પ્રકરણ – 17 | આઈનામાં જનમટીપ

મંગલસિંઘને આપેલા ઈન્ટ્રાવિનસ એનેસ્થેસિયાની અસર ઓછી થવા લાગી હતી. એણે આંખો ખોલી ત્યારે
ઝુમ્મર લટકતી કોઈ હવેલી જેવા મકાનની પોપડા ઉખડેલી છત જોઈને એનું મગજ સતેજ થયું. હજી એનેસ્થેસિયાની
અસર સાવ ઓછી નહોતી થઈ, એટલે ફરી એની આંખો મીંચાઈ ગઈ. એણે મહાપ્રયત્ને આંખો ખોલીને પૂછ્યું, ‘હું
ક્યા છું?’
રાહુલ તાવડેના માણસે મંગલસિંઘની પલ્સ ચેક કરી. આંખોના પોપચા ઊંચા કરીને એમાં ટોર્ચ મારીને જોયું.
પછી ત્યાં ઊભેલા બે-ત્રણ જણાં તરફ ફરીને કહ્યું, ‘અત્યારે તો લાગે છે કે અડધો-એક કલાકમાં ઠીક થઈ જશે.’ એણે
ધીમેથી ઉમેર્યું, ‘પછી જો વાયોલેન્ટ થશે તો મુશ્કેલી ઊભી કરશે.’
‘બાંધી દઈએ?’ તાવડેના માણસે પૂછ્યું, પછી જવાબની રાહ જોયા વગર જ બેહોશ મંગલસિંઘના પગ
વ્યવસ્થિત રીતે દોરીથી લોખંડના પલંગની જાળી સાથે બાંધી દીધા. મંગલસિંઘ હજી પૂરેપૂરો હોશમાં નહોતો, પણ
અવિનાશના માણસે ફોન કરીને અવિનાશકુમારને સમાચાર આપી દીધા કે, મંગલસિંઘ કોઈપણ ક્ષણે હોશમાં આવી શકે
એમ છે.
અવિનાશકુમાર અત્યારે એક નવા જ લફરામાં અટવાયેલા હતા. દિલબાગ લોક-અપમાંથી ભાગ્યો છે એટલે
ગમે તેમ કરીને દીકરા પાસે પહોંચશે એ વાતની એને ખાતરી હતી. ફોન કરનાર માણસને અવિનાશકુમારે સૂચના
આપી, ‘સાવધ રહેજો. દિલબાગ અહીંથી ભાગ્યો છે.’
‘ઓહ!’ અવિનાશકુમારનો માણસ સાવધ તો થયો, પણ એક પેશન્ટને લઈને અહીં આવવા માટે એને ખાસ
હથિયારની જરૂર નહીં પડે એવું એણે ધાર્યું હતું, ‘અમારી પાસે હથિયાર નથી. એક પિસ્તોલ અને બે રિવોલ્વર છે.’
એણે કહ્યું, ‘બે-ચાર માણસો મોકલી આપો, દિલબાગનો ભરોસો નહીં.’ અવિનાશકુમાર પણ આ વાત બરાબર
સમજતો હતો કારણ કે, જેમ રાક્ષસનો જીવ પોપટમાં વસે એમ દિલબાગનો જીવ એના દીકરામાં હતો. અત્યારે
વાસિંદ સુધી માણસો મોકલવા અઘરા હતા. આમ તો રાહુલ તાવડેનો મતવિસ્તાર હતો, પરંતુ સાથે જ આ મૂળ તો
દિલબાગનો જ વિસ્તાર હતો. મણિકાંત તાવડેના સમયથી આ વિસ્તાર ઉપર દિલબાગની મજબૂત પકડ હતી.
મુંબઈથી તડીપાર થયા પછી દિલબાગ વાસિંદ અને શાહાપુરની વચ્ચે આવેલા એના ફાર્મ હાઉસ પર રહેતો હતો.
અત્યાર સુધી દિલબાગ અને રાહુલ એકબીજાની સાથે જ હતા, એટલે દિલબાગની સામે કોઈને ઊભો કરવો હોય તો
આ વિસ્તારમાં સરળતાથી માણસ નહીં મળે એ અવિનાશકુમાર સમજતો હતો. અવિનાશકુમારે ધીમેથી કહ્યું, ‘મને
વિચારવા દે. હું તને અપડેટ આપું છું.’ ફોન મૂકીને એ બીજા બે-ચાર ફોન ઘૂમાવવામાં લાગી ગયો.
આ તરફ રાહુલ તાવડેનો માણસ પણ બારી-બારણા બંધ કરીને સાવચેતીના પગલાં લેવામાં વ્યસ્ત થઈ ગયો.
મુંબઈથી નીકળીને દિલબાગ જે રીતે થાણા તરફ જઈ રહ્યો હતો એ ઝડપ ભયાનક હતી. રાહુલ તાવડેને
નખશીખ ઓળખતા દિલબાગને ખબર હતી કે એ પોતાના મતવિસ્તાર વાસિંદ સિવાય બીજી કોઈ જગ્યાએ મંગલને
લઈ જવાનું જોખમ નહીં ખેડે. તેમ છતાં, ચોકસાઈ કરવા માટે એણે સૌથી પહેલાં શ્યામાને ફોન લગાડ્યો.
‘દિલબાગ બોલું છું.’
‘ક્યાં છે મંગલસિંઘ?’ શ્યામાએ પૂછ્યું. એના અવાજમાં સાચે જ ચિંતા હતી. શ્યામાને પોતાને પણ નવાઈ
લાગતી હતી કે, પોતે એક ક્રિમિનલ માટે ચિંતિત કેમ હતી છતાં એનાથી કહ્યા વગર ન રહેવાયું, ‘આ લોકો મારી
નાખશે એને. પ્લીઝ એને બચાવી લો. એ કન્ફેશન કરવા માગતો હતો. એણે અહીંથી કોઈને ફોન કર્યો હતો. એણે જેને
ફોન કર્યો હતો એ લોકો એને મારી નાખશે.’
‘એ લોકો એટલે કોણ?’ દિલબાગે પૂછ્યું તો ખરું, પણ એને જવાબની જરૂર નહોતી.
એણે ગાડી થાણા તરફ વાળી. ત્યાંથી આગળ ક્યાં જવું એની દિલબાગને સૂઝ ના પડી, એટલે નજીકના એક
ઢાબા પર ગાડી ઊભી રાખીને એણે સિગરેટ સળગાવી. અવિનાશકુમારને ફોન જોડ્યો. જાણે દિલબાગના જ ફોનની
રાહ જોતા હોય એમ અવિનાશકુમારે પહેલી જ રિંગે ફોન ઉપાડી લીધો.
‘મુક્તિ મુબારક હો.’ એણે કહ્યું. એના અવાજમાં વિચિત્ર પ્રકારનો ડંખ હતો જે દિલબાગને બરાબર વાગ્યો.
‘મારો દીકરો ક્યાં છે?’ સમય ગૂમાવ્યા વગર દિલબાગે પૂછ્યું.
‘કહીશ.’ અવિનાશકુમારે કહ્યું, ‘તને સોંપી પણ દઈશ. અમારે કંઈ કામનો નથી, તારો દીકરો. પણ એને
સચ્ચાઈનું ભૂત ઉપડ્યું છે. કન્ફેશન કરવા તૈયાર થયો છે. એને સમજાવીને ચૂપ કરાવ તો સોંપી દઉ.’
‘છોકરું છે. પેલીએ જીવ બચાવ્યો એટલે ઈમોશનલ થઈ ગયો છે. હું એકવાર મળીશ એટલે બધું ઠીક થઈ
જશે.’ દિલબાગે કહ્યું, ‘ક્યાં છે? હું જઈને વાત કરું.’
‘તું ત્યાં પહોંચે પછી એ ન માને તો?’ અવિનાશકુમાર કોઈ ચાન્સ લેવા નહોતો માગતો, ‘તને એક ફોન આવશે.
એના પર વાત કરી લે. પહેલાં તારા દીકરા પાસે પ્રોમિસ લે કે એ કોઈ આડાઅવળા પ્રોબ્લેમ ઊભા નહીં કરે. પછી
લોકેશન આપીશ તને.’
‘ક્યારે આવશે ફોન?’ દિલબાગ બેચેન હતો.
‘જ્યારે તારો છોકરો ભાનમાં આવશે ત્યારે.’ અવિનાશે કહ્યું. એના અવાજમાં બરફની ઠંડક હતી, ‘જો
દિલબાગ, કોઈ પર્સનલ પ્રોબ્લેમ નથી, પણ તારો દીકરો મોઢું ખોલે તો સાહેબ પણ મુશ્કેલીમા આવે. આપણને એ
પોષાય એમ નથી. એટલે અમારે ન છૂટકે…’ એણે કહ્યું, ‘શાંતિ રાખ. ફોન આવી જશે.’
દિલબાગ બેચેનીમાં આંટા મારવા લાગ્યો. અવિનાશે કહ્યું હતું એમ રાહ જોવા સિવાય એની પાસે બીજો કોઈ
છૂટકો નહોતો. એણે ઢાબા પર ચા અને આલુ પરાઠા ઓર્ડર કર્યા. એકસરખો ફોન સામે જોતો એ દીકરાના સમાચારની
પ્રતીક્ષા કરતો બેસી રહ્યો. લગભગ દોઢ-બે કલાક પછી એક અજાણ્યા નંબરથી એના ફોન પર રિંગ વાગી.
એણે ફોન ઉપાડ્યો, ‘લો વાત કરો.’ કહીને થોડીક ક્ષણો સામેની તરફ તદ્દન શાંતિ છવાઈ ગઈ. એ ક્ષણો
દિલબાગને કલાકો જેવી લાગી.
થોડીક ક્ષણો પછી એને મંદ, ક્ષીણ અવાજ સંભળાયો, ‘બાઉજી.’
દિલબાગે અત્યંત ચિંતાતુર અવાજે કહ્યું, ‘કહાં હો બેટા? હમેં બતાઓ… ક્યાં લઈ ગયા છે તને?’
‘પતા નહીં…’ મંગલસિંઘના અવાજમાં હજી બેહોશીનું ઘેન હતું, ‘કોઈ હવેલી જેવી જગ્યા છે.’
‘કાહે કિયા યે સબ?’ દિલબાગે પૂછ્યું, ‘કન્ફેસન કા ક્યા ભૂત સવાર હૈ તેરે દિમાગ મેં? કાહે અપની જાન કો
ખતરેં મેં ડાલી?’ આવા રાક્ષસ જેવા માણસને ડૂમો ભરાઈ ગયો, ‘માંડ જીવ બચ્યો તારો.’
‘એણે બચાવ્યો.’ મંગલસિંઘ હજી પૂરેપૂરો ભાનમાં નહોતો છતાં એણે જવાબ આપ્યો, ‘બાઉજી! એ છોકરીને
ન્યાય મળવો જોઈએ.’ મંગલસિંઘના આ એક વાક્યથી દિલબાગનું મગજ ચકરાઈ ગયું. પોતાનો દીકરો જેને એણે
પોતાના સામ્રાજ્યના વારસ તરીકે મહામહેનતે તૈયાર કર્યો હતો એ એક છોકરી માટે બધું છોડીને કાયર જેવી વાત કરતો
હતો. દિલબાગની સામે ઊભો હોત તો કદાચ એણે મંગલસિંઘને થપ્પડ મારી દીધી હોત. એની મુઠ્ઠીઓ વળી ગઈ.
જડબાં ભીંસાઈ ગયા. મંગલસિંઘે આગળ કહ્યું, ‘એણે મને મારી નાખ્યો હોત તો? મેં એની સાથે આટલું ખરાબ કર્યું
તેમ છતાં એણે મારો જીવ બચાવ્યો, બાઉજી! એણે મને જિંદગી પાછી આપી છે. હું એને એનું સન્માન પાછું
આપીશ.’
‘અક્કલ બક્કલ છે કે નહીં?’ હવે દિલબાગથી રહેવાયું નહીં, ‘આ બધું ભૂંસું એણે જ ભર્યું છે તારા મગજમાં.
એક છોકરી માટે થઈને મારા આટલા વર્ષોની મહેનત પર પાણી ફેરવવા તૈયાર થયો છે તું. પોલીસ, પોલિટિશિયન,
ફિલ્મસ્ટાર, ક્રિકેટર દિલબાગસિંઘના નામથી કાંપે છે. તું પાણીમાં બેસી જઈશ તો બંનેને જનમટીપ થશે ખબર પડે છે
કંઈ?’
‘હું તમને કંઈ નહીં થવા દઉ. બધું મારા માથે લઈ લઈશ.’ મંગલે કહ્યું. એનો અવાજ સાંભળીને દિલબાગને
લાગ્યું કે, જાણે એ કોઈ અજાણ્યા માણસ સાથે વાત કરી રહ્યો છે. સ્ત્રીમાત્રને ધિક્કારતો, વસ્તુ સમજતો, સેક્સવર્કિંગ,
ફ્લેશટ્રેડના ધંધામાં જેણે પોતાનું સિંહાસન સંભાળવાનું હતું એ છોકરો સ્ત્રી સન્માનની વાત કરી રહ્યો હતો!
દિલબાગના પગ નીચેથી જમીન ખસી ગઈ. જો આ જ સ્થિતિ રહેશે તો રાહુલ આને મારી નાખતા પણ નહીં
અચકાય એ વાતને દિલબાગસિંઘને ખાતરી હતી. એ થોડીક ક્ષણ ચૂપ રહ્યો. મંગલે આગળ કહ્યું, ‘બાઉજી, આ જ
હરકતોને કારણે મા પણ જતી રહી.’
‘નામ નહીં લે, એ છીનાળનું.’ દિલબાગથી રાડ પડાઈ ગઈ, પછી એણે સંયમ મેળવવાનો પ્રયત્ન કર્યો, ‘જો
બેટા! આપણે હવે કશું બદલી શકીએ એમ નથી. હાથ કાળા છે, મોઢું પણ કાળું છે. તું કન્ફેશન કરી લઈશ એથી કદાચ
તને જેલ થશે… પણ સાથે સાથે બીજા બહુ લોકોના નામ ઉછળશે અને એ લોકો તને જીવતો નહીં છોડે.’ દિલબાગનું
ગળું ભરાઈ આવ્યું, ‘તને ખોવો મને નહીં પોષાય, બેટા.’
‘પણ, હું આ ગિલ્ટ સાથે નહીં જીવી શકું, બાઉજી!’ મંગલસિંઘની આંખમાંથી આંસુ સરી પડ્યાં, ‘મને એ
ઔરતોના ચહેરા દેખાય છે. એમની આંખોમાંથી સરતાં આંસુ, એમના દિલમાંથી નીકળતી બદદુઆ જીવવા નહીં દે
મને. હું આપઘાત કરી લઈશ.’ એનાથી કહેવાઈ ગયું, ‘મારી મા સાચી હતી એવું હવે લાગે છે મને.’
‘બેટા…’ દિલબાગથી ફરી ચીસ પડાઈ ગઈ. મંગલસિંઘ આગળ કશું બોલે તે પહેલાં એના હાથમાંથી ફોન
છીનવાઈ ગયો. દિલબાગ દીકરાનો અવાજ સાંભળવાની પ્રતીક્ષા કરી રહ્યો હતો, પરંતુ ફોન ડિસકનેક્ટ થઈ ગયો.
દિલબાગે ફરીથી એ નંબર પર ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ ફોન સ્વીચ ઓફ થઈ ચૂક્યો હતો. આ માર્કેટ અને આ
દુનિયાનો બાદશાહ રહી ચૂકેલો દિલબાગ જાણતો હતો કે, હવે આ સીમકાર્ડ તોડીને ફેંકી દેવાયું હશે. એના દીકરા સુધી
પહોંચવું દિલબાગને અશક્ય લાગ્યું. એ માથું પકડીને ઢાબામાં ગોઠવાયેલા કાથીના ખાટલા પર બેસીને ધ્રૂસકે ધ્રૂસકે
રડવા લાગ્યો. ઢાબાનો એક છોકરો એને માટે પાણી લઈ આવ્યો. આવો મોટો, ઊંચો, પહોળો મરદ જેવો મરદ જે રીતે
રડી રહ્યો હતો એ જોઈને ત્યાં બેઠેલા સૌને નવાઈ લાગી. દિલબાગ મોટા અવાજે રડતાં રડતાં નાના બાળકની જેમ
રાડો પાડી રહ્યો હતો, ‘મંગલ… મંગલ, મારા દીકરા…’

*********

દિલબાગસિંઘનો ફોન ડિસકનેક્ટ થયા પછી થોડીકવાર માટે શ્યામા હતપ્રભની જેમ બેસી રહી. મંગલસિંઘને
ઉઠાવી ગયેલા લોકો એને જીવતો નહીં છોડે એ વિચાર માત્રથી શ્યામાનું દિલ ધકધક કરી રહ્યું હતું. એણે થોડીવાર
વિચાર્યું, પછી એણે ભાસ્કરભાઈને ફોન લગાવ્યો, ‘ડેડ, હું નીકળું છું. મને નથી ખબર હું ક્યાં જાઉ છું, પણ મારે
કોઈપણ સંજોગોમાં મંગલને શોધીને એને બચાવવો છે.’

‘આઈ ડોન્ટ માઈન્ડ.’ ભાસ્કરભાઈ એક બહાદુર અને મજબૂત પિતા હતા, ‘પણ જઈશ ક્યાં?’ એમણે પૂછ્યું,
‘એને ક્યાં લઈ ગયા છે. એની સાથે શું થયું છે, કશું નથી જાણતી તું… આવડા મોટા શહેરમાં કે શહેરની બહાર, ક્યાં
ભટકીશ તું?’ એમણે શ્યામાને સત્યનો આઈનો બતાવ્યો, ‘એની પાસે પાવર છે, હથિયાર છે, માણસો છે. મંગલસિંઘ
હજી પ્લાસ્ટરમાં છે. જાતે ઊઠીને ક્યાંય જઈ શકે એમ પણ નથી…. સમજે છે?’ એમણે ધીરેથી ઉમેર્યું, ‘તું એકલી છે.’
‘એકલી નથી હું.’ શ્યામાએ કહ્યું, ‘હું દિલબાગની સાથે મળીને મંગલને…’
ઈચ્છા ન હોવા છતાં ભાસ્કરભાઈને હસવું આવી ગયું, ‘દિલબાગ સાથે?’ એમણે પૂછ્યું, ‘તને લાગે છે
દિલબાગ સાથે મળીને તું એના દીકરાને બચાવશે એટલે દિલબાગ એને કન્ફેશન કરવા દેશે? તારો કેસ રિ-ઓપન થવા
દેશે? તું જે કારણે એના દીકરાને બચાવવા માગે છે એ…’
‘ડેડ!’ શ્યામાએ વચ્ચે જ વાત કાપીને ભાસ્કરભાઈને બોલતા અટકાવ્યા, ‘જો હું દીકરાને મનાવી શકી છું, તો
બાપને પણ સમજાવીશ.’
‘આઈ રિયલી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ.’ ભાસ્કરભાઈએ કહ્યું, ‘મને નથી સમજાતું કે તું કરવા શું માગે છે? કદાચ,
મંગલસિંઘને સજા થશે, દિલબાગના નામે બીજા કેસીસ રિ-ઓપન થશે… એને માટે આટલું બધું…’ ભાસ્કરભાઈ
અટકી ગયા. એક તરફથી એમને લાગતું હતું કે શ્યામા એની શક્તિ અને મહેનત ખોટી જગ્યાએ વેડફવા તૈયાર થઈ હતી
ને બીજી તરફથી એમની અંદરનો માણસ ‘સમજી શકતો હતો કે શ્યામા માટે આ કેસ, અને એમાં ન્યાય મેળવવો એ
કેટલું મહત્વનું હતું.’
બાપ-દીકરી બંને થોડીક ક્ષણો ચૂપ રહ્યા. શ્યામાએ ઊંડો શ્વાસ લીધો, ને ધીમેથી કહ્યું, ‘આ એક શ્યામા અને
મંગલસિંઘની વાત નથી. હજારો છોકરીઓના શરીર ચૂંથાતાં અટકી જશે. બીજી કેટલીયે છોકરીઓ આ ધંધામાં
ઢસડાતી અટકી જશે. એક દિલબાગ જો પોતાનો ધંધો બંધ કરશે તો માત્ર શ્યામા નહીં, બીજી કેટલીયે શફક અને એના
જેવી છોકરીઓને એક સન્માનભરી જિંદગી મળશે ડેડ!’
‘તું પોલીસ નથી, ડૉક્ટર છે.’ ભાસ્કરભાઈથી રહેવાયું નહીં.
‘માનું છું.’ શ્યામાએ કહ્યું, ‘એક ડૉક્ટરે પોતાનું કામ કરી લીધું. હવે આ દેશની એક નાગરિક, એક સ્ત્રી જે બીજી
સ્ત્રીઓને સન્માનભરી જિંદગી આપવા માગે છે, જે પોતાના માટે ન્યાય મેળવવા માગે છે એ પોતાનું સર્વસ્વ હોમીને
યુધ્ધ લડવા તૈયાર થઈ છે.’ એણે ડૂમા ભરાયેલા અવાજે પૂછ્યું, ‘મને આશીર્વાદ નહીં આપો, ડેડ? મને તમારી
હિંમતની, તમારા સાથની જરૂર છે.’
‘જા બેટા…’ ભાસ્કરભાઈની આંખો પણ ભરાઈ આવી, ‘તને નહીં રોકું.’ છતાં એમનાથી કહેવાઈ ગયું, ‘આમાં
જીવનું જોખમ છે, એટલું તો સમજે છે ને?’
‘આ યુધ્ધમાં કદાચ હું જીવતી ન રહું તો પણ સન્માનથી મૃત્યુ પામીશ, એ તમે પણ સમજો છો ને?’ બાપ-
દીકરી બંને રડવા લાગ્યાં.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *