પરફેક્શન અને પરસેપ્શનઃ પૂર્ણતા અને ધારણા

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥

આ મંત્ર બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયમાંથી છે અને ઈશાવાસ્યોપનિષદના
શાંતિ પાઠનો ભાગ છે. એનો અર્થ છે કે, સચ્ચિદાનંદ, પરમાનંદ, પરમબ્રહ્મ, પુરુષોત્તમ
પરમાત્મા-એ તેજ જેનો આપણે સૌ અંશ છીએ એ સદા પરિપૂર્ણ છે. એની પૂર્ણતા આપણને
પૂર્ણતા તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે, પરંતુ આપણે અંશ છીએ માટે આપણે પૂર્ણ નથી. આ
જગત એ જ પરમબ્રહ્મના તેજથી પૂર્ણ છે કારણ કે એ પૂર્ણ પુરુષોત્તમમાંથી પ્રગટ્યું છે. યથા પિંડે
તથા બ્રહ્માંડે, એકોસ્યમ બહુષ્યામિના વિચાર સાથે ઉત્પન્ન થયેલું આ જગત પરમબ્રહ્મની
પૂર્ણતાનું પ્રતિબિંબ છે. આ પૂર્ણતામાંથી આપણે પૂર્ણતાને કાઢી પણ લઈએ તો પણ એ પૂર્ણ જ
રહે છે કારણ કે, જે છે તે પૂર્ણ છે, જે નીકળી જાય તે પણ પૂર્ણ છે અને જે રહી જાય છે તે પણ
પૂર્ણ જ છે.

માણસ માત્ર પરફેક્શન મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. જે છે તેનાથી વધુ
મેળવવું, શ્રેષ્ઠ મેળવવું-જે છે તેનાથી વધુ શ્રેષ્ઠ બનવું એ જ માનવ માત્રનો પ્રયાસ રહ્યો છે. આ
‘શ્રેષ્ઠતા’ એટલે શું એવો પ્રશ્ન આપણે કદી પૂછ્યો નથી, પરંતુ શ્રેષ્ઠતાનો અર્થ છે આપણી સીમિત
સમજણમાં ઉત્તમ બનવું. આપણે કદીએ પૂર્ણત્વને પામી શકવાના નથી એ સમજણ જે ક્ષણે
આપણી ભીતર ઊગે છે-ઉદભવે છે એ ક્ષણે આપણને સમજાય છે કે આપણે ‘જે’ છીએ, ‘તે’
રહીને જ આપણે શ્રેષ્ઠતા તરફ પ્રવાસ અને પ્રયાસ કરવાનો છે.

આને સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો માણસ માત્ર બીજાની સરખામણીમાં
પોતાની જાતને ઉતરતી અથવા હીન ગણે છે, કારણ કે એ સતત એવી વ્યક્તિ સાથે પોતાની
સરખામણી કરે છે જેની પાસે સંપત્તિ, સત્તા, સગવડ જેવી દુન્યવી વસ્તુઓ વધારે છે. આપણે
ક્યારેય ઓછી વસ્તુઓ ધરાવતા, પરંતુ અધ્યાત્મિક રીતે ઉપર ગયેલા વ્યક્તિ સાથે આપણી
સરખામણી કરતા નથી, કરીએ તો પણ આપણી દલીલ એ હોય છે કે, ‘એ તો સંત છે, મહાત્મા
છે, આપણાથી એમના જેવા ન થઈ શકાય’.

આ કેવી વાત છે? આપણાથી અમીર, આપણાથી વધુ સત્તા ધરાવતી વ્યક્તિ જેવા
આપણાથી થઈ શકાય, વધુ અહંકારી, વધુ ઈર્ષાળુ થઈ શકાય, અન્યનું અપમાન કરવામાં આપણે
બરોબરી કરી શકીએ, પરંતુ ક્ષમા કરવામાં, સરળ કે સહજ થવામાં આપણે બીજાની બરોબરી
કરવાનો પ્રયાસ સુધ્ધાં કરતા નથી. પૂર્ણત્વની સાદી વ્યાખ્યા એ છે કે, આપણે જે અંશમાંથી છુટા
પડ્યા છીએ એ વધુને વધુ તેજ જેવા બની શકીએ. આપણે એ તેજ તો ત્યારે બનીશું જ્યારે આ
દુન્યવી શરીરમાંથી છુટા પડીને મૂળ તરફ, અસ્તિત્વ તરફ જઈશું… કદાચ મૃત્યુ અથવા મોક્ષની એ
વ્યાખ્યા હોઈ શકે, પરંતુ અત્યારે જ્યારે આપણે આ શરીરમાં છીએ ત્યારે-રોજિંદુ જીવન જીવી
રહ્યા છીએ ત્યારે, આપણે જાતે જ ઊભી કરેલી ધર્મ, અર્થ અને કામની જવાબદારીઓ આપણે
પૂરી કરવાની છે ત્યારે આપણે એ જ જવાબદારીઓના વર્તુળમાં રહીને શ્રેષ્ઠ કઈ રીતે બની
શકીએ? એ આપણો જીવન પ્રશ્ન હોવો જોઈએ.

સામાન્ય રીતે મોટાભાગના લોકો બીજા પાસેથી પરફેક્શનની અપેક્ષા રાખે છે. સામેની
વ્યક્તિ તમામ સદગુણોથી પૂર્ણ આવડત અને બુધ્ધિમત્તાથી ભરેલી હોવી જોઈએ-જો એમ ન
હોય તો એ આપણા સ્નેહ કે આદરને પાત્ર નથી, એવું મોટાભાગના લોકો માને છે. આવા લોકો
ભૂલી જાય છે કે જેમ આપણને અન્ય પાસેથી પરફેક્શન-પૂર્ણતાની અપેક્ષા છે એવી જ રીતે
એમને પણ આપણી પાસેથી એવી જ અપેક્ષા હોઈ શકે! બે અપૂર્ણ લોકો એકમેક પાસેથી
પૂર્ણતાની અપેક્ષા રાખે ત્યારે સંઘર્ષ સિવાય બીજું શું થઈ શકે? સંઘર્ષમાંથી શાંતિનો જન્મ કેવી
રીતે થાય? પૂર્ણ મદઃના આ શ્લોક પછી ત્રણ વખત ઓમ શાંતિ શાંતિ શાંતિ કહેવાય છે. એનું
કારણ એ છે કે, પૂર્ણતા એ જ શાંતિ છે. આ પૂર્ણતા એટલે સંતોષ, ક્ષમા, સ્નેહ, સદભાવના,
સહકાર, સમજણ, સ્વીકાર અને સહજતા…

આપણી પાસે જે છે તે ‘પૂર્ણ’ છે, એ વિચાર આપણને પૂર્ણ બનાવે છે. પૂર્ણ હોવું એ
પરસેપ્શન છે, ધારણા! સત્ય તો એ છે કે, પરમબ્રહ્મ સિવાય કશુંય પૂર્ણ નથી-તો પછી એ
ધારણાના જગતની પાછળ આંખો મીંચીને દોડવાને બદલે જ્યાં ઊભા છીએ ત્યાં જ પૂર્ણતાનું
નિર્માણ કરવું એ જ અસ્તિત્વના અર્થને શોધવાનો સાચો રસ્તો નથી? સતત અપૂર્ણતા
અનુભવીશું તો પૂર્ણતા કેમ પામીશું? દીવો બૂઝાવીને પ્રકાશને શોધવાનો પ્રયાસ કેવી રીતે સફળ
થાય? પૂર્ણતાના દીપ પ્રગટે તો અપૂર્ણતાના અંધકારમાં પહેલું કિરણ દેખાય…

માણસ માત્ર સતત અપૂર્ણતા શોધે છે-આ વાત કદાચ માનવામાં ન આવે, પરંતુ જો
વિચારીએ તો સમજાય કે આપણે ‘શું નથી’નું જ લિસ્ટ બનાવ્યા કરીએ છીએ. બધું મળી ગયું હોય
તેમ છતાં જે નથી મળ્યું કે નહોતું મળ્યું એની વાત કરવામાં આપણને કેટલી મજા આવે છે!
દુઃખને યાદ કરી કરીને સુખના શ્રેષ્ઠ સમયમાં પણ આપણે અપૂર્ણતાને શોધવાનો પ્રયાસ કરીએ
છીએ… જે આપણને ‘સુખી’ અથવા ‘સંતુષ્ટ’ દેખાય છે એ બધા કદાચ એટલા માટે સંતત્વ સુધી
પહોંચી શકે છે કારણ કે, એ અપૂર્ણતાને ભૂલીને એમની ભીતર અને આસપાસ રહેલી પૂર્ણતાને
પામવાનો પ્રયાસ છોડતા નથી.

ઈશાવાસ્ય ઉપનિષદનો આ શ્લોક આ રીતે શરૂઆત કરે છે.
ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्‌।तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्‌ ॥

આ વિશ્વમાં સતત બધું બદલાયા કરે છે. જગત ગતિશીલ છે, નદીમાં ડૂબકી
મારીને બહાર નીકળીએ અને ફરી ડૂબકી મારીએ ત્યારે પાણી એનું એ નથી રહેતું, જે પૃથ્વી
પર ઊભા છીએ એ પૃથ્વી પણ સ્થિર નથી એ સત્ય વિજ્ઞાને પૂરવાર કરી દીધું છે. બહાર
અને ભીતર બંને સતત ગતિનો અનુભવ કરતા રહેવું એ જ મનુષ્યત્વ છે. જે ભીતર ગતિનો
અનુભવ નથી કરતા એ બહારના બદલાવ સાથે ટકી શકતા નથી. આ સઘળું, બહાર અને
ભીતર ઈશ્વરનું નિવાસસ્થાન છે. બહારના પંચતત્વો, ભીતરના પંચતત્વો સાથે સંયોજાઈને
વૈશ્વિક જગતનું નિર્માણ કરે છે… એ જગતને ભોગવવો જોઈએ, પરંતુ બધું જ આપણું
છે એમ માનીને નહીં, અન્ય જીવો માટે જે પોતાના ભાગનું સુખ, સંપત્તિ કે સગવડ છોડી
શકે છે એ અંતે પૂર્ણતા તરફ પહેલું પગલું માંડી શકે છે. અન્ય વ્યક્તિ આપણા માટે શું કરે
છે, કરે છે કે નહીં એ વિશે સંઘર્ષ કરવાને બદલે સમન્વય અને સંતુલન ઊભું કરી શકે એ
તમામ પોતાની ભીતર પૂર્ણતાનું જગત રચી શકે છે અને બહારના જગતમાં રહેલા
પરમબ્રહ્મની પૂર્ણતા તરફ વહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *