‘આપણા શરીરનું સૌથી સેક્સી, સંવેદનશીલ અંગ કયું છે?’ આવો સવાલ કોઈ પૂછે તો એના
જવાબમાં સામાન્ય રીતે આપણે બધા શરમાઈએ, ગૂંચવાઈએ, પરંતુ એનો જવાબ બહુ સરળ છે-ત્વચા!
સૌથી સંવેદનશીલ ત્વચા છે. જેની ઉપર સ્પર્શની અનુભૂતિથી શરીરના અંગેઅંગ જાગી ઊઠે છે. રજનીશ
કહે છે કે, ‘સંભોગની લાગણી બે પગ વચ્ચે નહીં, બે કાન વચ્ચે હોય છે-મગજમાં અને સાચું પૂછો તો આ ઉત્તેજના
કે શારીરિક સંબંધની આખીએ જરૂરિયાત, માનસિકતા માણસ અને પશુમાં સરખી જ છે.’ એક સંસ્કૃત સુભાષિત
કહે છે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન પ્રાણીમાત્રમાં એકસરખી જરૂરિયાત છે. આપણે એ વિશે વાત
કરતાં પણ અચકાઈએ છીએ. જાહેરમાં એ શબ્દનો ઉચ્ચાર કરવો એ પણ સામાન્ય રીતે જાણે ગુનો હોય
એમ લોકોની ભ્રકુટી તણાઈ જાય છે.
મોટાભાગના લોકો જાણતા નથી-અથવા જણાવતા નથી, પરંતુ ધીરે ધીરે આ ‘સેક્સ’ એક
વ્યસનની જેમ માણસજાતમાં ફેલાઈ રહ્યું છે. ઓફિસના કોમર્શિયલ બિલ્ડિંગમાં સાતસો-હજાર ફૂટની
રૂમમાં ખૂલી ગયેલા ‘સ્પા’માં બપોરે બે વાગ્યે પુરૂષને દાખલ થતા જોઈને હવે કોઈને આશ્ચર્ય નથી થતું!
નવાઈની વાત એ છે કે, આવાં ‘સ્પા’માં સ્ત્રીઓ આવતી દેખાતી નથી… બીજી તરફ, ગુગલમાં માત્ર
પીઓઆરએન, પોર્ન ટાઈપ કરીએ એ પછી જે સાઈટ્સ ખૂલે છે એમાં હવે માત્ર વિદેશી ચહેરા દેખાતા
નથી! એવું નથી કે આ બધું હમણાં જ શરૂ થયું છે. આજથી થોડાં વર્ષો પહેલાં ‘મસ્તરામ’ના પુસ્તકો
છડેચોક વેચાતા… શારીરિક સંબંધોને બહેલાવીને, વિકૃત કરીને આવાં પુસ્તકોમાં એવી રીતે મૂકવામાં
આવતા જે વાંચનારની વિકૃતિને હદ બહાર ઉશ્કેરી મૂકે. એ સિવાય પણ આવાં પુસ્તકો ઉપલબ્ધ હતા,
પરંતુ પુસ્તક ખરીદવા, ઘરમાં છુપાવવા અને એ વાંચતી વખતે પકડાવું નહીં… જે અઘરું હતું. એ પછી
વીસીઆર અને કેસેટનો જમાનો આવ્યો. વીસીઆર અને કેસેટ ભાડે લાવીને થોડાં છોકરાઓ ખાલી
ઘરમાં ભેગા થતા. એ પછી ડીવીડી અને પેનડ્રાઈવ પણ પોર્નોગ્રાફીના પ્રચાર-પ્રસાર કરતાં રહ્યાં. જોકે,
આ બધું એક દાયકા પહેલાં ફક્ત પુરૂષો પૂરતું મર્યાદિત હતું એમ કહીએ તો ખોટું નથી, પરંતુ હવે આ
માનસિકતામાં યુવા છોકરીઓ પણ ઘસડાવા લાગી છે એટલું જ નહીં, એમના ભણતર અને સંબંધો
ઉપર પણ આ વ્યસનની અસર થવા લાગી છે. હવે છેલ્લા થોડાં સમયથી ઈન્ટરનેટ ઉપર પોર્નોગ્રાફી જે
રીતે ઉપલબ્ધ છે એ જોતાં પોર્નોગ્રાફી એક ડ્રગ કરતાં ઓછી ખતરનાક નથી રહી. સાથે સાથે માત્ર
પોર્નોગ્રાફી જ નહીં, પરંતુ ‘ચેટિંગ’ ની જેમ ‘સેક્સટિંગ’ પણ હવે યુવા પેઢીને ઘેરી વળી છે.
મોબાઈલ ફોન અને ઈન્ટરનેટની શોધ સાથે ‘પ્રાઈવસી’ નામની એક વિચિત્ર માનસિકતા પ્રવેશી
છે. 2019ના એક સર્વે મુજબ 18થી 24 વર્ષના યુવા પોર્ન તરફ વળ્યા છે અને એથીએ વધુ ભયજનક
વાત એ છે કે, આવા યંગ પોર્ન વિઝિટર ભારતમાં સૌથી વધારે છે. આમાં એક કારણ એવું પણ છે કે,
ભારતમાં માતા-પિતા પોતાના સંતાનો સાથે ‘સેક્સ’ વિશે વાત કરતાં અચકાય છે. યુવા માનસને જે કંઈ
જાણવા કે શીખવા મળે છે એ એની જ ઉંમરના કે એનાથી થોડા મોટા મિત્રો પાસેથી મળે છે. એમની
વિકૃતિ, એમનો અનુભવ (સાચા કે ખોટા) અને એમની પાસેથી મળેલી સેક્સ વિશેની સમજ યુવા
માનસને બિમાર કરી નાખે છે. ભારતમાં આવનારા વર્ષોમાં સૌથી વધુ યુવા નાગરિકો હશે. એક
વિકાસશીલ દેશની પ્રગતિ જે ઝડપે થઈ રહી છે એ જોતાં ભારતમાં વીડ અને બીજા ડ્રગ્સની સાથે સાથે
પોર્નની લતે ચડાવવાની એક વ્યવસ્થિત રમત કેટલાક દેશો કરી રહ્યા છે. જે લોકોએ કોઈ દિવસ પોર્ન
સાઈટ ખોલી પણ ન હોય એમને પણ અલ્ગોરીધમમાં-એમની ઉંમર કે બીજા ડેટા ઉપરથી પોર્ન સાઈટના
આમંત્રણ મોકલવામાં આવે છે. કુતૂહલ ખાતર પણ જો એકાદવાર કોઈ યુવાન કે યુવતિ સાઈટ ખોલી લે
તો પછી આવા વીડિયોનો રીતસર મારો કરવામાં આવે છે.
પાર્થ ટોરોનીલ નામના એક યુવા ગુજરાતી લેખકે આ વિશે ‘મોડર્ન ડ્રગ’ નામનું પુસ્તક લખ્યું છે.
ત્રણસો પાનાંના આ પુસ્તકમાં એમણે વૈજ્ઞાનિક અને લાગણીના બંને પાસાં બહું સુંદર રીતે આપણી સામે
મૂક્યા છે. વિશ્વના અનેક વૈજ્ઞાનિકોના રિસર્ચના રેફરન્સ પણ આ પુસ્તકોમાં બહુ વિસ્તૃત અભ્યાસ સાથે
મૂકવામાં આવ્યા છે. પાર્થ લખે છે, ‘પોર્ન એ ડ્રગ કેવી રીતે કહેવાય? પોર્નને સ્મોક નથી કરાતું, ડ્રીંક નથી
કરાતું, નાકથી સુંઘી નથી શકાતું કે નથી ઈન્જેક્શનથી શરીરમાં ઈન્જેક્ટ કરાતું, તો પછી પોર્ન ડ્રગ કેવી રીતે
કહેવાય?’ આ સવાલનો જવાબ ‘મોડર્ન ડ્રગ’ નામના પુસ્તકમાં વિસ્તૃત વિગતો સાથે આપવામાં આવ્યો
છે.
આ પોર્નોગ્રાફી માત્ર સ્ત્રી-પુરૂષના સંબંધની નથી હોતી, આમાં એલજીબીટીક્યૂની સાથે સાથે
પિડોફેલિયા (બાળકો)ની પોર્નોગ્રાફી પણ હોય છે. એક વખત આના રવાડે ચડેલા યુવા માનસને એમાંથી
બહાર કાઢવું અઘરું થઈ પડે છે. આજકાલ કેટલીયે વેબસાઈટ અને ફોન નંબર ઉપલબ્ધ છે, જેના ઉપર
મીઠા અવાજે વાત કરતી અનેક સ્ત્રીઓ કોલ સેન્ટરમાં બેસીને સેક્સટિંગ કરે છે. ઉશ્કેરી મૂકે એવા શબ્દો,
વાતો અને ઉંહકારા કરીને આવાં કોલ સેન્ટર લાખો રૂપિયાના બીલ સર્વિસ પ્રોવાઈડરને મેળવી આપે છે.
સમજી શકાય એવી વાત છે કે, આમાં સર્વિસ પ્રોવાઈડરનો પણ હાથ હોવો જ જોઈએ. પોર્નોગ્રાફી જોતાં
યુવા પુરૂષો પોતાની પત્ની પાસે એવા જ રિએક્શન અને અમુક પ્રકારના વર્તનની અપેક્ષા રાખે છે-એવી
ફરિયાદ આપણે સાંભળી હતી, પરંતુ હવેના સમયમાં નવપરણિત યુવતિ પણ પોતાના પતિ પાસેથી
પોર્નોગ્રાફી જોઈને એવું વર્તન કરવાનો આગ્રહ રાખે છે, જેમાંથી ક્યારેક લગ્નજીવનમાં પણ પ્રોબ્લેમ થઈ
શકે.
પોર્નોગ્રાફી જોવાની ટેવ કે વ્યસન યુવા માનસને એના ધ્યેય અથવા દિશામાંથી ભ્રમિત કરી શકે
છે. માતા-પિતાને ખબર પણ ન પડે એવી રીતે પોર્ન જોતાં કે સેક્સટિંગ કરતાં યુવાનોના ગ્રેડ્સ, માર્ક ધીમે
ધીમે ઓછા થતા જાય અને કારકિર્દીનો ગ્રાફ નીચે ઉતરી જાય. બીજી તરફ, સેક્સટિંગમાં સૌથી મોટો
પ્રોબ્લેમ એ છે કે, મોકલેલો વીડિયો કે ફોટો જો વાઈરલ થઈ જાય તો એને રોકવું અશક્ય છે. આપણે
જાણતાં નથી, પરંતુ વિશ્વમાં કેટલાક દેશો વિઝા આપતા પહેલાં સીડીઆર રેકોર્ડ ચેક કરતા હોય છે.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ કે ટ્વિટર પર વ્યક્તિ શું અપલોડ કરે છે એ જોઈને એની માનસિકતાનો અંદાજ
લગાવવામાં આવે છે. મોટી યુનિવર્સિટીઝ પણ એડમિશન આપતા પહેલાં આવા પર્સનલ ડેટા રિસર્ચ
કરતી હોય છે.
પોર્નમાં સપડાયેલા અને એમાંથી નહીં છૂટી શકતા કેટલાક યુવાનો અંતે આત્મહત્યા તરફ પણ
ધકેલાય છે. દુનિયાના કોઈ પણ ડ્રગના વ્યસનમાંથી બહાર નીકળવા માટે માણસે જાતે જ પ્રયાસ કરવો
પડે છે. બહારની બધી બાબતો કે વ્યક્તિ આપણી મદદ કરી શકે, પરંતુ સૌથી પહેલો નિર્ણય આપણે જાતે
કરવાનો છે.