પરીક્ષાઃ કઈ, ક્યાં, કેટલી અને કેવી કેવી…

27 તારીખે પ્રધાનમંત્રીએ તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમમાં ‘પરીક્ષા પે ચર્ચા’માં ભારતના
વિદ્યાર્થીઓ સાથે વાત કરી. લગભગ દરેક વિદ્યાર્થીઓનો સૂર એક જ હતો, ‘આજની હરિફાઈના
જગતમાં શાળા કે કોલેજની પરીક્ષા ભયાનક સ્ટ્રેસ લઈને આવે છે.’ શિક્ષકો અને માતા-પિતા બંને
તરફથી વધતું પ્રેશર અને કારકિર્દીની ચિંતાને કારણે કેટલાય વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાં
પરીક્ષામાં સારું રિઝલ્ટ નથી આપી શકતા કારણ કે, એમને પરીક્ષાનો ભય લાગે છે… આ ભય
પરીક્ષાનો નથી, ઓછા માર્ક આવે તો ‘જજ’ થવાનો, મિત્રો, સમાજ, સ્વજનની કોમેન્ટ
સાંભળવાનો, પોતાના સહપાઠીઓ સામે નીચા દેખાવાનો અને અંતે માતા-પિતાની નિરાશાનો ભય
છે!

આજના સમયમાં માતા-પિતા માટે બાળક પોતાના સ્નેહ, વ્હાલ કે પ્રેમનું પ્રતીક તો છે જ,
પરંતુ સાથે સાથે પોતાની પ્રતિષ્ઠાનું પ્રદર્શન પણ બની રહ્યું છે. લગભગ પ્રત્યેક ઘરમાં ટીનએજ બાળક
અને માતા-પિતા વચ્ચે ઘર્ષણ વધતું જાય છે. માતા-પિતાનું પ્રેશર એટલું બધું છે કે, સાવ નાના,
પ્રાથમિક શાળામાં ભણતા કે એથી પણ નાના બાળકને ચાઈલ્ડ કાઉન્સેલર અથવા સાયકોલોજિસ્ટની
જરૂર પડવા લાગી છે! જેણે માત્ર રમવાનું છે, બાળપણ માણવાનું છે એવું બાળક ડિપ્રેશનમાં સરી
જાય-બીનજરૂરી ક્રોધ કરે, તોડફોડ કરે, ઊંઘમાં બબડે, પથારી ભીની કરે, દાંત કચકચાવે, કોઈ વાત ન
માને અથવા જીદે ચડે ત્યારે ગમે તેના પર હાથ ઉપાડે આવા કિસ્સા ઘરઘરમાં વધતા જાય છે.

ગુગલના એક રિપોર્ટ મુજબ સૌથી વધુ સર્ચ થયેલા શબ્દોમાંનો એક છે, ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ!’
જે શબ્દની આપણને આજથી દસ વર્ષ પહેલાં કદાચ ખબર પણ નહોતી એ શબ્દ આજે ઉંમર કે લિંગ
ભેદ વગર સૌના મન અને મગજ ઉપર હાવી થઈ ગયો છે. મોંઘી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં
બાળકોને થતા સ્ટ્રેસ માટે ખાસ ‘કાઉન્સેલર’ રાખવા ફરજિયાત છે. આમ જુઓ તો નવાઈ લાગે કે,
જે બાળકે કમાવાનું નથી એના પર કુટુંબની જવાબદારી કે બીજી કોઈ બાબતનો ડર નથી, એને કઈ
વાતનો સ્ટ્રેસ થતો હશે! કેટલાક બાળકો સાથે વાતચીત કરતાં સમજાયું કે, મોટાભાગના બાળકોને હવે
‘સાબિત કરવાની હરિફાઈમાં ધકેલી દેવામાં આવે છે.’ લગભગ દરેક માતા-પિતા હવે પોતાનું બાળક
કેટલું ટેલેન્ટેડ, હોશિયાર, બટકબોલું અને ચતુર છે એ સાબિત કરીને ગર્વ લેવા માટે મરણિયા થઈ જાય
છે. બીજાના બાળકની સાથે સરખામણી કરીને પોતાના બાળકને વધુને વધુ હોશિયાર, ચતુર કે સફળ
થવાનું એક વિચિત્ર પ્રેશર માતા-પિતા પોતાના બાળક પર બિલ્ટ કરે છે!

આ પરિસ્થિતિમાં ફક્ત પરીક્ષા જ નહીં, દરેક જગ્યાએ બાળક પોતાને સાબિત કરવા માટે
મરણિયું થવા લાગે છે. આપણે બધાએ જોયું છે કે, જે બાળક પોતે સમજતું પણ નથી એવા બાળકને
એના માતા-પિતા જે પ્રકારના વસ્ત્રો પહેરાવે એ જોઈને એટલું ચોક્કસ સમજાય છે કે, એ ફેન્સી છતાં
ખૂંચતા અને અનકમ્ફર્ટેબલ વસ્ત્રો બાળકની ખુશી માટે નહીં, બલ્કે એને રમકડું માનીને સજાવતા
માતા-પિતાની ખુશી માટે છે! ભાષા પણ ન બોલી શકતા હોય એવા બાળકને મહેમાન કે મિત્રોની
હાજરીમાં કલર, પ્રાણી, શાકભાજી ઓળખાવીને માતા-પિતા બાળકની ટેલેન્ટનું તો પ્રદર્શન કરે જ
છે-પરંતુ, પોતે કેટલી સ્માર્ટલી, કેટલી મહેનત કરીને બાળકને ‘શીખવી’ શકે છે એ વાતનું ગૌરવ
લેવાનું ચૂકતા નથી!

આપણે સોશિયલ મીડિયા પર નજર નાખીએ કે ટેલિવિઝન ઉપર જોઈએ તો સમજાય કે
બાળકને ‘બાળક’ રહેવા દેવાને બદલે એની પાસેથી વિચિત્ર ચબરાખી ભરી વર્તણુકની અપેક્ષા રખાય
છે. મોટાભાગના માતા-પિતા ફટાફટ જવાબ આપતા, ક્યારેક તોછડાઈભર્યા અને ઉદ્ધત લાગે એવા
વર્તન ઉપર પણ હસીને ગૌરવ લે છે… એ પછી જ્યારે એ જ બાળક ટીનએજમાં પ્રવેશે છે ત્યારે
માતા-પિતા એનામાં સંસ્કાર-સિંચન કરવા ઉતાવળા થઈ જાય છે. બીજાને મારતું, જીદ કરતું, પોતાનું
ધાર્યું કરાવતું, તોછડું અને ક્યારેક અણગમતું લાગે એવા બાળકને રોકવાને બદલે જે માતા-પિતાએ
એને પ્રોત્સાહન આપ્યું છે, એ માતા-પિતા પછીથી એને રોકવા કે કંટ્રોલ કરવામાં નિષ્ફળ પૂરવાર થાય
છે.

ગઈકાલ સુધી જે ‘બાળક’નું વર્તન જોઈને આપણે હસતા હતા એ જ બાળકનું વર્તન આજે
આપણા માટે ચિંતા અને શરમનું કારણ બની જાય છે… એ પછી આપણે બાળક ઉપર પ્રેશર
વધારવાનું શરૂ કરીએ છીએ, એને કંટ્રોલ કરવાના પ્રયાસમાં ઘર્ષણ શરૂ થાય છે. ડ્રગ લેતા કે શરાબ-
સિગરેટ પીતા બાળકને એના કારણે થતા સ્વાસ્થ્યના નુકસાન વિશે સમજાવવાને બદલે માતા-પિતા
એને વઢે ત્યારે કહે છે, ‘કોઈ જુએ તો કેવું લાગે? ‘ અથવા ‘છાપે ચડીશ તો લોકોને શું જવાબ
આપીશ?’ એવી જ રીતે એના મિત્રો અને સંબંધોમાં પણ માતા-પિતા પોતાની પ્રતિષ્ઠા અને
સામાજિક અપ્રુવલ વિશે વધુ સજાગ જોવા મળે છે. કેટલાંક માતા-પિતા તો સંતાનને (ખાસ કરીને
દીકરીને) એવા પરિવારના છોકરાઓ સાથે મિત્રતા કરવાનું કહે છે અથવા આગ્રહ રાખે છે જેથી એની
દીકરીને પૈસાવાળું અને પ્રતિષ્ઠા ધરાવતું સાસરું મળી રહે… ટૂંકમાં, પ્રેમ નહીં, શિકાર કરવાની સૂચના
અથવા શીખામણ આપવામાં આવે છે! સંતાન આવો ‘શિકાર’ કરે એ પછી, સંપત્તિ કે બેન્ક બેલેન્સ
જોઈને કરાયેલા લગ્નમાં તિરાડ પડે ત્યારે એ જ માતા-પિતા પોતાના સંતાનને છૂટાછેડામાં કેવી રીતે
વધુમાં વધુ ફાયદો થાય એ માટે પણ એને ઉશ્કેરે છે, પ્રેશર કરે છે.

પ્રધાનમંત્રીએ ભલે શાળા કે કોલેજની પરીક્ષા વિશે ચર્ચા કરી, પરંતુ હવે યુવાનોએ પળેપળે
પરીક્ષા આપવી પડે છે. પોતાના ઘરમાં-સિબ્લિંગ(ભાઈ કે બહેન)ની સાથે સરખામણીથી શરૂ કરીને,
પડોશીના મિત્રોના સંતાનો, ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ, ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડના મિત્રો સુધી બધે
એણે ‘સફળ’ થવું પડે છે અને એ પણ ઝળહળતી ફતેહ સાથે! આજનો સમય વ્યક્તિને શાંત, સંતોષી
કે સુખી થવા નહીં, બલ્કે ફક્ત અને ફક્ત સફળ અને પ્રસિધ્ધ થવા ધકેલે છે…

આ પરીક્ષા ક્યારેક એટલી આકરી પૂરવાર થાય છે કે, એમાં નિષ્ફળ નીવડેલો, હારેલો કે ધારી
સફળતા નહીં મેળવી શકેલો યુવાન આત્મહત્યા તરફ વળી જાય છે. ‘પરીક્ષા પે ચર્ચા’નું આ છઠ્ઠું
સેશન તો રસપ્રદ અને પ્રેરણાદાયી હતું, પરંતુ આજના માતા-પિતાને પણ એક આવા સેશનની જરૂર
છે એવું નથી લાગતું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *