એક વૃદ્ધ વ્યક્તિ બગીચાના બાંકડે બેઠા છે. માસ્ક પહેરીને, હાથમોજા પહેરીને એ બગીચામાં ચાલી રહેલા
લોકોને જોઈ રહ્યા છે. એમની આંખોમાં પારાવાર શૂન્યતા છે. ભાવવિહીન આંખોએ એ જગત તરફ જોઈ રહ્યા છે,
જાણે ! હું એમની પાસે જાઉં છું, ‘બેસું ?’ હું પૂછું છું. એ ભાવવિહીન ચહેરે ડોકું ધુણાવીને મને બેસવાની રજા આપે છે.
એ કશું બોલતા નથી. હું પણ કશું બોલતી નથી. થોડીવાર પછી એ મારી સામે જુએ છે, ‘જુવાન દીકરો અને વહુ, બંને
કોરોનામાં ચાલી ગયા. મારી પત્ની કોરોનામાં હોસ્પિટલમાં છે. હું એક જ…’ એમનું ગળું ભરાઈ આવે છે.
અડધી રાત્રે એક ફોન આવે છે, ‘મારી મમ્મી સિવિલ હોસ્પિટલમાં છે. એ લોકો ઉપર જવા નથી દેતા. મારી
મમ્મી મને ઘડી ઘડી ફોન કરીને કહે છે કે, એને પાણી પીવું છે પણ હોસ્પિટલમાં કોઈ એને પાણી પીવડાવતું નથી…
મારી મમ્મી મરી જશે.’ 25 વર્ષનો એક છોકરો ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો છે. અંતે, બે દિવસ પછી એના મમ્મી ગુજરી
ગયાના સમાચાર આવે છે.
આવા કેટલાંય કિસ્સા આપણી આજુબાજુ રોજ બની રહ્યા છે. કલાકારો, પત્રકારો અને જાણીતા લોકોના
મૃત્યુના સમાચાર અખબારમાં પ્રકાશિત થાય છે. બેસણાની જાહેરાતોથી પહેલાં અડધું, પછી આખું અને હવે
અખબારનું દોઢ પાનું ભરાય છે. મીડિયા કહે છે કે, મૃત્યુના સાચા આંકડા હજી સુધી આપણા સુધી પહોંચ્યા નથી.
કોવિડના બધા કેસીસ નોંધાતા નથી, લોકો ભયમાં છે. સૌને લાગે છે કે, કોરોના પોઝિટિવ હોવું એટલે યમરાજાનું
ઈન્વિટેશન ! આ સત્ય નથી. કોવિડ એક એવી મહામારી છે જે છેલ્લા ચૌદ મહિનાથી આખા વિશ્વને ભરડામાં લઈને
બેઠી છે. એકવાર લાગ્યું કે, બધું પૂરું થયું છે, પરંતુ આ નવા સ્ટ્રેઈનમાં નવી સમસ્યાઓ ઊભી થઈ છે ત્યારે આપણી
આસપાસ રોજ કશુંક બની રહ્યું છે. અખબારોના સમાચાર પણ નિરાશાજનક છે. 40 એમ્બ્યુલન્સની ઊભેલી કતારનો
ફોટો હોય કે, રસ્તા ઉપર સૂતેલા પેશન્ટની તસવીરો. નિકટની વ્યક્તિ કે સ્વજનના મૃત્યુના સમાચાર હોય કે સાવ
અજાણ્યા લોકોના બેસણાની જાહેરાત. પરિસ્થિતિ એવી છે કે ક્યાંયથી આશાનું કિરણ દેખાતું નથી.
