પ્રકરણ – 14 | આઈનામાં જનમટીપ

જુહુ પોલીસ સ્ટેશનના લોકઅપમાં બેઠેલા દિલબાગે પોતાના વકીલને બોલાવી લીધો હતો. કેટલાય લોકોની
નજર સામે વિક્રમજિતે ગોળી ચલાવી હતી એટલે એની બેઈલ અસંભવ હતી, પરંતુ વકીલને વિશ્વાસ હતો કે,
દિલબાગની બેઈલ થઈ જશે. વકીલે લોકઅપની બહાર ઊભા રહીને દિલબાગને આશ્વાસન આપ્યું, ‘સર, કાલે કોર્ટ
ઊઘડતા જ તમને બહાર કાઢી લઈશ.’ દિલબાગ માથે હાથ દઈને બેઠો હતો. એના ખભા પર લાગેલી ગોળી ઉપર
ડ્રેસિંગ થઈ ચૂક્યું હતું, પરંતુ દુઃખાવો અસહ્ય હતો. જમીન પર સૂતેલો દિલબાગ પોતાના ઉપલા દાંત નીચે હોઠ
દબાવીને પીડા સહેવાની કોશિશ કરી રહ્યો હતો.
‘મંગલ…’ એનાથી બોલાયું નહીં.
‘મંગલ ઠીક છે સર. તમે એની ચિંતા નહીં કરો.’ વકીલે કહ્યું, ‘તમે કાલે એને મળી શકશો.’
‘સબ ગડબડ હો ગયા.’ વિક્રમજિતથી બોલાઈ ગયું, ‘મેં એટલે જ તમને કહ્યું હતું કે, હવે આપણે મુંબઈ છોડી
દેવું જોઈએ, પણ તમે…’ દિલબાગને પોતાની ભૂલ સમજાઈ હતી. વકીલ ભલે કહે કે એને બહાર કાઢી લેશે, પણ
દિલબાગ વોન્ટેડ હતો. મુંબઈ શહેરમાં એના નામે અનેક કેસીસ રજિસ્ટર્ડ હતા. આવી પરિસ્થિતિમાં કદાચ આજની
ઘટનામાંથી ઉગરી જાય તો પણ અરેસ્ટ થયા પછી એની સામે એક પછી એક કેસ ખૂલી શકે એમ હતા.

ઉશ્કેરાયેલો અને અકળાયેલો વણીકર પોતાના બંને હાથ પીઠ પાછળ બાંધીને આંટા મારતો હતો. એની સામે
રિવોલ્વિંગ ચેર પર બેઠેલો નાર્વેકર ટેબલ પર પડેલું પેપર વેઈટ ગોળ ગોળ ઘૂમાવી રહ્યો હતો. બંને ચૂપ હતા. અંતે
નાર્વેકરે મૌન તોડ્યું, ‘આતા કાય કરાયચ?’
‘મનમાં તો એવું થાય છે કે બેઉને લોકઅપમાં જ ઠોકી દઉ.’ વણીકર ગિન્નાયો, ‘સાલા! મારા રિટાયરમેન્ટમાં…’
‘સર! વિક્રમ તો મર્ડરમાં જશે.’ નાર્વેકરે કહ્યું, ‘દિલબાગ ઉપર તો બહુ કેસ છે. તમને રિટાયરમેન્ટની સાથે મેડલ
મળશે સર. આજ સુધી એની અરેસ્ટ કોઈ કરી નથી શક્યું. યુ હેવ ડન ઈટ.’
વણીકરે આશ્ચર્યથી નાર્વેકર તરફ જોયું, ‘અચ્છા? અને મારું શું થશે એ વિશે વિચાર્યું છે?’ એનો અવાજ ધ્રૂજ્યો,
‘ખુદ હોમ મિનિસ્ટરનો હાથ છે એના માથા પર.’

‘તમે સમજતા નથી સર…’ નાર્વેકર એકદમ સહજ હતો, ‘તમે જ હોમ મિનિસ્ટરને ફોન કરો અને કહો કે,
નજર સામે બધું થયું એટલે મારે અરેસ્ટ કરવા પડ્યા.’ એ તમને પૂછે એ પહેલાં તમે જ એક્સ્પ્લેઈન કરી નાખો અને
પૂછો, ‘મારે શું કરવું જોઈએ?’
‘એનાથી શું થશે?’ વણીકર હજી સમજ્યો નહીં.
‘સર!’ નાર્વેકરે નાના બાળકને સમજાવતો હોય એમ કહ્યું, ‘નજરો જોનારા સાક્ષી છે અને હોસ્પિટલ જેવી
જગ્યાએ શૂટઆઉટ થયો છે એ બધું જાણ્યા પછી હોમ મિનિસ્ટર હોય કે પ્રાઈમ મિનિસ્ટર, છોડી દેવાની સત્તાવાર
સૂચના આપી શકે જ નહીં.’ નાર્વેકર હસ્યો, ‘એણે ઝખમારીને એવું જ કહેવું પડે કે, કાયદેસર રીતે જે થતું હોય એ જ
કરજો. સમજો છો?’ વણીકર ખુશ થઈ ગયો. એણે ખુરશી પર બેઠેલા નાર્વેકરના ખભા પર પોતાના બંને હાથ મૂકી
દીધા. ખભો દબાવીને એણે પોતાની ખુશી જાહેર કરી. અત્યાર સુધી એના મગજમાં ચાલતા બધા ગૂંચવાડા નાર્વેકરના
એક જ જવાબથી શાંત થઈ ગયા હતા. ટેબલ પર ફોન ઉપાડીને નાર્વેકરે લંબાવ્યો, વણીકરે ફોન હાથમાં લીધો. ફરી
એકવાર આંખોથી, હાવભાવથી એણે નાર્વેકરને પૂછ્યું, કરું ને ફોન.’ નાર્વેકરે એને હિંમત આપી, ‘લગાવો લગાવો તમે-
તમારે…’

હોમ મિનિસ્ટર રાહુલ તાવડે આખી મિનિસ્ટ્રીમાં સૌથી યુવાન હતો. 38 વર્ષની ઉંમરે હોમ મિનિસ્ટરની
ખુરશી પર બેસી ગયેલા રાહુલ તાવડેના પિતા મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર રહી ચૂક્યા હતા. દિલબાગ એમનો ખાસ
માણસ હતો. એ સીએમ હતા ત્યાં સુધી દિલબાગે એમની ખૂબ મદદ કરી હતી. ત્રણ ટર્મ સુધી ચીફ મિનિસ્ટર રહી
ચૂકેલા મણિકાંત તાવડે એના જમાનાના સૌથી ક્રૂર રાજકારણી તરીકે જાણીતા હતા. એક પબ્લિક મિટિંગમાં એમના પર
ગોળીબાર થયો ત્યારે રાહુલ 23 વર્ષનો હતો. ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ થવાની પૂરી શક્યતાઓ સાથે એક ક્રિકેટ રમવા
માગતો હતો, પરંતુ પિતાની ‘શહીદી’ને આગળ કરીને પાર્ટીએ રાહુલને એ જ કોન્સ્ટીટ્યુઅન્સીમાંથી ઈલેક્શન લડવા
મજબૂર કર્યો. રાહુલ જીત્યો અને એણે પોતાના વિસ્તારમાં એટલું કામ કર્યું કે બીજી ટર્મમાં જીત્યો ત્યારે પાર્ટીએ એને
મિનિસ્ટર બનાવવો પડ્યો. અત્યંત હેન્ડસમ અને ક્રિકેટર હોવાને કારણે સખત ફિટ રાહુલ રાજકારણી ઓછો અને
સ્પોર્ટ્સ સ્ટાર જેવો વધુ દેખાતો. યુવા વૉટર્સનો ક્રેઝ હતો એ. લગભગ દરેક જાહેરસભામાં એને બોલાવવામાં આવતો
જેથી યુવા ક્રાઉડ હાજર રહે… મણિકાંત તાવડે પર ગોળી કોણે ચલાવી એ દસ વર્ષ પછી પણ રહસ્ય હતું. મણિકાંત
તાવડેની ક્યારેય ઈચ્છા નહોતી કે, રાહુલ રાજકારણમાં આવે, પરંતુ એમણે રાહુલને એકવાર કહેલું, ‘કોઈ પર વિશ્વાસ
નહીં કરતો. જ્યારે ખરેખર મુશ્કેલીમાં મૂકાય ત્યારે દિલબાગને કહેજે એ તારી મદદ કરશે.’ પિતાના સમયના વફાદાર
દિલબાગને મિનિસ્ટર થયા પછી પણ રાહુલે હજી સુધી છોડ્યો નહોતો, સામે દિલબાગે પણ મણિકાંત તાવડેના
સમયથી ચાલી આવતી પોતાની વફાદારી સમયસમયાંતરે નિભાવી હતી. ફરક બસ એટલો હતો કે, રાહુલને હજી સુધી
પોતાના હાથ લાલ કરવાની જરૂર નહોતી પડી. પિતાની લોકપ્રિયતા અને ધાક રાહુલને કામ લાગી હતી, એટલું જ
નહીં એણે પોતે પણ પોતાનો ફેન વર્ગ ઊભો કર્યો હતો જેને કારણે એ બંને ટર્મમાં કોઈ કાળાધોળા કર્યા વગર જીતી
શક્યો હતો.

લોકઅપમાં બેઠેલા દિલબાગને વિશ્વાસ હતો કે, આ કેસમાંથી તો રાહુલ એને બહાર કાઢી જ લેશે. એણે એક-
બે વાર રાહુલ સાથે વાત કરવા માટે પોતાનો ફોન માગ્યો, પરંતુ એને ફોન ન મળ્યો. પોલીસ સ્ટેશનમાંથી હોમ
મિનિસ્ટરના સેલફોન પર ફોન કરીને પૂરાવા ઊભા કરવા એને યોગ્ય ન લીધા એટલે એ શાંતિથી બેઠો હતો.

મિટિંગમાંથી રાહુલ બહાર નીકળ્યો કે તરત એનો પીએ નજીક આવ્યો, ‘સર દિલબાગ અરેસ્ટ થઈ ગયો છે.’
રાહુલ ચોંકીને એની સામે જોયું. પીએના ચહેરા પર શાંત અને સ્વસ્થ રહેવાની સૂચના રાહુલને વંચાઈ, સરકારી
ઓફિસર તરીકે એણે આવી કેટલીયે પરિસ્થિતિનો સામનો કર્યો હતો. એણે ધીમેથી રાહુલને કહ્યું, ‘મુંબઈ. જુહુ પોલીસ
સ્ટેશન.’
રાહુલ કોઈ પ્રતિભાવ આપે એ પહેલાં પીએના હાથમાં પકડેલા રાહુલના સેલફોન ઉપર રિંગ વાગી, જેમાં
ઈન્સ્પેક્ટર વણીકર જુહુ વંચાતું હતું. રાહુલે પીએની સામે જોયું. એણે શાંત ચિત્તે આંખો નમાવીને સ્વસ્થ રહેવાનો
ઈશારો કરી રાહુલના હાથમાં ફોન આપ્યો. નાર્વેકર સાથે જે રીતે વાત થઈ હતી એ જ રીતે વણીકરે રાહુલની સલાહ
માગી. હોમ મિનિસ્ટર તરીકે રાહુલે પણ જે અપેક્ષિત હતો એ જ જવાબ આપ્યો, ‘કાયદાની રીતે જે થાય તે કરો.
દેશનો કાયદો સૌ માટે સરખો છે.’ એણે ફોન પીએના હાથમાં આપ્યો અને પોતાની ચેમ્બર તરફ આગળ વધી ગયા.

વણીકર ખુશખુશાલ થઈ ગયો. એણે ફરી એકવાર નાર્વેકરનો ખભો થાબડ્યો, ‘તું હુશિયાર આહે.’ એણે કહ્યું.
નાર્વેકરના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘હવે બધું બરાબર થશે.’ વણીકર નિરાંતે પોતાની ખુરશીમાં જઈને બેસી ગયો.
નાર્વેકર ઊભો થયો, ‘હું પોસમોર્ટમ, ફોરેન્સિક અને મીડિયાનું પતાવું’ એટલું કહીને એ બહાર નીકળ્યો. બહાર
મીડિયાનું ટોળું ઊભું હતું. સૌ બાઈટ લેવા માટે ઉતાવળા હતા. ધક્કામુક્કી ચાલતી હતી ત્યાં નાર્વેકર જઈને
અદબવાળીને ઊભો રહ્યો. છ ફૂટ એક ઈંચ ઊંચો એકવડિયો, કાળી ઘાટી મૂછો સાથે ભાવવાળી આંખો ધરાવતો
નાર્વેકર જોતા જ ગમી જાય એવો હતો. જીન્સ અને ઓફ વ્હાઈટ શર્ટ પહેરીને ઊભેલો નાર્વેકર અનેક જગ્યાએ લાઈવ
દેખાવા લાગ્યો. એણે મીડિયાને સંબોધતાં કહ્યું, ‘વિક્રમજિતસિંઘ અરેસ્ટ થયો છે, દિલબાગસિંઘનો ખાસ માણસ છે.
મંગલસિંઘના હિટ એન્ડ રન કેસની એક માત્ર સાક્ષી શફક રિઝવીનું એણે ખૂન કર્યું છે. સાથે દિલબાગસિંઘ પણ અરેસ્ટ
થયો છે. મુંબઈ પોલીસ પોતાનું કામ કરી રહી છે.’

સવાલોનો મારો ચાલ્યો. જેના જવાબમાં નાર્વેકરે માપી-તોળીને, એક એક શબ્દ ગણીને પોલિટિકલી કરેક્ટ
જવાબો આપ્યા, પણ બધા જવાબને અંતે જો સરવાળા-બાદબાકી કરીને તાળો મેળવવા જઈએ તો કોઈ પણ
બુધ્ધિશાળી માણસને એવું ચોક્કસ સમજાય કે, નાર્વેકરે મીડિયા સમક્ષ મંગલસિંઘની વિરુધ્ધનો કેસ મજબૂત કરી
નાખ્યો હતો. હવે, એ કેસને મીડિયા કેટલો ઉછાળશે અને મંગલસિંઘ કેવી રીતે ફસાશે એ વિચારતો નાર્વેકર મનોમન
મુસ્તાક હતો!

ટી.વી. ઉપર ન્યૂઝ જોઈ રહેલો પાવન ફરી એકવાર બેચેન થઈ ગયો હતો. મંગલસિંઘનું નામ એની
જિંદગીમાંથી ભૂંસવાનો એ જેટલો પ્રયાસ કરતો હતો, એટલો જ મંગલ ફરી ફરીને એની સામે આવીને ઊભો રહેતો
હતો. નાર્વેકરને મીડિયા સાથે વાત કરતો સાંભળીને પાવને હાથમાં પકડેલો સ્ટીલનો ગ્લાસ છુટ્ટો ફેંક્યો. ખણણણ
કરતો ગ્લાસ દિવાલને અથડાઈને દૂર સુધી ગબડ્યો, ‘શીટ! શીટ! શીટ! આ સાલો મરતો નથી…’ પાવનથી બોલાઈ
ગયું, ‘હરામખોર.’ ખાલી ઘરમાં પાવને જોરજોરથી ગાળાગાળી કરી. એની આંખોમાં પાણી આવી ગયાં, ‘હું શું કરું!’
એ લોંદા જેવો થઈને જમીન પર પછડાયો.

પાવન કોઈપણ સંજોગોમાં શ્યામાને પાછી મેળવવા માગતો હતો. મંગલસિંઘનો ઉલ્લેખ જેટલી વાર આવતો
એટલી વાર શ્યામા એને પોતાનાથી થોડી વધુ દૂર જતી હોય એવું લાગ્યું. અત્યારે દિલબાગના અરેસ્ટ પછી જો
મંગલસિંઘનો કેસ ફરી ખૂલે તો પોતે આખીય વાતને કઈ રીતે ફેસ કરશે એ સવાલ પાવનને અત્યારથી સતાવવા લાગ્યો.
‘આ નવું શું લફરું છે?’ પાવને ફોન લગાડીને શ્યામાને સીધું જ પૂછી નાખ્યું. એક તો ચાર વખત ફોન ટ્રાય કર્યા
પછી શ્યામાએ માંડ ઉપાડ્યો એ વાતે પણ પાવન અકળાયો હતો, અને શ્યામાનો ઠંડો પ્રતિભાવ સાંભળીને એનું લોહી
ઓર ગરમ થઈ ગયું.

‘કયું લફરું?’ શ્યામાએ પૂછ્યું.
‘અરે, તારી હોસ્પિટલમાં શૂટઆઉટ થયો. દિલબાગ અરેસ્ટ થયો. શફક મરી ગઈ અને પૂછે છે કયું લફરું!’
પાવન લગભગ રાડો પાડી રહ્યો હતો, ‘જે દિવસથી આ મંગલસિંઘ તારી હોસ્પિટલમાં આવ્યો છે એ દિવસથી…’
‘શું પ્રોબ્લેમ છે?’ શ્યામાનો અવાજ હજી ઠંડો અને સંયત હતો.

‘કહ્યું હતું તને, મારી નાખ એને.’ પાવન હજી ટોપ ઓફ હીઝ વોઈસ ચીસો પાડી રહ્યો હતો, ‘તું મારું ક્યારેય
માનતી નથી. એ દિવસે ખતમ કરી નાખ્યો હોત તો વાત પૂરી થઈ જાત.’
‘હા, થઈ જાત કદાચ.’ શ્યામાએ કહ્યું, ‘પણ મારે વાત પૂરી નથી કરવી. ન્યાય જોઈએ છે. મારી સાથે જે થયું
એની સજા મળવી જોઈએ એને.’
‘શાબાશ! એથી જે થયું એ ભૂંસાઈ જશે?’ પાવને તીખા અને આરપાર ઉતરી જાય એવા વેધક અવાજે પૂછ્યું,
‘બળાત્કાર થયો છે એ વાતને નકારી શકીશ? ભૂલી શકીશ? એને સજા મળી જાય તો તું પાછી પવિત્ર થઈ જઈશ?’
‘શું કહ્યું તેં?’ શ્યામાનો અવાજ તરડાઈ ગયો, ‘હું અપવિત્ર છું?’ એણે પૂછ્યું, ‘યુ થિન્ક સો?’
‘આઈ મીન, એટલે કે…’ બોલતાં બોલાઈ ગયું, પણ હવે પાવન ગૂંચવાયો.
‘આઈ નો વ્હોટ યુ મીન.’ શ્યામાએ કહ્યું, ‘સ્ત્રી પર બળાત્કાર થાય તો એ અપવિત્ર, પણ બળાત્કાર કરનારા
અપવિત્ર નહીં. કૂતરું બચકું ભરે તો આપણે અભડાઈ નથી જતા, પણ મંગલસિંઘ જેવું રખડતું કૂતરું મારા જેવી કોઈ
સ્ત્રીને બચકું ભરી જાય તો એનો પતિ એને અપવિત્ર ગણે છે… વાઉ!’ શ્યામાનો અવાજ આહત હતો, ‘આપણે હજી
આગળ કઈ વાત કરવાની છે?’ કહીને એણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.

ફોન સોફા પર છુટ્ટો ફેંકીને શ્યામા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. પોતાના ચહેરાના બંને હથેળીમાં ઢાંકીને એણે હતું
એટલું બધું દુઃખ આંસુમાં વહી જવા દીધું. છેલ્લા થોડા કલાકોમાં બનતી રહેલી ઘટનાઓએ એને છેક ભીતર સુધી
હચમચાવી નાખી હતી. પહેલાં મંગલસિંઘનું હોસ્પિટલમાં આવવું, પછી એનો જીવ બચાવવા માટે પોતે કરેલો પ્રયત્ન,
મીડિયાના ઈન્ટરવ્યૂઝ, નજર સામે મૃત્યુ પામેલી શફક અને એ બધા ઉપર પાવનનો આ ફોન… શ્યામા થાકી ગઈ હતી.
એણે આંખો મીંચી દીધી. એને લાગ્યું કે, થોડીવાર માટે ઊંઘી જવું હવે અનિવાર્ય હતું. એના ટેબલ પર પડેલી નર્વ
રિલેક્સન્ટ ટેબ્લેટ લઈને એણે ગ્લાસમાં ભરેલા પાણી સાથે ગળા નીચે ઉતારી દીધી. હવે થોડી મિનિટોમાં નસો શાંત
થઈ જવાની હતી અને એની સાઈડ ઈફેક્ટ રૂપે ધીમે ધીમે ઊંઘ આવી જવાની હતી. શ્યામા પોતાના સોફા કમ બેડ
જેવા કાઉચ પર આડી પડી. એણે આંખો ઉપર બ્લાઈન્ડર પહેરી લીધા અને ઊંડા શ્વાસ લઈને શવાસનમાં ઊંઘવાનો
પ્રયત્ન કરવા લાગી.

શ્યામાના ગયા પછી મંગલ ક્યાંય સુધી એણે કહેલી વાત પર વિચાર કર્યો, ‘પિતા અરેસ્ટ થઈ ગયા હતા. પોતે
આઈસીયુમાં પડ્યો હતો… વિક્રમજિતના હાથે ખૂન થયું હતું અને શફક મૃત્યુ પામી હતી! મંગલસિંઘે વિચાર્યું, આ
મારા કર્મોનો બદલો છે? શું સાચે જ શ્યામાની બદદુઆ અને શફકની પીડા અમારા પરિવારને ખતમ કરી નાખશે…’
એ વિચારતો રહ્યો, શફક જેવી કેટલીયે છોકરીઓના ચહેરા એની આંખો સામે આવ્યા અને ઓઝલ થતા રહ્યા. એ
દરેકની આંખોમાં આંસુ હતા. મંગલસિંઘ પ્રત્યેનો તિરસ્કાર હતો. આજે પહેલીવાર મંગલસિંઘને એ આંખોનો, એ
આંસુનો, એ તિરસ્કારનો અને એમણે આપેલી બદદુઆનો ભય લાગ્યો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *