વાંસળીના વિચારમાત્રથી આપણને કૃષ્ણનો વિચાર આવે. સૂકાયેલા વાંસમાં થોડા છેદ કરીને
એમાંથી હવાને પસાર કરીને જે સૂર આંગળીઓના નર્તનથી સર્જી શકાય એ વાદ્ય-એ સંગીત એટલે
વાંસળીમાંથી પ્રગટ થતી ચેતનાના સૂર! આમ જોવા જઈએ તો વાંસળી સાવ સાદું વાદ્ય છે.
એમાં તાર કે ચામડાની જરૂર નથી પડતી. શ્વાસને કંટ્રોલ કરવાની અને ફૂંકવાની સહજ
રમતમાંથી સાત સૂરોનું સામ્રાજ્ય ઊભું કરી શકાય છે. એ વાત છેક દ્વાપર યુગથી આપણને
વિદિત છે. ભારતમાં અનેક વિખ્યાત બાંસુરી વાદક થયા છે જેમાં આજના સમયે વિખ્યાત
બાંસુરી વાદક શ્રી હરિપ્રસાદ ચોરસિયાને નવી પેઢી ઓળખે છે, પરંતુ એક બીજું નામ, જેના વગર
બાંસુરીના સંગીતનો ઈતિહાસ અધૂરો રહી જાય. એ નામ છે પન્નાલાલ ઘોષ.
આજના પૂર્વ પાકિસ્તાનમાં-બારીસાલમાં એમનો જન્મ થયેલો. એ વખતે બંગાળ ક્રાંતિકારી
પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર અને દરેક બંગાળી નેતા યુવાનોના શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની વાત
કરતા. સ્વાતંત્ર્યના ફૂંકાતા પવન સાથે સૌએ વ્યાયામ કરવાનું ફરજિયાત હતું. એમના કુટુંબમાં 14
ભાઈ-બહેન અને બધા ભાઈઓ કસરત અને બોક્સિંગને કારણે ઉત્તમ શરીર સ્વાસ્થ્ય ધરાવતા. એ સમય
એવો હતો કે બારીસાલમાં સારું શારીરિક સ્વાસ્થ્ય ધરાવતો કોઈ યુવાન પોલીસની નજર બહાર રહેતો
નહીં. અંગ્રેજ અફસરો માનતા કે, શારીરિક સ્વાસ્થ્ય ધરાવતો મજબૂત યુવાન અંતે ક્રાંતિકારી બની જ
જશે! અંતે, 16-17 વર્ષની ઉંમરે એમને કલકત્તા મોકલવામાં આવ્યા. ન્યૂ થિયેટર્સમાં નોકરી
કરવાની શરૂ કરી અને સંગીતનું શિક્ષણ લેવાની શરૂઆત પણ ત્યાંથી થઈ. 1938થી લગભગ
સાંજે છ-સાત વાગ્યે રિયાઝ શરૂ કરે તે રાત્રે 11 વાગ્યા સુધી… પાંચ-છ કલાકના રિયાઝ પછી
ધ્યાન, મેડિટેશન કરે. પન્નાલાલ ઘોષે એમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘હું મારા સંગીતને અને
મારી જાતને ઈશ્વરના ચરણે સોંપી ચૂક્યો છું. હવે જે સંગીત પ્રગટે છે તે મારું નથી, મારા ઈશ્વરનું છે.’
એમના પત્ની એટલે સિનેજગતના જાણીતા સંગીત દિગ્દર્શક અનિલ બિશ્વાસના સગા
બહેન. એમણે પાર્શ્વગાયિકા તરીકે ખૂબ કામ કર્યું અને પતિને (પન્નાલાલજીને) સાંસારિક
જવાબદારીમાંથી મુક્ત કરવા માટે પોતે સતત કામ કરતા રહ્યા. 1940માં પન્નાલાલજી મુંબઈ
આવ્યા અને ચલચિત્રમાં ગીત સંગીતની શરૂઆત કરી.
ગાંઠ વગરનો વાંસ સરળતાથી મળતો નથી. સારી વાંસળી બનાવવા માટે ગાંઠ
વગરનો લાંબો વાંસ જોઈએ. એમના એક મિત્ર બર્માથી એક વાંસ લાવેલા. જેમાંથી
પન્નાલાલજીએ પોતાની દેખરેખ નીચે એક વાંસળી બનાવડાવી હતી. લાભુબહેન મહેતા
લિખિત એક પુસ્તકમાં પન્નાલાલજીએ એ વાંસળીની વિગતો આપતા કહ્યું હતું, ‘બજારમાં
આ મળતી નથી. સામાન્ય રીતે વાંસળી આટલી લાંબી હોતી નથી. ગાંઠ વિનાનો આટલો
લાંબો વાંસ જલદી મળે પણ નહીં. આ તો વર્ષો પહેલાં એક મિત્ર બર્માથી લઈ આવેલા
તેમાંથી ઘેર બેઠાં બેઠાં બનાવી. મારી પાસે પણ આવી બીજી વાંસળી નથી. મારો મત છે કે
ઉચ્ચ શાસ્ત્રીય સંગીતમાં નાની વાંસળી કામ ન લાગે. એમાંથી ‘ખરજ’ના સૂર નીકળી શકતા
નથી. મંદ્ર, મધ્ય અને તાર ત્રણે સપ્તક આ મારી મોટી વાંસળીમાંથી છેડી શકાય છે અને તેથી
જ લાંબો કાર્યક્રમ હોય ત્યારે હું એનો ઉપયોગ કરું છું. ‘ટોનલ વેલ્યૂ’ માટે જ આ નવી મોટી
વાંસળીની શોધ કરવી પડી છે. એમાંથી જે સૂર નીકળે છે તે શુધ્ધ, સંવાદી, ને ઘોરવાળો હોય
છે. શાસ્ત્રીય સંગીત માટે એવા સૂરની જરૂર છે.’ એ જ પુસ્તકમાં એક પ્રશ્નના જવાબમાં
પન્નાલાલજીએ કહ્યું છે, ‘મારે મન તો એક બાજુ હું બેઠો છું, સામે ઠાકુર છે અને વચ્ચે આ
વાંસળી છે. વાંસળી દ્વારા પ્રભુચરણમાં પહોંચવાની કોશિશ કરું છું. વાંસળીમાં ‘પરફેકશન’ –
પૂર્ણતા પ્રાપ્ત કરી શકું તો ઠાકુરને પ્રાપ્ત કરવા જેવું જ છે. કોઈ પણ કાર્યમાં પૂર્ણતા મેળવવી
અને ઠાકુરને મેળવવા એ બંને મારે મન સરખું છે.’
એક તરફ પંડિત રવિશંકર અને એમના પત્નીના સંબંધો યાદ કરીએ તો
અન્નપૂર્ણાદેવીએ સંગીત છોડવું પડ્યું કારણ કે, પંડિતજીનો અહંકાર અન્નપૂર્ણાદેવીના
અદ્વિતિય સંગીતથી ઘવાતો હતો. બીજી તરફ, પન્નાલાલ ઘોષના પત્ની જેમણે પતિ
કલાકાર તરીકે જીવી શકે એ માટે પોતે જીવનભર પાર્શ્વગાયિકાનો વ્યવસાય કર્યો! સંગીતને
કારણે મળેલા અને સંગીતને કારણે જ છૂટા પડી ગયેલા કેટલાય યુગલોને વિશે આપણે
સાંભળ્યું છે. પન્નાલાલ ઘોષનું બાંસુરી વાદન તો જગવિખ્યાત છે, પરંતુ એમના પત્નીએ
કરેલી સેવા અને ત્યાગ વિશે બહુ ઓછા લોકો જાણે છે! આપણે વારંવાર કહીએ છીએ કે,
‘એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.’ પરંતુ, એ સ્ત્રીને ક્રેડિટ આપવાનું, એની
પ્રશંસા કરવાનું કે એનો આભાર માનવાનું સામાન્ય રીતે ભૂલી જવાતું હોય છે!
પન્નાલાલ ઘોષનું મૃત્યુ 1960માં થયું. એમણે બાંસુરી શીખવવા માટે કોઈ દિવસ
કોઈ ફી લીધી નથી. વળી, એમણે જાતે કેટલાક રાગો બનાવ્યા છે જેમાં ચંદ્રમૌલી, દીપાવલી,
પંચવટી વગેરે રાગો એમણે જાતે, મૌલિક રીતે સર્જ્યા છે. આજની પેઢીને કદાચ પન્નાલાલ
ઘોષની ઓળખ નહીં હોય, પરંતુ ઉત્તર હિન્દમાં પન્નાલાલ ઘોષ પહેલાં કોઈએ વાંસળીને
આટલી લોકપ્રિયતા અપાવી નથી.
એકવાર ગાંધીજી મુંબઈ-જુહુમાં હતા અને પન્નાલાલ ઘોષને 10 મિનિટ માટે
વાંસળી વગાડવાનું આમંત્રણ મળ્યું હતું. એમણે 10 મિનિટ સુધી વાંસળી વગાડી પછી
ગાંધીજીએ કહ્યું, ‘તમે ખૂબ સરસ વગાડો છો. હજી વગાડો…’ 10 મિનિટની મુલાકાત 45
મિનિટ સુધી લંબાઈ અને એ પછી ગાંધીજીએ એમને એક કાગળ પર લખીને આપેલું ‘બંસરી
બહુત મધૂર બજાઈ-મો.ક. ગાંધી.’