અવિનાશકુમારને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે, શ્યામા સીધી દિલબાગ સુધી પહોંચી જશે. અહીંથી દિલબાગના
બે માણસો મુરલી અને શાનીની સાથે શ્યામાએ નાર્વેકરની મદદ લઈને દિલબાગના ફોન પર આવેલા છેલ્લા ફોનને ટ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો. અવિનાશકુમારે પસંદ કરેલા લોકલ માણસો કદાચ એટલા સ્માર્ટ નહોતા એટલે સીમકાર્ડ તોડીને ફેંકવાને બદલે એમણે એ ફોન ચાલુ રાખ્યો. નાર્વેકર માટે આટલું જ પૂરતું હતું. એ ફોનનું એક્ઝેટ લોકેશન તો ન શોધી શક્યો, પણ એણે શ્યામાને લગભગ નજીકનું લોકેશન મોકલી આપ્યું. દિલબાગ ગાડીમાં બેઠો. એનો એક માણસ મુરલી આગળ બેસવા જતો હતો, પણ શ્યામા દરવાજો ખોલીને આગળ બેસી ગઈ.
‘લેડીઝ પાછળ.’ દિલબાગે તોછડાઈથી કહ્યું.
‘લોકેશન મારી પાસે છે.’ શ્યામાએ કહ્યું, જરાય અચકાયા વગર સીટબેલ્ટ બાંધીને ઉમેર્યું, ‘ચલો.’ દિલબાગે
ગુસ્સામાં ન છૂટકે ગાડી ચાલુ કરી. દિલબાગને પણ મનોમન ખાતરી જ હતી કે, રાહુલ તાવડેએ એના દીકરાને
વાસિંદની આસપાસ જ ક્યાંક સંતાડ્યો હશે. શ્યામાએ જેવું વાસિંદનું એડ્રેસ બતાવ્યું પછી, દિલબાગને ખાતરી થઈ ગઈ કે, રાહુલ તાવડેના જૂના પૂર્વજોના મકાનમાં એણે મંગલસિંઘને સંતાડ્યો છે. ગાડી ભિવંડીથી 40 મિનિટમાં વાસિંદ પહોંચી ગઈ. આ તો દિલબાગનો વિસ્તાર હતો, મણિકાંત તાવડેને મળવા એ અનેકવાર એના જૂના મકાનમાં આવ્યો હતો એટલે વાસિંદ ગામમાં એને લોકેશનની કઈ જરૂર જ નહોતી. એણે ગાડી સીધી મણિકાંત તાવડેના હવેલી જેવા મોટા મકાનની સામે ઊભી રાખી. એનો માણસ જે રિવોલ્વર લઈને આવ્યો હતો, એના ચેમ્બર્સ ચેક કરીને દિલબાગ નીચે ઉતરવા જતો હતો કે શ્યામાએ એને રોક્યો, ‘આપણને ખબર નથી અંદર કેટલું બેકઅપ છે. સીધા ઘૂસવાને બદલે આપણે થોડું…’
‘બૈરાવેળા બંધ કર!’ દિલબાગે છણકો કર્યો, ‘દિલબાગસિંઘ હંમેશાં સામી છાતીએ ઘૂસે છે.’ કહીને એ નીચે
ઉતર્યા. એના ત્રણ માણસો એની પાછળ પાછળ ચાલ્યા. શ્યામાએ થોડું વિચાર્યું અને એ પણ પોતાની રિવોલ્વર લઈને
ઉતરી ગઈ.
અવિનાશકુમારના માણસો મુંબઈથી નીકળી ચૂક્યા હતા, પરંતુ હજી સુધી વાસિંદ પહોંચ્યા નહોતા. અત્યારે તો
હવેલીની અંદર ચાર જ જણાં હતા, અને પાંચમો મંગલસિંઘ. ત્રણ જણાં જે એને હોસ્પિટલથી ઉઠાવી લાવ્યા તે, અને એક એમબીબીએસ ડૉક્ટર… દિલબાગ અને એના બે માણસો સહિત ચાર જણાં જ્યારે હવેલીના મુખ્ય દરવાજે પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. દિલબાગ લાત મારીને દરવાજો તોડવા જતો હતો, પરંતુ શ્યામાએ એનો ખભો થપથપાવીને એને અટકાવ્યો. અંદરથી દિલબાગ ખૂબ ચિડાઈ રહ્યો હતો. એક છોકરી એને સલાહ આપે એ વાત દિલબાગને કોઈ રીતે મંજૂર નહોતી, પરંતુ અત્યારે શ્યામા સાથે હાથ મિલાવીને એ મંગલને કોઈપણ રીતે બહાર કાઢવા માગતો હતો. એણે ચૂપચાપ પાછળના દરવાજા તરફ ચાલવા માંડ્યું. એ આખા ઘરના નકશાથી વાકેફ હતો. પાછળની તરફ જઈને એમણે સહેજ જ ધક્કો માર્યો તો રસોડાનો દરવાજો પણ અંદરથી બંધ હતો. થોડું વિચારીને દિલબાગે જૂના પ્રકારના દરવાજાના ઉપરના કાચ તોડી નાખ્યા. એના માણસે અંદર હાથ નાખીને સ્ટોપર ખોલી, પણ દરવાજો ખૂલ્યો નહીં કારણ કે, હજી નકૂચો ભીડેલો હતો. ત્રણ ડગલાં પાછળ જઈને દિલબાગના માણસે એક લાત મારી તો જૂના બારણાનો નકૂચો ઊડીને રસોડામાં પડ્યો અને બારણું ખૂલી ગયું.
કાચ તૂટવાના અને બારણા ખૂલવાના અવાજ સાથે મંગલસિંઘનો પહેરો ભરી રહેલા માણસો સાવચેત થઈ
ગયા હતા. એમણે પોતાની રિવોલ્વર તૈયાર કરી લીધી. ભાનમાં આવી ગયેલો મંગલ પણ સમજી ગયો હતો કે, એના પિતા એને લેવા આવી પહોંચ્યા હતા. આખરે, એ દિલબાગનો દીકરો હતો-હિંમત કરીને ભયાનક પીડા સાથે એ બેઠો થયો. પાંસળીનું કળતર એટલું ભયાનક હતું કે, જીવ નીકળી જાય તેમ છતાં, હતી એટલી તાકાત ભેગી કરીને મંગલ ઊભો થયો. એક પગ પ્લાસ્ટરમાં હતો, એનું વજન એટલું હતું કે, બીજા પગ પર ઊભા રહી શકાય એવી સ્થિતિ નહોતી. એણે પ્લાસ્ટરવાળો પગ જમીન પર મૂક્યો, એનાથી રાડ પડાઈ ગઈ તેમ છતાં, એણે એક પગે ચાલવાનો પ્રયત્ન કર્યો. બેલેન્સ રાખવું સરળ નહોતું એટલે બાજુમાં પડેલી ખુરશીને ધકેલતો મંગલ આગળ વધવા લાગ્યો. ત્યાં ઊભેલા ત્રણ માણસોએ ખુરશી ઘસડાવવાનો અવાજ સાંભળ્યો. એ લોકો મંગલને રોકે કે પકડે એ પહેલાં દિલબાગના માણસો બે દરવાજેથી દાખલ થયા. એક બાજુથી દિલબાગ અને મુરલી પ્રવેશ્યા, બીજી તરફથી શ્યામા અને શાની દાખલ થયા. ચારેયના હાથમાં રિવોલ્વર હતી. અવિનાશકુમારે કડક સૂચના આપી હતી કે, ‘જરૂર ન પડે તો ગોળી ન ચલાવવી.’ ઉપરાંત અવિનાશકુમારને કદાચ લાગ્યું હતું કે, દિલબાગ જેલમાં છે. એના માણસોમાંથી કોઈ મંગલસિંઘનું લોકેશન શોધી નહીં શકે એટલે એને બહુ ટ્રેઈન્ડ કે હોંશિયાર માણસો મૂકવાની જરૂરિયાત લાગી નહોતી. આ છોકરાઓ જાતે નિર્ણય કરીને પરિસ્થિતિને હાથમાં લઈ શકે એટલા કાબેલ નહોતા. દિલબાગને સામે ઊભેલો જોઈને એ લોકો ગભરાઈ ગયા. શું કરવું એ સૂઝ્યું નહીં. ડૉક્ટરને તો આવી કોઈ કલ્પના જ નહોતી. એ તો ડરીને પલંગ નીચે છુપાઈ ગયો. અવિનાશકુમારના માણસો નિર્ણય કરે કે હુમલો કરી શકે એ પહેલાં આવી સ્થિતિ માટે ટેવાયેલા દિલબાગના માણસોએ પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી. ત્રણ જણાંએ ત્રણ માણસોના લમણે રિવોલ્વર મૂકી દીધી.
‘એ ડૉક્ટર.’ દિલબાગે બૂમ પાડી, ‘આને સહારો આપીને ગાડી સુધી લઈ આવ.’ ડરતો-ફફડતો ડૉક્ટર પલંગ
નીચેથી બહાર નીકળ્યો. એણે ખુરશી ધકેલતા મંગલસિંઘનો હાથ પોતાના ખભા પર મૂક્યો. પોતાનો હાથ
મંગલસિંઘની કમરમાં નાખ્યો. ભયાનક પીડા સાથે આગળ વધવાનું મંગલસિંઘ માટે ખરેખર અઘરું હતું. દરવાજા પાસે ઊભેલી શ્યામા આગળ વધી. એણે નજીક આવીને પલંગની ચાદર ખેંચી લીધી. ચાદરને વાળીને એણે મંગલસિંઘની પાંસળીની આજુબાજુ બાંધી દીધી. અચાનક જ એના ચહેરા પર પીડામાંથી રાહત મળી હોય એવા ભાવ જોઈને દિલબાગને હવે શ્યામાને સાથે લાવવાનો અફસોસ ઘટ્યો. મંગલસિંઘનો બીજો હાથ પોતાના ખભા પર મૂકવાનો શ્યામાએ પ્રયાસ કર્યો, બંને જણાં સહેજ સંકોચાયાં. મંગલસિંઘની આંખો ઝૂકી ગઈ. એણે શ્યામા તરફ જોયું. શ્યામા સહજ હતી. એણે જરા વધુ આગ્રહપૂર્વક મંગલનો હાથ પોતાના ખભે મૂક્યો, બે સહારા મળવાથી મંગલ માટે આગળ વધવું સરળ થઈ ગયું. ધીમે પણ મક્કમ રીતે આગળ વધતો મંગલસિંઘ દરવાજાની બહાર નીકળી ગયો ત્યાં સુધી અવિનાશના ત્રણ માણસોના લમણે રિવોલ્વર તાકીને ઊભેલા દિલબાગ અને એના માણસો એમ જ ઊભા રહ્યા.
બહાર નીકળીને મંગલસિંઘ ગાડીમાં બેસવા ગયો ત્યારે એનાથી ફરી રાડ પડાઈ ગઈ. શ્યામાએ એને બને
એટલો કમ્ફર્ટેબલ બેસાડવાનો પ્રયત્ન કર્યો છતાં, દિલબાગની ગાડીની પાછલી સીટ મંગલસિંઘની ઊંચાઈ માટે થોડી ટૂંકી પડી. એનો પ્લાસ્ટરવાળો પગ સહેજ બહાર નીકળતો હતો. આમતેમ જોઈને શ્યામાએ નજીકમાં પડેલી એક ડોલ ઉપાડી લીધી. પ્લાસ્ટિકની ડોલ ઉંધી વાળીને એના ઉપર મંગલનો પગ ત્રાસો મૂકીને શ્યામાએ ગાડીનો દરવાજો બંધ કરી દીધો. હવે દિલબાગના માણસો ક્યાં બેસશે એ સવાલ હતો તેમ છતાં શ્યામા ગાડીના આગલા દરવાજા પાસે ઊભી રહીને દિલબાગના નીચે આવવાની રાહ જોવા લાગી.
ત્રણ સેકન્ડ માંડ થઈ હશે અને ઉપર રિવોલ્વરનો ફાયર થયો. શ્યામા દોડીને ઉપર જવા જતી હતી ત્યારે મંગલે
જોરથી બૂમ પાડી, ‘ડોન્ટ ગો.’ શ્યામા અટકી ગઈ, ‘બાઉજીએ એકાદ માણસના પગમાં ગોળી મારી હશે. જેથી એ
લોકો આપણી પાછળ ન આવે.’ શ્યામા આશ્ચર્યથી મંગલ સામે જોતી રહી.
સાચે જ બીજી પાંચ સેકન્ડમાં દિલબાગ અને એના બંને માણસો બહાર આવી ગયા. એમણે દરવાજો બહારથી બંધ કરી દીધો અને દિલબાગ ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયો. શ્યામા આગળનો દરવાજો ખોલવા જતી હતી, પણ દિલબાગે જોરથી મુરલીને કહ્યું, ‘તું ઘૂસ અંદર, કોની રાહ જુએ છે?’ પછી શાનીને કહ્યું, ‘બેસ એના ખોળામાં…’ ટૂંકમાં હવે શ્યામાને અહીંથી લઈ જવાની નહોતી એવો દિલબાગનો ઈરાદો શ્યામાને સમજાઈ ગયો. કોઈ કશું સમજે તે પહેલાં મંગલે પોતાની પીઠ પાછળનો દરવાજો ખોલ્યો. પાંસળીમાં વળ પડ્યો એટલે એનાથી ફરી બૂમ પડાઈ ગઈ. દરવાજો ખોલીને એણે શ્યામાને કહ્યું, ‘યુ ગેટ ઈન.’ શ્યામા બેસવા જતી હતી કે દિલબાગ ભડક્યો.
‘એનું શું કામ છે?’ દિલબાગે અકળાઈને કહ્યું, ‘જગ્યા ક્યાં છે?’
‘બાઉજી!’ મંગલના અવાજમાં થોડી આજીજી અને થોડો આગ્રહ હતો, ‘ઈસકો યહાં નહીં છોડ સકતે. જાન
બચાઈ હૈ ઈસને.’ મંગલની વાતનો જવાબ આપવાને બદલે દિલબાગે શ્યામા સામે એવી રીતે જોયું જેમાં અંદર
બેસવાનો ઈશારો હતો, ‘પ્લીઝ! ક્વિક’ મંગલે ફરી જોરથી કહ્યું.
મંગલની પાછળ માંડ અડધો ફૂટ જેટલી જગ્યા હતી જેમાં શ્યામા દરવાજો ખોલીને ગોઠવાઈ ગઈ. મંગલ
એનો ટેકો દઈને એવી રીતે બેઠો જેથી બધા અંદર બરાબર ગોઠવાઈ જાય. મંગલનું અડધું શરીર શ્યામાના ખોળામાં હતું. શ્યામાએ પોતાનો એક હાથ મંગલની છાતી પર એવી રીતે પકડ્યો જેથી એને બેસવામાં કોઈ તકલીફ ન પડે. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ.
વાસિંદ ગામની ગલીઓમાંથી ગાડી સડસડાટ બહાર નીકળવા લાગી, ‘આપણે ક્યાં જઈએ છીએ?’ શ્યામાએ
પૂછ્યું.
‘જહાન્નુમમાં.’ દિલબાગનું મગજ છટકેલું હતું.
‘ત્યાં એ લોકો આપણને શોધી કાઢશે.’ શ્યામાએ કહ્યું. એના ચહેરા પર સ્મિત હતું. મંગલને પણ હસવું આવી
ગયું. બંને જણાં હસતાં જોઈને દિલબાગ વધારે અકળાયો. એ બંનેના ચહેરા એટલા નજીક હતા કે, શ્યામાના શ્વાસ
મંગલના કાન અને ગાલ પર અથડાતા હતા. મંગલના લિસ્સા વાળ શ્યામાના શ્વાસથી ઊડીને પાછા પથરાઈ જતા
હતા. થાક અને પીડાથી એનો શ્યામવર્ણો ચહેરો લાલ થઈ ગયો હતો. ઊંઘ પૂરી થઈ નહોતી એટલે આંખોના ખૂણા પણ લાલ હતા. શ્યામાએ એને જે રીતે બેસાડ્યો હતો એને કારણે હોય કે પછી દુઃખાવામાં થયેલી રાહતને લીધે… શ્યામાના ખોળામાં મળેલા ટેકાને લીધે મંગલને એટલો બધો આરામ મળ્યો કે એણે આંખો મીંચી દીધી, ‘આપણે કોઈ એવી જગ્યાએ જવું જોઈએ જેનો આ લોકોને સ્વપ્ને પણ ખ્યાલ ન આવે.’ શ્યામાએ હળવા હાથે મંગલની હેરલાઈન ક્રેકવાળી પાંસળી પર હાથ ફેરવવા માંડ્યો. શ્યામાને પોતાને પણ સમજાયું નહીં, કે શા માટે આટલા માર્દવ અને સ્નેહથી એ મંગલની કાળજી લઈ રહી હતી. રિયર વ્યૂ મિરરમાં મંગલની મીંચાયેલી આંખો અને શ્યામાનો એની પાંસળી પર ફરતો હાથ દિલબાગને દેખાતાં હતાં. એની ભ્રમરો સંકોચાઈ, એને શ્યામાનું વર્તન સમજાયું નહીં, પણ દીકરો કમ્ફર્ટમાં હતો એટલે કશું બોલ્યા વગર એ ગાડી ચલાવતો રહ્યો.
થોડીવાર સુધી કોઈ કશું બોલ્યું નહીં. શાની અને મુરલી નાનકડી જગ્યામાં એકબીજાની ઉપર બરાબર ગોઠવાઈ
ગયા હતા. અચાનક એક ખાડો આવ્યો. દિલબાગ બ્રેક મારવા ગયો, પણ એ પહેલાં ગાડી ખાડામાં પછડાઈ. મુરલી
અને શાનીના માથાં અથડાયાં, શ્યામાના આધારે બેઠેલા મંગલસિંઘને પાંસળીમાં ઝટકો ન આવે એ માટે શ્યામાએ પોતાના બંને હાથ એની આજુબાજુ લપેટી દીધા. એણે મંગલસિંઘને કસકસાવીને પકડી લીધો જેથી, ગાડીનો ઝટકો એને ઓછામાં ઓછો લાગે. તેમ છતાં, એનાથી ચીસ પડાઈ ગઈ. શ્યામાએ એને જે રીતે પકડ્યો હતો એનાથી મંગલસિંઘના શરીરમાં કોઈ ન સમજાય તેવી અનુભૂતિની લહેર દોડી ગઈ. એણે જિંદગીમાં અનેક પ્રકારની સ્ત્રીઓ ભોગવી હતી. બ્યૂટીક્વિન, હિરોઈન, કેબ્રે ડાન્સરથી શરૂ કરીને હિન્દુસ્તાની, વિદેશી… અનેક સ્ત્રીઓ સાથે શરીર સંબંધ બાંધ્યા છતાં અત્યારે આ ક્ષણે મંગલસિંઘને જે ઝણઝણાટી થઈ એવો રોમાંચ એને કોઈ દિવસ નહોતો થયો. એણે શ્યામા તરફ જોયું. બંને એટલા નજીક હતા કે મંગલસિંઘનો ચહેરો ફર્યો તો એનું નાક ઓલમોસ્ટ શ્યામાના કપાળ સાથે અથડાઈ ગયું. એના શ્વાસ શ્યામાના કપાળ પર થઈને એના હોથ સુધી પથરાઈ ગયા, ‘થેન્ક યૂ.’ એણે સાવ ધીમા વ્હિસ્પરિંગ અવાજમાં કહ્યું. પછી ચહેરો ફેરવી લીધો. હવે ખાડો પસાર થઈ ગયો હતો તેમ છતાં શ્યામા કદાચ પોતાની પકડ ઢીલી કરવાનું ભૂલી ગઈ. મંગલે શરીર સહેજ ઢીલું કર્યું ત્યારે શ્યામાને ખ્યાલ આવ્યો કે, એ મંગલને જે રીતે પકડીને બેઠી હતી એમાં કોઈ માનો, પ્રોટેક્શનનો એક વિચિત્ર ભાવ હતો! એણે પોતાના હાથ ઢીલા કરી નાખ્યા.
‘હું ફરી કહું છું, એમને ખ્યાલ આવે એવી કોઈ જગ્યાએ આપણે ન જવું જોઈએ.’ શ્યામાએ ચૂપકીદી તોડી.
‘ચૂપ રહે ને! તને કોઈ પૂછે છે?’ દિલબાગ હવે કંટાળ્યો હતો. એ શ્યામાને ગમે ત્યાં ઉતારી દેવા માગતો હતો,
પણ ગાડી શ્યામાની હતી એટલે બીજો કોઈ રસ્તો જ નહોતો.
‘બાઉજી. એ સહી કહે છે.’ મંગલસિંઘે કહ્યું. શાની અને મુરલીની આંખો પહોળી થઈ ગઈ. દિલબાગનું મગજ
છટકેલું હોય ત્યારે ભાગ્યે જ કોઈના ગળામાંથી અવાજ નીકળતો. એમાં એક સ્ત્રી બોલી, અને મંગલસિંઘ એના પક્ષમાં પોતાના પિતાને સલાહ આપી રહ્યો હતો… આ જરા વધારે પડતું જ હતું!
દિલબાગે બ્રેક મારીને ગાડી ઊભી રાખી, ‘શું છે તારે?’ એણે પાછળ ફરીને શ્યામાને પૂછ્યું, ‘તારી પાસે છે કોઈ
જગ્યા?’
(ક્રમશઃ)