પર્યાવરણઃ ભીતરનું અને બહારનું

મહાભારતમાં ઉત્તંક મુનિની કથા આવે છે. આચાર્ય વેદ એની પરીક્ષા કરે છે. રાણીના ખોવાઈ
ગયેલા કુંડળ લેવા એને મોકલે છે. ત્યાં ઉત્તંક એક વિચિત્ર દૃશ્ય જુએ છે.

तंत्रमेके युवती विरुपे अभ्याक्रामं वयतः षण्मयूखम् ।
प्रान्या तंतूस्तिरते धत्ते अन्या नापवृंजाते न गमाते अंतम् ।।
तयोरहं परिनृन्त्योरिव न विजानामि यतरा परस्तात् ।
पुमानेनद्वयत्युद्रृणात्ति पुमानेनद्विजभाराधि नाके ।। (અથર્વવેદ, 10-7-42, 43)

વિરુદ્ધ રૂપવાળી બે સ્ત્રીઓ છ ખૂંટીઓવાળી ખુડ્ડીની પાસે ઊભી છે અને કપડું વણે છે.
તેમાંની એક સૂતર ફેલાવે છે અને બીજી તેને પકડી રાખે છે. તે તોડતી પણ નથી અને કામ પણ પૂરું
કરતી નથી. બેમાંથી કોઈ પહેલી કે બીજી નથી. ચક્ર ફર્યા કરે છે. પુરુષ તેને વણે છે, પુરુષ જુદું પાડે છે
અને વિસ્તૃત આકાશમાં તેને ફેલાવે છે.

આ બંને મંત્રોમાં ‘ઉષા’ અને ‘નક્તા’ તે બંને, ઉપરના મંત્રોમાં વર્ણવેલી અને મહાભારતમાં
વર્ણવેલી જ સ્ત્રીઓ છે. ઉષા એટલે સવાર, નક્તા એટલે સાયંકાળ. ‘ઉષા સ્ત્રી’ આખો દિવસ સફેદ
રંગનું કપડું વણ છે અને ‘નક્તા સ્ત્રી’ આખી રાત કાળા રંગનું કપડું વણ્યા કરે છે. એક પછી એક
આવીને પોતપોતાનું કામ કરે છે, પરંતુ કોઈનું પણ કામ પૂરું થતું નથી કેમ કે દિવસ પછી રાત અને
રાત પછી દિવસ આવે છે, તેથી આ ક્રમ કદી સમાપ્ત થતો નથી અને થવાનો પણ નથી.

દિવસ અને રાતનો વખત જ ધોળું અને કાળું વસ્ત્ર છે, ‘સૂર્યથી ઉત્પન્ન થનારા કાળનો
સૂક્ષ્મભાગ સૂતર છે’. કાળરૂપી આ સૂતરનો તાંતણો અખંડ છે, સૂર્યરૂપી ગોળ રેંટિયો ઉપર દેવાધિદેવ
ઈન્દ્ર ભગવાન કાંતે છે અને તે સૂતરને લઈને ઉષા તથા નક્તા એ બંને સ્ત્રીઓ કપડું વણે છે.

છ ખૂંટીઓવાળી ખૂંટી ઉપર આ વણવાનું કામ ચાલી રહ્યું છે. છ ખૂંટીઓ એટલે છ
ઋતુઓનો સમય છે. એ ખૂંટીઓને ફેરવનાર છ ઋતુઓ છે, તથા જે ખૂંટી ઉપર આ સમયરૂપી કપડું
વણાય છે, તે સંવત્સર છે. જે પુરુષ છે, તે દેવાધિદેવ ઈશ્વર છે અને આ રીતે આ કાળચક્રનું વર્ણન છે.
તેનો વિચાર કરવા માટે નીચેના વેદમંત્રો જોવા જરૂરના છે.

द्वादश प्रधयश्चत्कमेकं त्रीणि नभ्यानि क उ तच्चिकेत ।
तस्मिन्त्साकं त्रिशता न शंकवोडर्पिताः षष्टिर्न चलाचलासः ।।(ઋગ્વેદ, 1-164-48)
तत्राहतास्त्रीणि शतानि शंकवः षष्टिश्च खीला अविचाचला ये ।। (અથર્વવેદ, 10-8-4)

બાર પરિધિવાળું એક જ ચક્ર છે, ત્રણ નાભિઓ છે, કોણ આ ચક્રને જાણી શક્યું છે? તે ચક્રમાં સાથે
સાથે ત્રણસો સાઠ ખીલા મજબૂત ઠોકેલા છે. જે રોજ સ્થાન બદલે છે.

(1)એક ચક્ર-કાળચક્ર, સંવત્સર. (2) એની ત્રણ નાભિ તે ત્રણ કાળ છે, છ ખૂંટીઓ
ઋતુઓ છે. ઉનાળો, ચોમાસુ અને શિયાળો. (3) બાર પરિધિ તે બાર મહિના છે.
(4) ત્રણસો સાઠ ખીલા, તે વર્ષના ત્રણસો સાઠ દિવસો છે.

આજથી હજારો વર્ષ પહેલાં લખાયેલા ‘મહાભારત’ જેવા ગ્રંથમાં રાત-દિવસ ઋતુચક્ર અને
એની સાથે જોડાયેલા માનવજીવન વિશે વાત કરવામાં આવી છે. એ જ ગ્રંથમાં પૃથ્વીની ઉત્પત્તિ વિશે
પણ ચર્ચા કરવામાં આવી છે. સૂર્યમાળામાંથી છૂટો પડેલો આ ગ્રહ ત્રીજો ગ્રહ માનવામાં આવે છે.
સૂર્યમાળામાં આ એક માત્ર જીવિત ગ્રહ છે. ગુરુત્વાકર્ષણ (મેગ્નેટિક ફિલ્ડ) ધરાવતો આ ગ્રહ સૂર્યના
હાનિકારક કિરણોને આપણા સુધી આવતા અટકાવે છે. જ્યારે શોધ થઈ ત્યારે કહેવાયું કે પૃથ્વી પર
1.5 અબજ વર્ષ સુધી જીવન ટકશે. સૂર્યની વધતી જતી તેજસ્વીતા અંતે પૃથ્વીના જીવમંડળને
સળગાવી દેશે…

માનવની રચના ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાંથી મળે છે. માણસનું મગજ અને નવી નવી શોધ
કરવાની એની ઉત્કંઠતા વધુ ને વધુ સગવડભર્યું જીવન જીવવાની એની લાલસા એને ટેકનોલોજી તરફ
ધકેલે છે, પરંતુ સમગ્ર માનવજાતિ અત્યારે ‘કાલિદાસ’ જેવી સ્થિતિમાં છે. જે ડાળ પર બેઠા છે એને
જ કાપી રહ્યા છે. કોરોના જેવા ભયાનક સમયમાં પણ આપણે ખાસ કશું શીખી શક્યા નહીં એ
ખરેખર દુઃખની વાત છે. અમેરિકા કે યુરોપના દેશોમાં પર્યાવરણ અને સ્વચ્છતા ઉપર ખૂબ ધ્યાન
અપાય છે. નાનકડા બાળકને પણ પૃથ્વીની ઓળખ ‘LIVING’ (જીવંત ગ્રહ) તરીકે આપવામાં આવે
છે. પૃથ્વીના પેટાળમાં થતા ફેરફાર સતત સરકતા પટ્ટા અને નમેલી ધરી ઉપર એ સૂર્યની આસપાસ
તો ફરે જ છે, પણ પોતે પોતાની ધરી ઉપર પણ ફરે છે. આ એના જીવંત હોવાનો પૂરાવો છે. જીવંત
ગ્રહ ઉપર જ કદાચ જીવન પાંગરી શકે. આ વાત આપણા શાસ્ત્રોએ સદીઓ પહેલાં કહી, કારણ કે
પૃથ્વીને ‘માતા’ કહેવામાં આવી. જન્મદાત્રી, ધાત્રી અને પાલન કરનારી એવી આ પૃથ્વી આપણા
સૌના અસ્તિત્વને ટકાવે છે તેમ છતાં આપણે એના અસ્તિત્વને ટકાવવા માટે કશું જ કરતા નથી.

હિમાલયથી શરૂ કરીને કન્યાકુમારી સુધી પ્લાસ્ટિક, પ્રદૂષણ અને ગંદકીનો જે પ્રકારનો અતિરેક
થઈ રહ્યો છે, રાસાયણિક ખાતર, ભૂગર્ભ જળનું શોષણ, વાહનો કે અવાજનું પ્રદૂષણ, કપાતા જંગલો,
પ્રાણીઓની પ્રજાતિઓનો વિનાશ અંતે આપના સૌના વિનાશનું કારણ બનશે.

કોરોના જેવા મહારોગથી કુદરતે આપણને સૌને એક સંદેશ આપ્યો છે. આખી દુનિયા એક
સાથે બંધ થઈ જાય એ, આ સદીની નહીં, અનેક સદીઓની આશ્ચર્યજનક ઘટના છે. કુદરતે આપણને
નોટિસ આપી છે, ‘જો તમે નહીં અટકો તો હું તમને અટકાવીશ’. કુદરતે કહ્યું, ‘તમે મારી સરહદોને
ધકેલશો તો હું તમને ઘરમાંથી બહાર નહીં નીકળવા દઉં’. નાનામાં નાના સૂક્ષ્મદર્શક યંત્રથી જોવા પડે
તેવા અમીબાથી શરૂ કરીને હાથી, જિરાફ, હિપોપેટેમસ જેવા વિશાળકાય પ્રાણીઓ, લહેરાતું ઘાસ
અને તોતિંગ વૃક્ષો, આકાશ, વાયુ, જળ અને અગ્નિની સાથેનું પાંચમું તત્વ પૃથ્વી છે. આ પંચતત્વનું
બેલેન્સ માત્ર બહાર જ નહીં, ભીતર પણ જાળવવાનું છે. આપણે પણ આ પંચતત્વનું પૂતળું છીએ.
જો બહારનું બેલેન્સ ખોરવાશે તો ભીતરનું બેલેન્સ પણ નહીં જળવાય. બીમારી, રોગચાળા કે
મહામારીનું મુખ્ય કારણ એ છે કે આપણે પર્યાવરણનું બેલેન્સ ખોરવી નાખ્યું છે. એ ખોરવાયેલા
બેલેન્સને કારણે આપણી ભીતરનું (બહારના પ્રતિબિંબ જેવું) બેલેન્સ પણ ખોરવાય એ સ્વાભાવિક
છે.

ચીન હોય કે અમેરિકા, ડેલ્ટા વાયરસ હોય કે મંકીપોક્સ, યુક્રેન હોય કે લેબનન… આ બધા
ખોરવાયેલા બેલેન્સના હિસ્સા છે. દરેક માણસ પૂછે છે, ‘આમાં હું શું કરું?’ જવાબ એ છે કે, ‘તમે
તમારા હિસ્સાનું કરો…’ આપણે પર્યાવરણને જાળવવા, પંચતત્વનું બેલેન્સ જળવાઈ રહે એ માટે
આપણા અસ્તિત્વના પ્રયત્નો કરીએ. કુદરત આપણી સાથે વન ટુ વન ડીલ કરે છે. જો આપણે એની
સાથે બેલેન્સમાં રહીશું તો એ આપણું બેલેન્સ નહીં ખોરવે એવું એક વણકહ્યું વચન કુદરતે આપણને
આપેલું જ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *