એક આખું અઠવાડિયું અટકળો અને ધમાધમી વચ્ચે પૂરું થયું છે. પ્રધાનમંડળની યાદી અને શપથવિધિ પૂરી થઈ છે. જૂના અસંતુષ્ટો અને નવા પ્રધાનો સાથે ગુજરાત ફરી એકવાર આવી રહેલી ચૂંટણી માટે સજ્જ થયું છે. આવા સમયમાં મતદાર માટે પણ પસંદગીની એક નવી તક ઊભી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં ધારેલા ફેરફારો કરીને ગુજરાતને એક નવી ઈમેજ સાથે ફરી એકવાર ઈન્ટરનેશનલ નકશા પર મૂકી આપ્યું છે. રાજકીય ઉથલપાથલ અત્યંત સ્વાભાવિક બાબત છે. નવા ચહેરાના પ્રધાનમંડળની વાત શરૂ થઈ ત્યારથી મીડિયા ગાજતું રહ્યું, જાહેર અને ખાનગી મિટીંગ થતી રહી. પાવરની રમત એકવાર શરૂ થાય પછી કોઈ પણ ઉંમરે, કોઈ પણ કારણસર એમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે પોતાના હાથમાંથી સરકી રહેલી સત્તા અને ખુરશીનો મોહ માણસને કોઈ પણ કક્ષાએ લઈ જઈ શકે છે. પ્રધાન પદ નહીં છોડવાના ધમપછાડા પછી પણ વડાપ્રધાને પોતાના નિર્ણયને મજબૂતીથી અમલમાં મૂક્યો છે. બીજા કશા માટે નહીં, તો પણ ‘પાર્ટીને નુકસાન થશે’ એવા ભયથી ડર્યા વગર વડાપ્રધાને ગુજરાતને ફ્રેશ વિચાર અને નવી ટેકનોલોજીનો એક બુસ્ટર ડોઝ આપ્યો છે.
બુધવારે, શપથવિધિના પોસ્ટર લગાડ્યા પછી નારાજ પ્રધાનોને મનાવવા માટે શપથવિધિ પાછળ ઠેલવામાં આવી. ગુજરાતના નેતાઓ અહીંની ખેંચાખેંચી અને હૂંસાતુંસીને હેન્ડલ ન કરી શક્યા એટલે દિલ્હીનો હસ્તક્ષેપ અનિવાર્ય બન્યો… આજે આ લખાય છે ત્યાં સુધી પ્રધાનોની યાદી જાહેર થઈ નથી, થઈ શકી નથી ! પ્રધાનમંડળમાં નવા ચહેરાઓ લાવવાનો આગ્રહ કે જૂના પ્રધાનોને ફરીથી ખુરશી નહીં આપવાનો નિર્ણય કદાચ ગુજરાતના રાજકારણને એક નવી જ દિશા બતાવી શકે. સામાન્ય રીતે, નેતા ત્યાં સુધી રિટાયર્ડ થતા નથી જ્યાં સુધી એમને કુદરત રિટાયર્ડ ન કરે… આ વાત માત્ર પ્રધાનમંડળ પૂરતી મર્યાદિત નથી, સાહિત્ય કે સમાજના હોદ્દાઓ માટે પણ આ વાત એટલી જ સાચી છે. ખખડી ગયેલા, જૂના પુરાણા રૂઢિચુસ્ત વિચારો સાથે સત્તા પર ટકી રહેવાનો મોહ લગભગ દરેકને હોય છે. પેઢી કે કંપનીમાં પણ પિતા પોતાનો જ કક્કો ખરો કરવાના પ્રયત્નમાં નવી પેઢીને અન્યાય કરે છે. મોટાભાગના લોકો એવું માને છે કે, યુવાનોની પાસે અનુભવ નથી એટલે એ સારી રીતે સરકાર કે કંપની ચલાવી નહીં શકે. સત્ય એ છે કે, લગભગ દરેક વ્યક્તિને નિર્ણય કરવાની સત્તા આપવામાં આવે તો જ એને ‘અનુભવ’ મળી શકે.
નિર્ણય કરવાની સત્તાની સાથે સાથે ક્યારેક ભૂલ કરવાની સત્તા પણ આપવી પડે છે. માણસ પોતાની જ ભૂલમાંથી શીખે છે, એવું આપણે બધાં કહીએ છીએ, પરંતુ નવી પેઢી ભૂલ કરે કે તરત જ જૂની પેઢી, પિતા હોય કે પ્રધાન… એ ભૂલને મેગ્નિફાઈંગ ગ્લાસથી જોવાનો પ્રયત્ન કરે છે. યુવાન અને નવા ચહેરાને પ્રધાનમંડળમાં સામેલ કરવાનો આ નિર્ણય ક્રાંતિકારી પણ છે અને જરૂરી પણ છે. એક સર્વે મુજબ હવે આ દેશમાં યુવાનોની સંખ્યા વધારે છે. યુવા મતદારો અને યુવા આંતરપ્રેન્યોર્સ વધી રહ્યા છે ત્યારે પ્રધાનમંડળમાં પણ નવા વિચારો અને નવા ચહેરા ઉમેરાવા જોઈએ. અનેક ટર્મ્સથી પ્રધાનમંડળનો હિસ્સો રહેલા મોવડીઓએ હવે માર્ગદર્શકની ભૂમિકા સ્વીકારવાનો સમય થઈ ગયો છે. આ વાત પ્રધાનમંડળની બહાર નીકળે પણ વિચારવા જેવી છે. સમાજના મોવડીઓ કે જ્ઞાતિ અને મંડળના ઠેકેદારોએ નવી પેઢીની વાત સાંભળવી જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે ગુજરાત ગ્લોબલ થઈ રહ્યું છે. વિશ્વના લગભગ દરેક દેશમાં વસતાં ગુજરાતીઓની નવી પેઢી યુવાન થઈ છે. એ પેઢી જે દેશમાં જન્મી છે, એ એમનો દેશ છે. આ નવી પેઢી માટે ગુજરાત એમના ‘માતા-પિતાનું વતન’ છે, એમનું વતન એમની જન્મભૂમિ છે. એ લોકો અંગ્રેજી બોલે છે, પરંતુ હજી ગુજરાત સાથેનો એમનો સંપર્ક સાવ તૂટી નથી ગયો. નવી પેઢી જો સત્તા પર આવશે કે સમાજ, જ્ઞાતિ અને મંડળનો કાર્યભાર સંભાળશે તો એ પેઢી વિદેશમાં વસતી નવગુજરાતી પેઢી સાથે સંપર્ક ટકાવી શકશે. આપણે જો સમયસર યુવા પેઢીને આપણી સાથે જોડવાનો પ્રયાસ નહીં કરીએ તો આપણો વારસો, સંસ્કૃતિ અને એની સાથે જોડાયેલી અનેક બાબતો ધીરે ધીરે ભૂંસાતી અને ઘસાતી જશે.
ફેશન, ભોજન કે જીવનશૈલીની જેમ રાજકારણ પણ બદલાવું જોઈએ. જૂની રીત, રૂઢિચુસ્ત વિચારો અને દેશને હજીયે ધર્મ કે જ્ઞાતિના ત્રાજવે તોલીને ફક્ત મતબેન્કને મજબૂત બનાવતા પ્રધાનોને બદલે જો ભણેલા, ગ્લોબલ વિચારી શકતા અને ટેકનોલોજી સમજતા, અંગ્રેજી બોલતા યુવા નેતાઓને તક મળશે તો ગુજરાતના રાજકારણનો ચહેરો પણ બદલાશે. યુવા મતદારો સ્વાભાવિક રીતે જ યુવા પ્રધાનો સાથે વધુ સહજતાથી જોડાઈ શકશે. એક સૌથી અગત્યની બાબત એ છે કે, નવી પેઢી પ્રમાણમાં ઓછી દંભી અને થોડીક ઓછી લાલચુ છે. નવી પેઢી માટે દેશપ્રેમ અને ભારતીયતા પ્રમાણમાં થોડી વધુ મહત્વની છે. પર્યાવરણ અને દેશની પ્રગતિનો વિચાર નવી પેઢી માટે સત્તા અને પદથી થોડોક વધુ મહત્વનો છે…
આશા રાખીએ કે, પ્રધાનમંડળના આ નવા ચહેરા ગુજરાતને એક નવી ઊંચાઈ પર લઈ જાય. ખુરશીની ખેંચાખેંચને બદલે આ પહેલીવારના પ્રધાનો ગુજરાતને ધર્મ અને જ્ઞાતિ-જાતિથી ઉપર ઉઠાવીને ફરી એકવાર ‘ગરવું ગુજરાત’ બનાવે.
Super madam bau saras vat kari
Nice step taken by the BJP
Namaskar