદના છે

‘યે બચ્ચેં હમેં સમજતે ક્યા હૈ…’ ન્યૂયોર્કના રસ્તા પર ચાલતી શ્રીદેવી એના ફ્રેન્ચ મિત્રને
હિન્દીમાં કહે છે. એનો એક આખો મોનોલોગ એની સાથે સાથે ચાલી રહેલો એનો મિત્ર સમજે કે
નહીં, પણ એ હિન્દીમાં કહેવાયેલી વાતના ઈમોશન્સ-સંવેદનાઓ ચોક્કસ સમજે છે. એવી જ રીતે,
આપણે બધા એકબીજાને કહીએ કે નહીં, પરંતુ એક મા બીજી માની સંવેદના, સમસ્યા કે સ્નેહની
વાત સમજ્યા વગર રહેતી નથી. આપણે સૌ, જે લોકો 50 વટાવી ગયા છે અને સિનિયર સિટીઝન
થવાની તૈયારીમાં છે, અથવા હજી હમણા જ સિનિયર સિટીઝન બન્યા છે એવા લોકોની એક આખી
પેઢી પોતાના સંતાનોની સાથે કંઈક વિચિત્ર પ્રકારના ઈમોશનલ પ્રશ્નોમાં ગૂંચવાયેલી છે. બંનેમાંથી
એકેય પક્ષે પ્રેમ ઓછો નથી, પરંતુ બંનેના પ્રેમની અભિવ્યક્તિ-અપેક્ષા અને અર્થઘટન જુદા છે.
સમસ્યા એ નથી, કે સિનિયર સિટીઝન બની રહેલી-બની ગયેલી પેઢી અને 20થી 30ની વચ્ચે, હજી
હમણા જ જેણે ‘ટીન’ ક્રોસ કરી છે એવી અને જે લોકો પોતાના કામમાં, ધંધામાં હજી હમણા જ
સેટલ થયા છે-થઈ રહ્યા છે એવા સંતાનોની એક પેઢી એકબીજાની સાથે હોવાને બદલે સામસામે
ઊભી રહી ગઈ છે.

લગભગ દરેક ઘરમાં આ પ્રશ્ન લાગણીના બંધનને ક્યાંક, થોડુંક ઢીલું પાડી રહ્યો છે. મોડી
ઉંમરે લગ્ન કરતાં અને નહી કરવા માગતા સંતાનો, પોતાનું સંતાન ડીલે કરી રહેલા અથવા નહીં
ઈચ્છતા સંતાનો, વ્યવસાયી કે નોકરી કરતી પુત્રવધૂ, બહારનું ભોજન ઓર્ડર કરીને લગભગ એના પર
જ નભતું યુગલ કે એમના વસ્ત્ર પરિધાન, જીવનશૈલી, ઉજાગરા અને એમના સ્વાસ્થ્ય તરફ બેપરવાહ
રહીને જીવી રહેલાં સંતાનો… જેવા જીવી અનેક સમસ્યાઓ સાથે વીતી ગયેલી પેઢીની મમ્મીને ઘણી
ફરિયાદો છે, ઘણું કહેવાનું છે! એનો અર્થ એવો જરાય નથી કે, મમ્મી પોતાના સંતાનને પ્રેમ નથી
કરતી કે સંતાનને મા-બાપ માટે લાગણી નથી… તકલીફ છે, બે તદ્દન જુદી જીવનશૈલીની અને એની
સાથે જોડાયેલી જરૂરી-બિનજરૂરી, અધૂરી અપેક્ષાઓની.

જે લોકો 60ના દાયકામાં જન્મ્યા છે એ બધાએ પોતાના સંતાન માટે થઈ શકે એનાથી વધુ
મહેનત કરીને જરૂર કરતાં વધારે સુરક્ષા ઊભી કરી છે. મમ્મી હોય, પોતાના સંતાનની પાછળ પાછળ
ફરીને એને દરેક વસ્તુ હાથમાં આપી છે. હવે, તકલીફ એ છે કે આ બધું પોતાને નથી મળ્યું એ વિશેની
કોઈ ન સમજાય તેવી અધૂરપ આ પેઢીને પજવતી હશે? મમ્મી એક તરફથી ઘરના તમામ લોકો કરતા
બાળક માટે જુદી રસોઈ બનાવે ને બીજી તરફ, એ જ મમ્મી પોતાના સંતાનને આવી ‘સ્પેશિયલ
ટ્રીટમેન્ટ’ માગવા બદલ વઢે! એકતરફ, એ જ મમ્મી સંતાનના બારમા ધોરણની પરીક્ષા માટે રજા લે,
ઉજાગરા કરે ને બીજી તરફ, એ જ મમ્મી પોતાના સંતાનને સંભળાવે, ‘અમારા માટે તો કોઈએ આવું
કર્યું નથી…’ એકતરફ મમ્મી દીકરીને બધી છૂટ આપે, પોતે ‘મોર્ડન’ છે, એવું દેખાડવા કે સાબિત કરવા
માટે આ મમ્મી દીકરીની ‘ફ્રેન્ડ’ બને, (પણ સાચા અર્થમાં ફ્રેન્ડ નહીં કારણ કે, એ સત્ય જાણ્યા પછી
‘મમ્મી’ બનીને વર્તે છે) પરંતુ, જ્યારે ખરેખર દીકરીના કોઈ ઈમોશનલ પ્રશ્નમાં સાથે ઊભા રહેવાનું
હોય ત્યારે એ એની ઉંમરની મોર્ડન દોસ્તને બદલે ફરી એકવાર જુનવાણી મમ્મી બની જાય…

મોટાભાગની મમ્મીઓને એવી ફરિયાદ છે કે, એમના બાળકો નાના હતા ત્યારે એમણે
નોકરીઓ છોડી, પોતાના શોખ છોડ્યા, મિત્રો છોડ્યા, ગમતા-નહીં ગમતા દરેક કામ કર્યા, સંતાનને
ઉછેરવા માટે ક્યારેક પતિ સાથે પણ સમાધાન કર્યું, પરંતુ એ બધા પછી જ્યારે સંતાન મોટું થયું અને
ટીનએજમાં કે એથી આગળ, 20-22નું થયું ત્યારે એને મમ્મીના આ ‘ત્યાગ-બલિદાન-સમર્પણ’ની
કોઈ કિંમત નથી. એ સામે બોલે છે, દલીલો કરે છે, જવાબો આપે છે અને ધાર્યું કરે છે! હવે સવાલ એ
છે કે, જે બાળકને આપણે ઉછેર્યું, એ બાળક મોટું થશે એવી આપણને ખબર જ હતી. એ મોટું થશે
એટલે સ્વતંત્ર વિચારશે, વર્તશે અને થોડું પોતાની મરજીનું જીવવા માગશે એમાં પણ કોઈ શંકા નહોતી
જ… મમ્મીને તકલીફ ત્યાં થઈ જ્યાં બાળકનો એના પરનો આધાર ઘટી ગયો. એ સ્વતંત્ર રીતે નિર્ણય
કરતું થયું અને એણે પોતાના માટેનો સમય ફક્ત મમ્મી સિવાય બીજા લોકો સાથે વીતાવવાનું પસંદ
કરવા માંડ્યું. હવે આ બીજા લોકોમાં એના મિત્રો હોઈ શકે, જેમની ઉંમર એના જેવડી અથવા વધુ
ઓછી હોઈ શકે. જેના ઉપર પોતે પોતાની સમગ્ર ઊર્જા, શક્તિ-સમય અને લાગણીઓ કેન્દ્રીત કરી
હતી એ મોટું થતાં ત્યાંથી ખસી ગયું, એટલે એ ખાલી પડેલી કેન્દ્રની જગ્યામાં શું કરવું અથવા કોને
મૂકવું એની મમ્મીને ખબર નથી! મમ્મી મોટા થઈ ગયેલા બાળકને આજે પણ એના નાનકડા
બચોળિયાંની જેમ ટ્રીટ કરવા માગે છે. એ બનાવે તે ખાય, એ કહે તેમ કરે, એ કહે ત્યારે ઊઠે-સૂવે
અને મમ્મીના સુખે સુખી અને મમ્મીના દુઃખે, દુઃખી થાય… એવું મમ્મી ઈચ્છે, પણ એવું થતું નથી.

સિંહણ પણ એકવાર શિકાર કરતા શીખવીને બાળકને પોતાના આધારે છોડી દે છે. પાંખો
આવે પછી પંખી પણ બાળકને બચ્ચું પાછું ફરે એવી આશાએ માળામાં બેસી રહેતું નથી… અર્થ એ
થયો કે મમ્મીએ પોતાની જાતને બાળકથી અલગ કરીને વિચારતાં અને જીવતાં શીખવું જોઈએ. વધુ
પડતી કાળજી અને સતત બાળકની આસપાસ ગોઠવાયેલી પોતાની જિંદગી મમ્મીને તો નુકસાન કરશે
જ, પરંતુ બાળકને સ્વતંત્ર કે આત્મનિર્ભર નહીં બનવા દે. સતત ડ્રાઈવર, નોકર, મહારાજ અને વધુ
પડતી સગવડતામાં ઉછરેલું બાળક જીવનનો તડકો નહીં સહન કરી શકે. એને સતત સુરક્ષામાં
રાખનારા મા-બાપ એના ભવિષ્ય માટે એક એવી ઊંડી ખાઈ ખોદી રહ્યા છે જેમાં પોતાનું બાળક
પડશે ત્યારે એને બચાવવા માટે કદાચ, પોતે ન પણ હોય એ વાત દરેક માતા-પિતાએ સમજી લેવી
જોઈએ. બીજી તરફ, માતા-પિતાના વધુ પડતા લાડ અને પોતાના ઉપર એમનું ઈમોશનલ ડિપેન્ડન્ટ
સમજી ગયેલું બાળક ક્યારેક અણસમજમાં અને ક્યારેક સમજીને પણ માતા-પિતાને બ્લેકમેઈલ કરતું
થઈ જાય છે. આપઘાત કરી લેશે, ઘર છોડીને ભાગી જશે આવા બેબુનિયાદ ભય નીચે માતા-પિતા
ક્યારે એ બાળકના ઈશારે નાચતાં થઈ જાય છે એની એને પોતાને પણ ખબર નથી રહેતી. એ પછી
જ્યારે અફસોસની ક્ષણ આવે છે ત્યારે પ્રમાણમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.

‘મધર્સ ડે’ના દિવસે માનો મહિમા કરવો એ વિશ્વભરની રીત છે, પરંતુ માનો મહિમા કરવાનો
કોઈ એક દિવસ ન પણ હોય તો ચાલે કારણ કે, આપણું અસ્તિત્વ જ આપણી જનની જનેતાની
મહિમાનું પ્રતીક છે. આપણે આપણી માના શરીરમાંથી માત્ર લોહી-માંસ નહીં, બલ્કે એના આત્માનો
પણ અંશ લઈને જન્મ્યા છીએ. એ જ આપણી સાચી ચેતના છે. તો એનો અર્થ એ થયો કે, માનો
મહિમા ચોક્કસ કરીએ, પરંતુ મા તરીકે આપણે પણ આપણી જાતનું થોડું ગૌરવ અને આત્મસન્માન
જાળવી રાખીએ. પુત્ર કુપુત્ર થાય પણ મા કમાતા ન થાય એ વાક્ય કદાચ સાચું હશે, પણ એને એક
મર્યાદા હોવી જોઈએ. સમાજની બીકે, લાગણી કે પ્રતિષ્ઠાની બીકે, એકલા પડી જવાના ભય હેઠળ કે
સંતાન નહીં હોય તો ‘અમારું શું થશે’ એમ વિચારીને, ચિતાને અગ્નિ કોણ આપશે કે લોકો શું કહેશે
જેવા બિનજરૂરી સવાલોના ગૂંચળામાં ફસાઈને મમ્મી જ્યારે પોતાનું ગૌરવ કે આત્મસન્માન ગૂમાવે
છે ત્યારે એ ફક્ત પોતાની સાથે નહીં, સંતાન સાથે પણ અન્યાય કરે છે. જે બાળક પોતાની માનું
સન્માન નથી કરી શકતું એ દુનિયામાં કદાચ કોઈનું સન્માન ન કરી શકે એવું પણ બને.

એની સામે એક સત્ય એ પણ છે કે, બધી જ મમ્મીઓ ત્યાગ, બલિદાન, સમર્પણની મૂર્તિ
નથી હોતી. બધી જ મમ્મીઓ પોતાના સંતાન માટે જાત ઘસી નાખે છે કે એમનું સંતાન એમના
અથાગ સ્નેહ અને પ્રેમની સરવાણીમાં ભીંજાઈને મોટું થાય એવું ન પણ હોય. આજે પણ દીકરાની
જગ્યાએ દીકરી જન્મે તો માના વ્યવહારમાં ફેર પડતો હોય છે. આજે પણ દીકરા અને દીકરીની વચ્ચે
પક્ષપાત કરવાનો હોય તો ઘણી મમ્મીઓનું હૃદય દીકરા માટે ધડકે છે… નવાઈ લાગે, પરંતુ આ પૈતૃક
સોસાયટીમાં ઉછરેલી મમ્મી પોતે સ્ત્રી હોવા છતાં એ પોતાની પુત્રી કે પુત્રવધૂનું આત્મગૌરવ
પળવારમાં હણી શકે છે!

મધર્સ ડે એક એવો દિવસ છે જે દિવસે ‘મા’નું નહીં, માતૃત્વની લાગણીનું ગૌરવ થવું
જોઈએ… એ લાગણી માનવ સંતાન માટે હોય કે કોઈ પાલતુ પ્રાણી માટે, એ માતૃત્વની લાગણી
વ્યક્તિમાત્રની ભીતર હોય છે, એમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી હોતો. આ એક સંવેદના છે, કરુણા,
સ્નેહ, વહાલ, આકર્ષણ, તિરસ્કાર કે ઈર્ષા જેવી… એને સ્ત્રી-પુરુષની જેન્ડર નથી હોતી. મધર્સ ડેના
દિવસે માતૃગૌરવ, માતૃત્વના એ તમામ ગુણોને યાદ કરવા જોઈએ. આપણા જીવનમાં મળેલી એવી
દરેક વ્યક્તિ જે આપણને માતૃત્વના આવાં કોઈપણ પાસાંથી સ્પર્શી હોય એને યાદ કરીને, એની સાથે
સંવાદ કરીને, એને શુભેચ્છા પાઠવીને આજનો દિવસ ઉજવવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *