Phulchhab -2

એક જમાનામાં જેને કારણે છોકરીઓ સાડી પહેરતી થઈ, એની સાદગી અને સ્વાભાવિક અભિનયને કારણે એણે ભારતીય સિનેમામાં પોતાની એક જગ્યા ઊભી કરી. મેકઅપ વગર અને એક પણ કપડાં ઉતાર્યાં વગર, બુફો બનાવ્યા વગર વાર્તાપ્રધાન ફિલ્મો અને એની સાથે જોડાયેલી નાયિકાની ગરિમાને જરા પણ આંચ ન આવે એવી રીતે જેણે ઇન્ડિયન સિનેમાના પડદા ઉપર પોતાના માટે ઇતિહાસ રચ્યો એવી સ્ત્રી. આપણે એને જયા બચ્ચનના નામે ઓળખીએ છીએ. મૂળ નામ જયા ભાદુરી.
ભોપાલના પત્રકાર તરુણકુમાર ભાદુરીની એ દીકરી. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી ગ્રેજ્યુએશન મળે એ પહેલાં એને ફિલ્મ મળી. ‘ગુડ્ડી’ (1971) ફિલ્મની સાથે એક જુદા જ પ્રકારની અભિનેત્રી ભારતીય સિનેમાના પડદે આવી. જયા ભાદુરી-બચ્ચનની કારકિર્દી કે એની સફળતા વિશે સૌ જાણે છે, પરંતુ આજે રાજકીય કારકિર્દી અને હિન્દી સિનેમાના પ્રથમ પરિવારની, ફર્સ્ટ લેડી હોવા છતાં એમનાં જીવનની તકલીફ કે નિષ્ફળતા વિશે ભાગ્યે જ કોઈ કશું જાણી શક્યું છે! એમના વિશે જાતજાતની લોકવાયકાઓ પ્રસિદ્ધ છે. પ્રેસ કોન્ફરન્સમાં એમણે કરેલા બફાટોનો સુધારો અમિતાભ બચ્ચને કરવો પડ્યો છે! ઐશ્વર્યા સાથે એમને નથી ફાવતું એ વિશેના વિડિયો અનેક વાર વાઇરલ થયા છે. એમના પિતા કે માતા કોઈક બીમાર હતું ત્યારે એમને જવા દેવામાં નહોતાં આવ્યાં. જયાજી શરાબ પીએ છે, એમણે જાહેરમાં કરેલાં ગેરવર્તનોેના વીડિયો તરત જ ફરતા થઈ જાય છે.
આ બધું એટલા માટે થાય છે, કારણ કે એ એક જાહેર જીવન જીવે છે. એક લિજેન્ડની પત્ની તરીકે જીવવું સરળ નથી હોતું. નવાઈ એ લાગે કે મોટાભાગના લોકો એમ માને છે કે આ જગતમાં જયા બચ્ચનથી વધુ સુખી કોણ હોઈ શકે! જૂહુ સ્કીમમાં જેની પાસે પાંચ બંગલા હોય, જે અબુજાની કે મનીષ મલ્હોત્રાનાં કપડાં પહેરતાં હોય, જેની પાસે પૈસા, દાગીના કશાયની ખોટ ન હોય એની જિંદગીમાં શું તકલીફ હોય એવું આપણે બધાં જ માનીએ છીએ, પણ કોઈએ ક્યારેય એવું વિચાર્યું છે ખરું કે એ બધું હોવા છતાં એનો પતિ જ એની પાસે ન હોય તો એ બધાં સુખ શું કામનાં! 1976માં અમિતાભ બચ્ચન અને રેખા ‘દો અન્જાને’નું શૂટિંગ કરતાં હતાં. ત્યારે એમના રોમાન્સની અફવાઓ શરૂ થઈ. લોકોને અને કદાચ જયાજીને પણ આ એક સામાન્ય ફ્લર્ટ કે ફીલિંગ લાગી હશે. ફિલ્મસ્ટાર્સની પત્નીઓએ આવી બાબતોને ગંભીરતાથી ન લેતાં શીખી જવું પડે છે, પરંતુ સમય સાથે આ સંબંધની ગંભીરતા એમને સમજાઈ હશે. લોકવાયકાઓ કહે છે કે એમણે રેખાજીને ડિનર પર બોલાવીને પોતાનાં લગ્નની મજબૂતી વિશે સ્પષ્ટતા કરી દીધી હતી. ‘સિલસિલા’ ફિલ્મમાં અંતે અમિતાભ બચ્ચન પત્ની પાસે પાછો ફરે છે એવું દૃશ્ય સ્ક્રિપ્ટમાં સાંભળ્યા પછી જ જયાજીએ ફિલ્મ કરવાની હા પાડી! સત્ય એ છે કે એમને પણ કદાચ ખબર હતી કે આ વાત ફિલ્મના દૃશ્ય પૂરતી જ રહેવાની છે.
9મી એપ્રિલે જયાજીનો 71મો જન્મદિવસ છે. 71 વર્ષની પોતાની જિંદગીને કોઈ સ્ત્રી પાછી ફરીને જુએ તો એ શું વિચારતી હશે! એણે જોયેલી જીવનની તડકી-છાંયડી વિશે બધું જ, બધાને કહી શકાય એવું તો હોતું નથી. અમિતાભ બચ્ચનની બાયોગ્રાફીનાં અનેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં જયાજીએ એકાદ ચેપ્ટર લખ્યું હોય એવું બન્યું છે, પરંતુ એ અમિતાભ બચ્ચનથી પહેલાં સ્ટાર બન્યાં. અભિનેત્રી તરીકે એમની પાસે વધુ સન્માન અને વધુ ફિલ્મો હતી. ‘આનંદ’ ફિલ્મમાં ઋષિકેશ મુખર્જીને ભલામણ કરનાર પણ જયાજી જ હતાં. ‘જંજીર’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની કારકિર્દીને પુશ આપવા માટે એમણે કદાચ ન ગમ્યો હોય એવો રોલ પણ સ્વીકાર્યો, કારણ કે એમાં એમણે કશું કરવાનું નહોતું. એ ફિલ્મથી અમિતાભ બચ્ચનની કારકિર્દી ઊંચકાઈ. 1973માં અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી, રાજેશ ખન્ના અને ડિમ્પલનાં લગ્ન થયાં. બંને લગ્નો દુર્ભાગ્યે નિષ્ફળ ગયાં. આમ જોઈએ તો બંનેમાં એક જ કારણ! પત્નીએ પોતાની કારકિર્દી છોડી દીધી અને પતિએ એ ત્યાગ, બલિદાન કેે સમર્પણ પોતાનો અધિકાર સમજીને પોતાની જિંદગીને બદલ્યા વગર પોતાની ઐયાશી અને મજાઓ ચાલુ રાખી.
ડિમ્પલજીએ બે દીકરીઓ સાથે ઘર છોડી દીધું. જયાજી એ જ ઘરમાં રહ્યાં, લગ્ન નિભાવવાનો પ્રયાસ કર્યો. ડિમ્પલજી ફરી પોતાની કારકિર્દી ઊભી કરી શક્યાં. પરણેલી, બે છોકરાની મા હોય એવી હિરોઇનને હિન્દી સિનેમાનો પ્રેક્ષક નથી સ્વીકારતો એ વાતને એમણે ખોટી પાડી, જ્યારે જયાજી પછી ફક્ત ચરિત્ર અભિનેત્રી તરીકે, માના રોલમાં દેખાયાં. એમની કારકિર્દીમાં એમણે ઘણી ઉત્તમ ફિલ્મો કરી, એની ના નહીં, પરંતુ એમણે જ્યાંથી વિદાય લીધી ત્યાં પાછાં ન પહોંચી શક્યાં. આના કારણમાં એમને જિંદગી તરફથી મળેલી કડવાશ હશે?
એક સ્ત્રી જ્યારે પતિના એક્સ્ટ્રા મેરિટલ સંબંધને સ્વીકારતી હોય છે ત્યારે દરેક વખતે એમાં કોઈ સ્વાર્થ કે જરૂરિયાત નથી હોતાં. સંતાનોની સલામતી અને પોતાના પરિવારની પ્રતિષ્ઠા પણ એની મજબૂરી હોય છે. જાહેર જીવન જીવતી વ્યક્તિ જ્યારે પોતાના લગ્ન કે સંબંધ વિશે અનેક વાર જાહેરમાં બોલી ચૂકી હોય ત્યારે એના માટે પોતાના શબ્દો પણ ઘણી વાર એની મજબૂરી બની જતા હોય છે. ભારતીય જનસમાજનાં લગ્ન એ વ્યક્તિના ચરિત્ર સાથે જોડાયેલી બાબત ગણવામાં અાવે છે. લગ્ન તૂટવાં કે ફેલ થ‌વામાં મોટેભાગે પત્નીની જ જવાબદારી જોવામાં આવે છે. આજે પણ ભારતીય જનસમાજમાં પુરુષની બેવફાઈને માફ કરવામાં આવે છે જ્યારે સ્ત્રીના ચરિત્ર સ્ખલનને ક્યારેક તો એ જાતે પણ માફ કરી શકતી નથી! સમાજ પુરુષના એકથી વધુ સંબંધોને સહજતાથી સ્વીકારે છે. બે-ચાર વખત એના વિશે આડીતેડી ચર્ચાઓ કે ગોસિપ થાય, પરંતુ એ પછી આવો સંબંધ જો ગંભીર છે કે એ વિશે બંને જણા કમિટેડ છે એવું લાગે તો સમાજ આવા સંબંધને સ્વીકારી લે છે. સ્ત્રીની બાબતમાં આવું થતું નથી. સ્ત્રી પોતાના એક્સ્ટ્રા મેરિટલ સંબંધ વિશે ગંભીર હોય તો પણ એણે ત્રીજી વ્યક્તિ તરીકે જ જીવવું પડે છે. અમિતજી આજે પણ કદાચ રેખાજીને ત્યાં જતા હોય, એમની તમામ જવાબદારીઓ ઉઠાવતા હોય તો પણ બંને જણા જાહેરમાં એકબીજાની બાજુમાં બેસીને કાર્યક્રમ પણ જોઈ શકતાં નથી. એવોર્ડ ફંક્શનમાં અમિતજી સ્ટેજ પર આવે તો તરત રેખાજીનો ક્લોઝઅપ આવે કે રેખાજીના ડાન્સ પ્રસંગે અમિતજીની ગેરહાજરીની નોંધ લેવાય, પરંતુ એમના સંબંધને જે સન્માન કે સ્વીકાર મળવો જોઈએ એના વગર રેખાજીએ જીવવાનું છે, એટલું નક્કી. અર્થ એ થયો કે લગ્નેતર સંબંધમાં બંને સ્ત્રીઓ દુ:ખી છે. જેની સાથે એક ઘરમાં પુરુષ જીવે છે એ સ્ત્રીને પોતાનો પતિ સંપૂર્ણપણે પોતાનો નથી એનો અભાવ છે અને જે સ્ત્રી એની પત્ની નથી એને માટે એણે પોતાની પ્રિય વ્યક્તિને કોઈની સાથે વહેંચવાનો છે એનું અસુખ છે. પુરુષ સુખી છે એવું ધારવાની જરૂર નથી. એ લગ્નેતર સંબંધ ઘેર લાવ્યા વગર રહી શકતો નથી અને પોતાનું લગ્ન લગ્નેતર સંબંધમાં દાખલ થતા અટકાવી શકતો નથી. ત્રણે એવાં ગૂંચવાય છે કે સંબંધોની આંટીઘૂંટી સુખી થવા દેતી નથી!
બીજી સ્ત્રી સાથે સંબંધ ધરાવતા પુરુષને માફ કરી દેવાની સલાહ વડીલો આપે છે, ‘લગ્ન નિભાવવાં હોય તો ગળી જતાં શીખવાનું. ગમ ખાવાનો.’ આવું ઘણી વાર સ્ત્રીને કહેવામાં અાવે છે. કિસ્સો જયાજીનો નથી, પણ જો એમની કક્ષાની સ્ત્રીને પણ આ ચલાવી લેવું પડતું હોય તો સામાન્ય સ્ત્રીની ચર્ચા કરવાનો અર્થ જ નથી. ઘર સંભાળાય, સંતાનોને સારી રીતે ઉછેરી શકાય એ માટે કમાઈ શકે તેવી સ્ત્રી પણ જો કારકિર્દી છોડીને સંસારમાં પોતાનો પૂરો સમય આપવાનું નક્કી કરે તો એના એ પગલાંની કદર થવી જોઈએ. સમય જતાં આવી સ્ત્રીઓને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવામાં આવે છે. ‘એમાં એણે શું નવાઈ કરી?’ જેવો પ્રશ્ન કારકિર્દી છોડનાર લગભગ દરેક સ્ત્રીને પૂછવામાં અાવે છે!
કારકિર્દી ન છોડવી? લગ્નેતર સંબંધ ચલાવી લેવો કે વિદ્રોહ કરવો? ઘર ન છોડવું કે સંતાનો અને પરિવારની સલામતી સાથે સમાધાન કરી લેવું? આ સવાલોના જવાબો નથી, કારણ કે આ તમામ સવાલો સતત સળગતા એવા પ્રશ્નો છે જેનો જવાબ દરેકે જાતે જ શોધવો પડે છે. પોતાને શું જોઈએ છે અને એને માટે શું છોડી શકાય કે ક્યાં સમાધાન થઈ શકે એનો નિર્ણય અને પ્રમાણ વ્યક્તિએ જાતે નક્કી કરવું પડે છે.