આપણી સંસ્કૃતિની ધરોહર એટલે આપણા ચાર વેદ. એ વેદોની સમજણ આપતા
ગ્રંથો એટલે ઉપનિષદ. વૈદિક જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિમાં સચવાયું છે. લગભગ તમામ
ઉપનિષદો પ્રશ્નોત્તરી સ્વરૂપે છે. શિષ્ય કે પુત્ર, જ્ઞાનપિપાસુ કે જિજ્ઞાસુ પોતાના ગુરૂને પ્રશ્નો
પૂછે છે અને એ પ્રશ્નોના ઉત્તર સ્વરૂપે જે સમજણ આપવામાં આવે છે એ બધું જ ઉપનિષદ
સ્વરૂપે સંગ્રહાયું છે. કુલ 108 ઉપનિષદ છે જેમાંના 13 મુખ્ય છે. આ મુખ્ય 13
ઉપનિષદમાંનું એક એટલે તૈત્તિરીયોપનિષદ છે જે ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. શિક્ષાવલ્લી,
બ્રહ્માનંદવલ્લી અને ભૃગુવલ્લી. વરૂણના પુત્ર બૃહુ એમના પિતાને પ્રશ્નો પૂછે છે અને
એમાંથી મળતા ઉત્તરો એ ભૃગુવલ્લીમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. પુત્ર પૂછે છે, ‘મને
બ્રહ્મજ્ઞાનની વાત જણાવો.’ ભૃગુને પિતા વરૂણ ઉત્તર આપે છે, ‘અન્ન, પ્રાણ, નેત્ર, શ્રોત્ર, મન
અને વાણી આ છ ઈન્દ્રિયો અથવા બ્રહ્મ તરફ ખુલતા દ્વાર છે. તમામ પ્રાણીઓ આજ
દ્વારથી બ્રહ્મ સાથે જોડાય છે અને અંતે આમાંથી જ એક દ્વાર એમને બ્રહ્મલીન થવામાં
સહાય કરે છે.
આ વાત ખરેખર સરળ ભાષામાં સમજવા જેવી છે. માણસ હોય કે પ્રાણી, વૃક્ષ હોય
કે પશુ… આ છ દ્વાર-છ ઈન્દ્રિય-છ એવાં તત્વો છે જે આપણને પરમતત્વ સાથે જોડે છે.
સૌથી પહેલું અન્ન. આ અન્ન એટલે ભોજન? ના. આપણે જે કંઈ આરોગીએ છીએ તે અન્ન
છે. એમાં વિચાર, વાયુ અને આહારનો સમાવેશ થાય છે. ‘જેવું અન્ન તેવો ઓડકાર’ એવું
કહેવાય છે એ માત્ર ભોજનની બાબતમાં નથી, વિચારની બાબતમાં પણ છે. વ્યક્તિ જેવું
વિચારે એવું જ એનું અસ્તિત્વ બની રહે છે. આહાર એટલે કે ભોજન આપણા શરીરમાં
ઊર્જાનું કામ કરે છે. અહીં સમજવાનું એ છે કે, ગાડીમાં જેવું પેટ્રોલ નાખો એનાથી એનું
મશીન સચવાય કે બગડે-આહારનું પણ એવું જ છે. આપણે જે પ્રકારનો આહાર, ભોજન,
પીણું (શરાબ કે અન્ય), તમાકુ કે અન્ય વ્યસન શરીરમાં નાખીએ એ પ્રમાણે આપણું શરીર ટકે
છે અથવા અ-ટકે છે.
અન્ન પછી પ્રાણ આવે છે. પ્રાણ, એટલે આપણા શરીરમાં પ્રવેશતા ઓક્સિજન
અથવા અન્ય ઊર્જા પ્રદાન કરતા વાયુ, શ્વાસ. પ્રત્યેક સજીવ શ્વાસથી ટકે છે. આપણે જેટલા
વધુ સ્વસ્થતાથી આ પ્રાણ અથવા વાયુનું નિયમન કરીએ એટલા વધુ શાંત રહી શકીએ.
આપણે નોંધ્યું હશે કે, ભય, ક્રોધ કે માનસિક અસંતુલનના સમયમાં આપણા શ્વાસ
અનિયમિત થઈ જાય છે. જે વ્યક્તિ શ્વાસનું નિયમન કરી શકે એનું માનસિક સંતુલન વધુ
સારી રીતે જળવાય કારણ કે, શ્વાસ અને મગજને સીધો સંબંધ છે. મગજમાં ઓક્સિજન ન
પહોંચે એ સ્થિતિને ‘બ્રેઈન ડેડ’ કહેવામાં આવે છે એ વાત આપણે સૌ જાણીએ છીએ.
નેત્ર એટલે આપણી દ્રષ્ટિ. માત્ર જોવું-નજર નહીં, પરંતુ એ નજરની સાથે રહેલું
ઈન્ટરપ્રિટેશન અથવા અર્થઘટન પણ આપણા અસ્તિત્વનું એક મહત્વનું અંગ છે. વ્યક્તિ જે
દ્રશ્ય જુએ છે એમાંથી પોતાનું અર્થઘટન કરે છે-એ અર્થઘટન એનો અનુભવ છે અને
અનુભવમાંથી એને જ્ઞાન મળે છે. ભૂતકાળમાં કરેલી ભૂલ ફરી ન થાય અને ભવિષ્ય વિશે વધુ
સારી રીતે વિચારી-સમજી શકાય એ બાબત પણ વ્યક્તિના નેત્રથી શરૂ થતી સમજણ પર
આધારિત છે. આપણે વ્યક્તિને પણ આપણી નજરથી ઓળખીએ છીએ-કુદરત અને વિશ્વના
તમામ દ્રશ્યો પણ આંખના આધારે જ સમજાય છે.
શ્રોત્ર-સાંભળવાની આ પ્રક્રિયા જ્ઞાનનું સૌથી મોટું કેન્દ્ર છે. આપણે બધા જાણીએ
છીએ કે બહેરી વ્યક્તિ મોટેભાગે મૂંગી થઈ જાય છે કારણ કે, એને અવાજ સંભળાતા નથી
એટલે એ ભાષા શીખી શકતી નથી. વિજ્ઞાનની શોધ સાથે આ સ્થિતિ બદલાઈ છે, પરંતુ
આપણે જે સાંભળીએ છીએ તે જ આપણા અસ્તિત્વનો અર્થ બને છે. ગુજરાતી બાળકને
તમિલ પરિવારમાં મોટું કરવામાં આવે તો એ બાળક તમિલ બોલતા શીખે છે કારણ કે, એણે
એ જ સાંભળ્યું છે. ભાષાથી શરૂ કરીને ઉચ્ચતમ જ્ઞાન સુધીની તમામ પ્રાપ્તિ આપણને શ્રવણ
દ્વારા-શ્રોત્ર દ્વારા થાય છે. ઉપનિષદોનું જ્ઞાન પણ શ્રુતિ અને સ્મૃતિ દ્વારા સચવાયું છે
એટલે શ્રોત્રનો સીધો સંબંધ સ્મૃતિ દ્વારા છે એ વાત અહીં પ્રસ્થાપિત થાય છે.
સ્મૃતિ મનમાં સંગ્રહિત થાય છે એટલે મન, અસ્તિત્વનો સૌથી મહત્વનો અને સૌથી
ઋજુ ઘટક છે. અન્ય તમામ બાબતોને મન સાથે સીધો સંબંધ છે. અન્ન ભલે શરીરને ઊર્જા
આપવાનું કામ કરતું હોય, પરંતુ મનને ભાવતા અન્નથી પ્રફુલતાનો અનુભવ થાય છે. પ્રાણ
મનને વધુ તેજસ્વી, બળવાન અને સંતુલિત રાખે છે. નેત્ર અને શ્રોત્ર દ્વારા આપણા સુધી
પહોંચતી તમામ બાબતો અંતે મનમાં જ સચવાય છે અને જરૂર પડે ત્યારે એનો ડેટા
મનમાંથી જ બહાર આવે છે. સુખ અને દુઃખ, અશાંતિ અને શાંતિ, સ્નેહ અને તીરસ્કાર
જેવી લાગણીઓ મનમાં ઉદભવે છે અથવા મન સુધી પહોંચે છે. આ મન શરીરના કયા
ભાગમાં આવેલું છે એની આપણને ખબર નથી કારણ કે, એ કોઈ અંગ નથી તેમ છતાં
શરીરના તમામ અંગોને કંટ્રોલ કરવાનું, સંતુલિત રાખવાનું કામ મન જ કરે છે અને અંતે,
વાણી.
વાણી દ્વારા આપણે આપણા હોવાના પુરાવા આ વિશ્વને આપીએ છીએ. બાકીના
પાંચેય તત્વોની અભિવ્યક્તિ વાણી દ્વારા થાય છે. વાણી દ્વારા આપણે શીખેલા પાઠ
અન્યને શીખવીએ છીએ, પરમતત્વની આરાધના કરીએ છીએ. વાણી આપણા અસ્તિત્વનો
અરીસો છે. જે વિચાર કે શ્રોત્ર, નેત્ર દ્વારા આપણને મળ્યું છે એ બધું જ આપણે વાણી
દ્વારા વિશ્વને આપી શકીએ છીએ અથવા આપીએ છીએ. વાણી વ્યક્તિને કીર્તિ આપે છે.
બ્રહ્મતેજની પ્રાપ્તિ પણ અંતે વાણી દ્વારા થાય છે.
આ છ બ્રહ્મને જાણવા માટે તપ કરવું જોઈએ એમ વરૂણ પોતાના પુત્રને જણાવે છે.
તૈત્તરીય ઉપનિષદમાં અનેક અધિલોક વગેરે સંધિઓની વ્યાખ્યા કરવામાં આવી છે જેમાં ભૂઃ,
ભૂવઃ, સ્વઃ અને મહઃ જેવા કેટલાય બ્રહ્મની વિષદ વ્યાખ્યા કરવામાં આવી છે.