પહેલા-બીજા ધોરણના પાઠ્યપુસ્તકમાં જ્યારે પરિવારનું ચિત્ર જોઈએ ત્યારે બહેન ઢીંગલીથી રમતી હોય,
ભાઈ બોલથી રમતો હોય, મમ્મી રસોઈ કરતી હોય અને પપ્પા અખબાર વાંચતા હોય અથવા ઓફિસથી પાછા ફર્યા
હોય… આ દૃશ્ય હવે બે દાયકા પૂરાણું થઈ ગયું છે, છતાં આપણે ત્યાં હજી પણ પુરૂષની અને સ્ત્રીની છબી બદલાઈ
નથી. ભારતમાં આજે પણ બે વર્ગ જીવે છે. એક વર્ગ, જે હજી પણ 1990 અને એની પહેલાંના સમયમાં જીવે છે.
એવાં ઘરો અને પરિવાર આજે પણ છે જ્યાં, ‘પપ્પાને કહી દઈશ’ ધમકીની જેમ વપરાય છે ! સંતાનો પપ્પાથી ડરે છે,
પપ્પા આજે પણ હાથ ઉપાડે છે-એની આંખો ફરે એટલે મમ્મી પણ ચૂપ થઈ જાય છે અને પપ્પા ઘરનું પાવર સેન્ટર
છે.
આ ભારતનો મોટો વર્ગ છે. બી અને સી ટાઉન, ગામડાં કે શહેરમાં વસતા નીચલા મધ્યમવર્ગના પરિવારોમાં
આજે પણ ‘પુરૂષ’ એટલે કે પપ્પા અથવા ભાઈ, ની ટ્રીટમેન્ટ પત્ની અથવા દીકરી કરતા જુદી રીતે થાય છે. એવા
કેટલાય ઘરો છે જેમાં દીકરો અંગ્રેજી માધ્યમમાં ભણતો હોય અને દીકરીને ગુજરાતી માધ્યમમાં ભણાવવામાં આવે. દૂધ
અને લીલું શાક, ઘરના પુરૂષો માટે જ હોય, ‘બૈરાંને તો ચાલે…’ આઝાદીના 74 વર્ષ પૂરાં થવા આવ્યાં છે ત્યારે પણ
આ દેશની સ્ત્રીઓ-મમ્મી, પત્ની, બહેન કે દીકરી, પુત્રવધૂ કે ભાભી… હજીયે પોતાની ઈચ્છા કે અભિપ્રાય જણાવતા
ડરે છે. લગ્નના પચાસ વર્ષ પૂરાં થયા પછી પણ મોટાભાગના ઘરોમાં પત્ની કે સાસુ પાસે ઘરની બીજી સ્ત્રીને (પુત્રવધૂ
કે દીકરીને) ડોમિનેટ કરવા સિવાય બીજી ખાસ સત્તા હોતી નથી. મોટાભાગના ઘરોમાં આજે પણ આર્થિક બાબતોમાં
સ્ત્રીને જણાવવું કે પૂછવું જરૂરી લાગતું નથી. ઘરમાં પિતા જે રીતે વર્તે છે, મોટેભાગે પુત્ર એ જ રીતે પોતાની માને
ટ્રીટ કરતા જોવા મળે છે. પિતા જો અપમાનિત કરતા હોય, માની માત્ર ઘરકામ કરવાની કે રસોઈ બનાવવા પૂરતી જ
જરૂરિયાત ધરાવતા હોય તો ધીરે ધીરે દીકરો પણ સ્ત્રી વિશેની એવી જ, એ જ પ્રકારની માન્યતા ધરાવતો થાય છે.
બીજો વર્ગ, ભણેલા-ગણેલા અને સમજદાર શાલિન યુવાનોનો વર્ગ છે. આ વર્ગમાં એક બીજી બાજુ જોવા
મળે છે. 2000 પછી જન્મેલો એક આખો મિલેનિયમ યુવા વર્ગ ઉત્તમ પિતા બનવાનો પ્રયાસ કરે છે. ‘મારી પત્ની
પ્રેગ્નેન્ટ છે’ એ શબ્દપ્રયોગ જૂનો થઈ ગયો છે, હવે નવી પેઢી કહે છે, ‘વી આર પ્રેગ્નેન્ટ !’ બાળકને ભલે સ્ત્રી પોતાના
ગર્ભાશયમાં ઉછેરતી હોય, પરંતુ 2000 પછીનો યુવા પતિ પોતાની પત્નીનો પૂરો ખ્યાલ રાખે છે. એના મૂડસ્વિંગ્સ
અને ઈચ્છા-અનિચ્છા, લાગણીઓ કે પ્રેગ્નેન્સી બ્લ્યૂઝ વિશે વાંચે છે, એને સંભાળવાનો પૂરો પ્રયાસ કરે છે. આ નવા
જમાનાના પિતા ડાયપર બદલવાથી શરૂ કરીને સંતાનને સાચવવાનું, એનું દૂધ બનાવવું કે પત્નીને આરામ મળે એ માટે
થોડીક જવાબદારી ઉપાડી લેવાનું પણ શીખ્યા છે. આ યુવા વર્ગમાં એક જુદો જ અભિગમ જોવા મળે છે. જેમ
પહેલાં માનું અપમાન થતું જોઈને દીકરો પણ એ જ શીખે, એવી જ રીતે હવે આ વાતની બીજી બાજુ એ છે કે દીકરો,
પિતાથી સાવ વિરુધ્ધ, માના પક્ષે ઊભો રહીને એનું સન્માન જાળવે, એની ઈચ્છા અને એના અભિપ્રાયને સાંભળે
અને સમજે. આજ સુધી માએ જે સહન કર્યું અથવા પોતાના પરિવાર માટે જે સમર્પણ, બલિદાન આપ્યું એ નવા
જમાનાના દીકરા સમજે છે. માના બાકી રહેલા વર્ષોમાં એને સ્વતંત્રતા અને શાંતિ મળે એવા પ્રયાસો આ નવા
જમાનાના દીકરા કરે છે. આ એવા પુરૂષો છે જે એક જુદા જ પ્રકારના પિતા બનવાના છે… કારણ કે, એમનામાં સ્ત્રી
સન્માન અને સ્ત્રી પ્રત્યેની સંવેદના શિક્ષણ સાથે આવી છે. એમણે દુનિયા જોઈ છે એટલે એમને સમજાય છે કે
સમોવડિયા હોવાનો અધિકાર માત્ર સ્ત્રીને નથી જોઈતો બલ્કે, પિતા હોવાની લાગણી અને અધિકારની સાથે કેટલીક
ફરજો પણ પુરૂષને સમોવડિયો બનાવે છે !
મે મહિનાના બીજા રવિવારે ‘મધર્સ ડે’ ઊજવવામાં આવે છે. જૂન મહિનાના ત્રીજા રવિવારે ‘ફાધર્સ ડે’
ઊજવવામાં આવે છે. કેટલાંય ઘરોમાં આજે સંતાનો પિતા માટે કોઈ ખાસ પ્રકારનો કાર્યક્ર ઘડશે, ઊજવણી કરશે કે
એમને મળેલા આ ઉત્તમ પિતાનો આભાર માનવાની કોઈ સુંદર વિધિ કરશે ! આપણે બધાએ સમજી લેવું જોઈએ કે
પિતા જુનવાણી હોય કે આધુનિક, કડક મિજાજના હોય કે મિત્ર જેવા સહજ, આપણા ઉપર ચાંપતી નજર રાખતા
હોય કે આપણને આપણી યુવાની જીવી લેવાની સ્વતંત્રતા આપવા જેટલા સમજદાર હોય, આપણી નાનકડી ભૂલ
માટે પણ ભયાનક સજા કરતા હોય કે આપણી મોટામાં મોટી ભૂલ પણ સમજીને, સમજાવીને ફરી ન થાય એની કાળજી
લેતા એક ઉદાર મતવાદી વ્યક્તિ હોય, આપણા પેરેન્ટસ ડેના દિવસે કાયમ હાજર રહેતા હોય કે કદીયે હાજર ન રહી
શકતા હોય, આપણો જન્મદિવસ કે એમની એનિવર્સરી ભૂલી જતા હોય કે પછી આપણા દરેક જન્મદિવસને એમની
એનિવર્સરીને યાદગાર બનાવવા પૂરી ક્રિએટિવિટીથી અને ઉત્સાહથી કંઈક પ્લાનિંગ કરતા હોય… એ અંતે પરિવારના
મોભી છે. એ એક એવી વ્યક્તિ છે જેણે પરિવારની આર્થિક જવાબદારી પૂરી નિષ્ઠા અને ક્યારેક અંગત ઈચ્છાઓને
બાજુએ મૂકીને ઊઠાવી છે. (આમાં અપવાદ હોઈ જ શકે છે…) એક પિતા 40 વર્ષ (એમની નોકરીના વર્ષો દરમિયાન
સોમથી શુક્ર ટિફિનમાંથી જમે છે કારણ કે, એનો પરિવાર ગરમ જમી શકે. ઘરમાં છ એ.સી. લગાડનાર પિતા પૂરી છ
કલાકની પણ ઊંઘ ન લેતા હોય, એવું આપણે જોયું છે. સંતાનોના ભવિષ્ય માટે પોતાનો વર્તમાન ખર્ચી નાખનાર એ
પિતા કદાચ આકરા સ્વભાવના હોય, કડક હોય, થોડા જુનવાણી હોય તો પણ, અંતે તો એને પોતાના સંતાનના
ઉજ્જવળ અને સલામત ભવિષ્ય સિવાય બીજી કોઈ જરૂરિયાત નથી.
આજે, ફાધર્સ ડેના દિવસે થોડીક મિનિટો ફાળવીને વિચારજો, પિતા વિશેની આપણી તમામ ફરિયાદો,
અભાવો કે વાંધાવચકા સાચા છે ? (જો આપણે માતા કે પિતા બની ગયા હોઈએ તો કદાચ, આ વાત વધુ સાચી રીતે
વિચારી શકીશું) જો એક ક્ષણ માટે પણ એમ લાગે કે આપણે ખોટા હતા તો, પિતા હજુ આપણી સાથે હોય તો,
આજના દિવસે એમને કહેજો, ‘તમે સાચા હતા!’