પાણી માથા પરથી પસાર થઈ જાય એ પહેલાં…

મહાભારતમાં ‘યક્ષ પ્રશ્ન’ નામનો એક પ્રસંગ છે. જેમાં યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછે છે અને
યુધિષ્ઠિર એના જવાબ આપે છે. યક્ષ પૂછે છે, ‘આ જગતની સૌથી વજનદાર ચીજ કઈ છે?’ યુધિષ્ઠિર
ઉત્તર આપે છે, ‘પિતાના ખભે પુત્રનું શબ.’ આ ઉત્તર અત્યંત સાચો અને પીડાદાયક છે. યુવાન પુત્ર
મૃત્યુ પામે અને પ્રૌઢ કે વૃધ્ધ પિતા એને અગ્નિદાહ આપે ત્યારે એ પિતાની મનઃસ્થિતિ શું હોઈ શકે,
એ તો જેણે અનુભવ્યું હોય એને જ સમજાય. કુદરત કે વિધાતા આગળ આપણે સૌ લાચાર છીએ,
પરંતુ જ્યારે પિતા પોતાના હાથે પુત્રની કતલ કરે-ખૂન કરે, ત્યારે એમની મનઃસ્થિતિ શું હોઈ શકે!

1957માં બનેલી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’, જેનાથી નરગિસની આખી કારકિર્દી બદલાઈ ગઈ
અને તેઓ શ્રીમતી નરગિસ દત્ત બન્યા, એ ફિલ્મના અંતમાં એક મા પોતાના દીકરાને ગોળી મારીને
એનું ખૂન કરે છે. એ પછી બનેલી ફિલ્મો ‘વાસ્તવ’માં સંજય દત્તને એની મા અને ફિલ્મ ‘શક્તિ’માં
અમિતાભ બચ્ચનને એના પિતા પોતાના હાથે મૃત્યુ આપે છે. કુછંદે ચડી ગયેલો અને માતા-પિતા
માટે સમસ્યા બની ગયેલા પુત્રને સમજાવવા છતાં, સજા કરવા છતાં, તમામ પ્રયત્નો કરીને એને સાચા
રસ્તે લાવવા છતાં જ્યારે એ ન માને-ડ્રગ્સ, શરાબ ન છોડે, ઘરમાંથી ચોરી કરે, માતા-પિતા પર હાથ
ઉપાડે-અપશબ્દો બોલે ત્યારે માતા-પિતા શું કરી શકે? ગયા અઠવાડિયે અમદાવાદમાં એક પિતા,
નિલેશ જોષીએ પોતાના હાથે પોતાના પુત્ર સ્વયમની હત્યા કરી, એના શરીરના ટુકડા કરીને જુદા
જુદા અંગોને જુદી જુદી જગ્યાએ ફેંક્યા…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટીમે નિલેશ જોષીની ધરપકડ કરી, એમને કોર્ટમાં રજૂ
કર્યા ત્યારે એમણે દીકરાના અગ્નિદાહ માટે કોર્ટ પાસે પરવાનગી માગી! સવાલ એ છે કે, ગુસ્સામાં,
કંટાળેલા, પુત્રથી ત્રાસેલા પિતાએ એની હત્યા તો કરી… એ આવેશ હોઈ શકે, ઉશ્કેરાટ કે ક્રોધ હોઈ
શકે, પરંતુ એ થઈ ગયા પછી પોતાના જ પુત્રના શબના ટુકડા કરવા માટે એક પિતાએ કંઈ રીતે હિંમત
કે તાકાત એકઠા કર્યા હશે… જેને હાથમાં ઝુલાવ્યો કે ખભે બેસાડીને રમાડ્યો હોય એવા પુત્રએ
પિતાના હૃદયમાં કઈ હદે નફરત ભરી દીધી હશે! નિલેશ જોષીના પત્ની અને પુત્રી જર્મની રહે છે.
એમનું કહેવું છે કે, પુત્રથી ત્રાસીને જ એમણે એમના પત્નીને દીકરી પાસે મોકલી આપ્યાં… નિલેશ
જોષી ભણેલા અને સરકારી નોકરી કરીને રિટાયર્ડ થયેલા વ્યક્તિ છે. આવો માણસ જ્યારે પોતાના
હાથે પુત્રની હત્યા કરી નાખે ત્યારે સમાજ સામે એક એવી ગૂંચવણ ઊભી થાય છે. ભણેલા અને ઉચ્ચ
મધ્યમવર્ગના પરિવારોમાં હવે શરાબ અને ગાંજાની લત પગ પેસારો કરી રહી છે. ગુજરાતમાં દારૂબંધી
છે છતાં ભયાનક લઠ્ઠાકાંડ થાય છે. એમાં રાજકીય તત્વો પણ સંડોવાયેલા હોવાની માહિતી ધીમે
ધીમે બહાર આવી રહી છે. સૌ જાણે છે કે, ગુજરાતમાં દારૂ મેળવવો અઘરો નથી. થોડા લોકો એ પણ
જાણે છે કે, હવે ગાંજો પણ ગુજરાતની ગલીઓમાં પહોંચી ગયો છે. મેનડ્રેક્સ અને કોકેઈન પણ ઉચ્ચ
મધ્યમવર્ગની રેવ પાર્ટીઝમાં ક્યારેક પકડાય છે… નવી પેઢીને ગ્રસી રહેલી શરાબ, ગાંજા અને ડ્રગ્સની
લત વિશે સમાજે જાગૃત થવાની જરૂર છે.

નિલેશ જોષીએ પોતાના દીકરાને મારી નાખ્યો એ વિશે અરેરાટી ચોક્કસ થાય, પરંતુ એક
પિતાના હૃદયને સમજવાનો પ્રયાસ કરીએ તો ચોક્કસ સમજાય કે, એ પિતા કઈ હદે થાકી કે કંટાળી
ગયા હશે! વ્યસન શરાબનું હોય કે સત્તાનું, માણસને ‘માણસ’ રહેવા દેતું નથી. એક અફવા પ્રમાણે આ
દેશના પ્રધાનમંત્રીના ઈશારે જ એમના છકી ગયેલા દીકરાની હત્યા કરવામાં આવી હતી!

સમાજમાં આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે આપણે સૌએ માતા-પિતા તરીકે એક વાત
સમજવાની છે. સમસ્યા ઊગે ત્યારથી જ સાવધ થવાનું છે. સંતાનના મિત્રો એના અવરજવરના
સમય અને એની જીવનશૈલી પર ધ્યાન રાખવું એ ‘જુનવાણી’ નહીં, આજના જમાનાની જરૂરિયાત
છે! સંતાન જે માગે તે અપાવી દેવું, એને તમામ સગવડો અને આર્થિક સુરક્ષા પૂરી પાડવી, જ્યારે
જોઈએ ત્યારે પૈસા આપી દેવા એ પ્રેમ નહીં-સંતાનના ભવિષ્યને બરબાદ કરવાની રીત છે. જે માતા-
પિતા ‘ના’ પાડે છે, કડક થાય છે કે, પોતાના સંતાનનું રૂટિન અને મિત્રો તપાસતા રહે છે એ માતા-
પિતા માટે આવી સમસ્યા ઊભી નહીં જ થાય એવું કોઈ વચન નથી તેમ છતાં, એમને ‘પોતાની ફરજ’
પૂરી કર્યાનો સંતોષ ચોક્કસ રહેશે.

બદલાતા સમય સાથે ટિયર પ્રેશર, બહારના વાતાવરણની અસર યુવા પેઢી પર બહુ ઊંડી અને
મજબૂત છે. ઘરના સંસ્કાર, ઉછેર, માતા-પિતાની ચાંપતી નજર હોવા છતાં, યુવા સંતાન ક્યારેક
ખોટી દિશામાં વળી જાય છે. હવેના સમયમાં પુત્ર અને પુત્રી વચ્ચે પણ આવી સમસ્યામાં ઝાઝો ભેદ
નથી રહ્યો! દીકરો જ નહીં, દીકરી પણ સિગરેટ કે દારૂ પીતી થઈ જાય, ખોટી વ્યક્તિ સાથે સંબંધ
બાંધી બેસે-વિધર્મી વ્યક્તિ સાથે ફસાઈ જાય કે, ડ્રગ્સ માટે ઘરમાં અને બહાર ચોરી કરતા થઈ જાય,
ડ્રગ પેડલર થઈ જાય ત્યાં સુધી માતા-પિતાને ગંધ પણ ના આવે તો એમાં માત્ર માતા-પિતાનો જ વાંક
છે, અથવા એમનું ધ્યાન નથી કે એ સંતાનના ઉછેરમાં બેદરકાર રહ્યાં છે એવું ધારી લેવું યોગ્ય નથી.
કેટલીક વખત બધું કરી છુટવા છતાં બહારની અસર અથવા મિત્રોના દબાણ કે ખરાબ કંપનીમાં
સંતાન ઘરના સંસ્કાર અને માતા-પિતાની લાગણીનો ખ્યાલ કર્યા વગર ખોટે રસ્તે ચડી જાય છે, ત્યારે
રિહેબ સેન્ટર, લાગણીભર્યા પ્રયાસો, સજા, ભય… કશું જ કામ નથી કરતું.

નિલેશ જોષીએ જે કર્યું તે યોગ્ય નથી જ. દીકરાને ઘરમાંથી કાઢી મૂકી શકાય. એની સાથે
સંબંધ તોડી શકાય, એમાં પણ હૃદય પર પત્થર મૂકવો જ પડે. સ્વયમ વિરુધ્ધ પોલીસ ફરિયાદ થઈ
શકી હોત, એને બે વર્ષની જેલ થઈ હોત, પરંતુ જીવન બચ્યું હોત! આજના માતા-પિતાએ નિલેશ
જોષી અને સ્વયમના કિસ્સા પછી પોતાની જાતને પૂછવાનું છે કે, આલ્કોહોલિક, કે ડ્રગ એડિક્ટ થઈ
ગયેલા સંતાનને બચાવવા કે છોડાવવાથી આપણે એને એ દિશામાં જવાનું પ્રોત્સાહન આપીએ
છીએ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *