નવરાત્રિઃ સનાતન ધર્મ અને સંસ્કૃતિની પરંપરા

આપણે સૌ ‘ભારતીય’ છીએ અને સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા દેશમાં સિંધુ નદીને કિનારે
પાંગરી એમ ઈતિહાસ કહે છે. સંસ્કૃતિને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પૂર્વ વૈદિક કાળ
(ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) અને ઉત્તર વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૦૦૦ થી ૫૦૦) ‘વિદ્’નો
અર્થ થાય છે જાણવું, ‘વેદ’ જ્ઞાન છે. લેખન તો, હસ્તપ્રતોથી ઘણું મોડું કરવામાં આવ્યું. મૂળ તો વેદનું
તમામ જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિ (સાંભળવું અને યાદ રાખવું) થી ફેલાતું રહ્યું.

વેદ પછી ‘ઉપનિષદ’ આવે છે. વિદ્યાની પ્રાપ્તિ માટે ગુરૂની પાસે બેસવું-શબ્દનો અર્થ
‘ઉપનિષદ’ થાય છે. વેદ સમજવા અને શીખવા માટે ઉપનિષદનો આશરો લેવામાં આવ્યો હશે.
ભારતીય દર્શન અથવા સંસ્કૃતિનું મૂળ ઉપનિષદમાં છે માટે એને ‘વેદાંત’ (વેદનો નીચોડ અથવા વેદનો
અંત) કહેવામાં આવે છે. કુલ ઉપનિષદની સંખ્યા 108 જેટલી છે, પરંતુ મુખ્ય ઉપનિષદો 19 છે.
મોટાભાગના ઉપનિષદો પ્રશ્નોત્તરીમાં રચાયા છે, સંગ્રહીત થયા છે.

પૂર્ણ સત્યને નવી રીતે કહેવાના પ્રયોગને ‘પુરાણ’ કહેવાય છે. વેદ અને ઉપનિષદમાં મંત્રો કે
સુભાષિતો સ્વરૂપે કહેવાયેલાં સત્યો કે વિજ્ઞાનને પુરાણોમાં કથાના માધ્યમથી સરળ બનાવીને કહેવાયા
છે. પ્રાચીન ભારતની પરંપરા અને સંસ્કૃતિ પુરાણમાં સચવાઈ છે. 18 પુરાણોના કુલ શ્લોકની સંખ્યા
ચાર લાખથી વધુ થાય છે. જેમાં શ્રીમદ્ ભાગવદ્, વિષ્ણુ પુરાણ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે.
બ્રહ્માંડ પુરાણમાં લખ્યુ છે કે વેદવ્યાસે એક પુરાણસંહિતાનું સંકલન કર્યુ હતુ. તેની આગળની વાત
વિશેની માહિતી વિષ્ણુ પુરાણમાંથી મળે છે. તેમાં લખ્યું છે કે વ્યાસના એક રોમ હર્ષણ નામના એક
શિષ્ય હતા જે સૂત જાતિનો હતો. વ્યાસજીએ પોતાની પુરાણ સંહિતા તેના જ હાથમાં આપી હતી.
રોમ હર્ષણના છ શિષ્ય હતા, સુમિત, અગ્નિવર્ચા, મિત્રયુ, શાંશપાયન, અકૃતવ્રણ અને સાવર્ણી.
તેમાંથી અકૃત- વ્રણ, સાવર્ણી અને શાંશપાયને રોમ હર્ષણ પાસેની પુરાણસંહિતાના આધારે એક બીજી
સંહિતાની રચના કરી હતી. વેદવ્યાસે જે પ્રકારે મંત્રોનું સંગ્રહ કરીને તેમનું સંહિતામાં વિભાગ દર્શાવ્યા
હતા તે પ્રકારે પુરાણના નામેથી પ્રચલિત વૃત્તોનું સંગ્રહ કરીને પુરાણસંહિતાનું સંકલન કરવામાં આવ્યું.
આ એક સંહિતાને લઇને સુતના શિષ્યોએ ત્રણ બીજી સંહિતાની રચના કરી. આ સંહિતાઓને આધારે
જ 18 પુરાણોની રચના થઇ હશે… શિવ પુરાણનો એક હિસ્સો દેવી ભાગવત પુરાણ છે જેમાં
પાર્વતી, ભગવતી કે જગતજનનીના અવતારોની કથા મળે છે. શ્રી લલિતા સહસ્ત્રનામ સ્તોત્રમનું
વર્ણન બ્રહ્માંડ પુરાણમાં જોવા મળે છે. દેવી લલિતા એ દેવી આદિ શક્તિનું એક સ્વરૂપ છે, જેની દેવી
“ષોડશી” અને દેવી “ત્રિપુરા સુંદરી” ના નામથી પણ પૂજાય છે. દેવી દુર્ગા, કાલી, પાર્વતી, લક્ષ્મી,
સરસ્વતી અને દેવી ભગવતીની પ્રાર્થનાઓ પણ આ સ્તોત્રમાં સમાવી લેવાઈ છે. દુર્ગમ રાક્ષસને
મારનાર દુર્ગા, ચંડમુંડને મારનાર ચામુંડા, હિમાલયની પુત્રી-શૈલપુત્રી, ભૂખ્યા-તરસ્યા જીવોને શાક
અને ફળ આપનાર શાકંભરી, સહસ્ત્ર આંખોથી પોતાના ભક્તોને જોતી શતાક્ષી, અમૃતમંથનમાંથી
ઉદભવેલી લક્ષ્મી… આવાં તો અનેક નામ દેવી-શક્તિ સ્વરૂપનું વર્ણન કરે છે. વ્યાસજીએ વેદોનું ચાર
ભાગોમાં વિભાજન કર્યું માટે એ વેદવ્યાસ કહેવાયા. ત્યાર પછી વેદ ભણવા માટે જે અધિકારી નથી
એવા લોકો માટે પુરાણ સંહિતાનું સંપાદન કર્યું. 18 પુરાણોની રચના કરી એમણે સુતજીને સંભળાવી,
મહાભારતની કથા સંભળાવી અને ત્યાર પછી એમણે ભુક્તિ (ભોગ) અને મુક્તિ આપનાર દેવી
ભાગવત નામના પુરાણની રચના કરી એમ કહેવાય છે. વ્યાસજી પોતે વક્તા બનીને જન્મેજય રાજાને
દેવી ભાગવત સંભળાવે છે.

