નો આયેશા ! માફ કરી શકાય, મરી ન શકાય…

“ડિયર ડેડ, અપનો સેં કબ તક લડેંગે? કેસ વિડ્રોઅલ કર લો. અબ નહીં કરના… આયેશા લડાઈ કે લિએ નહીં બની હૈ…પ્યાર કરતે હૈં આરિફ સે. ઉસે પરેશાન થોડી ના કરેંગે ? અગર ઉસે આઝાદી ચાહિએ તો ઠીક હૈ, વો આઝાદ રહે. અપની જિંદગી તો યહીં તક હૈ… મૈં ખુશ હું કી મૈં અલ્લાહ સેં મિલુંગી ઔર ઉનસે કહુંગી કે મેરી ગલતી કહાં રહે ગઈ” હસતાં હસતાં આ કહી રહેલી આયેશા આરિફ ખાને આ છેલ્લો વિડિયો બનાવ્યા પછી સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી.

એના પિતા લિયાકતઅલી મકરાણી એ આક્ષેપ કર્યો છે કે એના સાસરિયાંએ ત્રણ દિવસ સુધી એને ખાવા આપ્યું નહોતું. એનો ફોન છીનવી લીધો હતો. આયેશાએ કોઈ બીજી વ્યક્તિના ફોન પરથી પિતાને જણાવ્યું હતું કે એણે ત્રણ દિવસથી કશું ખાધું નહોતું. પિતા આયેશાના સાસરે, ઝાલોર જઈને એને અમદાવાદ લઈ આવ્યા હતા. અગાઉ પણ આયેશાને દહેજ માટે હેરાન કરી હોવાનો એના પતિ આરિફને દોઢ લાખથી વધુ રકમ ચૂકવી હોવાનો આક્ષેપ એના પિતાએ કર્યો છે. 21 ઓગસ્ટે આયેશાએ એના પતિ, સાસુ – સસરા અને નણંદ વિરુદ્ધ વટવામાં ડોમેસ્ટીક વાયોલન્સનો કેસ કર્યો હતો. એ પછી છ મહિના પિયરના ઘરે રહીને આ છોકરી આયેશાએ 25 ફેબ્રુઆરીએ આપઘાત
કરી લીધો.

આયેશાના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. 21 ઓગસ્ટે કરેલા કેસ પછી જ્યારે આયેશાએ પતિ આરિફ સાથે સારી રીતે જીવવા માટેનો પ્રયાસ કરવા ફરી એક ફોન કર્યો ત્યારે આરિફે એને મરી જવાનું કહ્યું. એટલું જ નહીં એણે કહ્યું કે,”તું મરી જાય એ પહેલાં મને એક વીડિયો બનાવીને મોકલજે જેથી મને પોલીસનું કોઈ લફરું ન થાય.” આયેશા કદાચ સાચે જ એના પતિને માફ કરવા માગતી હશે, માટે એણે હસતાં હસતાં આપઘાત કર્યો અને છેલ્લા વીડિયોમાં કહ્યું “હું મારા પતિને મારું ખૂન માફ કરુ છું”. ઈસ્લામના અર્થને જીવી બતાવ્યા પછી આ નાનકડી છોકરીએ દુનિયા છોડી દીધી. જો કે, પતિને માફ કરવાની આયેશાની આ આખરી ઈચ્છા પૂરી થાય એવું લાગતું તો નથી!

આયેશાનો આ વિડીયો ખૂબ વાઈરલ થયો છે. આપઘાત કરતાં પહેલાં એક યુવતીએ આપેલા બયાનને એનું ડાઇંગ ડેકલેરેશન ગણાવીને એના પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આપઘાત પહેલાં આયેશાએ પિતા સાથે કરેલી વાતનો ઓડિયો પણ હવે ફરતો થયો છે, ત્યારે એક સવાલ એવો પૂછવો પડે છે કે જાતે કમાતી અને આપઘાત જેવો નિર્ણય કરીને હસતાં હસતાં મરી શકતી છોકરી હિંમતથી જીવવાનો નિર્ણય કેમ ન કરી શકી ? ‘પ્રેમ’માં મરી જવાનું આ ગ્લેમર ફિલ્મો કે નવલકથામાં ઠીક છે, જિંદગીમાં આવો નિર્ણય શા માટે
રવો જોઈએ ?

આયેશાના મૃત્યુ માટે એનો પતિ તો જવાબદાર છે જ, પરંતુ એથી વધુ જવાબદાર એણે પોતે સ્વીકારી લીધેલી નિષ્ફળતા છે. એક સ્ત્રી જ્યારે અત્યાચાર વિરુદ્ઘ લડવાની હિમંત છોડી દે છે ત્યારે એ આખા સમાજને, બીજી અનેક સ્ત્રીઓને નિરાશા અને હતાશામાં ઘકેલી દે છે. છેલ્લાં અઠવાડિયામાં વાંચેલા સમાચારોને એક હાઈલાઈટ તરીકે જોઈએ તો સમજાય કે, સ્ત્રી સાથે થયેલા ગુન્હાનું પ્રમાણ વધ્યું છે. સાઈબરક્રાઈમ, દહેજના ગુના અને બળાત્કારના 45,485 કેસ રજિસ્ટર થયા છે. (2019) એનો અર્થ એ થાય કે એક વર્ષમાં ક્રાઈમ એગેઈન્સ્ટ વીમેનમાં 7.8 ટકાનો વધારો થયો છે. એ જ રીતે મા અથવા સાસુને ઘરમાંથી કાઢી મૂકવાના કેસમાં 19.03 ટકાનો વધારો થયો છે. બળાત્કાર અને શારિરીક એસોલ્ટના કેસમાં 7.03 ટકાનો વધારો થયો છે.

આવતીકાલે ‘વૂમન્સ-ડે’ છે આખી દુનિયા સ્ત્રીઓ માટેનો ખાસ દિવસ ઉજવશે. એકબીજાને વોટ્સઅપ કે ઈ-મેઈલ દ્વારા સંદેશા મોકલશે. સ્ત્રીઓ માટેના ખાસ કાર્યક્રમો યોજાશે અને સ્ત્રીસશક્તિકરણ, સ્ત્રીગૌરવ કે સ્ત્રીસન્માનની કથાઓ કહેવાશે. આ દિવસ દર વર્ષે ઉજવાય છે. તે છતાં સ્ત્રીઓ સાથેના ક્રાઈમમાં થતો આ દેખીતો વધારો શું સૂચવે છે ? છેલ્લાં એક વર્ષમાં નોંધાયેલા આપઘાતની સંખ્યામાં પણ વધારો થયો છે એટલું જ નહીં. એમાં સ્ત્રીઓના આપઘાતની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે. એક યા બીજા કારણસર સ્ત્રીઓ હારી રહી છે. જીવવાની ઈચ્છા કે સંઘર્ષની તાકાત હવે જાણે કે બાકી રહ્યાં ન હોય એમ, વિશ્વભરની સ્ત્રીઓના જીવનમાં ન સમજાય તેવી નિરાશા પ્રવેશી રહી છે. આશ્ચ્રર્યની વાત એ છે કે, સરકાર અને સમાજ સ્ત્રીની બાબતમાં સામસામે ઉભા છે. મોટાભાગના દેશોની સરકાર સ્ત્રીસશક્તિકરણ અને મહિલા ઉત્થાનના કાર્યક્રમો અને કાયદા ઘડી રહી છે, તો બીજીતરફ સમાજ સ્ત્રીઓની બાબતમાં વધુ સંકુચિત, વધુ જડ, વધુ આક્રમક અને ક્રૂર થતો જાય છે. ઓનરકિલીંગ હોય કે સ્ત્રીના વધુ ભણવા વિશેનો પ્રશ્ન, ભારતના ગામડાંઓમાં જાતિવાદ ઝેરની જેમ ફેલાયેલો છે. દહેજ અને ડોમેસ્ટિક વાયેલન્સ તદ્દન ગરીબથી શરૂ કરીને અબજોપતિના ઘરમાં પણ જોવા મળે છે, ને સૌથી પીડાદાયક વાત એ છે કે, આની સામે
લડવાને બદલે છોકરી – સ્ત્રીઓ આત્મહત્યાનો માર્ગ વધુને વધુ પ્રમાણમાં અપનાવવા લાગી છે.

આપણે જે સમયમાં પ્રવેશી રહ્યા છીએ એ સમય વધતી જતી વ્યક્તિગત એકલતાનો સમય છે. લગભગ દરેક વ્યક્તિ પોતાનો વધુમાં વધુ સમય એક યા બીજા ડિવાઈસ સાથે પસાર કરવા લાગી છે. યુવા પેઢીના સંતાનો વિશે ઘણા માતા- પિતાનો અનુભવ હશે કે એમની સાથે ગમે તેટલી અગત્યની વાત કરી રહ્યાં હોઈએ તો પણ એમની નજર એમના ફોનના સ્ક્રીન પર હોય છે. એકબીજા સાથે વાત કરવાના સંબંધો ઘટતા જાય છે, સંપર્ક ઘટતા જાય છે. આપણે બધા ડિજીટલયુગમાં પ્રવેશ્યાં છીએ. જ્યાં લગભગ દરેક ચીજ વર્ચ્યુઅલ છે. પાંચ બાય સાતના નાનકડાં સ્ક્રીન પર દેખાતાં શોપિંગથી સમાચાર અને સંબંધોથી સેક્સ સુધીની આખી દુનિયા હવે એટલાં જ નાનકડાં ડિવાઈસમાં સમાઈ જાય છે. આપણે, આમ તો બધા જ પરંતુ, વધુ પ્રમાણમાં સ્ત્રીઓ પોતાના ફોન સાથે અટેચ્ડ થતી જાય છે.

વોટ્સઅપ ફોરવર્ડ કરવા, વિડીયો જોવા, રેસીપી કે જીવન જરૂરિયાતની વસ્તુ ઓર્ડર કરવા સુધીનું બધું કામ સ્ત્રીઓ ફોન પર કરી રહી છે. નવરાશના સમયમાં ‘કેન્ડિક્રશ’ કે ‘કોલ ઓફ ડ્યૂટી’ જેવી ગેમ્સ રમવાનું પણ આજની સ્ત્રી શીખી રહી છે. છેલ્લાં એક વર્ષમાં ઘરના પુરૂષની આવકની ઘટી કે બંધ થઈ છે ત્યારે લગભગ ગૃહિણીની જેમ જિંદગી એક-બે દાયકા જીવી ગયેલી સ્ત્રીઓએ ફરી કમરકસીને ઘરની આવકમાં પોતાનું પ્રદાન ઉમેર્યું છે. 2020ના એક વર્ષમાં વસ્તુ વગર ચલાવતાં કે બે રૂમના ઘરમાં બંધ રહીને પણ ઘરના સભ્યોની સગવડ સાચવતાં શીખી ગયેલી આજની નારી પોતાની સગવડ વિશે કે પોતાના સ્વાસ્થ્ય વિશે આટલી બેધ્યાન કે બેદરકાર શા માટે છે? વોટ્સઅપ પર સ્ત્રીઓને લગતા કાયદા બાબતે, સ્ત્રીઓના અધિકાર વિશે કે સ્ત્રીના સ્વાસ્થ્ય વિશેની માહિતી ઓછામાં ઓછી સર્ચ કરવામાં આવે છે, કારણ કે સ્ત્રી પોતે જ એમાં રસ નથી લેતી. એની સામે સૌંદર્ય, સ્કીનકેર, વાળ વધારવા કે વજન ઉતારવા, મેક-એપ કે ગ્રૂમિંગની માહિતી વધુમાં વધુ સર્ચ કરવામાં આવે છે. કારણ કે સ્ત્રીને પોતાના અસ્તિત્વનો પ્રર્યાય હજી સુધી આવી ક્ષુલ્લક બાબતોમાં જ દેખાયા કરે છે.

આજે જ્યારે સમગ્ર વિશ્વ 2022 તરફ જોઈ રહ્યું છે, ત્યારે ભારતની સ્ત્રી શું ઈચ્છે છે? એના જીવનનું મૂલ્ય હજી પણ એના પતિ સાથે ના સંબંધમાં પૂરું થઈ જાય છે ? એના વિકાસ કે વ્યક્તિત્વનો સમગ્ર અર્થ એક પુરુષ ઉપર શા માટે અવલંબે છે ?

પ્રેમ, દાપત્ય, પરિવાર કે માતૃત્વ સ્ત્રીના ગુણો છે… એનું સમગ્ર અસ્તિત્વ આટલા જ શબ્દોમાં પૂરું થતું નથી, થઈ શકે નહીં. સમાજે સ્ત્રીને બે અંતિમોની વચ્ચે ઉભી કરી દીધી છે. એ કાં તો સમર્પિત છે અથવા શાસક છે, એ દેવી છે અથવા દાસી છે, એ મા છે અથવા સાસુ છે… સૌથી વધુ નવાઈ લાગે એવી વાત એ છે કે સ્ત્રીએ પોતે પણ સમાજનું આ વિભાજન સ્વીકારી લીધું છે. એણે પોતે પણ પોતાની જાતને આ બે જ વિકલ્પોની વચ્ચે ગોઠવી લીધી છે. એ કાં તો માર ખાય છે અથવા મારે છે, એ પીડિત, શોષિત, કચડાયેલી, દબાયેલી છે અથવા હુકમ ચલાવે છે, કકળાટ કરે છે, કર્કશા છે. એક સ્ત્રી “નોર્મલ” કેમ ન હોઈ શકે ?

સ્ત્રી અને પુરુષ, કુદરતના સર્જન છે. કોઈ વૃક્ષ, નદી, પક્ષી-પ્રાણી, સૂર્ય કે પૃથ્વીની જેમ… માનવ પણ કુદરતની જ રચના છે. એમાં સ્ત્રી અને પુરુષ એ માત્ર એ ભિન્ન રચનાઓ છે. કોઇ એકને બીજા ઉપર અત્યાચાર કરવાનો અધિકાર નથી, એવી જ રીતે બીજી વ્યક્તિએ અત્યાચાર સહન કરવાની જરૂરત પણ નથી જ… ઈશ્વરના સર્જનનું વિસર્જન કરવાનો અધિકાર પણ ઈશ્વરનો જ છે. કોઇ એક વ્યક્તિના પ્રેમ માટે
આયેશાએ પોતાના જીવનનો અંત કર્યો એને બદલે એ માતા-પિતાની સેવા કરી શકી હોત, ભાઈ-બહેનોને આગળ વધવામાં મદદ કરી શકી હોત, એના પોતાના સમાજની આવી દુ:ખી- પીડીત સ્ત્રીઓની સાથે ઉભી રહીને એમને બહેતર જીવન જીવવાની પ્રેરણા અને સહારો બની
શકી હોત…

મોટાભાગની સ્ત્રીઓ શક્યતાઓને તપાસતી નથી, માટે આપણે સ્ત્રીઓ, આપણી સામે ખુલ્લા પડેલા રસ્તાઓને જોઈ શકતી નથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *