‘જેણે તમારી સાથે આટલું ખરાબ કર્યું એનો જીવ કેમ બચાવ્યો?’ ટોળે વળેલાં મીડિયામાંથી કોઈ એક જણે
માઈક આગળ ધરીને શ્યામાને સવાલ પૂછ્યો.
સવાલ સાંભળતાં જ શ્યામા હસી પડી, ‘મેં મારું કામ કર્યું છે. દરેક માણસે પોતાનું કામ સાચી અને સારી રીતે
કરવું જ જોઈએ, એવું મારા પિતાએ મને શીખવ્યું છે.’ ટોળે વળેલું મીડિયા શ્યામાને સવાલો પૂછી રહ્યું હતું. થોડાક
જવાબ આપ્યા પછી શ્યામાએ સૌની સામે હાથ જોડીને કહ્યું, ‘હું ત્રણ રાતથી સૂતી નથી. મારે ઘેર જવું છે. ઈફ યુ
ડોન્ટ માઈન્ડ…’ એ મીડિયાકર્મીઓની વચ્ચેથી રસ્તો કાઢતી પોતાની ગાડી તરફ જવા લાગી. થોડા લોકો પાછળ
દોડ્યા, પણ શ્યામા દરવાજો ખોલીને ગાડીમાં બેસી ગઈ.
ગાડી હજી હોસ્પિટલના મેઈન ગેટ સુધી નહીં પહોંચી હોય ત્યાં જ શ્યામાએ આંખો બંધ કરી અને પાછલી
સીટ પર માથું ઢાળી દીધું.
થાક, માનસિક દબાણ અને ઉજાગરાને કારણે એનું મગજ એટલું થાકી ગયું હતું કે, શ્યામા કશું વિચારી શકે
એવી સ્થિતિમાં જ નહોતી. થોડી મિનિટો પછી એણે એના જુનિયર ડૉક્ટરને ફોન કર્યો, ‘કંઈ હોય તો લેન્ડલાઈન પર
ફોન કરજો. હું થોડીવાર માટે મારો ફોન સ્વીચ ઓફ કરું છું.’ કહીને એણે સેલફોન સ્વીચ ઑફ કરી દીધો.
ઘેર જઈને ઊંઘી ગયેલી શ્યામાને હોસ્પિટલમાં થયેલા હુમલા વિશે જણાવીને ડિસ્ટર્બ ન કરવી જોઈએ એમ
માનીને ડૉ. શિરીન ખંભાતા, ડૉ. પરેશ બ્રહ્મભટ્ટ અને ડૉ. રાજેશ પટેલ, ત્રણમાંથી એકેય જણે શ્યામાને જણાવ્યું
નહીં, પરંતુ ભાસ્કર મજુમદારને આ સમાચાર મળી ચૂક્યા હતા. એમણે પણ ઘેર જઈને જ શ્યામાને જણાવવાનું નક્કી
કર્યું… એટલે આટલી મોટી ઘટનાથી બેખબર શ્યામા ઘસઘસાટ ઊંઘતી રહી.
*
વિક્રમજિતના ફોનમાં રહેલા ફોટામાંથી શફકે જે માણસને ઓળખી બતાવ્યો એ અલ્તાફનો માણસ નહોતો.
વિક્રમજિતે કોઈપણ પ્રકારના પ્રતિભાવ આપ્યા વગર શફકની વાત સાંભળી તો લીધી, પણ બીજી તરફ એનું મગજ
કામે લાગ્યું. શફકે જે માણસનો ફોટો જોઈને ‘હા’માં ડોકું ધૂણાવ્યું હતું એ તો દિલબાગનો જ માણસ હતો.
વિક્રમજિતનું મગજ બહાર નીકળીને કામે લાગ્યું. જો આ માણસે મંગલનો પીછો કર્યો, એના પર ફાયર કર્યું તો મંગલે
એના અલ્તાફના માણસ તરીકે શું કામ ઓળખાવ્યો અથવા શફકને કોણે કહ્યું કે આ અલ્તાફનો માણસ છે? કે પછી
શફકે ધારી લીધું કે એણે કરેલી ફરિયાદને કારણે અલ્તાફે એની મદદ કરવા મંગલ ઉપર હુમલો કરાવ્યો… વિક્રમજિતને
કંઈ સમજાતું નહોતું.
બહાર નીકળીને એણે પહેલું કામ એ માણસ, લાલુને શોધવાનું કર્યું. એણે પોતાના માણસોને કામે લગાડ્યા.
લાલુ, એનો જૂનો માણસ હતો. ઊંચો, પહોળો, કોઈ અભિનેતા જેવો ચહેરો અને તેજસ્વી, વશીકરણ કરી શકે એવી
આંખો ધરાવતો આ છોકરો ગજબના રિસ્ક લઈ શકતો. એની આગળ-પાછળ કોઈ નહોતું. ઝૂંપડપટ્ટીમાં મોટો થયેલો.
દેખાવડો હોવાને કારણે દિલબાગ માટે સારી સારી છોકરીઓ બંગાળ, રાજસ્થાન અને ગુજરાતથી લઈ આવતો.
દિલબાગ એનો ભરોસો કરતો… એ લાલુ! એણે દિલબાગના દીકરા મંગલ પર હુમલો કર્યો એ વાત વિક્રમજિતના
મગજમાં ઉતરતી નહોતી. એનો સીધો અર્થ એ થતો હતો કે, લાલુ ડબલ ક્રોસ કરી રહ્યો હતો. અલ્તાફ અને દિલબાગ
બંને માટે કામ કરતો હતો અથવા એણે એનું ઈમાન અલ્તાફને વહેંચી દીધું હતું. વિક્રમજિતે માથું ધૂણાવ્યું, ‘જે હોય તે.
લાલુને શોધવો પડશે.’ એણે પોતાની જાતને કહ્યું.
વિક્રમજિતનું નેટવર્ક મોટું હતું. તપાસ ચાલુ થઈ ચૂકી હતી.
વિક્રમજિત જ્યારે હોટેલ પર પહોંચ્યો ત્યારે મિટિંગ પૂરી થઈ ગઈ હતી. મિટિંગમાં બનેલી ઘટના દિલબાગે
સહજ રીતે વિક્રમજિતને કહી. આવું પહેલાં કોઈ દિવસ થયું નહોતું, એટલે દિલબાગે એક વાત વિક્રમજિતને બહુ
દૃઢતાથી સમજાવી, ‘અપને અંદર કે લોગ અબ હમારે સાથ નહીં. અસંતોષ અને અવિશ્વાસ પર આ ધંધો ટકે નહીં.’
દિલબાગની વાત સાંભળીને વિક્રમજિત વિચારમાં પડ્યો. મંગલસિંઘવાળા હુમલાની વાત કહેવી કે નહીં… પરંતુ,
આટલી મોટી વાત મંગલના પિતા, અને એના બોસ દિલબાગથી છુપાવવી શક્ય નહોતી એટલે એણે પણ બને એટલા
સહજ રહેવાનો પ્રયત્ન કરીને હોસ્પિટલવાળા હુમલાની વાત કહી અને લાલુની વાત કહેવાનું ટાળ્યું. વાત કન્ફોર્મ ન
થાય ત્યાં સુધી દિલબાગને જણાવીને એ લાલુને ફસાવવા માગતો નહોતો. દિલબાગે તરત જ કહ્યું, ‘મંગલને
હોસ્પિટલમાંથી લઈ જવો પડશે’ વિક્રમજિત એની સામે નવાઈથી જોઈ રહ્યો, ‘આજ ઔર અભી.’
વિક્રમજિતે માંડ માંડ દિલબાગને સમજાવ્યો કે, અત્યારે બહુ મોડી રાત થઈ ગઈ છે. જે કરવું હશે તે સવારે જ
થઈ શકશે. મંગલસિંઘને હોસ્પિટલમાંથી બહાર કાઢવા માટે હોસ્પિટલના ડિસ્ચાર્જ પેપર જોઈશે જે અત્યારે શક્ય
નથી. દિલબાગ માની તો ગયો, ને ઊંઘી ગયો, પણ વિક્રમજિત આખી રાત સૂઈ શક્યો નહીં. એની નજર સામે
લાલુનો દેખાવડો, નિર્દોષ ચહેરો અને એની પ્રામાણિકતાના પ્રસંગો કોઈ ફિલ્મની પટ્ટીની જેમ ફરતા રહ્યા.
*
પાવન મહેશ્વરીની આંખ ખૂલી ત્યારે એની નજર સામે પડેલા અખબારો જોઈને એનું મગજ ઓર ભભૂકી
ઊઠ્યું. હજી ગઈકાલે એને મીડિયાએ ઘેરી લીધો હતો ને આજે સવારે તો મુંબઈના અખબારોની હેડલાઈનમાં માંડ માંડ
ભૂલાયેલો રેપ કેસ ફરી જીવતો થઈ ગયેલો જોઈને એ મગજ પરનો કાબૂ ગૂમાવી બેઠો.
લગભગ દરેક પેપરમાં બોક્સ બનાવીને શ્યામાએ કરેલી દયા, કરુણા અને રેપ કેસના આરોપીને ભોગ બનનાર
ડૉક્ટરે બચાવી લીધો એની મોટી મોટી સ્ટોરીઝ છપાઈ હતી. પાવન માહેશ્વરીનો ફોટો પણ એક-બે અખબારે છાપ્યો
હતો. પતિ-પત્ની હવે સાથે નથી રહેતાં, અને પાવન મહેશ્વરીનો અફેર એની જ એક સહકલાકાર, મોડેલ, મુસ્લિમ
છોકરી સાથે ચાલે છે એવી વિગતો પણ એક અખબારે પ્રકાશિત કરી હતી. આ બધું વાંચીને પાવન એટલો અકળાયો કે,
એણે સીધો શ્યામાને ફોન લગાવ્યો. સવારનું રૂટિન પતાવીને શ્યામા જસ્ટ બ્રેકફાસ્ટ કરવા બેઠી હતી ત્યાં ફોનની રિંગ
વાગી. એણે પાવનનું નામ વાંચ્યું અને સામે પડેલા અખબારોની હેડલાઈન્સ વાંચીને ફોન ઊઠાવવાનું ટાળ્યું.
શ્યામાએ ફોન ઊઠાવ્યો નહીં એટલે ઓર બેબાકળો થઈ ગયેલો પાવન એકસરખા ફોન કરતો રહ્યો. શ્યામાના
ફોનની રિંગ લગાતાર વાગતી સાંભળીને ભાસ્કરભાઈ અંદરથી બહાર આવી ગયા. એમણે જોયું કે, શ્યામા ફોનની સામે
જ બેઠી છે, છતાં ફોન રિસીવ નથી કરી રહી. એમણે નવાઈથી શ્યામાની સામે જોઈને ભવાં ઉલાળ્યાં. શ્યામાએ સાવ
સ્વાભાવિક સ્મિત સાથે નિરાંતે કહ્યું, ‘પાવન છે. અકળાયો હશે.’
‘પણ, વાત તો કરી લે.’ ભાસ્કરભાઈમાં રહેલા પિતાને હજી પણ ક્યાંક પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા
હતી.
‘શું વાત કરું? એ બૂમો જ પાડશે.’ શ્યામાએ કહ્યું. એ નિરાંતે ચા પી રહી હતી, ‘તમે મીડિયામાં સળગાવ્યું છે
એટલે એના મગજમાં પણ ધૂમાડો ધૂંધવાતો હશે.’
શ્યામાએ ફોન ન જ ઉપાડ્યો ને ભાસ્કરભાઈ પણ, વધુ આગ્રહ કર્યા વિના મૂળ વાત પર આવી ગયા. એમણે
ગઈકાલે બનેલી ઘટના શ્યામાને જણાવી. ભાસ્કરભાઈને હતું કે, આ વાત સાંભળીને શ્યામાને ટેન્શન થશે, પરંતુ એણે
તો આખી વાત સાથે કંઈ લેવાદેવા ન હોય એટલી સ્વસ્થતાથી સાંભળી. ‘હંમમ્…’ કહેતી, એ પોતાનો બ્રેકફાસ્ટ કરતી
રહી…
‘એ લોકો એને મારી નાખશે’ ભાસ્કરભાઈએ કહ્યું.
‘તો?’ શ્યામાએ સાવ ઠંડા કલેજે પૂછ્યું, પછી સ્મિત સાથે ભાસ્કરભાઈને જવાબ આપ્યો, ‘મેં બચાવી લીધો.
હવે કોણ એની સાથે શું કરે છે એમાં મને કોઈ રસ નથી.’ ભાસ્કરભાઈને પોતાની જ દીકરી અજાણી લાગી. એ
નવાઈથી શ્યામા સામે જોઈ રહ્યા. શ્યામાએ પૂછ્યું, ‘પાપુ, આજે નહીં તો કાલે એને કોઈ મારી જ નાખશે.’ એની
આંખો કોઈ સંત જેવી નિઃસ્પૃહ હતી, ‘હોસ્પિટલમાં છે ત્યાં સુધી મારો દર્દી છે, એની પાસે પોલીસ પ્રોટેક્શન છે.
વ્હોટ એલ્સ કેન વી ડુ?’
ભાસ્કરભાઈ થોડીક ક્ષણો એમ જ અન્ય મનસ્ક જેવા બેઠી રહ્યા, પછી ખભા ઊલાળીને ઊભા થયા. એમણે
શ્યામાના માથે હાથ ફેરવીને કહ્યું, ‘ઓકે. તું તારું ધ્યાન રાખજે. મારે માટે તારી સલામતી બહુ મહત્વની છે.’ એ
આંખોમાં ઝળઝળિયાં સાથે બહાર નીકળી ગયા. શ્યામા નિરાંતે બ્રેકફાસ્ટ કરતી રહી.
*
શફક સવારે ઊઠી ત્યારે એના મગજ ઉપર ઊંઘની દવાનું ઘેન અને અલ્તાફે આપેલી નોટિસનો ભાર હતો.
ચોવીસ કલાકમાં જો એ મંગલસિંઘને ન મારે તો અલ્તાફ એને મારી નાખશે એમાં કોઈ શંકા નહોતી. એણે ખૂબ
વિચારીને નાર્વેકરને ફોન કર્યો. આખી વાત જણાવી. હોસ્પિટલમાં થયેલા હુમલાના સમાચાર નાર્વેકર અને વણિકર
સુધી પહોંચી ચૂક્યા હતા. એમણે કોન્સ્ટેબલની ડ્યૂટી ચાર ચાર કલાકની કરી નાખી હતી, નીચે મેઈન ગેટ ઉપર એક
બીજો કોન્સ્ટેબલ બેસાડી દીધો હતો તેમ છતાં નાર્વેકરને એટલી ખાતરી હતી કે, અલ્તાફ પોતાનો દાવ ખેલ્યા વિના
રહેશે નહીં. શફકનો ફોન આવ્યો ત્યારે નાર્વેકરે એને કહ્યું, ‘તમે તમારો પ્રયત્ન કરો.’
‘એટલે?’ શફકે પૂછ્યું.
‘એટલે એમ કે તમે આજે હોસ્પિટલ જઈને મંગલસિંઘને મારી નાખવાનો પ્રયત્ન કરો.’ નાર્વેકરે સાવ
સહજતાથી કહ્યું.
‘વ્હોટ ડુ યુ મીન?’ શફક ઉશ્કેરાઈ ગઈ, ‘દિલબાગ મને છોડશે?’
‘નહીં મારો તો અલ્તાફ નહીં છોડે, ને મારશો તો દિલ્લુ બાદશાહ તમારી જાનનો દુશ્મન થઈ જશે.’ નાર્વેકર
હસ્યો, ‘આગળ ખાઈને પાછળ વાઘ.’ એણે ઊંડો શ્વાસ લીધો, ‘તમે તમારો પ્રયત્ન કરો. ગઈકાલની જેમ આજે પણ
પ્રયત્ન ન સફળ થાય એમાં તમારો વાંક નથી.’
‘તમે… તમે રોકશો મને?’ શફક લગભગ ધ્રૂજતી હતી.
‘એ બધું ગોઠવાઈ જશે. તમે વિઝિટિંગ અવરમાં નહીં જતા. બને તો અત્યારે જ જઈ આવો.’ કહીને નાર્વેકરે
ઘડિયાળ જોઈ, સવારના સાડા અગિયાર થયા હતા. વિઝિટિંગ અવર્સ ચારથી છના હતા. એ દરમિયાન ખૂબ
અવરજવર થવાની હતી. શફક એક નોર્મલ વિઝિટરની જેમ જઈને બહાર ન નીકળી શકે એ નાર્વેકરને ખબર હતી.
એટલે જ એણે શફકને વિઝિટિંગ અવરના સમયે જવાનું કહ્યું જેથી આઈસીયુમાં એ એકલી જ દાખલ થઈ શકે.
‘મને કંઈ થશે તો નહીં ને?’ શફકે પૂછ્યું.
‘ડોન્ટ વરી.’ નાર્વેકરે બગાસું ખાધું, ‘અમે સંભાળી લઈશું’ કહીને એણે મોટી આળસ મરડી, ‘બે દિવસના
ઉજાગરા છે. હું થોડીવાર ઊંઘી જાઉં છું. ઘરેથી નીકળો ત્યારે મને ફોન કરજો.’ એણે કહ્યું, શફકના જવાબની રાહ
જોયા વગર એણે ફોન કાપી નાખ્યો.
સેલફોન હાથમાં જ પકડીને વિચારોમાં ખોવાયેલી શફક ક્યાંય સુધી એમ જ બેસી રહી.
શ્યામા હોસ્પિટલ પહોંચી ત્યારે થોડા મીડિયાકર્મીઓ હજીયે હોસ્પિટલની બહાર ઊભા હતા. એમાંના એક
જણે શ્યામાને ગાડીમાંથી ઉતરતા જ ઘેરી લીધી, ‘મંગલસિંઘ ક્યારે ભાનમાં આવશે?’ એણે પૂછ્યું. શ્યામાને મીડિયાના
આવા સવાલોથી બહુ હસવું આવતું.
એણે હસીને કહ્યું, ‘હું ડૉક્ટર છું, જ્યોતિષ નથી.’ બાકીના મીડિયાકર્મીઓ એને ઘેરી લે એ પહેલાં શ્યામા
ઝડપથી હોસ્પિટલના સ્લાઈડિંગ ડોરની પાછળ ખોવાઈ ગઈ. એણે મેઈન ગેટ પર બેઠેલા પોલીસને કહ્યું, ‘કોઈને અંદર
નહીં આવવા દેતા.’
લોબીમાં ઊભેલા મંગલસિંઘના બે-ચાર પંટરોમાંથી એક શ્યામા તરફ ધસી આવ્યો, ‘ભૈયા કબ તક ઠીક હો
જાયેંગે?’ એણે શ્યામાને પૂછ્યું. એને જવાબ આપ્યા વગર શ્યામાએ એની સામે વેધક નજરે જોયું, એ આગળ વધી
ગઈ. બે-ચાર પંટરો એની પાછળ દોડ્યા, પણ લિફ્ટ બંધ થઈ ગઈ. પોતાના રૂમમાં બેગ વગેરે એ મૂકીને એ હજી
ખુરશીમાં બેઠી ત્યાં તો એના નામનું પેજર એનાઉન્સમેન્ટ થયું, ‘ડૉ. શ્યામા મજુમદાર… પ્લીઝ રિચ આઈસીયુ’ શ્યામા
ઊભી થઈને ઝડપથી લિફ્ટ તરફ આગળ વધી ગઈ.
આઈસીયુના વોર્ડની લિફ્ટ ખૂલી ત્યારે ડૉ. શિરીન ખંભાતા, ડૉ. પરેશ બ્રહ્મભટ્ટ અને ડૉ. રાજેશ પટેલ સહિત
બે જુનિયર ડૉક્ટર્સ શ્યામાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. મંગલસિંઘની સાથે આવેલા એના બધા માણસોને કડક રીતે
આઈસીયુની લોબીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્રણેયના ચહેરા પર આનંદ મિશ્રિત ઉદ્વૈગ હતો. શ્યામા
લિફ્ટમાંથી બહાર નીકળી કે તરત ડૉ. રાજેશ પટેલે કહ્યું, ‘મંગલસિંઘની આંખો ખૂલી છે. એ પ્રમાણમાં સ્ટેબલ છે.’
સાંભળતાં જ શ્યામા આઈસીયુના વોર્ડના કાચનો દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ ગઈ.
મંગલસિંઘના પલંગની પાસેના પડદાને ખસેડીને શ્યામા અંદર દાખલ થઈ ત્યારે મંગલસિંઘ નિશ્ચેષ્ટ પડ્યો.
એની આંખો છત તરફ હતી. પોતાની આસપાસના મોનિટર્સ, ગળામાં રહેલી વિગો અને બંને હાથમાં લાગેલી ટ્યૂબ્સ
જોઈને એને સમજાઈ ગયું હતું કે, એ હોસ્પિટલમાં હતો અને હવે સલામત હતો. એક્સિડન્ટના ક્ષણની સ્મૃતિ એના
મગજમાંથી સડસડાટ પસાર થઈ ચૂકી હતી, એને બધું જ યાદ હતું. ઝડપથી દોડતી એની એસયુવી, પાછળથી થયેલો
ફાયર, ફૂટપાટ પર અને ડિવાઈડર સાથે ટકરાતી ગાડી, ગાડી ઊંધી પડતી વખતનો ભયાનક અનુભવ અને સાથે બેઠેલી
શફકે પકડી લીધેલો એનો હાથ. શફકની ચીસ… બધું!
શ્યામાને જોઈને મંગલસિંઘની આંખો પહોળી થઈ ગઈ. એ કશું બોલ્યો નહીં, પણ ક્ષણવારમાં એને એ પણ
સમજાઈ ગયું કે, એ ક્યાં હતો અને એનો જીવ કોણે બચાવ્યો હશે. શ્યામાએ કોઈ નિર્જિવ વસ્તુને સ્પર્શ કરતી હોય એમ
મંગલસિંઘનો હાથ પોતાના હાથમાં લઈ નાડી તપાસી. એની આંખો નીચે આંગળી મૂકીને આંખો જોઈ. જુનિયર
ડૉક્ટર તરફ જોયું, એણે મંગલસિંઘનો રિપોર્ટ ટેકનિકલ ભાષામાં આપવા માંડ્યો જે સાંભળીને શ્યામાએ કહ્યું, ‘યુ આર
આઉટ ઓફ ડેન્જર.’
‘થેન્ક યૂ’ મંગલસિંઘના ગળામાંથી માંડ માંડ શબ્દો નીકળ્યા. એનો ચહેરો શરમથી ઝાંખો પડી ગયો.
‘યુ આર નોટ વેલકમ’ શ્યામાએ કહ્યું.
મંગલસિંઘ અને આસપાસ ઘેરીને ઊભેલા ડૉક્ટર્સ અને જુનિયર ડૉક્ટર્સ શ્યામા તરફ જોઈ રહ્યા હતા.
(ક્રમશઃ)