થોડા વખત પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ફરતો હતો. એક ગાયના પેટમાંથી
સાડા પાંચ કિલો પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું… એ વીડિયો જોતા કોઈને પણ દયા અને અરેરાટીની
લાગણી થાય, પરંતુ પ્લાસ્ટિક ફેંકવાનું આપણે છોડી શકતા નથી. આપણી આસપાસની દુનિયામાં
પ્લાસ્ટિકના વપરાશનો હિસાબ લગાવીએ તો આઘાત લાગે એવા આંકડા આપણી સામે આવે.
રોજની 14,600 બોટલ્સ ફેંકી દેવાય છે. 15 લાખ કરતાં વધારે પ્લાસ્ટિકની થેલીઓ (ઝભલા) ફેંકાય
છે. વસ્તુઓ ઉપર લપેટાયેલું પ્લાસ્ટિક બબલ રેપ અને બીજું બધું ગણીને રોજનું 30થી 35 લાખ
મીટર પ્લાસ્ટિક આપણે ફેંકી દઈએ છીએ. 25 હજાર કિલો જેટલું પ્લાસ્ટિક ફૂડ પેકેજિંગમાં વપરાય
છે. ઘણો સમય ફૂડ એમાં પેક રહેવાને કારણે એના માઈક્રો પાર્ટિકલ્સ આપણા ભોજનમાં ભળે છે.
આપણે જાણતા પણ નથી, પરંતુ 9 હજાર પાઉન્ડ-લગભગ સાડા ચાર હજાર કિલો જેટલું પ્લાસ્ટિક
રોજ જમીનમાં દટાય છે. આનું કારણ એ છે કે આપણે બેફામ અને બેધ્યાન બનીને પ્લાસ્ટિકને ગમે
ત્યાં ફેંકી દઈએ છીએ. રોજ સવારે કાગળ વીણવા નીકળતા લોકોની બેગ જોઈએ તો સમજાય કે,
દિવસનું કેટલા કિલો પ્લાસ્ટિક આમ જ ફેંકાઈ જાય છે. બધું પ્લાસ્ટિક વીણી શકાતું નથી કે ભેગું કરી
શકાતું નથી. ધીમે ધીમે એ પ્લાસ્ટિક જમીનમાં દટાય છે. સદીઓ સુધી આ પ્લાસ્ટિક ઓગળતું નથી.
જેને કારણે જમીનના કેટલાક હિસ્સા બીન ઉપજાઉ થવા લાગે છે તો કેટલાક હિસ્સામાં વરસાદનું
પાણી ઉતરતું અટકી જાય છે.
આપણી ધરતી એક લિવિંગ પ્લેનેટ છે. શ્વાસ લેતો ગ્રહ! એ પોતાની ધરી પર ફરે છે. અક્ષાંશ રેખાંશ
બદલે છે. એની માટીના કણોમાં એકબીજા વચ્ચે જગ્યા છે, જેને કારણે આ ધરતી શ્વાસ લઈ શકે છે.
અનાજ ઊગે છે. ઓક્સિજન હોવાને કારણે આપણે સૌ જીવી શકીએ છીએ, પરંતુ આપણી જાણ
બહાર આપણે આ પ્લાસ્ટિકના પાર્ટિકલ્સ ઓક્સિજનમાં પણ ભેળવી રહ્યા છીએ. બે અણુઓ વચ્ચે
જો જગ્યા ન રહે તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા થઈ શકતી નથી. પ્લાસ્ટિક તો કેમિકલ છે એટલે
સ્વાભાવિક રીતે જ એ કુદરતી તત્વ નથી. આપણે એને ગમે ત્યાં ફેંકીને આપણા માટે જ બહુ મોટું
જોખમ ઊભું કરી રહ્યા છીએ. છેલ્લા થોડા વર્ષોથી શહેરોમાં વરસાદ દરમિયાન ભરાઈ જતું પાણી
આ પ્લાસ્ટિકના ક્લોગિંગને કારણે જ છે. શહેરની ગટર વ્યવસ્થાને જવાબદાર ઠેરવવાને બદલે ક્યાંક
આપણી બેજવાબદારીને પણ તપાસી જોવી જોઈએ. જો સહેજ સજાગ થઈએ તો આ પ્લાસ્ટિકને
માત્ર સાચી જગ્યાએ ફેંકીને આપણે રિસાઈકલમાં વાપરી શકીએ. આ વિશે જો સજાગ નહીં થઈએ તો
આવનારા વર્ષોમાં બીન ઉપજાઉ ધરતીનું ક્ષેત્રફળ વધતું જવાનું છે. ભૂગર્ભ જળ સૂકાતું જવાનું છે
અને પર્યાવરણ વધુ ને વધુ પ્રદૂષિત થતું જાય છે.
ઓક્ટોબર 21, 2021માં એમ્સ્ટરડેમમાં સાયન્ટિસ્ટ પ્લાસ્ટિકની કંપનીના સ્ટેક
હોલ્ડર્સ, પોલિસી મેકર્સ, રાજકારણીઓ, નાગરિકો, ઈન્ફ્લ્યુએન્સર્સ અને એનજીઓને એક પ્લેટફોર્મ
પર ભેગા કરવામાં આવ્યા. ત્યાં જે પેપર્સ રજૂ કરવામાં આવ્યા એમાં જાહેર થયું કે આપણા ફૂડ
પેકેજિંગ, ક્લોથિંગ, ઈલેક્ટ્રોનિક્સ ફર્નિચર, ગ્લાસ અને કાગળ જેવી વસ્તુઓ પણ હવે પ્લાસ્ટિકમાં
પેક થવા લાગી છે. ડૉક્ટર ડીક વેથાક જે છેલ્લા 20 વર્ષથી પ્લાસ્ટિક વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે
એમણે જણાવ્યું કે આપણે ભોજનમાં પાણી અને પીણામાં તથા શ્વાસમાં પણ માઈક્રો પ્લાસ્ટિક
ઈનહેલ કરીએ છીએ. પ્લાસ્ટિકના નાના પાર્ટિકલ આપણા આખા શરીરને નુકસાન કરે છે. આ
માઈક્રો પાર્ટિકલ શરીરમાં જઈને ચોંટી જાય છે. છેલ્લા થોડા વખતથી વધેલા કેન્સર કે બીજા રોગો
માટે સૌથી વધારે જવાબદાર જો કોઈ હોય તો એ પ્લાસ્ટિક છે, તેમ છતાં આપણે જાગતા નથી એ
કેટલી નવાઈની વાત છે!
પ્લાસ્ટિક ત્રણ રીતે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. એક, આપણે રોજ પ્લાસ્ટિક આરોગીએ
છીએ. દરેક પેકેટ ખોલીને આપણે જે કંઈ ખાઈએ છીએ એમાં કે પાણીની બોટલમાં પ્લાસ્ટિકના નેનો પાર્ટિકલ્સ
હોય છે. બીજું, પ્લાસ્ટિકની સાથે અથવા એના બનાવટની પ્રક્રિયામાં જે કેમિકલ્સ જોડાયેલા છે એ
કેન્સર, ઈનફર્ટિલિટી, હોર્મોન સાથે જોડાયેલી બિમારીઓ, ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર અને એડીએચડી
અને ઓટિઝમ જેવા રોગો માટે જવાબદાર છે અને ત્રીજું, પ્લાસ્ટિક વાતાવરણમાં ભળીને હાર્મફૂલ
બેક્ટેરિયા અને પેથોજીન્સનું નિર્માણ કરે છે. જે આપણા શરીરમાં દાખલ થઈને આપણી ઈમ્યુન
સિસ્ટમને નષ્ટ કરવાનું કામ કરે છે. આજે આ કોરોના કે મંકીપોક્સ જેવા રોગો આપણને સહેલાઈથી
જકડે છે કારણ કે, આપણી ઈમ્યુન સિસ્ટમ વધુ ને વધુ નબળી થતી જાય છે.
2021ની સમીટમાં જે આંકડા બહાર આવ્યા એમાં સમજાયું કે દસ લાખ ટન જેટલું
પ્લાસ્ટિક દરિયામાં ડમ્પ કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક દર મિનિટે એક ટ્રક લોડ જેટલું છે. જેટલા
માણસોને તપાસવામાં આવ્યા એમાંથી સો એ સો ટકાના મસલ્સમાં માઈક્રો પ્લાસ્ટિક મળ્યું. એના
પરથી સાબિત થાય છે કે એક માણસ જુદી જુદી રીતે 40 પાઉન્ડ જેટલું પ્લાસ્ટિક એના જીવનકાળ
દરમિયાન આરોગે છે. 380 લાખ ટન જેટલું પ્લાસ્ટિક સિંગલ યુઝ થઈને ફેંકાઈ જાય છે. જે એકાદ
મિનિટ માટે વપરાય છે. દસ લાખ જેટલા દરિયાઈ પ્રાણીઓ પ્લાસ્ટિકને કારણે દર વર્ષે મૃત્યુ પામે છે.
એલેન મેકઆર્થર ફાઉન્ડેશન પ્લાસ્ટિક વિરોધી ચળવળ ચલાવે છે. એમણે કરેલા એક સર્વે મુજબ
2050માં માછલી કરતાં દરિયામાં પ્લાસ્ટિકની માત્રા વધી જવાની સંભાવના છે.
આજે, વિશ્વ પર્યાવરણ દિવસ છે. અનેક લોકો વૃક્ષો વાવવાની અપીલ કરે છે. વૃક્ષો
વાવવાથી વરસાદ વધશે. હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધશે. હવા ચોખ્ખી થશે. એ બધું સાચું, પણ
જો વપરાશ નહીં ઘટે તો આપણે બધા જે ટાઈમ બોંબ પર બેઠા છીએ એને ફાટતાં વાર નહીં લાગે…
પ્લાસ્ટિકનો બીનજરૂરી વપરાશ જો દરેક વ્યક્તિ ટાળે, થોડાક સજાગ રહીને રિસાઈકલ કરે તો આપણે
50 ટકા જેટલો ઘટાડો કરી શકીએ.