દેવી અથવા શક્તિ એટલે શું? એના ઉત્તરમાં વેદ કહે છે કે, ‘જેનામાં જન્મ આપવાની
ઋજુતા છે અને જે મૃત્યુનું મહાકાલી સ્વરૂપ છે, જેનું અપ્રતિમ સૌંદર્ય છે અને જેનો ક્રોધ ભયાનક છે,
જે રક્ષા પણ કરે છે અને સર્વનાશ કરવાનું જેનામાં સામર્થ્ય છે એ દેવી છે. દેવ પણ જેને નમે છે એ
‘શક્તિ’ છે. જે શિવના સૂક્ષ્મ સ્વરૂપને વહન કરીને પરમતત્વ સાથે સંયોજાઈને જગતની રચના કરે છે
એ જગતજનની છે.

દેવી શક્તિનું મૂળ ઋગ્વેદમાં આદ્યશક્તિ સ્વરૂપે વર્ણવાયું છે. એ સમયે નરદેવનું પ્રાધાન્ય વધુ
હતું તેથી વધુ દેવી સ્તોત્ર પ્રાપ્ત થતા નથી, પરંતુ ઋગ્વેદમાં શ્રીસુક્ત ઉપલબ્ધ છે. પુરાણકાળમાં દેવ
અને દેવીનું સામર્થ્ય લગભગ સમાન કક્ષાએ પહોંચ્યું છે. એ પછી શૈવ અને શાક્ત સંપ્રદાયોની
શાખાઓ ઉદભવી હશે એમ માની શકાય. નવરાત્રિ એ પૂર્ણાંકનું પ્રતીક છે. જેમ કૃષ્ણને પૂર્ણપુરુષોત્તમ
માનવામાં આવે છે એમ માતાની આરાધના નવ દિવસ સુધી કરનાર વ્યક્તિએ નવાન્હ પારાયણ પૂર્ણ
કર્યું એમ માનવામાં આવે છે.

આપણે આસોની એક જ નવરાત્રિને ઉત્સવ સ્વરૂપે ઉજવીએ છીએ, પરંતુ ચૈત્ર, વૈશાખ, જેઠ
અને આસોની ચાર નવરાત્રિનો સનાતન ધર્મમાં ઉલ્લેખ છે. ગરબો એ ગર્ભ છે, એમાં મૂકાયેલો અખંડ
દીવો એ જીવનનું પ્રતીક છે-પ્રજ્જવલિત આત્મા છે. બાણભટ્ટ નામના એક સ્તોત્રકારે ચંડીશતકની
રચના કરી. ચંડીશતકમાં શિવ પત્ની કાલિ સ્વરૂપ ભવાનીની સ્તુતિ છે. ચંડીશતકમાં દેવીના સૌંદર્યનું
પણ વર્ણન કરવામાં આવ્યું છે. આંધ્રના પંડિત જગન્નાથે ગંગાલહરી, અમૃતલહરી (યમુનાની સ્તુતિ)
અને લક્ષ્મીલહરીની રચના કરી છે. કૃષ્ણનાથ સાર્વભૌમ વૈષ્ણવ હોવા છતાં એમણે દેવી શતકની
રચના કરી છે.

આદરણીય આદિ શંકરાચાર્યએ ‘ભવાન્યષ્ટક’, ‘આનંદલહરી’, ‘દેવી અપરાધ ક્ષમાપન’,
‘સૌંદર્યલહરી’ અને ‘અન્નપૂર્ણાષ્ટક’ જેવી રચનાઓ કરી. શંકરાચાર્ય અદ્વૈત વેદાન્તિ હોવા છતાં
એમણે અદ્વૈત સ્વરૂપમાં શિવ અને શિવાનો સમાવેશ કર્યો છે જેમાં એમણે શક્તિ વિનાના શિવની
નિઃસહાયતાનું વર્ણન કર્યું છે. શરીરના ચક્રોમાં દેવી ક્યાં અને કયા સ્વરૂપે નિવાસ કરે છે, એનું વર્ણન
કરીને એમણે લખ્યું છે કે, પાર્વતી જ, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી અને મન પણ છે. એમણે
લખ્યું છે કે, શિવની દૃષ્ટિ કાળ છે અને શિવાની દૃષ્ટિ જીવન છે.

આવતીકાલે, શરૂ થતી નવરાત્રિ ત્રણ વર્ષ પછી ઉત્સવ બનીને આવી છે. માત્ર ગરબે ઘૂમવાને
બદલે આ ઉત્સવને ભીતર રહેલી શક્તિની આરાધના કરીને આત્માના શુધ્ધિકરણનો ઉત્સવ પણ
બનાવીએ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *