ન રામ, ન રહીમ, ઔર ઈન્સાન ભી નહીં !

23 ઓગસ્ટ, 2017 હરિયાણા-પંજાબ અને ચંદીગઢમાં કરફ્યૂ લાદવામાં આવ્યો. બે લાખ
કરતાં વધારે લોકો પંચકુલામાં જમા થયા. સીઆરપીને તૈનાત કરવામાં આવી અને 16 રેપિડ એક્શન
ફોર્સ, 37 શસ્ત્ર સીમા બળ, 12 ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અને 21 બોર્ડર સિક્યોરિટી ફોર્સની
સાથે લોકલ પોલીસે ‘ગુરુગ્રામ’માં પ્રવેશ કર્યો… પંજાબના ચીફ મિનિસ્ટર અમરિન્દર સિંઘના કહેવા
મુજબ સાત લોકો અને નજરે જોનારા લોકોના કહેવા મુજબ 55થી વધારે લોકો આ રમખાણમાં
માર્યા ગયા. રેલવે સ્ટેશન બાળી નાખવામાં આવ્યું… અને 500થી વધારે લોકોને ભયાનક ઈજા થઈ !
25 ઓગસ્ટ, 2017એ બપોરે 3 વાગ્યે પંચકુલા (હરિયાણા)ની સીબીઆઈ કોર્ટમાં ગુરમીત રામ
રહિમ ઈન્સાનને બે બળાત્કાર, કેટલાક મર્ડર્સ અને બીજા ગુનાઓ માટે સેક્શન 302, 120 બી વગેરે
માટે 20 વર્ષની જેલ થઈ !

જેલમાં ગુરમીતસિંહ શાકભાજી ઉગાડીને 18 હજાર રુપિયા કમાયા. 15 કિલો વજન
ઉતાર્યું… રોહતકની જેલમાં અનેક કેદીઓ છે, પરંતુ ગુરમીતની પ્રવૃત્તિઓના સમાચાર નિયમિત
છપાતા રહ્યા! એ પછી, હવે પંજાબની ચૂંટણીઓ આવી પહોંચી છે. 40થી વધુ રાજકારણીઓ આ
ગુરમીતને મળવા જેલમાં ગયા. એ પછી એમને ‘ફરલૉ’ હેઠળ 7મી ફેબ્રુઆરીએ 21 દિવસની પેરોલ
મળી છે. એ સાથે જ જેણે કેટલીયે વ્યક્તિઓના જીવન રોળી નાખ્યાં, એક પત્રકાર પોતાના મેનેજર
અને સાથે જ એમનો વિરોધ કરનાર, રહસ્ય જાણનાર અનેકને મોતને ઘાટ ઉતાર્યા ‘એના જીવનને
જોખમ છે’ માટે ભારતીય નાગરિકના ચૂકવેલા ટેક્સમાંથી જેમનો પગાર ચૂકવાય છે એવી ઝેડ પ્લસ
સિક્યોરિટી ગુરમીતને આપવામાં આવી છે !

પંજાબના માલવા વિસ્તારમાં વિધાનસભાની 117 સીટોમાંથી 69 મત વિસ્તાર આવેલા છે.
સંગરુર, પટિયાલા, ભટિંડા અને મુક્તસર જેવા વિસ્તારોમાં આ ગુરમીતના અનુયાયીઓ લાખોની
સંખ્યામાં છે. એમના એક ઈશારા પર સરકાર પલ્ટી ખાઈ શકે છે… જોકે, હરિયાણાના મુખ્યમંત્રી
મનોહરલાલ ખટ્ટર અને જેલ મંત્રી રંજીતસિંઘે એવી જાહેરાત કરી છે કે, ‘રામ રહીમની પેરોલને
પંજાબના ઈલેક્શન સાથે કોઈ લેવાદેવા નથી !’ લગભગ સાડા ચાર કરતાં વધુ વર્ષોથી જે માણસ
જેલમાં હોય એને અચાનક ‘ફરલૉ’માં પેરોલ મળે, અને એ પણ ત્યારે જ જ્યારે પંજાબમાં ચૂંટણીની
રસાકસી જામી હોય… એક ક્ષણ માટે પણ આ વાત માની શકાય એમ નથી.

આપણે બધા જ, ભારતીય નાગરિકો કશું પણ ખોટું થતું હોય ત્યારે અવાજ ઉઠાવવાને બદલે
‘આપણે શું ?’ કહીને ખભા ઉલાળતાં શીખી ગયા છીએ. મામલો પંજાબની ચૂંટણીનો છે, એટલે
ગુજરાતી કે મરાઠી-તમિલ કે કન્નડ નાગરિકને કેટલા ટકા ? આ આપણી માનસિકતા થઈ ગઈ છે?
એક તરફ ગ્રીષ્મા રહેંસાઈ જાય છે, ને બીજી તરફ ગુરમીતને ઝેડ પ્લસ સિક્યોરિટી મળે છે… આ કઈ
લોકશાહી છે ?

આ વાંચ્યા પછી કદાચ, આપણને લાગે કે આમાં અથવા આવા કિસ્સાઓ માટે ‘સરકાર’
જવાબદાર છે, તો સૌથી પહેલાં આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે, સરકારને આ
નિર્ણય કરવાનો અધિકાર કોણે આપ્યો…? આપણે!

સરકારો આવતી અને જતી રહી. ક્યારેક જર્નેલસિંઘ ભિંદરાણવાલે હોય તો ક્યારેક પોતાની
જાતને રામ રહીમ અને ઈન્સાન કહેતો પાખંડી ગુરમીત… ક્યારેક આસારામ હોય તો ક્યારેક
ચંદ્રાસ્વામી… લગભગ દરેક સરકારમાં આવાં કહેવાતા ‘ગુરૂ’ની સહાય લેવાય છે કારણ કે, આવા
ગુરૂઓના અનુયાયીઓ પોતાની માહિતી કે બુધ્ધિ વાપર્યા વગર એમના ઈશારા પર મતદાન કરે છે.
છેલ્લાં કેટલાંય વર્ષોથી આ 69-70 બેઠકોનું ભવિષ્ય ‘ગુરુગ્રામ’માં નક્કી થતું રહ્યું છે. એવી જ રીતે,
આસારામ કે બીજા કહેવાતા ગુરૂઓ પોતાની જાતને સંત કહે છે, પરંતુ રાજકારણમાં એમનો સિક્કો
બરાબર ચાલે છે. એમને મફત જમીન અને પોલીસ પ્રોટેક્શનથી શરૂ કરીને બીજા અનેક ફાયદા મળે
છે. એમના ગુનાહ (રંજીતસિંઘનું ખૂન-2002 અને પત્રકારનું ખૂન 2006) વર્ષો સુધી છુપાયેલા રહી
શકે છે!

આપણે એકવાર માની લઈએ કે સરકાર પોતાના ફાયદા માટે, સ્વાર્થ માટે આવાં ગુરૂઓને પનાહ આપે છે
અને પ્રમોટ કરે છે… પરંતુ, અંતે એને માટે જવાબદાર કોણ છે? 117 વિધાનસભાની સીટ ઉપર ગોઠવાઈ
જવા માટે તો 117 લોકો સ્વાર્થી હોઈ શકે પરંતુ, પંજાબના સવા બે કરોડથી વધુ મતદારો શા માટે
આવી પ્રવૃત્તિનો વિરોધ નથી કરતા?

એનું સૌથી મોટું કારણ ભય છે. માત્ર પંજાબ જ નહીં, આખા દેશમાં હવે એક વિચિત્ર પ્રકારનો ભય
વ્યાપી ગયો છે. કર્ણાટકના શિવમોગામાં હિજાબ એક્ટિવિસ્ટની હત્યા હોય કે સુરતની ગ્રીષ્માનું ખૂન… આપણી
નજર સામે થઈ રહેલા અપરાધ સામે પણ આપણે અવાજ નથી ઉઠાવી શકતા કારણ કે, આપણને આપણી અને
આપણા પરિવારની સલામતીની ચિંતા થાય છે. સ્વાભાવિક છે, કશું ખોટું નથી… આપણે બધા જ જાણીએ છીએ
કે, અવાજ ઉઠાવનારનો અવાજ કંઈ રીતે બંધ કરી દેવામાં આવે છે! સોશિયલ મીડિયા જેવું મોટું હથિયાર
આપણા સૌ પાસે હોવા છતાં એનો ઉપયોગ સાચી દિશામાં કરવાને બદલે પરસ્પરના ઝઘડા અને
આક્ષેપબાજીમાં સમય અને સાધન બંને બગડે છે.

આજથી સાડા સાત દાયકા પહેલાં સોશિયલ મીડિયાની ગેરહાજરીમાં, અખબાર કે પોસ્ટની વ્યવસ્થા
આટલી મજબૂત ન હોવા છતાં આ દેશ પોતાની આઝાદી માટે એક થઈ શક્યો, સ્વતંત્રતાનો સંગ્રામ લડી
શકાયો… કારણ કે, ભીતર ક્યાંક એ મજબૂત ઝંખના અને શુધ્ધતા હતી. દેશ પહેલાં અને બાકીનું બધું પછી, એવી
એક માનસિકતા હતી. સમય સાથે સૌ સ્વાર્થી થઈ ગયા છે.

જે સાચા અર્થમાં મતદાર છે એ પોતાની બુધ્ધિ કે વિવેકનો ઉપયોગ કર્યા વગર આવા ગુરૂઓને અનુસરે
છે, અથવા ગુંડાઓથી ડરે છે અથવા ખોટા વચનોથી લોભાય છે અથવા તાત્કાલિક મળતા લાભોથી લલચાય છે.
જેમને આપણે બુધ્ધિજીવી કહીએ છીએ એવા બધા લોકો ચૂપ બેઠા છે.

એક જાણીતી કહેવત મુજબ, “મૂર્ખાઓના બકવાસ કરતાં બુદ્ધિશાળીનું મૌન વધુ ખતરનાક છે…”
આપણે સૌ આ ખતરનાક સમયમાં પ્રવેશી રહ્યા છીએ. આપણે પ્રામાણિકતાપૂર્વક ચૂકવેલા ટેક્સનો ઉપયોગ જો
આવા ગુંડાઓને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં થતો હોય તો આપણે ચૂપ રહેવું જોઈએ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *