નારી શક્તિના નારા… કેટલા અધૂરા, કેટલા બિચારા!

આઠમી માર્ચે, વિશ્વભરમાં મહિલા દિવસ ઊજવાય છે. જાતભાતના કાર્યક્રમો યોજાય છે અને
મહિલા સશક્તિકરણ-સ્ત્રી સ્વતંત્રતાના નામે અનેક મોટી મોટી વાતો કરવામાં આવે છે. બહુ આશ્ચર્ય
થાય એવું નથી, પરંતુ એક તરફ જગતભરમાં આવા કાર્યક્રમો યોજાતા હતા ત્યારે બીજી તરફ,
મહિલાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ધારાસભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે,
સેવાદળની મહિલાઓ સાથે પોલીસોએ ખરાબ વર્તન કર્યું હતું તો બીજી તરફ, મહિલા કાર્યકરો પર
લાઠીઓ વીંઝવામાં આવી હતી. એની સાથે જ એક બીજો કિસ્સો પણ બન્યો. મેટ્રો કોર્ટની લોબીમાં
400થી 500 વકીલોના ટોળાંએ મહિલા પીએસઆઈને વાળ ખેંચીને માર માર્યો હતો… આંતરરાષ્ટ્રીય
મહિલા દિવસે જ એક વિધાનસભ્ય પર દલિત મહિલા સાથે દુષ્કર્મનો આક્ષેપ મૂકાયો, એક તબીબ
ઉપર 50 મહિલા તબીબે સાથે મળીને છેડતીના આરોપો અને અભદ્ર વ્યવહારની ફરિયાદ કરી…
‘વુમન્સ ડે’ના આગલા દિવસે પોતાના પ્રેમી સાથે પકડાયેલી એક સ્ત્રીને થાંભલા સાથે બાંધીને લાકડી
વડે મારતા પતિનો વીડિયો વાઈરલ થયો હતો… એ સ્ત્રીને થાંભલા સાથે બાંધનાર એનો પતિ નહીં,
પડોશીઓ હતા! એક તરફ, શહેરભરમાં યોજાયેલા સ્ત્રી સન્માનના કાર્યક્રમો અને બીજી તરફ આ સ્ત્રી
અપમાનની ઘટનાઓ…

આર.જે. દેવકીએ એક વીડિયો મૂક્યો જેમાં એ છાપા ફેંદી રહ્યા છે અને અંતે કહે છે, “એક
પણ દિવસનું એક પણ છાપું એવું નથી જેમાં રેપના, બળાત્કારના કે ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સાના
સમાચાર ન હોય…” એમની વાત ખોટી નથી! આપણે રોજેરોજ સ્ત્રી સન્માનના મોટી મોટી વાતો
કરીએ છીએ, પરંતુ ખરેખર સ્ત્રીનું સન્માન આ દેશમાં કેટલું છે એ સત્યથી આપણે બધા જ વાકેફ
છીએ. દીકરીઓ ભણે છે, સ્ત્રીઓ હવે વ્યવસાય અને આર્થિક સ્વતંત્રતા તરફ વળી છે, વસ્ત્રોમાં ઘણો
બદલાવ આવ્યો છે-આવું બધું આપણને દેખાય છે, પરંતુ જે નજરે દેખાય છે તે માત્ર શાંત સપાટી છે.
એની નીચે ધધકતો લાવા ભભૂકે છે. આજથી થોડા વર્ષો પહેલાં મહિલાની છેડતી કે બળાત્કારના જે
આંકડા હતા એ ઘટવાને બદલે વધ્યા છે. અર્બન વિસ્તારોમાં કદાચ પ્રમાણ ઓછું-વત્તું હોય, પરંતુ
નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આવા કિસ્સા પોલીસ સ્ટેશને પહોંચતા પહેલાં જ રફેદફે થઈ
જાય છે. આપણે બધા આવી પરિસ્થિતિ કે સમસ્યાઓ માટે કાયદો અને વ્યવસ્થા, સરકારને દોષ દેતા
શીખી ગયા છીએ, પરંતુ દુનિયાના કોઈપણ શહેરની પોલીસ ગલી ગલીએ પહેરો દઈ શકવા માટે
સક્ષમ નથી.

આવા કિસ્સાઓને રોકવા માટે આપણે જાતે જ તૈયાર થવું પડશે. વધતી જતી વસતિ અને
નાના ગામોમાંથી શહેરોમાં ઠલવાતા અભણ-વિકૃત મગજના લોકો સ્ત્રીની આ સ્વતંત્રતાને સહી
શકતા નથી, કદાચ! ખાસ કરીને, યુપી, બિહાર, ઝારખંડ જેવા શહેરોમાંથી કામની શોધમાં સુરત કે
અમદાવાદ આવતા મજૂર વર્ગના લોકો હોર્ડિંગ્સ પર અર્ધનગ્ન સ્ત્રીઓને જુએ છે, ઈન્ટરનેટને કારણે
હવે ઓટીટી, પોર્ન અને બીજું બધું જ ચાર બાય છના સ્ક્રીન પર ઉપલબ્ધ છે… આ બધું જ એમના
વિકૃત મગજને ઉશ્કેરે છે. આ ઉશ્કેરણી અંતે બાળકીઓના કે મહિલાઓ ઉપરના બળાત્કારમાં પલટાય
છે. એની સાથે જ કેટલાક ભણેલા-બુધ્ધિજીવી લોકો પણ મહિલાઓ વિશે પોતાના અંગત-સંકુચિત
વિચારો ધરાવે છે. એ લોકો મોર્ડન હોવાનો દાવો અને દેખાવાનો પ્રયત્ન જરૂર કરે છે, પરંતુ માનસિક
રીતે અત્યંત પછાત છે. આવા લોકો પોતાની જાતને મોરલ પોલીસ માને છે. દુનિયાના લોકોએ કઈ
રીતે જીવવું અને શું કરવું એ વિશે એમના વિચારો ‘અંતિમ સત્ય’ હોય એવી રીતે, એ લોકો
અભિપ્રાયને સોશિયલ મીડિયા અને સમાજમાં વહેતા મૂકે છે. ત્યાં સુધી, કદાચ ચલાવી લેવાય, પરંતુ
આવા લોકો માને છે કે, જે એમના વિચારો સાથે સહમત ન થાય એમને ‘સજા’ થવી જોઈએ! આ
સજા પણ એ લોકો જ નક્કી કરે છે!

મોરલ પોલીસીંગના નામે વલેન્ટાઈન ડેના દિવસે દુકાનોની તોડફોડથી શરૂ કરીને પોતાના
વિચારો અભિવ્યક્ત કરવા ઉપર રોકટોક લગાવવા સુધી તો આવા મોરલ પોલીસ પહોંચે જ છે, પરંતુ
ફોન પર ધમકી આપવી, સ્વતંત્ર વિચાર ધરાવતી કે નીડર મહિલાઓના ચારિત્ર્ય પર આક્ષેપ કરવા,
એમના પરિવારને અપમાનિત કરવા અને એટલું ઓછું હોય એમ આવી નીડર-સ્વતંત્ર અને સફળ
સ્ત્રીઓ ઉપર પબ્લિક લિટિગેશન અથવા ડીફેમેશનના કેસ કરવા સુધી આ મોરલ પોલીસ પહોંચે છે!
એમનો ઈરાદો સંસ્કૃતિ કે સભ્યતા બચાવવાનો હશે કે નહીં, એ તો એ જ જાણે, પરંતુ એમને આ
બહાને પ્રસિધ્ધિ જોઈએ છે, ધ્યાન આકર્ષવું છે અને જે મહિલાઓએ કશુંક કરી બતાવ્યું છે એમને
નીચી દેખાડી, ડરાવીને સમાજમાં એવો દાખલો બેસાડવો છે કે, બીજી મહિલાઓ આવી હિંમત
કરતાં પહેલાં વિચાર કરે!

જોકે, જે હિંમતપૂર્વક પોતાના પ્રામાણિક વિચારોને વળગીને આગળ વધે છે એવી સ્ત્રીઓને
કોઈ ડરાવી શકતું નથી, પરંતુ જે સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર નથી, ઓછું ભણેલી છે કે એક યા બીજી
રીતે પોતાના પરિવાર પર આધારિત છે એમને માટે આવા દાખલા ભયજનક પૂરવાર થાય છે. એ
લોકો ભલે મનોમન ડોમેસ્ટિક વાયોલન્સ કે શોષણનો વિરોધ કરતી હોય, પરંતુ સમાજમાં બહાર
નીકળીને મુક્ત અવાજે આવો કોઈ વિરોધ કરવાની એમની રહીસહી ઈચ્છા પણ આવી નીડર
સ્ત્રીઓની ‘હાલત’ જોઈને તૂટી જાય છે. ફિલ્મોમાં બતાવવામાં આવતા બળાત્કારના કેસને જોઈને
બળાત્કાર વિરુધ્ધ ફરિયાદ કરવાની એમની હિંમત થતી નથી. પૂછાતા પ્રશ્નો અને ભ્રષ્ટાચારી
પોલીસની કથાઓ, મીડિયામાં ઊછળતું સ્ત્રીનું આત્મગૌરવ… એમને માટે કદાચ, એક વાર્તા હોય,
પરંતુ આ બધું જોયા પછી જે સામાન્ય, સરળ અને સુરક્ષિત પરિવારમાં ઊછરેલી છે એ સ્ત્રી વિરોધ કે
વિદ્રોહની હિંમત નથી કરી શકતી.

‘વુમન્સ ડે’ના કાર્યક્રમો કરવાથી કશું બદલાવવાનું નથી. સ્ત્રી સ્વાતંત્ર્યના કે સશક્તિકરણની
વાતો ‘ગરીબી હટાવો’ના નારા જેટલી જ પોકળ છે. આ દેશમાં સ્ત્રી આજે પણ વેચાય અને ખરીદાય
છે (સેક્સ વર્કર્સના વિસ્તારો સિવાય પણ). લગ્ન જેવા સંબંધમાં પણ જે સન્માન કે સલામતી મળવા
જોઈએ એ નથી જ મળતા… અને આ બધા માટે સરકાર કાયદા બનાવી શકે, પાળવાનો આગ્રહ કે
એન્ફોર્સ કરી શકે, પરંતુ દરેક ઘરમાં, ગલીમાં કે મહોલ્લામાં જઈને આ કાયદા પળાવી શકે એવી
સરકાર પાસે અપેક્ષા રાખીએ એને બદલે આપણે બધા સાથે મળીને એવું નક્કી ન કરી શકીએ કે, દરેક
ગલીમાં, દરેક ઘરમાં સ્ત્રી સન્માનની જવાબદારી એ ઘરની કે ગલીની વ્યક્તિની પણ હોવી જોઈએ?

મોરલ પોલીસીંગનો વિરોધ કરીએ… આપણી દીકરી, પુત્રવધૂ કે પત્ની શું પહેરે, કેમ જીવે,
કેટલા વાગ્યે આવે અને કેટલા વાગ્યે જાય એનો નિર્ણ એ ઘરના-પરિવારના લોકો કરે. બહારના
લોકોની કમેન્ટથી ડરવાની કે શરમાવવાની જરૂર નથી, એટલું પણ જો આપણે નક્કી કરીએ તો
2022નો ‘વુમન્સ ડે’ સાચા અર્થમાં ‘ઊજવ્યો’ ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *