નવી પેઢી નકામી નથીઃ એમને કામ કરવા દો તો…

કલકત્તામાં જુનિયર ડૉક્ટરના બળાત્કાર પછીની અટકળો અને મીડિયાના મોજાં શમી
ગયા છે. નિઠારી, આરુષિ, તલવાર, સુશાંતસિંહ જેવા અનેક કેસીસની જેમ કલકત્તાની જુનિયર
ડૉક્ટરનો કેસ પણ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો છે, એટલે હવે એ કેસમાં શું થશે, કંઈ થશે કે
નહીં એ વિશે પણ અટકળો જ કરવી રહી! એક તરફ, મહારાષ્ટ્ર, હરિયાણાના ઈલેક્શન તોળાઈ રહ્યા
છે તો બીજી તરફ, દેશમાં પૂરની સ્થિતિએ ભયાનક આર્થિક અને માનવજીવનનું નુકસાન કર્યું છે.
નવાઈની વાત એ છે કે, આ દેશમાં દર વર્ષે પૂર આવે છે, દર વર્ષે શહેરોના રસ્તા પર પાણી ભરાય છે,
ગામડાંના સંપર્ક કપાઈ જાય છે તેમ છતાં આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે જ્યાં હતા ત્યાંથી
એક તસુ પણ આગળ વધ્યા નથી? જે પેઢી વિકાસ માટેની ક્રેડિટ લે છે એ પેઢીએ ખરેખર કર્યું શું?

મહારાષ્ટ્રમાં ખેડૂતોના અને દેશમાં વિદ્યાર્થીઓના આપઘાતની સંખ્યા વધી રહી છે,
ગુજરાતના દરિયા કિનારેથી, રાજસ્થાન અને કચ્છની બોર્ડર પરથી વિપુલ પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે,
દેશમાં ઠેર ઠેર પૂલ તૂટી રહ્યા છે, રસ્તાઓ પર ખાડા છે. ગુજરાત વરસાદ અને પૂરમાં તારાજ છે તો
યુપી અને બિહારની જનતા નારાજ છે ત્યારે એક સવાલ એવો ઊઠે છે કે ઠેર ઠેર ઊભા કરાયેલા
હોર્ડિંગ્સમાં જાતભાતની સરકારી યોજનાઓની જાહેરાત, વિકાસ અને વૃધ્ધિદરની વાતોની સાથે
સરકારની કામગીરી વિશે આપણને જે કંઈ માહિતી અથવા પ્રચારની વિગતો મળે છે એ બંને પરસ્પર
વિરોધી વાતો નથી? છેલ્લા છ-સાત દાયકામાં બદલાતી રહેલી સરકારો પોતે કરેલા કામનો જે પ્રચાર
કરે છે એ દેખાતું કેમ નથી?

એવું કહેવામાં આવે છે કે, ગુજરાતમાં રોજના છ બળાત્કાર થાય છે, દેશમાં રોજના
90 બળાત્કાર થાય છે, ડોમેસ્ટિક વાયોલેન્સ અને સ્ત્રીઓના આપઘાતની સંખ્યાના આંકડા પણ
હચમચાવી મૂકે એવા છે. આ બધું અખબારોમાં, મીડિયામાં આપણી સામે આવતું જ રહે છે તેમ
છતાં, ભારતની જનતાનું લોહી જાણે ઠંડું પડી ગયું છે! આ એ દેશ છે જ્યાં 19-20 વર્ષના
લબરમૂછિયા, નવલોહિયા યુવાનોએ આઝાદીના જંગમાં ઝંપલાવ્યું હતું એ વાતને હજી એક સદી પણ
નથી થઈ. આપણે ગાંધી, સરદાર, કૃષ્ણ અને વિવેકાનંદની વાતો કરીએ છીએ. ઝાંસીની રાણીના
ગીતો ગાઈએ છીએ, પણ ગ્રાહક સુરક્ષા જેવી નજીવી બાબત માટે અવાજ ઉઠાવવાને બદલે આપણે
‘છોડો! જવા દો…’ કહીને વાત ટાળી દઈએ છીએ. તૂટેલો પૂલ હોય કે એરલાઈન્સના ધાંધિયા, જૂની
પેઢી ચૂપચાપ સહન કરવા માટે ટેવાઈ ગઈ છે, અને પછીની પેઢીને આ દેશમાં રહેવાને બદલે દેશ
છોડીને જતા રહેવા માટે પ્રોત્સાહિત કરવા લાગી છે…

વિચારીએ તો સમજાય કે, સરકાર જ્યારે જન ધનની જાહેરાત કરે છે, કે મહારાષ્ટ્રમાં
બહેનોને ત્રણ-ત્રણ હજાર, યુવાનોને 1500 રૂપિયા દર મહિને આપવાની જાહેરાત કરે છે ત્યારે એ
પૈસા ક્યાંથી ચૂકવાય છે? ટેક્સ પેયરના ખાતામાંથી… જે લોકો પ્રામાણિકતાથી ટેક્સ ભરે છે, પોતાની
આવકના આંકડા છુપાવ્યા વગર એડવાન્સ ટેક્સ ભરે છે એમને મળવી જોઈતી સામાન્ય સુવિધાઓ
પણ એમના સુધી પહોંચતી નથી એટલું જ નહીં, એમના જૂના હિસાબો ખોલીને એકાદ નાની ભૂલ
માટે ખાતા સીલ કરવામાં આવે છે, નોટિસ મોકલવામાં આવે છે. એ નોટિસનો જવાબ આપવાનો
પ્રયત્ન કરવામાં આવે ત્યારે કેટલાક અધિકારીઓ ખુલ્લમખુલ્લા લાંચ માગે છે. આવી કોઈ
અપ્રમાણિકતા કરવાનો ઈનકાર કરનારી વ્યક્તિ સાથે ન્યાયની વાત તો દૂર રહી, પરંતુ એને વધુ હેરાન
કેવી રીતે કરી શકાય એવા રસ્તા શોધનારા અધિકારીઓ પણ આ સરકારમાં હજી સુધી બેઠા છે, એ
કેટલી નવાઈની વાત છે! એક સામાન્ય સરકારી નોકરીમાં બંગલા, પ્લોટ, જમીન અને વિદેશ પ્રવાસ,
વિદેશી ગાડીઓ ફેરવતા આ બધા રિટાયર થઈ રહેલા-થઈ ગયેલા અધિકારીઓને જનતાએ ક્યારેય
કોઈ પ્રશ્ન કેમ પૂછ્યો નથી?

છેલ્લા 15 વર્ષમાં ભારત બદલાયું, વિશ્વકક્ષાએ પોતાનું સ્થાન ઊભું કરી શક્યું.
ભાજપની સરકારે ભારતના નાગરિકને માથું ઊંચું રાખીને જીવતા તો શીખવ્યું, પરંતુ પ્રધાનમંત્રી અને
મુઠ્ઠીભર મિનિસ્ટર્સ શું કરી શકે? જે કામ થાય છે એને લોકો સુધી પહોંચાડવાને બદલે જે નથી થતું,
અટક્યું છે કે જ્યાં ભૂલ થઈ છે એની જ નીચે લીટી દોરીને એને ઉછાળવાનું કામ સોશિયલ મીડિયા
કરે છે, લોકો દોરવાઈ જાય છે.

જૂના, ખાઈ બદેલા ઓફિસર્સ અને મિનિસ્ટર્સને રિટાયર કરવાની એક નવી પ્રથા શરૂ
થઈ એનાથી ગુજરાતને યુવા મંત્રીઓ મળ્યા છે. પોલીસમાં કામ કરતા લોકોને સન્માન મળે, એમનું
કામ લોકો સુધી પહોંચે એવા નિષ્ઠાપૂર્ણ પ્રયાસને કારણે આજે ગુજરાત પોલીસની ઈમેજ બદલાઈ છે.
શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે ગુજરાતે અવનવી સિધ્ધિઓ હાંસલ કરી છે. ઉચ્ચ શિક્ષણમાં આજે
ગુજરાત નંબર વન સ્ટેટ છે. ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવાના નિર્ણયે નુકસાન પણ કર્યું હશે
કદાચ, પરંતુ સાથે જ નવા વિષય પર-નવા વિચાર સાથે નવી ફિલ્મો બનતી થઈ છે. યુવા કલાકારો,
દિગ્દર્શકો અને લેખકોની એક આખી નવી પેઢી ગુજરાતી ફિલ્મોમાં પોતાનું ભવિષ્ય જોઈ રહી છે.
યુવા આઈએએસ અધિકારીઓ તંત્રને સ્વચ્છ કરવાની જનતાની મદદે ઊભા રહેવાનો પ્રયાસ કરી રહ્યા
છે. આ બદલાવ, ચોખ્ખો દેખાય એવો છે, પરંતુ આ સૌની મહેનત અને પ્રયાસો ત્યારે જ સફળ થશે
જ્યારે આપણે, વોટર-જનતા-જનસામાન્ય પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરીશું. આપણને બધાને સરળ
રસ્તા ફાવી ગયા છે. ખાસ કરીને, વચલી પેઢી (સાંઈઠના દાયકામાં જે જન્મ્યા છે અને અત્યારે જેમણે
‘સફળતા’નું સ્ટિકર પોતાના ચહેરા પર ચોંટાડ્યું છે) એ આખી પેઢીએ કરપ્શનને પોતાની સફળતાનો
રસ્તો બનાવ્યો. એમણે પાડેલી ટેવ છૂટતાં સમય લાગશે, પરંતુ નવી પેઢીએ નક્કી કરવું પડશે કે એમણે
આ ગંદકીમાંથી દેશને બહાર કાઢવો છે.

હવે તમામ સફળ બિલ્ડર્સ, ઝવેરીઓ-ઉદ્યોગપતિઓ અને શિક્ષણકારોની એક નવી પેઢી
તૈયાર થઈ છે. આ પેઢી પાસે પોતાનું વિઝન છે, સ્વપ્ન છે અને એથી આગળ વધીને એમની કામ
કરવાની પોતાની રીત છે. મોટાભાગના પિતા-જેમણે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું, એ પોતાની ખુરશી
અને ખ્યાલ બંને છોડવા તૈયાર નથી. ‘નવી પેઢી’ને કંઈ આવડતું નથી, અનુભવ નથી, એ કોઈનું
સાંભળવા તૈયાર નથી જેવા જાતભાતના આક્ષેપો સાથે નવી પેઢીને સત્તા નહીં સોંપતા આ બધા
‘સફળ’ લોકોએ પોતાની જ નવી નસ્લમાં વિશ્વાસ મૂકવો પડશે, એમને નિર્ણય કરવાનો અને ભૂલો
કરવાનો અધિકાર આપવો પડશે… કદાચ, જે પેઢીને બેફિકર, બેજવાબદાર અને બિનઅનુભવી કહીને
અવગણી કાઢવામાં આવે છે એ જ પેઢી આ દેશના સાચા બદલાવનું કારણ બની શકે એમ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *