પંડિતા રમાબાઈઃ 1858થી 2024… શું બદલાયું છે?

હાઈવે પર કે શહેરમાં આપણે વાહન ચલાવતા હોઈએ ત્યારે લગભગ દરેક વાહનની પાછળ
લખેલું જોવા મળે છે, ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ …આપણે 2024માં પણ હજી કન્યા શિક્ષણ માટે
પ્રચાર કરવો પડે છે! ગુજરાત અને ભારતના એવા કેટલાય અંતરિયાળ ગામડાંઓ છે જ્યાં દીકરીને
ભણાવવાની વાત તો દૂર, નાની ઉંમરે એના લગ્ન કરાવી દેવામાં આવે છે, અથવા એને ઘરકામમાં જોડી
દેવામાં આવે છે, ખેતમજૂરી કે બીજા કામોથી એ કમાઈને પરિવારની મદદ કરે એવી અપેક્ષા રાખવામાં
આવે છે. મોદી સરકાર શાળાના પ્રવેશોત્સવ કરે છે, ઘેર ઘેર જઈને, ‘તમારી દીકરી મને ભેટમાં આપો’
કહીને દીકરીઓને શાળા સુધી લાવવાનો પ્રયાસ કરે છે તેમ છતાં, 2024માં આ સ્થિતિ છે તો આજથી
સવા સો વર્ષ પહેલાં શું સ્થિતિ હશે, કલ્પના આવે છે?

23 એપ્રિલ, 1858 એક ધાર્મિક બ્રાહ્મણ પરિવારમાં એક વધુ દીકરીનો જન્મ થાય છે. એ સમય
સતીપ્રથા, બાળલગ્ન અને સ્ત્રીઓનાં અપમાનનો સમય હતો. દીકરીને માસિકધર્મ આવે એ પહેલાં એના
લગ્ન કરાવી દેવામાં આવતા… એવા સમયમાં એ પિતા પોતાની પત્ની અને બંને દીકરીઓને ભણાવવાનું
સાહસ કરે છે. અનંત શાસ્ત્રી ડોંગરે નામના સંસ્કૃતના વિદ્વાનને દીકરીને ભણાવવાની ભૂલની સજા
સ્વરૂપે સમાજ, પરિવાર, જ્ઞાતિમાંથી બહાર કાઢવામાં આવે છે. એમને ભોજન કે પાણી ન આપવું,
કૂવામાંથી પાણી ભરવા પણ ન દેવું આવા ફતવા બહાર પાડવામાં આવે છે. જ્ઞાતિ, સમાજ કે બીજા
કોઈથી ડર્યા વગર પિતા ભણાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અંતે દીકરી 16 વર્ષની છે ત્યારે એક ગામના
પાદરે ભૂખમરા અને તરસથી માતા-પિતાનું મૃત્યુ થાય છે. દીકરી હાર્યા વગર પોતાનું શિક્ષણ ચાલુ રાખે છે
એટલું જ નહીં, હવે બીજી સ્ત્રીઓને પણ ભણવા માટે પ્રોત્સાહિત કરે છે.

એ દીકરીનું નામ રમાબાઈ ડોંગરે અને પછીથી એ પંડિતા રમાબાઈ તરીકે ઓળખાઈ. 1880માં એણે
આંતરજ્ઞાતિય, આંતરક્ષેત્રિય લગ્ન કર્યાં, પરંતુ પતિનું ખૂન કરવામાં આવ્યું. એ બધાથી ડર્યા વગર એણે
પોતાનું અભિયાન વધુ જોરથી આગળ વધાર્યું અંતે, મુંબઈમાં એણે ‘શારદા સદન’ની શરૂઆત કરી. આ
ભણવા માટે, વ્યવસાયિક કૌશલ્ય કેળવવા માટે અને સમાજથી પરિત્યક્ત વિધવાઓ, ઘરેલુ હિંસા કે બાળ લગ્નનો
શિકાર બનીને હેરાન થતી સ્ત્રીઓ માટેની સંસ્થા હતી. ખરું પૂછો તો આ એક એવી સ્ત્રીઓ માટે ઘર હતું જ્યાં
એમને સુરક્ષાની સાથે સાથે સ્વતંત્ર રીતે જીવવાનું એક નવું સ્વપ્ન સાકાર કરવાની તક આપવાનો રમાબાઈએ
નિશ્ચય કર્યો હતો. ધીરે ધીરે શારદા સદનની ખ્યાતિ ફેલાવા લાગી, માત્ર મુંબઈ જ નહીં, બલ્કે પૂના, નાશિક અને
છેક મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બંગાળથી પણ સ્ત્રીઓ શારદા સદનમાં આશ્રય શોધતી આવી પહોંચી. ત્યાં
સ્ત્રીઓને ભરતગૂંથણ, કમ્પોઝ (મુદ્રણ) કરવાની કલાની સાથે સાથે સ્ત્રીઓ આસાનીથી કરી શકે એવા વ્યવસાયનું
પ્રશિક્ષણ આપવામાં આવતું. એમને આગળ ભણવાની સવલત ઊભી કરી આપવામાં આવતી અને સાથે જ
એકલા, સ્વતંત્ર રીતે જીવવાનું પણ બળ પૂરું પાડવામાં આવતું.

ભારતની પહેલી મહિલા ડૉ. આનંદી ગોપાળરાવ સાથે એમણે શિક્ષણ લીધું. 1883માં એમના
તબીબી શિક્ષણની શરૂઆત થઈ, પણ નવાઈની વાત એ છે કે, બ્રિટનમાં તબીબી શિક્ષણ લેવું હોય તો મિશનરીનો
સહારો લેવો પડે. એમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવો પડ્યો. બ્રિટનથી અમેરિકા અને એ પછી અનેક દેશોનો
પ્રવાસ કરીને એ જ્યારે પાછા ફર્યા ત્યારે જમીનના એક નાનકડા ટૂકડા ઉપર એમણે ‘મુક્તિ મિશન’ની સ્થાપના
કરી. મુક્તિ મિશનમાં ત્યજાયેલી વિધવાઓ, બાળકો સહિત અનાથ, નેત્રહીન અને જરૂરિયાતમંદ લોકોને પણ આશ્રય આપવાનું શરૂ કર્યું. 1900ની સાલમાં મુક્તિ મિશનમાં 1500 જેટલા લોકો વસતા હતા. એમની સાથે હજારથી વધુ પશુઓને પણ એમણે આશ્રય આપ્યો. 1897ના દુષ્કાળ પછીના અઘરા સમયમાં મુક્તિ મિશન સૌ માટે જીવનનો આધાર બની ગયું. મુક્તિ મિશન અને શારદા સદનમાં કામ કરતાં કરતાં એમણે હિબ્રુ અને ગ્રીક ભાષામાંથી બાઈબલનો અનુવાદ મરાઠી ભાષામાં કર્યો. એ સિવાય પણ અનેક પુસ્તકો લખ્યાં જેમાં ‘મોરલ્સ ફોર વિમેન’ 1882માં લખ્યું હતું. એ પછી એમણે અનેક લેખો લખ્યાં. સ્ત્રીઓ એમને ત્યાં આવી ત્યારે કેવી દેખાતી હતી અને એમનું જીવન કંઈ રીતે બદલાયું એ વિશેની અનેક તસવીરો એ સમયના અખબારોમાં અને લેખોમાં પ્રકાશિત થવા લાગી…

ભારતમાં આવી કેટલીય સ્ત્રીઓ હશે જેમણે સ્ત્રીઓની જાગૃતિ માટે, સમાનતા માટે શિક્ષણ માટે પ્રયાસ કર્યા છે.
નવાઈની વાત એ છે કે, આ બધી સ્ત્રીઓનાં પ્રદાન પછી પણ આપણે ત્યાં પરિસ્થિતિ ધરમૂળથી બદલી શકાઈ નથી. આજે પણ સુખી કહી શકાય એવા સંપન્ન પરિવારોમાં દીકરીને ભણતી અટકાવી દેવામાં આવે છે કારણ કે, જો દીકરી બહુ ભણે તો એવો ભણેલો મૂરતિયો ન મળે… આજે પણ દહેજ માટે મૃત્યુ થાય છે. આજે પણ દીકરા અને દીકરી વચ્ચે જો શિક્ષણ આપવાની પસંદગી કરવાની હોય તો દીકરાને પહેલા ને પછી જો સગવડ હોય તો જ દીકરીને ભણાવવામાં આવે છે… મુઠ્ઠીભર સ્ત્રીઓનાં સશક્તિકરણને સમાજનું પરિવર્તન નહીં કહી શકાય. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાં હજી પણ ઓનરકીલિંગ થાય છે. હજી પણ સ્ત્રીનું ખરીદ-વેચાણ થાય છે. હજી પણ ભણેલા મૂરતિયાનો ‘ભાવ’ બોલાય છે ત્યારે પંડિતા રમાબાઈ, આનંદી ગોપાળરાવ કે રમાબાઈ રાનડે જેવી સ્ત્રીઓને યાદ કરીને આપણી આસપાસના જગતમાં જન્મેલી અને ઉછરી રહેલી દીકરીઓને ભણાવવાનો પ્રયત્ન આપણે કરી શકીએ તો કદાચ, બદલાતા સમયમાં આપણે પણ આપણું નાનકડું પ્રદાન નોંધાવી શકીએ. આજે, પંડિતા રમાબાઈના જન્મદિવસે એક દીકરી ભણાવવાનું વ્રત લઈએ તો કેવું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *