ગુજરાતમાં વરસાદને પણ જાણે પોતાનું કામ જલ્દી પૂરું કરવું હોય એવી રીતે વરસવા માંડ્યો છે. ચોવીસ
કલાકમાં વરસીને બધું ખાલી કરી નાખવાના મિજાજમાં મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં જબરજસ્ત રીતે વરસી રહ્યા છે.
બીજી તરફ, હિમાચલ અને બિહાર, ઉત્તર પ્રદેશમાં જે પ્રકારના પૂરની સ્થિતિ ઊભી થઈ છે એનાથી ફરી એકવાર
લોકોના જીવન પર સંકટ તોળાવા લાગ્યું છે…
આઝાદીના સાડા સાત દાયકા પછી પણ મુંબઈ જળબંબાકાર છે. રેલવે, રસ્તા બંધ છે… કેટલાક રાજ્યોમાં
છૂટા પડી ગયેલા આખા ગામોમાં વિજળી, પીવાનું પાણી કે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી શકાય એમ
નથી. આજે પણ નદી ક્રોસ કરવા માટે લોકો બે ઝાડ વચ્ચે દોરડા બાંધીને નદીમાં ઝંપલાવે છે. બીજી તરફ આપણે
વિકાસની વાત કરીએ છીએ… ભારતમાં વરસાદ સરેરાશ ખૂબ સારો પડે છે, પરંતુ જળ વ્યવસ્થાપનની કોઈ સગવડ
આપણે આજ સુધી ઊભી કરી શક્યા નથી એ કેટલી નવાઈની વાત છે ! વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરીને
એને આખું વર્ષ વાપરી શકાય એ માટે દરેક પંચવર્ષીય યોજનામાં નાણા ફાળવવામાં આવે છે. બંધ બાંધવામાં આવે છે,
ચેકડેમ ઊભા કરવામાં આવે છે તેમ છતાં, એપ્રિલ મહિનો પૂરો થતા સુધીમાં આખા દેશમાં જળસંકટ ઊભું થાય છે.
આજે પણ ભારતના કેટલાય ગામડાંઓમાં દીકરીને ભણતી ઊઠાડી લેવામાં આવે છે કારણ કે, એણે કેટલાક કિલોમીટર
ચાલીને પાણી ભરવા જવું પડે છે !
હજારો ગેલન પાણી આકાશમાંથી વરસે છે અને કાદવ થઈને દરિયામાં ભળી જાય છે. ધરતી પર રહેલું 75
ટકા પાણી ખારું છે. દરિયાના પાણીને પીવાલાયક બનાવીને વાપરવાના પ્રયોગો થઈ રહ્યા છે, ગટરના પાણીને શુધ્ધ
કરીને ફરી વાપરવા માટે પણ પ્રયાસ ચાલી રહ્યા છે, પરંતુ જે શુધ્ધ અને મીનરલ્સ સાથે આકાશમાંથી પાણી વરસે છે
એનો સંચય કરવા માટે બદલાતી રહેલી સરકાર અને આટલી બધી પંચવર્ષીય યોજનાઓ પછી પણ આપણે કોઈ નક્કર
પગલાં લઈ શક્યા નથી, કારણ કે કોઈને આવા નક્કર પગલાં લઈને ખરેખર કશું બદલવામાં રસ હોય એવું લાગતું નથી.
છેલ્લા થોડા વખતથી આપણે એન્વાયરમેન્ટ પ્રોટક્શન, વૃક્ષો ઊગાડવાની વાતો કરતા થયા છીએ કારણ કે
કોરોનાએ મારેલી લપડાક આપણને બધાને વાગી છે. લપડાકથી આપણને સૌને તમ્મર આવ્યા છે. કાચના બિલ્ડિંગ,
આટલા બધા એ.સી., સિમેન્ટનો આટલો ઊપયોગ, રેતીનું ખનન અને પ્લાસ્ટિકના બેફામ વપરાશથી આપણે બધાએ
આપણો જ મૃત્યુઘંટ વગાડ્યો છે. વીસ રુપિયાની બોટલ ખરીદીને પ્લાસ્ટિક બહાર ફેંકી દેતા કે અડધી બોટલ પીને એ
પાણીને ઢોળી દેતા, ફેંકી દેતા લોકો માટે એક જ સજા હોવી જોઈએ… એમણે આવા પાણી વગરના કે પૂર આવ્યું હોય
એવા પ્રદેશમાં એક અઠવાડિયું વીતાવવું પડે ! કદાચ, તો જ એમને સમજાય કે એમણે ઢોળી નાખેલું, વેડફી દીધેલું
પાણી જો વંચિતને મળ્યું હોત તો એનું મૂલ્ય શું હોઈ શકે ! છેલ્લા થોડા વર્ષોથી પૂર અને દરિયાનું પાણી બેક થવાના
જે સમાચાર આપણે સાંભળી રહ્યા છીએ એની પાછળ બીજું કંઈ નહીં, પણ આપણે જ આપણા વર્તમાનમાં કરેલી
એવી ભૂલો છે જેનો હિસાબ આપણા સંતાનો અને એના પછીની પેઢીઓએ ચૂકવવો પડશે.
જે લોકો અખબાર વાંચે છે, શહેરોમાં વસે છે અને બિસ્લેરી, આરો અને કેન્ગેન વોટરની વાતો કરે છે એમને
કદાચ કલ્પના પણ નહીં હોય કે આ દેશની ખૂબ મોટી વસતિ ગંદુ, ડહોળું અને ખારું પાણી પીએ છે. આજે પણ
રાજસ્થાનના કેટલાક અંતરિયાળ ગામોમાં વાસણ રેતીથી સાફ કરીને મૂકી દેવામાં આવે છે, કારણ કે વાસણ ધોવાનું
પાણી એમને પોષાય એમ નથી ! આપણે બધા જ, કુદરતી સંપત્તિને વેડફવામાં ઉસ્તાદ છીએ…
સગવડ મળી હોય તો એને ઘસી ઘસીને પૂરી કરી નાખવી એ માનવજાતનો સ્વભાવ છે, કદાચ ! ભારતના
કેટલા શહેરના કેટલા ઘરો-હોટેલમાં ગરમ પાણી આવે ત્યાં સુધી ઠંડા પાણીનો શાવર કે નળ ચાલુ રાખવામાં આવે છે,
એ પાણીનો કોઈ ઉપયોગ થતો નથી. બ્રશ કરતી વખતે કે હાથ ધોતી વખતે સાબુ કે દાંત ઘસાય ત્યાં સુધી નળ ચાલુ
રહે, અને પાણી વહ્યા કરે પણ આપણા પેટનું પાણી હલતું નથી ! કેટલીક ગૃહિણીઓ અને ડોમેસ્ટિક કામ કરતા
માણસો કે સ્ત્રીઓ નળ ચાલુ રાખીને કપડા ધૂએ છે. ડોલમાંથી પાણી ઊભરાયા કરે, પણ નળ બંધ કરવાનો રિવાજ
આપણે ત્યાં નથી… એરપોર્ટ પર, રેલવે સ્ટેશન પર કે કેટલાય સરકારી બિલ્ડિંગ્સમાં વહેતા નળ રિપેર કરવા માટેની
ચિંતા ભાગ્યે જ કોઈ કરે છે. આ બધા પાણીનો હિસાબ કરીએ તો આપણે કેટલા ગેલન પાણી વેડફી નાખીએ છીએ એ
આપણને સમજાય.
જળ જીવન છે, વાણી અને પાણી સાચવીને વાપરો… એવા સ્લોગન દિવાલો પર લખવાથી શું થશે ?
આપણે જે રીતે કુદરતી સંપત્તિનો વેડફાટ કરી રહ્યા છીએ એ રીતે પાણી વગર તરફડતી પેઢીઓ કદાચ આપણે જ
જોવી પડે તો નવાઈ નહીં. સવાલ કંજુસાઈનો નથી, કરકસરનો છે. વીસ રુપિયાનું એક લીટર પાણી તો આપણે
ખરીદતા થયા જ છીએ, એટલે દસ લિટરના બસ્સો રુપિયા થયા અને સો લિટરના બે હજાર… વીસ રુપિયાની બોટલ
ખરીદતી વખતે કદાચ આપણને ખ્યાલ નથી આવતો, પરંતુ આપણે જે રીતે અત્યારે પેટ્રોલના ભાવ વિશે ઉહાપોહ કરી
રહ્યા છીએ એવી જ રીતે પાણીના ભાવ વિશે પણ ચિંતિત થવાનો સમય બહુ દૂર નથી.
આપણે આપણા સંતાનોને મકાન, દુકાન અને બેંક બેલેન્સની સાથે એક તરસ્યું ભવિષ્ય આપી જવાના છીએ.
એક એવું પર્યાવરણ જેમાં કદાચ શ્વાસ લેવાની પણ તકલીફ થશે… વૃક્ષો વાવવાની અપીલ કે એની સાથે જોડાયેલા
મુઠ્ઠીભર પર્યાવરણવાદીઓ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન પર કામ કરતા ગણતરીના વૈજ્ઞાનિકોની સામે એક આખો મૂર્ખ
અને બેદરકાર લોકોનો સમૂહ છે જે આ દેશને જ નહીં, આખા વિશ્વને એક ભયાનક સંકટ તરફ ધકેલી રહ્યો છે…
તમે એ ટોળામાં, એ મૂર્ખાઓના સમૂહ સાથે છો કે તમને તમારા પછીની પેઢી એક સ્વસ્થ જીવન પામે અને
સારા પર્યાવરણમાં જીવે એમાં રસ છે ?