પડકાર ઝીલે એને ઘાવ લાગે, જે ચડે એ પડેય ખરા…

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું.
હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું.
ઝળાઝળાંનો મોહતાજ નથી,
મને મારું અજવાળું પૂરતું છે,
અંધારાનાં વમળને કાપે,
કમળ-તેજ તો સ્ફુરતું છે.
ધુમ્મસમાં મને રસ નથી,
હું ખુલ્લો અને નિખાલસ છું.
પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું.
કુંડળીને વળગવું ગમે નહીં.
ને ગ્રહો કને શિર નમે નહીં.
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં.
હું પોતે જ મારો વંશજ છું,
હું પોતે જ મારો વારસ છું.
પ્રારબ્ધને અહીંયો ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું.

આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ કવિતા એમના જન્મદિવસે એમના
સ્વભાવ અને પ્રકૃતિને ઉજાગર કરે છે. સામાન્ય કાર્યકરથી શરૂ કરીને દેશના સર્વોચ્ચ પદ સુધીનો
એમનો પ્રવાસ વિવાદાસ્પદ અને વિકટ રહ્યો છે. આપણા દેશમાં એક એવા લોકોનો સમૂહ છે જેમને
લાગે છે કે નરેન્દ્ર મોદી ખોટા છે, એમના નિર્ણયો અને એમની આસપાસના લોકો આ દેશનું ભલું
કરવામાં નિષ્ફળ ગયા છે. એવા લોકો સમજ્યા-વિચાર્યા વગર ફક્ત ટીકા કરે છે. સોશિયલ મીડિયામાં
કોઈ ભાજપ કે નરેન્દ્ર મોદી તરફી કંઈક લખે તો તરત જ આ ટ્રોલિયા ટોળી તૂટી પડે છે. ‘પદ્મશ્રી
મળી જશે’, ‘સરકારના તળિયાં ચાટો છો’થી શરૂ કરીને ‘મોદી ભક્ત છો’ જેવા જાતભાતના ટોળાં અને
ટ્રોલ શરૂ થઈ જાય છે. નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરવી એ લેટેસ્ટ ટ્રેન્ડ-ફેશન માનવામાં આવે
છે. 22 વર્ષથી ગુજરાત અને કેન્દ્રમાં જેમણે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે એ તદ્દન ‘ખોટા’ કે ‘સમજ
વગરના’ અથવા ‘સ્વાર્થી’ કે ‘સ્વકેન્દ્રી’ હશે એ વાત માની શકાય એમ છે? બે-ચાર-દસ કરોડ લોકો
ખોટા નિર્ણયને ચગાવી શકે, પરંતુ જ્યારે 130 કરોડ લોકો આટલાં વર્ષથી એમનું શાસન સ્વીકારી
રહ્યા છે તો એમાં ક્યાંક-કશુંક તો સાચું અને બરાબર હશે કે નહીં? ફક્ત ટીકા કરવા ખાતર ટીકા કરવી
કેટલા અંશે યોગ્ય છે? આપણે એક નાગરિક તરીકે મિસ ઈન્ફોર્મ્ડ છીએ, આપણી પાસે ડેટા કે વિગતો
નથી, પરંતુ આપણે અધૂરી માહિતી સાથે એક ટોળાની પાછળ આંખ મીચીને દોડી રહ્યા છીએ…

બીજી તરફ, એવા લોકો છે જે કશુંય સમજ્યા-વિચાર્યા વગર ફક્ત ભાજપ અને નરેન્દ્ર
મોદીની અંધભક્તિ કરે છે. જાતભાતના પુસ્તકો લખાય છે, નરેન્દ્ર મોદીના સાચા-ખોટા વખાણ કરતાં
આ પુસ્તકો લોકો સુધી પહોંચે છે કે નહીં, એ જાણવા કરતાં વધુ ‘એ’ પુસ્તક પ્રધાનમંત્રી સુધી પહોંચ્યું
કે નહીં એ જાણવામાં આ લેખકોને વધુ રસ છે! પ્રધાનમંત્રી અને નરેન્દ્ર મોદી બે જુદા માણસો હોઈ
શકે, એમના નિર્ણયો એમના બે જુદા વ્યક્તિત્વો-પદ અને જવાબદારી સાથે જોડાયેલા હોવાને કારણે
ક્યારેક તાત્કાલિક ન સમજાય એવું પણ બને. આવા સમયે કોઈ એમની વિરુધ્ધમાં લખે તો આખી
‘આઈટી ટોળી’ દેશદ્રોહી, પાકિસ્તાન મોકલી આપો જેવા ટ્રોલ કરીને વિરોધના સૂરને દબાવવાનું કામ
કરે છે. આવા લોકોને કદાચ એમ લાગે છે કે, દેશના પ્રધાનમંત્રી પાસે એમની આ અંધભક્તિ જોવાનો
સમય છે! ચાપલુસી અને વખાણ કરતા આ લોકો પણ ‘સાચા’ નથી. એમની પાસે પણ પૂરી માહિતી
કે વિગતો નથી. હોર્ડિંગ્સ પર લખાતા આંકડા કે પ્રચારમાં વપરાતું સાહિત્ય આવા લોકો માટે એમની
માહિતીનો આધાર છે. એમને સરકારમાંથી કે ‘મોદી સાહેબ’ પાસેથી કંઈ જોઈએ છે, માટે એ વખાણ
અથવા ભક્તિને પોતાનું સાધન બનાવી રહ્યા છે.

સાચું પૂછો તો બંને ખોટી રીત છે… જ્યાં સુધી નરેન્દ્ર મોદીને ઓળખી કે સમજી
શકાયા છે ત્યાં સુધી એમને બંનેથી ફરક નથી પડતો. એમને એમના નિર્ણયમાં વિશ્વાસ છે, માટે એ
હિંમતથી પોતાના નિર્ણયોને અમલમાં લાવે છે. એ પછીના પરિણામોને છાતી કાઢીને ભોગવે છે.
ટીકાકારોથી ડરતા નથી અને ચમચાઓથી આકર્ષાતા નથી. પ્રધાનમંત્રી તરીકે એ જ્યાં બેઠા છે ત્યાંની
જોબ થેન્કલેસ છે. એ જે કંઈ કરે એમાં બે-ચારને વાંધો હોય અને બે-ચારને ફાયદો થાય એટલું તો
નક્કી જ છે. મુદ્દો એ છે કે, આ દેશની સરકાર ચલાવવા માટે કાન અને મોઢું બંધ, અને આંખો ખૂલ્લી
રાખવી પડે. નરેન્દ્ર મોદીને કદાચ આ સમજાઈ ગયું છે!

વિષ્ણુકથામાં એક મધુ અને કૈટભની વાત આવે છે. વિષ્ણુના કાનના મેલમાંથી
જન્મેલા બે રાક્ષસો, એક મીઠો અને એક કડવો… એક મધુ-જે મીઠું મીઠું બોલીને આકર્ષે છે, લોભાવે
છે, લલચાવે છે અને બીજો કૈટભ જે કડવો છે, કટુ બોલે છે, સતત ટીકા કરે છે… બંને, ‘કાનના
મેલ’માંથી જન્મ્યા છે એ વાત કાયમ યાદ રાખવાનું આપણને આ બોધકથા શીખવે છે. આપણે કંઈ
પણ કરીએ, બધા આપણી સાથે નહીં હોય અને બધા આપણી વિરુધ્ધમાં પણ નહીં હોય એ વાત
સાચે જ યાદ રાખવા જેવી છે. કદાચ એમ પણ બને કે જે આપણી સાથે છે એ કોઈ લાલચ કે
સ્વાર્થને કારણે આપણી સાથે હોય. એમનો સ્વાર્થ પૂરો ન થાય તો એ પણ આપણી વિરુધ્ધ થઈ જાય.
બીજી તરફ જે આપણો જોર-શોરથી વિરોધ કરતા હોય એના અભિપ્રાયને સાંભળીને એમાંથી કશું
યોગ્ય લાગે તો સ્વીકારીને સ્વયંને સહેજ વધુ બહેતર વ્યક્તિ બનાવવાનો પ્રયાસ આપણા વિરોધીઓને
પણ કદાચ આપણી સાથે લઈ આવે.

આ પહેલાં આપણા દેશમાં અનેક એવા લોકો જન્મ્યા છે, જે એમના સમયમાં
ઓળખાયા નથી. નરસિંહ મહેતા, મોહનદાસ કરમચંદ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ કે
વિનોબાજી, શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકરના વિરોધીઓ નહોતા? એમની કોઈએ ટીકા નથી
કરી? નરસિંહ મહેતાને ન્યાત બહાર મૂકવામાં આવ્યા, ગાંધીજીએ ગોળી ખાધી અને સાવરકરને કાળા
પાણીની સજા થઈ… આજે કેટલાક લોકો એમને આદરપૂર્વક યાદ કરે છે, ને કેટલાક આજે પણ
એમની ટીકા કરે છે!

આખા દેશની ચર્ચા બાજુએ મૂકીએ તો પણ એક પરિવારમાં સૌ એક સરખું વિચારી
શકતા નથી. પરિવારને અક્ષુણ્ણ રાખવા માટે કે સંયુક્ત પરિવારના સંબંધોને સાચવવા માટે
બનાવવામાં આવેલા નિયમો-સમાજને ઉન્નત અને સંસ્કૃતિ સાચવવા માટે ઊભી કરાયેલી મર્યાદા કે
સિધ્ધાંતોને પણ સહુ સ્વીકારતા નથી. કેટલાક લોકોનો સ્વભાવ જ વિરોધ કરવાનો હોય છે, કારણ કે
એમનો અહંકાર-ઈગો સતત એમને એવું માનવા મજબૂર કરે છે કે એ પોતે જ સાચા છે. એમને બીજી
વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ-અભિપ્રાય સમજવામાં રસ જ નથી હોતો. એ વિરોધ કરતાં કરતાં ક્યારેક
ભૂલી જાય છે કે વિરોધ તો ‘વિચાર’નો કરવાનો હતો, ‘વ્યક્તિ’નો ક્યાંથી શરૂ થઈ ગયો? તો, કેટલાક
લોકોની પ્રકૃતિ દરેક વાતમાં ‘હા જી, હા જી’ કરવાની હોય છે કારણ કે, એમની પાસે પોતાની આગવી
બુધ્ધિ કે વિચાર-અભિપ્રાય નથી હોતા. એ લોકો પણ ભૂલી જાય છે કે, વખાણ તો ‘વિચાર’ કે
‘વ્યવહાર’ના કરવાનાં હતાં, વ્યક્તિની ચમચાગીરી ક્યારે શરૂ થઈ ગઈ!

વ્યક્તિ તરીકે આપણે સૌ, આપણા ‘પેર ઓફ શૂઝ’માં ઊભા છીએ. દુનિયાનો કોઈ
માણસ જાણી-સમજીને, વિચારીને ‘ખોટો’ નિર્ણય ન જ કરે એટલું તો આપણે સૌ સ્વીકારી શકીએ ને?
પ્રધાનમંત્રી જેવા પદ પર બેઠા પછી દેશનું નુકસાન કરવાનો વિચાર તો કોઈને ન જ આવે-એવું માની
શકીએ? દરેક વ્યક્તિ પોતાની પ્રામાણિકતા અને પૂરી નિષ્ઠા સાથે પોતાના દેશપ્રેમને પ્રગટ કરે છે,
એટલું તો નક્કી છે ને?

ગઈકાલે આપણા પ્રધાનમંત્રી 71 વર્ષ પૂરાં કરી, 72મા વર્ષમાં પ્રવેશ્યા છે ત્યારે આ
દેશના નાગરિક તરીકે આપણે એમના દરેક નિર્ણયને પહેલા સમજીએ-પછી સ્વીકારવો કે નહીં એ
નિર્ણય કરવાનો અધિકાર આપણી પાસે છે. એમની સરકાર જે કંઈ કરી રહી છે એ વિશે પૂરી માહિતી
મેળવીએ, આંકડા અને સત્યોને ક્રોસ ચેક કરીએ પછી ટીકા કરવાનો અધિકાર મળે છે. ભલે ખોટા
વખાણ ન કરીએ, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાનો અભિપ્રાય રજૂ કરે તો એને ‘ચમચા’ કે ‘ભક્ત’ કહીને
ટ્રોલ કરવાનો અધિકાર આપણી પાસે નથી… એવી જ રીતે કોઈ વ્યક્તિ પોતાના વિરોધનો અભિપ્રાય
જાહેરમાં મૂકે-જે અધિકાર અને ભારતીય બંધારણ આપે છે તો એને પણ ‘દેશદ્રોહી’ કહેવાનો અધિકાર
એક નાગરિક તરીકે આપણી પાસે નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *