મૂએ પીછે મત મિલૌ કહૈ કબીરા રામ…

સમય, બહુ વિચિત્ર શબ્દ છે. એક રીતે જોવા જઈએ તો તદ્દન અસ્થિર અને અનપ્રેડીક્ટેબલ છે
આ, સમય. બીજી તરફ આ સમય જ માણસના ભૂત, ભવિષ્ય અને વર્તમાન અને એના જીવનની પહેલાં
કે પછી અસ્તિત્વ ધરાવે છે. આવા સમયમાં જ્યારે ડોકિયું કરીએ ત્યારે સમજાય કે જે-તે સમયમાં જીવેલા
લોકોનું મૂલ્ય એમના સમયમાં થતું નથી. મોટાભાગના લોકો જ્યારે એમનો જીવનકાળ પસાર કરીને આ
જગત છોડી જાય છે ત્યાર પછી એમનું કામ અને એમનું નામ બન્ને આ જગત માટે મહત્વનું બની જાય
છે. આવા લોકોના નામોનું લીસ્ટ તો ઘણું મોટું થઈ શકે પરંતુ, છેક નરસિંહ મહેતાથી મીરાં જેવા સંતથી
શરૂ કરીને મીનાકુમારી કે સુશાંતસિંહ રાજપૂત જેવા ફિલ્મસ્ટાર સુધી સહુને એમના જીવનકાળ અને
કાર્યકાળ દરમિયાન જે મળવું જોઈએ તે નથી મળ્યું. એ પછી સહુને આપણે પૂજનીય કે લેજેન્ડ તરીકે
માથે ચઢાવ્યા, પરંતુ એ હતા ત્યાં સુધી તો એમને માટે જીવન અઘરું બનાવવાનું અને એમને અપમાનિત
કરવાનું કામ આ સમાજે સારી પેઠે કર્યું છે.

30 માર્ચ, એક એવા વ્યક્તિનો જન્મદિવસ જેના ચિત્રો વિશ્વકક્ષાએ ક્લાસિક તરીકે વખણાય છે.
આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમમાં એમના ચિત્રો જોવા માટે લોકો હજારો રૂપિયા ખર્ચીને જાય છે, પરંતુ જ્યારે એ
હતા ત્યારે એમને એક ટાઈમની બ્રેડના પણ સાંસા પડ્યા છે, એ કેટલી નવાઈની વાત છે! એમના જીવન
પર આધારિત નવલકથા “લસ્ટ ફોર લાઈફ” જેનો અનુવાદ “સળગતા સૂરજમુખી”ના નામે થયો છે.
વિન્સેન્ટ વાન ગોગ એક અદભુત ચિત્રકાર હતો. એમના પર ગાંડપણના હુમલા થતા હતા, રૂ નામની
એમની પ્રેમિકા માટે એમણે પોતાના ડાબા કાનનો ટુકડો કાપીને એને આપી દીધેલો, વાન ગોગના
ચિત્રમાં સેલ્ફ પોટ્રેઈટમાં હંમેશા એમનો એક જ કાન દેખાય છે. નાનપણથી જ એ ગુસ્સાવાળા અને
માનસિક રીતે અસમતોલ હતા. એમના મૃત્યુ પામેલા ભાઈના પડછાયા તરીકે એની મા એને જોયા
કરતી… 1874માં લંડનમાં એમને ઉર્સુલા નામની સ્ત્રી સાથે પ્રેમ થયો. ઉર્સુલાએ એમનું હૃદય તોડ્યું અને
એમણે લંડન છોડી દીધું. લંડન બેલ્જિયમ, હાગ જેવા શહેરોમાં રખડતા રહેલા વિન્સેન્ટ અનેક સેક્સવર્કર
સાથે સંબંધ ધરાવતા હતા. એમણે એમના ભાઈ થીયોને એક પત્રમાં લખ્યું હતું કે, ‘હું છેલ્લા એક માસથી
એક વેશ્યા સાથે રહું છું અને એની સાથે લગ્ન કરવા માગું છું’ હાગથી બ્રસેલ્સથી નેધરલેન્ડ, નેધરલેન્ડથી
1883માં પોતાના વતન ન્યૂનેન પાછા ફરેલા વાનગોગે માર્ગોટ નામની સ્ત્રી સાથે લગ્ન કરવાનો પ્રયાસ
કર્યો. પરંતુ એ છોકરીના કુટુંબીજનો દ્વારા આ લગ્ન નકારવામાં આવ્યા અને એટલે ફરી એક વાર શહેર
છોડીને એ એન્ટવર્પમાં રહેવા ગયો.

સમય વીતતો ગયો. ગોગાં, તુલુઝ, લોત્રેક વગેરે કલાકારોએ લઈને એમણે આત્મલક્ષી અથવા
વ્યક્તિલક્ષી ચિત્રોની એક અલગ વિચારધારા સ્થાપી. પરંતુ એ આગળ વધી શકી નહીં. ધીરે ધીરે
ગાંડપણની હાલતમાં વધુને એકલા પડતા ગયેલા વાનગોગ 1888ની ક્રિસમસની સાંજે પોતાનો કાન
કાપી લોહી નીગળતી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા.

1890માં જુલાઈની 29મી તારીખે 37ની વયે એમનું મૃત્યુ થયું. દુનિયા આજે જેને બહુ મોટા
કલાકાર તરીકે ઓળખે છે એવા વાનગોગ એકલા અને ગાંડપણની હદમાં મૃત્યુ પામ્યા હતા. સૂર્યના
તડકામાં, મકાઈના પીળા ખેતરોમાં એમણે જાતે જ રિવોલ્વરથી પોતાના પેટમાં ગોળી મારી હતી. આજે
જેમના ચિત્રો કરોડો રૂપિયામાં વેચાય છે એ માણસ મૃત્યુ પામ્યો ત્યારે એની પાસે કોઈ નહોતું!

31 માર્ચ, મીનાકુમારીની મૃત્યુતિથિ છે. “મહેજબિન” જ્યારે જન્મી ત્યારે એણે એના પિતા
અનાથાશ્રમમાં મુકવા તૈયાર થઈ ગયા હતા, પછી તેમને દયા આવતા તે દીકરીને પાછા લઈ આવ્યા. આ
એક એવી એભિનેત્રી હતી જેણે 6 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારનું પેટ
પાળ્યું! મીનાકુમારી એને કમાલ અમરોહીની પ્રણયકથા ગમે તેટલી રોમેન્ટીક હોય, પરંતુ અંતે ટ્રેજેડીમાં
પલટાઈ ગઈ… 38 વર્ષની ઉંમરે જ્યારે તેમનું મૃત્યું થયું ત્યારે હોસ્પિટલમાંથી શબ છોડાવા માટે એમની
બહેન ખુર્શિદ પાસે પૂરતા રૂપિયા નહોતા. 1939થી 1972 સુધીની ફિલ્મી કારકિર્દી અને 8 ફિલ્મફેર
નોમિનેશન, ચાર ફિલ્મફેર અવોર્ડ પછી પણ એમની પાસે “પોતાનું કહી શકાય” એવું કોઈ કે કંઈ નહોતું!
આજે આપણે જેને એક અવિસ્મરણીય અભિનેત્રી તરીકે યાદ કરીએ છીએ એનું મૃત્યુ લગભગ લાવારિસ
વ્યક્તિની જેમ થયું. એમની આખરી ફિલ્મ ‘પાકિઝા’ એમના મૃત્યુને કારણે જ સફળ થઈ ગઈ, ક્લાસિક
બની ગઈ એમ કહીએ તો ખોટું નથી!

આવું શા માટે થતું હશે? આપણે આવાં અદભુત વ્યક્તિત્વોને એમની હયાતીમાં જે મળવું
જોઈએ એવું સન્માન અને સ્નેહ કેમ નથી આપી શકતા? નરસિંહ મહેતા, મીરાં કે નર્મદ જેવા
સરસ્વતીના સંતાનોને પણ એમના સમયમાં જે સ્નેહ અને સન્માનની સાથે સાથે આર્થિક સુરક્ષા મળવી
જોઈએ એ ક્યારેય મળી નહીં. આપણો સમાજ જીવંત, જીનિયસ કે ઉત્તમ વ્યક્તિત્વોને એમના સમયમાં
ક્યારેય ઓળખી કે સ્વીકારી નથી શક્યો. માત્ર કલાકાર કે લેખક પૂરતી આ વાત સીમિત નથી. સત્ય તો એ
છે કે, આપણે બધા આપણા મહત્વના સંબંધોને કે આપણા જીવનની નિકટતમ વ્યક્તિને પણ મોટાભાગે
એની હાજરીમાં એ સ્નેહ કે સન્માન નથી આપી શકતા, એના ગયા પછી (મૃત્યુ પછી કે સંબંધ તૂટી ગયા
પછી) આપણને સમજાય છે કે, એ વ્યક્તિ કેટલી મહત્વની અને જીવનમાં કેટલી જરૂરી હતી!

મુનિર નિયાઝીની કવિતાની છેલ્લી પંક્તિઓ,
કિસી કો મૌત સે પહલે કિસી ગમ સે બચાના હો,
હકીકત ઔર થી કુછ ઉસ કો જા કે યે બતાના હો,
હમેશા દેર કર દેતા હૂં મૈં હર કામ કરને મેં…

કબીર સાહેબ એમના દોહામાં કહે છે,
‘મૂએ પીછે મત મિલૌ કહૈ કબીરા રામ,
લોહા માટી મિલ ગયા, તબ પારસ કેહિં કામ?’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *