પગાર એમના કામનો છે… વફાદારી કે ઈમાનદારી કોઈ કિંમતે ખરીદી શકાતી નથી.

પ્લીઝ, થેન્ક યૂ, સોરી જેવા શબ્દો સામાન્ય રીતે વાતચીતમાં મેનર્સ માનવામાં આવે
છે. ભણેલા, અંગ્રેજી બોલતા કે સોફેસ્ટિકેટેડ મનાતા કે પોતાની જાતને માનતા લોકો આવા શબ્દોનો
પ્રયોગ વારંવાર કરે છે, પરંતુ જો ધ્યાનથી નોંધ્યું હોય તો સમજાય કે એ સોફેસ્ટિકેટેડ, ભણેલા લોકો
આવા શબ્દોનો પ્રયોગ પોતાનાથી ઉપરના કે બરાબરના લોકો સાથે જ કરે છે. વેઈટર, સામાન
ઉપાડનાર, ડોમેસ્ટિકહેલ્પ, ડ્રાઈવર કે ચોકીદાર જેવા લોકો સાથે આ ‘ભણેલા’, ‘ઈન્ટેલિજેન્ટ’,
‘સોફેસ્ટિકેટેડ’ કે ‘શાલિન’ મનાતા અને પોતાની જાતને ‘વેલબિહેવ્ડ’ કહેવડાવતા લોકો બહુ જ ખરાબ
અને તોછડું વર્તન કરતા જોવા મળે છે. જ્યાં આપણે ઈમ્પ્રેસ કરવાના છે ત્યાં આપણે આપણી
ચળકતી, પોલિશ કરેલી સાઈડ રજૂ કરીએ છીએ, પરંતુ જ્યાંથી કશું મળવાનું નથી એવું લાગે ત્યાં
મોટાભાગના લોકો નમ્રતાની જહેમત કરતા નથી. આનું એક કારણ એ પણ છે કે નમ્રતા અથવા
સજ્જનતા આવા લોકોના વ્યક્તિત્વમાં નથી હોતી, એ એમણે ઉપરથી મહોરાંની જેમ પહેરી હોય
છે, જેનો ઉપયોગ એ પોતાના ફાયદા માટે કરે છે.

માણસના માણસની સાથેના સંબંધો આ દુનિયાની સૌથી વધુ ગૂંચવણભરી બાબત
હશે, કદાચ. માણસનું મન સતત બદલાતી અને રોજ નીતનવા સ્વપ્ન જોતી, વિચારોને ઉથલપાથલ
કરતી એક એવી ડિવાઈસ છે જે શરીરમાં ક્યાં આવેલી છે એની કોઈને ખબર નથી, પણ માણસના
આખા શરીરનો કંટ્રોલ એના મન પાસે હોય છે. મેડિકલ સાયન્સ એવું સ્વીકારે છે કે 40થી 45 ટકા
રોગો સાયકોસોમેટિક-મનોશારીરિક રોગો છે. જેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ચામડીના રોગો,
અસ્થમા અને ક્યારેક કેન્સરનો પણ સમાવેશ થાય છે.

આપણી અંદર રહેલો ગુસ્સો, ઉશ્કેરાટ, તિરસ્કાર, કટુતા અને અન્ય વ્યક્તિ પ્રત્યેના
વાંધાવચકા આપણને ધીમે ધીમે એક કડવી અને કકળાટ કરતી વ્યક્તિ બનાવી દે છે. જિંદગીના કોઈ
તબક્કે, આપણે કોઈ પરિસ્થિતિ બદલી શકતા નથી-પરંતુ પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી એને સરળ
અને સહ્ય બનાવી શકાય છે. આજે જે કરીએ છીએ એનું પરિણામ આપણે આવતીકાલે ભોગવવાનું
જ છે-ખૂબ ખાધું હોય તો અપચો થવાનો જ છે, ઉજાગરા કર્યા હોય તો માથું દુઃખવાનું જ છે, એવી
જ રીતે ગુસ્સો કર્યો હોય, કડવું બોલ્યા હોઈએ-તો એનો અફસોસ કે પીડા જાણેઅજાણે આપણા
મનમાં એક ગ્લાનિ અથવા ઉદાસી લઈ આવે છે.

કોઈની સાથે સારા થવામાં, ક્ષમા આપવામાં, સાચું બોલવામાં, નમ્ર થવામાં કે પ્રેમથી
કોઈની વાત સાંભળવામાં ખરેખર કશું જ ગૂમાવવાનું હોતું નથી, પરંતુ મોટાભાગના માણસોને આ
બધું અનુકુળ નથી હોતું. આવા લોકો મંદિર તો જાય છે, પણ નમ્રતાથી ઈશ્વરને પ્રણામ કરીને આભાર
માનવાને બદલે ત્યાં એમને કોણે કોણે નોંધ્યા અને એ સૌને પસાર કરીને કેવા આગળ જઈને ઊભા
રહ્યા એ વિશે વધુ સજાગ હોય છે. આવા લોકો દાન તો કરે છે, પણ એ દાનની માહિતી કેટલા લોકો
સુધી પહોંચી અને કોણે કોણે એની પ્રશંસા કરી એની પણ તપાસ રાખે છે. આવા લોકો નમ્ર તો થાય
છે, પણ એમની નમ્રતાની પાછળ જે અહંકાર હોય છે એ કોઈ પિત્તળ પર ચડાવેલા ગિલેટ જેવો હોય
છે. એમની નમ્રતાનું ગિલેટ બહુ લાંબા સમય સુધી ટકતું નથી, અંતે અહંકારનું પિત્તળ બહાર આવી
જ જાય છે.

સાચા, સારા અને સરળ હોવું સૌથી સહેલું છે, પરંતુ મોટાભાગના લોકો એ સહેલી
પ્રવૃત્તિ કરવાને બદલે ગૂંચવણ ભરેલા વ્યક્તિત્વને પસંદ કરે છે. જે કહેવું છે તે સરળતાથી અને
નમ્રતાથી કહી જ શકાય છે-પરંતુ એ નહીં કહીને, મનમાં ભરી રાખીને, સમય આવે થપ્પડ મારવાની
આપણી પ્રવૃત્તિ લાંબા સમય સુધી આપણા મનમાં એ વિચારને ભરી રાખીને ધીમે ધીમે એને સડાવી
દે છે. એવી જ રીતે કોઈએ આપણી મદદ કરી હોય, સ્નેહ બતાવ્યો હોય, સહાનુભૂતિ કે સમય આપ્યાં
હોય તો એ સામેની વ્યક્તિની ‘ફરજ’ છે, એમ માનીને ‘એટલું તો કરે જ ને?’ જેવા સ્ટેટમેન્ટ કરવાને
બદલે આભાર કે ગ્રેટિટ્યુડની લાગણી પ્રગટ કરવાથી એને તો સારું લાગે જ, પણ આપણને ય સારું
લાગે છે.

છેલ્લા થોડા સમયમાં માણસનું મૂલ્ય એણે પહેરેલા કપડાં, બ્રાન્ડ, એની ગાડી કે એની
પહોંચ અને ‘કનેક્શન્સ’થી કરવામાં આવે છે. એના વ્યક્તિત્વમાં શું સાચું અને સારું છે એવું જોવાની
ફૂરસત હવે મોટેભાગે કોઈ પાસે નથી. ખાસ કરીને ઉચ્ચ મધ્યમવર્ગ અને અમીર કહી શકાય એવા
લોકો પોતાના ‘લેવલ’ના લોકો સાથે જે રીતે વર્તે છે એવી રીતે એ પોતાના એમ્પ્લોઈ કે પોતાના પર
આધારિત લોકો સાથે વર્તતા નથી… આનું કારણ એ છે કે, માણસ ધીમે ધીમે પોતાની સારાઈ કે
સજ્જનતાને કોઈ વસ્તુ કે કોમોડિટીની જેમ વાપરતો થઈ ગયો છે. સારાઈ, સજ્જનતા, મેનર્સ કે
નમ્રતા એના વ્યક્તિત્વનો અભિન્ન હિસ્સો હોવો જોઈએ, એવું માનવા કે જીવવાને બદલે એમાંથી
કેટલો ફાયદો લઈ શકાય એવું વિચારતા લોકોની સંખ્યા વધવા લાગી છે. સમય બદલાયો છે, પેઢીઓ
બદલાઈ છે, મોંઘવારી વધી છે, હરિફાઈ અને જીવનધોરણની વ્યાખ્યા બદલાઈ છે… છેલ્લાં થોડાં
વર્ષોમાં માણસજાત એક એવા મકામ પર પહોંચી છે જ્યાં સુખ અને સગવડ વચ્ચેનો તફાવત ભૂલાવા
લાગ્યો છે. વસ્તુઓથી સગવડ મળી શકે, સુખ તો સાવ જુદી જ બાબત છે!

કેટલાક લોકો એવું માને છે કે, ગરીબ કે મજબૂરીના કારણે ઘરકામ કરતા, રસોઈ કરતા,
ડ્રાઈવરી કે ચોકીદારી કરતા લોકો બેઈમાન અને ચોર જ હોય… આ ક્યાંનો ન્યાય છે? એ એમની
જરૂરિયાતો પૂરી નથી કરી શકતા, કે શોખનો તો સવાલ જ નથી-એ સાચું, પરંતુ એથી એ ચોરી કરે,
બેઈમાની કરે, આપણી ઈર્ષા કરે એવું માનીને એમના પર સતત શંકા કરવી કેટલા અંશે યોગ્ય છે? એ
ગમે તેટલી વફાદારી બતાવે તેમ છતાં જો આપણે શંકા જ કરતા રહીએ, તો એમને પણ એવું જ
વર્તવાની ઈચ્છા થાય, પરંતુ જો આપણે વિશ્વાસ અને સ્નેહથી એમની સાથે વર્તીએ તો શક્ય છે કે,
આપણો વિશ્વાસ તોડતાં કે સ્નેહને યાદ કરીને આપણી સાથે બેઈમાની કરતાં એમને અચકાટ થાય.

આપણે પણ માણસ છીએ, ક્યારેક ગુસ્સો થઈ જાય, મગજ ગૂમાવી બેસીએ અને
કોઈને વઢી નાખીએ, ક્યારેક ન બોલવાનું પણ બોલાઈ જાય… આ સહજ અને સ્વાભાવિક છે, પરંતુ
આપણે ત્યાં કામ કરતાં કર્મચારી કે સ્ટાફને પણ સ્વમાન હોય એવું વિચારીને સહજતાથી માફી માગી
લઈએ, તો એમને પણ સારું લાગે. એ નોકર છે-પગાર લે છે, માટે એમનું અપમાન કરવાનો આપણને
અધિકાર નથી-આ વાત યાદ રાખવી જોઈએ.

લાખો રૂપિયા આપવા છતાં વફાદારી કે કાળજી ખરીદી શકાતા નથી, પણ એ જ
વફાદારી કે કાળજી ઘરમાં કામ કરનારી વ્યક્તિ સાથે સારી રીતે બોલવાથી, એને સન્માન આપવાથી
મફતમાં મળે છે. આપણી આસપાસ કામ કરતાં, કર્મચારી કે ઘરમાં કામ કરતો સ્ટાફ, આપણા જીવનને
સરળ અને પ્રોડક્ટિવ બનાવે છે. ખાસ કરીને વ્યવસાય કે નોકરી કરતી સ્ત્રીઓ માટે ડોમેસ્ટિકહેલ્પ કે
રસોઈ કરનારી વ્યક્તિ એના એવા આધારસ્તંભ છે જેને કારણે એ પોતાનું કામ કે વ્યવસાય વધુ
નિશ્ચિંતતાથી કરી શકે છે. આવા લોકો સાથે સતત કચકચ કરવાને બદલે, એ ગરીબ છે માટે ચોર જ
હોય, બહુ કામ કરે છે માટે કામચોર જ હોય આવા કોઈ પ્રિકન્સિવ્ડ વિચારોને બદલે એ જે કંઈ કરી
રહ્યા છે એના થોડાક વખાણ કરવાથી, એમની સાથે સહૃદયતા અને સરળતાથી વર્તન કરવાથી એ
લોકો વધુ નિષ્ઠા અને સ્નેહથી આપણું કામ કરે.

કારણ કે, કોઈ વ્યક્તિ આપણી પાસેથી પગાર લે છે અને આપણું કામ કરે છે એથી એ
સન્માનના કે આભારના અધિકારી નથી એવું માનીને જે લોકો પોતાના સ્ટાફ કે કર્મચારી સાથે ખરાબ
રીતે વર્તે છે, એમના પર શંકા કરે છે, એમને અંતે એ જ અનુભવ થાય છે જેની શંકામાં એમણે ખરાબ
વર્તન કર્યું હોય. એની સામે સારી રીતે કે સ્નેહથી વર્તનારા લોકોને હંમેશાં ઈમાનદાર, વફાદાર,
જવાબદાર અને નિષ્ઠાવાન કર્મચારીઓ મળી જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *