દોસ્તી આ દુનિયાનો એક એવો સંબંધ છે જેને કોઈ દેશ-કાળ, લેબલ કે જ્ઞાતિ-જાતિ,
ઉંમરના બાધ નથી નડતા. 70 વર્ષના વૃદ્ધને સાત વર્ષના બાળક વચ્ચે પણ દોસ્તી હોઈ જ શકે.
સ્ત્રી અને પુરુષ વચ્ચે દોસ્તી હોઈ શકે. માણસ અને પશુ વચ્ચે દોસ્તી હોઈ શકે. એક વૃક્ષ અને
વ્યક્તિ વચ્ચે પણ દોસ્તી હોઈ શકે! દોસ્તીનો સંબંધ સ્નેહ, સંવાદ, સમજણ અને સહજતાનો
સંબંધ છે. પદ, પ્રતિષ્ઠા કે માન-સન્માન સાથે દોસ્તીને કોઈ લેવાદેવા નથી. મૈત્રી-દોસ્તી અને
પ્રેમ, બધામાં અક્ષર તો અઢી જ છે, છતાં મૈત્રીનું મહત્વ પ્રેમ કરતાં વધારે છે. મિત્રોનું ટોળું ન
હોય, પણ ટોળાંમાં એકાદ મિત્ર હોય તો એ જીવનભરની જણસ બની જાય. દોસ્તી હવામાં
રહેલા ઓક્સિજન જેવી છે-એને છૂટી પાડીને જોઈ ન શકાય, આપોઆપ વાતાવરણમાં રહેલા
અનેક વાયુઓમાંથી માત્ર ઓક્સિજન જ છૂટો પડીને શ્વાસમાં જાય એવી રીતે કોઈકની જ સાથે
દોસ્તી થાય. દરેક વખતે આપણે બોલીએ ને કોઈ સાંભળે, પ્રતિઉત્તર આપે જ એને સંવાદ
કહેવાય એવું જરૂરી નથી. ક્યારેક મૌનનો પણ સંવાદ હોય. સ્પર્શનો પણ સંવાદ હોય…
અહીં મરીઝની એક વાત યાદ આવે છે, “જેનો પતિ મરી જાય એને વિધવા કહેવાય,
જેની પત્ની મરી જાય એને વિધુર કહેવાય, જેનાં મા-બાપ મરી જાય એને અનાથ કહેવાય, પરંતુ
જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? આ પ્રશ્નનો જવાબ આપવામાં વિશ્વની તમામ ભાષાઓ
એકસરખી રીતે નિષ્ફળ નીવડી છે.”
મનનો મનમેળ એ મૈત્રી. માતા-પિતા, ભાઈ-બહેનની પસંદગી શક્ય નથી, પરંતુ દોસ્ત
પસંદ કરી શકાય છે. દોસ્તી જીવનનું એક એવું મહત્વનો સંબંધ છે કે જે આપણને સારા-ખરાબ
સમયમાં જીવી જવામાં મદદ કરે છે. દોસ્તી વાઈન જેવી હોય છે, જેમ વધુ જૂની એમ વધુ
નાયાબ.
લીસા, સુંવાળા, ધોઈ ધોઈને ઘસાઈ ગયેલા, થોડા ફાટી ગયેલા હોય તો પણ આપણે
અમુક કપડાં પહેર્યાં જ કરીએ છીએ, દોસ્તીનું પણ એવું જ છે. સમય સાથે એ વધુ લીસી,
સુંવાળી અને કમ્ફર્ટેબલ થતી જાય છે. ઋગ્વેદમાં મિત્રને સૂર્ય કહ્યો છે, ભર્તૃહરિ કહે છે કે, ‘મિત્ર
સાંજના પડછાયા જેવો હોય છે. એ પ્રારંભે ટૂંકો હોય છે પણ સમય સાથે વધુ ને વધુ દીર્ઘ અને
પ્રગાઢ થતો જાય છે.’
ગુલઝાર સાહેબની પંક્તિઓ દોસ્ત વિશે,
બેવજહ હૈ, તભી તો દોસ્તી હૈ,
વજહ હોતી તો, સાઝિશ હોતી.
દોસ્તીની જેમ જ આપણા જીવનના કેટલાક સંબંધો આપણને તૈયાર મળતા નથી, એમને
વાવવા-ઉછેરવા અને સાચવવા પડે છે. સાચું પૂછો તો આપણને કલ્પના જ નથી કે આપણું
જીવન સરળ બનાવનાર કેટલાય લોકો આપણી આસપાસ છે. સવારે કચરો લેવા આવનાર સફાઈ
કર્મચારીથી શરૂ કરીને શાકભાજી આપી જનાર, કપડાં ઈસ્ત્રી કરનાર, કુરિયર સર્વિસ કે આપણા
ઘર સુધી ગરમ ભોજન પહોંચાડનાર હોમડિલિવરી કરતી વ્યક્તિ, ઘરમાં ડોમેસ્ટિકહેલ્પ કે રસોઈ
કરનાર, માળી, ચોકીદાર, ડ્રાઈવરથી શરૂ કરીને રેસ્ટોરાંના વેઈટર, હોટેલમાં આપણો સામાન રૂમ
સુધી પહોંચાડનાર… આવી તો કેટલીયે વ્યક્તિઓ છે જે આપણા જીવનમાં સગવડ ઉમેરીને
આપણું જીવન બહેતર બનાવે છે. એમના તરફ સદભાવ કે આભારનો ભાવ રાખવો એ આપણી
ફરજ છે. વરસાદમાં કે શિયાળામાં હોમડિલિવરી કે કુરિયર લઈ આવનાર વ્યક્તિને થોડી ટીપ
આપવી કે ઉનાળામાં એને એક ગ્લાસ પાણીનું પૂછીને આપણે ઈશ્વર તરફનો આપણો આભાર
વ્યક્ત કરી શકીએ.
અભિનેતા સલમાન ખાનના પિતા દિગ્ગજ લેખક સલીમ ખાને એકવાર એમના
ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘કોઈ માણસનું ચારિત્ર્ય જાણવું હોય તો એ જોવું જોઈએ કે એની પાસે કેટલા જૂના
નોકર છે અને એના મિત્રો કેટલા જૂના છે’ આ વાત કેટલી સાચી છે! માનવીય સંબંધો સામાન્ય રીતે
સ્વાર્થ ઉપર બંધાય છે અને સ્વાર્થને કારણે જ તૂટી જાય છે. મોટાભાગના લોકો એવું માને છે કે,
એમને ત્યાં નોકરી કરતાં માણસો ફક્ત પૈસાની લાલચે કે મજબૂરીમાં નોકરી કરે છે. જે લોકો એવું
માને છે એમને ત્યાં કામ કરતાં માણસો અંતે એ જ રીતે વિચારતા થઈ જાય છે. જે ફક્ત પૈસા જ
ગણે છે, એના કર્મચારીઓ પણ પૈસા ગણતા થઈ જાય છે… પરંતુ, જે પોતાના સ્ટાફને,
કર્મચારીઓને પરિવાર માનીને, એમને જ કારણે પોતાનો વ્યવસાય આટલી સરળ રીતે ચાલી રહ્યો
છે અને વિકસી રહ્યો છે એમ માને છે, એમના કર્મચારીઓ પણ એ જ લાગણીનો પ્રતિસાદ આપે
છે.
સફળતા, સત્તા, હોદ્દો, પદ-પ્રતિષ્ઠા જેવી બાબતો હંમેશાં રહેતી નથી, એથી જે લોકો એ
બધી બાબતોને કારણે આકર્ષાઈને સંબંધ બાંધે છે એ લોકો આ બધું ચાલી જાય એની સાથે જ
ચાલી જાય છે, પરંતુ સદવર્તન, સારાઈ, સહાનુભૂતિ કે સ્નેહ જેવી બાબતો આપણા વ્યક્તિત્વનો
હિસ્સો હોય તો આપણી સાથે સંબંધ બાંધનારા લોકો એ ગુણોને કારણે આપણી સાથે જોડાય છે
એટલું જ નહીં, હંમેશ માટે ટકે છે.
પરમતત્વએ બનાવેલી આ દુનિયામાં સૌ સરખા નથી. ગરમ ગરમ ભોજનની ડિલિવરી
કરનાર છોકરાની ઉંમર અને મંગાવનાર છોકરાની ઉંમર લગભગ સરખી હોય ત્યારે એ લાવનાર
પરત્વે થોડોક સદભાવ કે સહાનુભૂતિ રાખીને, એને પણ ઝંખના કે ઈચ્છા હશે એવું વિચારીને
થોડીક ટીપ આપવાથી આપણે ઘસાઈ નહીં જઈએ. એને ટેવ પણ નહીં પડી જાય!
જે લોકો આપણા તરફ વફાદાર, ઈમાનદાર, જવાબદાર રહે એવું આપણે ઈચ્છતા હોઈએ
એ તમામ લોકો પરત્વે આપણે પણ એટલા જ વફાદાર, જવાબદાર રહેવું જોઈએ.