સાથે સાથે આર્થિક સંકડામણ પણ વધતી જાય છે. સ્વયંભૂ બંધ રહેતી કંપની, દુકાનો કે ઓફિસીસમાંથી અનેક
લોકોની નોકરીઓ છૂટી ગઈ છે. કરિયાણા અને દવાની દુકાન સિવાય ઘરાકી લગભગ ક્યાંય નથી એમ કહીએ તો ખોટું
નથી. આટલા બધા લોકો જ્યારે કામ વગર બેઠા હોય ત્યારે એક વિચિત્ર પ્રકારની નિરાશા અથવા ન સમજાય તેવું
ડિપ્રેશન સૌને ઘેરી વળે એ સહજ છે. એવા સમયમાં એક વ્યક્તિ તરીકે આપણે શું કરી શકીએ એ સવાલ બહુ
મહત્ત્વનો છે. મોટાભાગના લોકો આપણી આસપાસ ફક્ત ફરિયાદ કરતા સંભળાય છે. હોસ્પિટલમાં ઓક્સિજન
નથી, વેન્ટિલેટર ખૂટ્યા છે, એમ્બ્યુલન્સ અવેલેબેલ નથી, કામ નથી, હપ્તા ભરવાના છે, દેવું છે… આ બધું સાચું છે,
પરંતુ આ કાયમી નથી એ વાત આપણે ભૂલી ગયા છીએ.
સમય બદલાશે, જરુર બદલાશે… પરિસ્થિતિ જે છે તે નહીં રહે, એ નક્કી છે, પરંતુ ત્યાં સુધી આપણે સહુએ
ટકી જવાનું છે. એકમેકની મદદ કરવી એ અત્યારના સમયની સૌથી મોટી જરુરિયાત અથવા સૌથી મોટો ધર્મ છે.
આપણા પડોશીને ત્યાં કોરોના હોય તો ડરવા કે ભાગવાને બદલે ડિસ્પોઝેબલ વાસણમાં એમને ત્યાં બે ટાઈમનું
ખાવાનું પહોંચાડી શકાય. આપણી સોસાયટીમાં કામ કરતા માણસો, સફાઈ કામદાર અથવા વોચમેનને કઈ તકલીફ
હોય તો આર્થિક મદદ કરી શકાય. જો આર્થિક મદદ ન કરી શકાય એવી આપણી સ્થિતિ હોય તો આપણા ઘરમાં કોઈ
સારી વાનગી બની હોય ત્યારે થોડુંક વધારે બનાવીને એમની સાથે વહેંચી શકાય. કેરી કે ફ્રુટ એમને આપીને એમની
સેવાઓ બદલ એમનો આભાર વ્યક્ત કરી શકાય. ઓફિસમાં કામ કરતાં આપણા કર્મચારીઓને એમના સંતાનો માટે
ક્યારેક ફ્રુટ કે બીજી કોઈ વસ્તુઓ આપીને એમના કપાઈ રહેલા પગારમાં આપણે એમનો સહારો બની શકીએ. દરેક
વખતે આર્થિક મદદ જ મહત્ત્વની નથી હોતી. માણસને કેટલીકવાર સાંભળવાથી, એની તકલીફ સમજવાથી પણ બહુ
મોટી સહાય કરી શકાય છે. આખો દિવસ તડકામાં ઊભા રહેતા વોચમેનને આપણા ઘરમાંથી ઠંડા પાણીની બે બોટલ
પહોંચાડવી એ પણ પુણ્યનું જ કામ છે.
ડ્રાઈવ-ઈનથી વસ્ત્રાપુર જતી લેનમાં છેલ્લા થોડા સમયથી શાકભાજીવાળા બેસે છે. ગામડેથી આવતું આ
તાજુ અને સસ્તુ શાક લેવા અનેક લોકો ભેગા થાય છે, પરંતુ એક અંકલ શાક લેવા નથી આવતા. એ પોતાના ઘરેથી
લગભગ આઠેક જેટલી લીંબુ પાણીની બોટલ ભરીને આવે છે. અગિયારેક વાગ્યે એ અંકલ આ બોટલ અને
ડિસ્પોઝેબલ ગ્લાસ લઈને ત્યાં બેઠેલા શાક વેચતા તમામને લીંબુ પાણી પીવડાવે છે… આમ જોવા જાઓ તો આ બહુ
નાનું કોન્ટ્રીબ્યુશન છે, પરંતુ પોતાનાથી જેટલું થાય એટલું કરવું એ જ આ સમયનું સત્ય છે. લગભગ દરેક માણસ
સમસ્યામાં છે. કોઈને આર્થિક, કોઈને માનસિક તો કોઈને શારીરિક તકલીફ છે. આપણી આસપાસમાં વસતા વૃદ્ધો,
જો એકલા હોય તો બહાર જતી વખતે, ‘કઈ લાવવાનું છે ?’ એટલું પૂછી લેવાથી પણ ઘણી મોટી મદદ થઈ શકતી
હોય છે. આપણે બધા બહુ મોટી મદદ કરવા માટે રાહ જોઈને બેઠા છીએ અથવા ‘આપણાથી શું થઈ શકે’ એમ કહીને
છૂટી જવું સરળ છે…
મહત્ત્વની વાત એ છે કે, અત્યારના ખરાબ સમયમાં જેનાથી જેને જે મદદ થાય તે કરવી જોઈએ.
વ્યક્તિમાત્રએ અત્યારે એ સમજી લેવું જોઈએ કે, માત્ર પૈસા આપવાથી આ સમયમાં કોઈ ફેર નહીં પડે. લાખો રુપિયા
હોવા છતાં કેટલાક લોકો સાવ એકલવાયા છે. બીમારીમાં એમના ઘરમાં એ પોતાનો સમય કઈ રીતે પસાર કરે એવા
સવાલો પણ માણસને મૂંઝવતા હોય છે. તો આવા સમયે માત્ર એક ટેલિફોન આપણી તો પાંચથી દસ મિનિટ લેશે,
પરંતુ એ વ્યક્તિ માટે એ પાંચથી દસ મિનિટનું પ્રદાન એના સમયને થોડોક ભરી આપશે.
છેલ્લા તેર મહિનાથી આપણે મનોરંજનના બધા જ રસ્તા બંધ છે. ઓટીટી અથવા ટેલિવિઝન સિવાય
બીજો કોઈ ઉપાય બચ્યો નથી ત્યારે જો આપણી પાસે કોઈ ઓટીટીનું એકાઉન્ટ હોય તો એમાં પાંચ જણાં જોઈ શકે
છે. આપણી નિકટની કોઈ વ્યક્તિ સાથે જો એ એકાઉન્ટ નંબર શેર કરી શકીએ અને એમનો સમય ભરી શકીએ તો એ
પણ મોટો ફાયદો છે. આપણે ક્યારેક ‘શું’ આપવું એ સમજી શકતા નથી. અનાજની કિટ કે વસ્તુઓ જ માત્ર કોઈ
વ્યક્તિને સંતોષ કે કમ્ફર્ટ આપી શકે એવું જરુરી નથી. જેની પાસે બધું હોય એને પણ આવા સમયમાં ‘કશુંક’ જોઈતું
હોય છે…
કોરોનામાં હોસ્પિટલાઈઝ્ડ કે ક્વોરન્ટાઈન માણસને આપણે માત્ર ફોન કરીને, ‘ડરવાની જરૂર નથી, સારું થઈ
જશે’ કે કેટલા લોકોને સારું થયું એના મોટિવેટિંગ બે-ચાર કિસ્સા શેર કરીએ તોય આ સમયમાં આપણું પ્રદાન ઘણું
મહત્ત્વનું બની રહેશે. ફરી ક્યારેક આવા ઉદાસ, એકલા બેઠેલા કોઈ વ્યક્તિને જુઓ તો એને પૂછવાનો પ્રયત્ન કરી
જોજો… લગભગ દરેકને કશું કહેવું હોય છે, એકાદ સાંભળનાર મળી રહે તો આ સમયમાં નિરાશા અને નેગેટિવિટી
ઓછી થઈ શકે.
ખૂબ સરસ મેડમશ્રી,આપે સાચે જ આજના સમયના અનુસંધાને ખૂબ ઉપયોગી અને સમજવા જેવી માહિતી પ્રદાન કરી છે.