ગુજરાતમાં તલાટીની પરીક્ષાઓ વિના વિઘ્ને પસાર થઈ ગઈ. ધોરણ 10 અને 12ની
પરીક્ષાઓ પણ પૂરી થઈ. પેપર લીક થવાની ફરિયાદો કે ચોરી, પક્ષપાત કે અન્યાયની ફરિયાદો આ
વખતે નથી થઈ… ગૃહમંત્રીએ અને શહેરના પોલીસ પ્રશાસને એટલી કાળજી રાખી કે આ
પરીક્ષાઓમાં કોઈ સમસ્યા ઊભી ન થાય, ગુડ! ગુજરાતમાં આ સમસ્યા નવી છે. આજથી પહેલાં
ગુજરાતમાં આવી રીતે પેપર લીક થાય કે ડમી પરીક્ષાર્થી પરીક્ષા આપવા બેસે એવા બહુ જૂજ કિસ્સા
પકડાતા, કારણ કે એવી જરૂર નહીં પડતી હોય, કદાચ! છેલ્લા થોડા વખતથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ
અને બીજા રાજ્યો પાસેથી આપણે આ શીખ્યા. યુપીએસસીની પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસે
એના લાખ, બે લાખ, ક્યારેક મેડિકલ એન્ટ્રસ કે બીજી પરીક્ષાઓ માટે પાંચ લાખ રૂપિયા સુધીની ફી
ચૂકવવામાં આવે. ઉમેદવાર હા-ના કરે તો એને મારીને, ધમકાવીને, એના પરિવારને બાનમાં લઈને
પણ એણે આ કરવું જ પડે એવી ધાક આ રાજ્યોમાં કેટલાય સમયથી ચાલી આવે છે. આ જ વિષયને
લઈને ઓટીટી ઉપર ‘વ્હિસલ બ્લોઅર’ અને બીજી અનેક સીરિઝ બની ચૂકી છે.
પરીક્ષામાં ચોરી શું કામ કરવી પડે? ખાસ કરીને, આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે
ઉમેદવાર ચોરી કરીને પાસ થાય છે કે એના બદલે કોઈ ડમી ઉમેદવાર બેસે છે ત્યારે આપણે દેશના
ભવિષ્ય સાથે, આપણી સિસ્ટમ સાથે બેઈમાની કરીએ છીએ એવો વિચાર કેમ નહીં આવતો હોય?
ડમી ઉમેદવારની મદદથી પાસ થયેલા લોકો જ્યારે ડૉક્ટર, એન્જિનિયર કે પ્રશાસનનો હિસ્સો બને
ત્યારે પણ એમની એ બેઈમાની એમનો પીછો છોડતી નથી. આજે જે ભયાનક ભ્રષ્ટાચાર આપણે
જોઈ રહ્યા છીએ એના પાયામાં આવી બેઈમાની, પરીક્ષામાં ગેરરીતિ પણ જવાબદાર છે જ. ચાલો,
માની લીધું કે પરીક્ષામાં બેસનાર ઉમેદવાર તો પ્રમાણમાં નાનો છે, એને ‘કોઈપણ રીતે’ પાસ થવું છે,
આગળ વધવું છે. એ જીદ કરે કે માતા-પિતાને વિનંતી કરે, હઠાગ્રહ કરે, પરંતુ આવા વિદ્યાર્થીના માતા-
પિતાને નહીં સમજાતું હોય કે, જે દેશમાં એ રહે છે, જે માટીમાં ઊગેલું અનાજ ખાય છે, જે દેશે
એમને સગવડ, સંપત્તિ અને કેટલાક કિસ્સામાં સત્તા પણ આપ્યા છે એ દેશની સિસ્ટમમાં આવા
ખોટા, નબળા ઉમેદવારને પાસ કરાવીને એ સિસ્ટમનો પાયો જ કાચો કરી રહ્યા છે. દેશની સિસ્ટમમાં
કશું પણ બગડે તો એનો ગેરફાયદો કોઈ એક વ્યક્તિને નથી થતો, જે લોકો પ્રશાસનમાં અધિકારી તરીકે
પ્રવેશે છે, ખોટા ઉમેદવારથી એન્ટ્રસ પાસ કરીને ડૉક્ટર, એન્જિનિયર કે સીએ થાય છે એ બધા જ
આપણી આખી સિસ્ટમને બરબાદ કરવાના નાના નાના કારણો પૂરા પાડે છે.
સમજવાની વાત એ છે કે, યુપી, રાજસ્થાન, બિહાર કે બીજા રાજ્યોમાં આવી ચોરી કરવાની,
ખોટું કરવાની જરૂર કેમ ઊભી થાય છે? એના બે કારણો છે. એક, સરકારી નોકરી કરતા ઉમેદવાર
ડૉક્ટર કે એન્જિનિયરને ભરપૂર દહેજ મળે છે. કેટલાક રાજ્યોમાં તો રીતસર ભાવ નક્કી જ છે, એવા
સમયમાં વહુ દહેજ લઈને આવે એ લાલચે દીકરાને ડમી ઉમેદવાર પૂરો પાડવાનું સાહસ અને મૂર્ખામી
બંને માતા-પિતા કરે છે. બીજી તરફ હવે દીકરીઓ ભણવા લાગી છે, જેને કારણે ભણેલી દીકરીને
દહેજ ઓછું આપવું પડે, એ માતા-પિતાની લાલચ અને જરૂરિયાત છે. બીજું કારણ એ છે કે, ઉત્તરના
રાજ્યોમાં ‘સત્તા’ અથવા ‘રાજકારણ’ એ જીવનનો હિસ્સો નથી, બલ્કે જીવનનો પર્યાય છે. ત્યાં
સરકારી કોન્ટ્રાક્ટથી શરૂ કરીને પ્રોફેસરની નોકરી કે સરકારી નોકરીમાં રીતસર ભાવ બોલાય છે. હવે જે
ડમી ઉમેદવારને પૈસા આપીને, સરકારી નોકરીમાં પણ લાંચ આપીને દાખલ થયો હોય એ માણસ
પોતાની ‘વસૂલી’ તો કરશે ને?
અત્યાર સુધી ગુજરાતમાં ‘ચોરી કરીને પાસ થનાર’ તરફ થોડી ધૃણાસ્પદ નજરે જોવાતું હતું.
હવે, ચોરી કરી શકનાર, ડમી ઉમેદવારની વ્યવસ્થા કરી શકનાર કે લીક થયેલું પેપર લાવી શકનાર
સંતાન કે માતા-પિતા પણ ‘હોંશિયાર’ અને ‘પ્રેક્ટીકલ’ની પદવી મેળવીને ગર્વ અનુભવે છે. કોઈ જાણે કે
નહીં, પણ આપણને તો ખબર જ છે કે આપણે પોતે અથવા આપણું સંતાન જાતે પરીક્ષામાં બેસવાને
લાયક નથી અથવા એને મળેલી ડિગ્રી કે નોકરી એની લાયકાત પર નહીં, બલ્કે ચોરી કરીને મળી છે…
શું જિંદગીભર આ ચોરી અથવા બેઈમાનીનો બોજ ઊઠાવીને જીવી શકાય? અત્યાર સુધી ગુજરાત
સંવેદનશીલ અને સંસ્કારી લોકોનું રાજ્ય માનવામાં આવતું હતું, પરંતુ છેલ્લા થોડા સમયથી
ગુજરાતમાં જે પ્રકારના બનાવો બને છે તે જોતાં લાગે છે કે, ગુજરાત ધીમે ધીમે ઉત્તર પ્રદેશ કે
બિહારના રસ્તે જઈ રહ્યું છે? ગુજરાતની જ નવી પેઢી સિનેમા, ઓટીટી અને સોશિયલ મીડિયાના
પ્રભાવ હેઠળ બદલાવવા લાગી છે કે પછી હજી સુધી આપણે જેને સૌથી શાંત અને સલામત રાજ્ય
માનીએ છીએ એમાં હવે બહારના લોકોએ આવીને પોતાનો પગદંડો જમાવવા માંડ્યો છે? પેપર લીક
થાય છે ત્યારે કોઈ એક વ્યક્તિને જવાબદાર નથી હોતી. પ્રિન્ટીંગ પ્રેસ, પેપર સેટ કરનાર પ્રોફેસર,
પેપરને ટ્રાન્સફર કરનાર પટાવાળો કે પેપર જ્યાં રાખવામાં આવ્યા હોય એ તીજોરીનો ઈન્ચાર્જ
અધિકારી… કોઈપણ અથવા બધા આમાં સંડોવાયેલા હોઈ શકે છે.
સવાલ એ છે કે, મુઠ્ઠીભર લોકો ચોરી કરે છે, પેપર લીક થાય છે એને કારણે હજારો-લાખો
વિદ્યાર્થીઓ-પરીક્ષાર્થીઓ જેમણે મહિનાઓ સુધી મહેનત કરીને પ્રામાણિકતાથી પરીક્ષા આપવાની
તૈયારી કરી હોય એમને પણ પરિણામ ભોગવવું પડે છે… માતા-પિતા તરીકે, દેશના નાગરિક તરીકે
આપણે યુવા પેઢીને જો મહેનત અને પ્રામાણિકતા નહીં શીખવી શકીએ તો આવનારા વર્ષોમાં
આપણો દેશ ફક્ત બેઈમાન અને ચોરી કરીને તૈયાર થયેલા ડૉક્ટર, એન્જિનિયર અને સરકારી
અધિકારીઓનો દેશ બની જશે.