પાંચ તત્વઃ અસંતુલિત અને અશાંત

ઉત્તરાખંડના લગાતાર વરસાદની તારાજી પછી આપણે સૌએ એક વાત સમજી લેવી પડશે.
અત્યાર સુધી આપણે બધા, માણસમાત્ર કુદરતનો યથેચ્છ ઉપયોગ અને ઉપભોગ કરતા રહ્યા. વૃક્ષો
કાપવા, સ્કાયલાઈન ઊભી કરવી, રસ્તા, બ્રિજ, એરપોર્ટ, વિમાનો, સબમરીન અને વહાણો…
પાણીમાં કચરાનો નિકાલ અને હવાનું પ્રદૂષણ, ચારે તરફ રેડિયોના તરંગો, ટેલિવિઝનના, સેટેલાઈટના
અને ઈન્ટરનેટના કાર્બન ફૂટ પ્રિન્ટ્સ! કુદરતના પાંચેય તત્વો ઉપર આપણાથી થઈ શકે એટલો
અત્યાચાર કરી લીધો આપણે, હવે કુદરતે પોતાનો અવાજ ઉઠાવ્યો છે…

જેમ માણસનું શરીર પંચતત્વોનું બનેલું છે એમ બહારની દુનિયામાં પણ પાંચ તત્વો છે.
આપણા શરીરો એ પાંચ તત્વોના બેલેન્સ પર ટક્યાં છે, અને કુદરત પણ પાંચ તત્વોના બેલેન્સ પર
ટકી રહી છે. બહારના અને અંદરના તત્વ જ્યાં સુધી પરસ્પર સમન્વય સાધી શકે ત્યાં સુધી જીવનને
બહુ મુશ્કેલી નડતી નથી. ‘જીવન’નો અર્થ માત્ર માનવજીવન નથી, બલ્કે દરેક જીવ, જેનામાં ચૈતન્ય
છે, પ્રાણ છે એ બધા જીવ કુદરતનો જ હિસ્સો છે. આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો
સમજાય કે, કુદરતમાં ક્યાંય કડવાશ નથી, તિરસ્કાર, ધિક્કાર, હુંસાતુંસી, ખેંચતાણ માણસની દુનિયામાં
છે, જેને કારણે ભીતરનું અને બહારનું બેલેન્સ હચમચી જાય છે. કુદરતે બનાવેલી જમીનના હિસ્સા
કરીને એ જમીનને પામવા માટે ઝઘડતો માણસ ભૂલી જાય છે કે, જમીન પણ પાંચ તત્વોમાંનું એક
તત્વ જ છે. જળ, જમીન, આકાશ કે હવા કોઈના કાબૂમાં નથી, ક્યારેય નહીં આવી શકે! અગ્નિ
આપણી ભીતરનું એક એવું તત્વ છે જે આપણને જીવંત રાખે છે. ઠંડું પડી ગયેલું શરીર-જેમાં અગ્નિ
નથી તે પાંચમાંથી એક તત્વને સમર્પિત કરી દેવું પડે છે.

માણસને માણસનો ભય લાગે છે, એ ભયને જીતવા-એક માણસ બીજા માણસને કચડી
નાખવાની કોશિશ કરે છે. જો કુદરતના પાંચમાંથી એકેય તત્વ ઉપર આપણો કાબૂ નથી તો માણસ
પણ કુદરતનું સર્જન છે, એક માણસ ઉપર, બીજા માણસનો કાબૂ કે માલિકી કેવી રીતે હોઈ શકે?
આપણે ધીરે ધીરે આ માલિકીના જગતમાં એવા પ્રવેશી ગયા કે સૌ ભૂલી ગયા, આપણે પણ એક
દિવસ આ પાંચ તત્વોમાં વિલીન થઈ જવાના છીએ!

એક માણસ બીજાનો શિકાર કરે! આ માત્ર માણસના જગતમાં જ જોવા મળે છે. જંગલમાં
વસતા જીવો એકમેકનું ભોજન છે તેમ છતાં એમની વચ્ચે એ કડવાશ કે તિરસ્કાર નથી. સહુ
એકમેકથી ડરે છે, પરંતુ એવું સમજે છે કે, એ જો પોતાનું કો-એક્ઝિસ્ટન્સ નહીં ટકાવે, તો સ્વયં માટે
ટકવું મુશ્કેલ બની જશે. અબોલ, અબૂધ જાનવર પણ આ સમજી શકતું હોય તો કુદરતનું ઉત્તમ સર્જન
કહેવાતો ‘માણસ’ આ વાત જાણવા છતાં સમજી કેમ નથી શકતો? ગીતાના પંદરમા અધ્યાયનો પહેલો
શ્લોક કહે છે, ‘ઉર્ધ્વમૂલ અધઃશાખા અશ્વત્થપ્રાહૂર્વ્યયમ્’ (માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ-
બ્રહ્મરંધ્ર ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે) એનો અર્થ એ થાય કે માણસ તો
વધુ ઉપરની તરફ વિકસવો જોઈએ, એને બદલે માણસ જાતે અધોગતિની હરિફાઈ શરૂ કરી છે. નાની
બાળકીઓ પરના બળાત્કારથી શરૂ કરીને ગરીબ માણસ પરના અત્યાચાર, ડોમેસ્ટિક વાયોલેન્સ અને
જાતે જ ન્યાય કરવા નીકળેલા કેટલાય લોકોની મારપીટના, ખૂનના વીડિયો વાયરલ થાય છે. કદી એવું
વિચાર્યું છે ખરું કે, આવા વીડિયો કોણ વાયરલ કરે છે? જે એને ફોરવર્ડ કરે છે એ દરેક માણસ હિંસા
અને કટુતાને સહેજ વધુ આગળ ધકેલે છે. ગ્રિષ્માનું ગળું કાપનાર કે શ્રધ્ધાના ટૂકડા કરનાર, વૃધ્ધ
માતા-પિતાને લાચાર સ્થિતિમાં તાળું મારીને ભાગી જનાર કે ગરીબ માણસને ચોરીના આક્ષેપમાં ઝાડ
સાથે બાંધીને એનું મૃત્યુ થાય ત્યાં સુધી હિંસા આચરનાર તો ગુનેગાર છે જ, પરંતુ જે લોકો આવા
વીડિયોને અન્ય લોકો સુધી પહોંચાડે છે એ માત્ર વીડિયો નહીં, એની સાથે રહેલો ભયાનક હિંસાત્મક
વિચાર પણ એ જોનારના મગજમાં રોપી દે છે. આપણે જાણે-અજાણે આવા વીડિયો વાયરલ કરીને
એવું શીખવાડીએ છીએ કે, આ અત્યાચાર કરવો એ માણસનો અધિકાર છે!

જે લોકો આવો અત્યાચાર કરે છે અને કુદરતના નિયમને-કો-એક્ઝિસ્ટન્સને નકારીને પોતાની
જ જાતિ-પ્રજાતિના માણસો ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે છે એ તમામ લોકો બેલેન્સને ખોરવી
નાખે છે. એ રશિયા હોય કે ચીન, પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન, આવા લોકો કુદરતને નાથવાનો
પ્રયાસ કરે છે. બીજી તરફ, સ્કાયસ્ક્રેપર્સ બાંધનાર, વૃક્ષ કાપનાર, જળમાં કે જંગલમાં વસતા જીવોના
જગતમાં ઘૂસીને એમને ભયભીત કરનારો દરેક માણસ કુદરતની બનાવેલી મર્યાદા રેખા તોડીને એવા
ઝોનમાં પ્રવેશી જાય છે જ્યાં પ્રવેશવાની એને મનાઈ છે. સૌને સૌનો હિસ્સો મળી રહે એવી રચના
આ જગતમાં છે જ. મોટાભાગના લોકો પોતાના હિસ્સાથી વધુ મેળવવા મથે છે જેને કારણે આ
વહેંચણીનું બેલેન્સ ખોરવાઈ જાય છે. પ્રદૂષણનું દરેક તત્વ કુદરતના વિશુધ્ધ પંચતત્વોને એટલું બધું
નુકસાન કરી બેસે છે કે અંતે પોતાની સહનશીલતાને કોરે મૂકીને કુદરતે માણસના જગતમાં પ્રવેશ
કરવો પડે છે.

કોરોના હોય કે બિપરજોય, ઉત્તરાખંડની ઘટના હોય કે મણિપુરની હિંસા… અંતે તો આ
કુદરતની સામે માણસે માંડેલા મોરચાનો પ્રતિઉત્તર છે. પોતાની સગવડો અને અધિકારો વધારતાં
વધારતાં માણસજાત એ ભૂલી ગઈ છે કે પોતાનાથી પ્રચંડ શક્તિશાળી એવાં આ તત્વો તદ્દન
સહજતાથી માણસજાતને નષ્ટ કરી શકે એમ છે. ધરતીકંપ, વાવાઝોડું, અનરાધાર વરસાદ કે જંગલમાં
લાગતી આગ આના નાનકડા ઉદાહરણો છે.

આપણી ભીતરના આકાશને જો આપણે સમેટીને ભીતર સુધી નહીં રાખીએ, હવાને
પ્રાણવાયુ પૂરતી મર્યાદિત રાખવાને બદલે એને નાથવાનો પ્રયાસ કરીશું, પૃથ્વીને પોતાનો આધાર
માનવાને બદલે જમીન માનીને એકમેકની સરહદોને ઓળંગવા માટે હિંસા કરીશું, જળને યોગ્ય રીતે
નહીં વાપરીએ તો આપણે સૌ એક દિવસ આ ઉદ્દંડતાનો જવાબ આપવા મજબૂર થઈ જઈશું.
સમસ્યા એ છે કે, આપણને સૌને આ દેખાય છે તેમ છતાં આપણે સૌ પૂરેપૂરી બેદરકારીથી આપણા
જ વિનાશ તરફ એક એક ડગલું આગળ વધતા જઈએ છીએ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *