“કિલ હીમ…” પાવન કહી રહ્યો હતો. એના અવાજમાં કોઈ રાક્ષસી ઉદ્વેગ હતો.
સેલફોન હાથમાં પકડીને ઊભેલી શ્યામા બસ, સાંભળી રહી હતી. ડૉ. રાજેશ, ડૉ. શિરીન,
પાવન અને ડૉ. પરેશના શબ્દો એકબીજાની સાથે અથડાતાં હતા જાણે. બે પત્થર ઘસાય એમ એ બધા
શબ્દો એકબીજા સાથે ઘસાતા હતા અને તણખા ઝરતા હતા શ્યામાની ચારેતરફ. એનું મગજ ગોળ
ગોળ ઘૂમતું હતું. ચકડોળમાંથી ઉતર્યા પછી આવે એવા ફેર ચડતા હતા શ્યામાને. એને લાગ્યું હમણાં
ઉલ્ટી થઈ જશે. એની ચોતરફ ગૂંજી રહેલા એ બધા અવાજો અચાનક કોમ્પ્યૂટરથી ડિસ્ટ્રોટ કરેલા કોઈ
વિકૃત ઘોંઘાટમાં ફેરવાઈ જતા હતા…
“આઈ કાન્ટ” શ્યામાએ કહ્યું. કોઈ નિર્ણયની જેમ, કોઈ જજમેન્ટની જેમ.
“યુ કેન.” પાવન બરાડ્યો, “યુ વીલ હેવ ટુ.”
શ્યામાએ કંઈ જ કહ્યા વગર ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. એકાદ ક્ષણ માટે એ ફોનની સામે
જોઈ રહી અને પછી એણે ફોન સ્વીચ ઓફ કરી દીધો. ત્રણેય જુનિયર ડૉક્ટર્સ શ્યામાના નિર્ણયની
પ્રતીક્ષા કરી રહ્યા હતા. એણે જે રીતે “આઈ કાન્ટ” કરીને ફોન સ્વીચ ઓફ કર્યો એનાથી ત્રણેય
જણાંને શ્યામાનો નિર્ણય સમજાઈ ગયો. ડૉ. પરેશના ચહેરા પર થોડો અણગમો હતો, પરંતુ શિરીન
અને રાજેશના ચહેરા પર રાહતનું સ્મિત ફેલાયું.
“લેટ્સ ગેટ ઓન ટુ વર્ક” શ્યામાએ બને એટલા નોર્મલ રહેવાનો પ્રયત્ન કરીને કહ્યું, એ સ્ટ્રેચર
પાસે આવી અને એના પર સૂતેલા છોકરાને તપાસવા લાગી. કોરીડોરમાં ઊભેલું ટોળું બેભાન છોકરા
કરતાં વધુ શ્યામાને જોઈ રહ્યું હતું. એના હાથ, એની આંખો ઉપર એ આખાય ટોળાની નજર
બાજની જેમ ફરતી હતી.
*
સ્ટ્રેચર પર સૂતેલા એ બેહોશ છોકરાને શ્યામા ધ્યાનથી જોતી રહી. એના ગળામાં, છાતીમાં
પેસી ગયેલા કાચ, પેટમાં વાગેલો ઘા તપાસતી રહી. છોકરાની આંખો બંધ હતી. અત્યારે એનો
લોહીલુહાણ ચહેરો એકદમ નિર્દોષ-નિષ્પાપ દેખાતો હતો, પરંતુ આજથી અઢી વર્ષ પહેલાં આ જ
છોકરાના ચહેરા પર શ્યામાએ જે અહંકાર અને બેફીકરાઈ જોઈ હતી એ ચહેરો રોજ રાત્રે એની ઊંઘ
ઊડાડી દેતો હતો.
અત્યારે એ બેહોશ હતો…
શ્યામાને એની એ ઊઘાડી આંખોમાં દેખાતો ઉપાલંભ, ઉપહાસ અને ઉપેક્ષા યાદ આવી
ગયાં. એને યાદ આવી ગઈ પોતાના કેસની છેલ્લી સુનાવણીની એ તારીખ અને શ્યામાને હાઈકોર્ટની
એ રૂમ દેખાવા લાગી.
આરોપીના પીંજરામાં ઊભેલો મંગલ પોતાની તરફ બેફીકર અને બેશરમીથી જોઈ રહ્યો હતો.
ન્યાયમૂર્તિ પી.જે. રાઘવેન્દ્ર રાવ ગંભીર ચહેરે પોતાનો ફેંસલો સંભળાવી રહ્યા હતા, “આરોપી
મંગલસિંઘ યાદવ સામે એક પણ આરોપ પૂરવાર થઈ શક્યો નથી. એથી આ અદાલત એને
સન્માનપૂર્વક બધા આરોપોમાંથી મુક્ત કરે છે.” મંગલની આંખો જાણે તીર કે તલવારની જેમ
શ્યામાના શરીરમાં ઝીણા ઝીણા છેદ કરી રહી હતી. એ હસ્યો, એના લીસ્સા-કપાળ પર ધસી આવતા
વાળ એણે ડોકું ઝટકાવીને પાછળ ધકેલ્યા અને પછી કશું જ ન બન્યું હોય એમ જીન્સના ફ્રન્ટ પોકેટમાં
હાથ નાખીને આરોપીના પીંજરામાંથી બહાર નીકળી કોર્ટના રૂમના દરવાજા તરફ આગળ વધી ગયો.
દરવાજાની બહાર નીકળીને એણે ફરી એકવાર શ્યામા તરફ જોયું. એની આંખોમાં કંઈક એવો ભાવ
હતો જેનાથી શ્યામાને જાહેરમાં કોઈએ તમાચો માર્યો હોય એવું લાગ્યું. જીન્સના ફ્રન્ટ પોકેટમાં
નાખેલા બંને હાથ એમ જ રાખીને ખભા હલાવતો એ છોકરો બહાર નીકળી ગયો…
કોર્ટ રૂમમાં એક પછી એક બધા બહાર નીકળી ગયા. મીડિયા અને પત્રકારો બહાર રાહ જોઈ
રહ્યા હતા. આખા રૂમમાં એકલી ઊભેલી શ્યામાને લાગ્યું કે, કોર્ટના એ રૂમની છત એના માથા પર
તૂટી પડી છે અને પોતે એ છત નીચે દબાઈ ગઈ છે. બધું જ દટાઈ ગયું છે… કાટમાળમાં દબાયેલી
શ્યામા જાણે શ્વાસ લેવા માટે તરફડતી હતી…
એ ટોળાંમાંથી એક જણ આગળ આવ્યો, “કિસી ઔર ડૉક્ટર કો બુલાઓ” એણે ખીસ્સામાંથી
રામપૂરી ચપ્પુ કાઢીને એની કળ પર હાથ દબાવ્યો. ‘કટ’ અવાજ સાથે ચપ્પુ ખૂલી ગયું. શ્યામાની
પાછળ આવી રહેલા ત્રણેય ડૉક્ટર્સ ત્યાં જ અટકી ગયા, “યે નહીં ચલેગી” એ માણસે કહ્યું.
આવી ભયાનક પરિસ્થિતિમાં પણ શ્યામાના ચહેરા પર સ્મિત આવી ગયું, “શાદી કરની હૈ ક્યા?”
એણે સામે ઊભેલા છોકરાના હાથમાંથી ચપ્પુ લઈ તદ્દન સહજતાથી બંધ કરીને એને પાછું આપ્યું, “
નહીં ચલેગી, ક્યા હોતા હૈ? ઈસ વક્ત તો મૈં હી હું. ભગવાન ઔર યમરાજ કે બીચમેં ખડી હું મૈં.”
એણે આખા ટોળાં તરફ એક સરસરી નજર નાખી. સોપો પડી ગયો. શ્યામાએ જરા કડક અવાજમાં
કહ્યું, “દુસરે ડૉક્ટર કો બુલા સકતે હૈ. ઈસકો કહીં ઔર ભી લે જા સકતે હો…” પછી સામે ઊભેલા
માણસની આંખોમાં આંખો પરોવી, “ઈતના વક્ત હૈ તુમ્હારે પાસ?” એણે સ્ટ્રેચર પર સૂતેલા છોકરા
તરફ જોઈને પૂછ્યું, “ઈસકે પાસ?” ટોળું ઝંખવાઈ ગયું. પેલો માણસ પણ ચૂપ થઈને પાછળ ખસી
ગયો.
આત્મવિશ્વાસ સભર અને શાંત ડગલે શ્યામા ઓટી તરફ જતી રહી. એની પાછળ એના ત્રણ
ડૉક્ટર્સ અને સ્ટ્રેચર, બે નર્સ બધા ઓટીમાં દાખલ થયા.
ઓપરેશન થિયેટરનો દરવાજો બંધ થઈ ગયો અને લાલ લાઈટ ચાલુ થઈ ગઈ. બહાર ઊભેલા
ટોળામાંથી એક જણે થોડે દૂર જઈને સેલફોન ઉપર કોઈની સાથે વાત કરવા માંડી, “બાબુજી ઔર તો
કૌનો બાત નહીં હૈ લેકિન યે દાક્તરણી ઉ હી હૈ…” એણે સહેજ અચકાઈને ઉમેર્યું, “ઉ હી… જૌન
અપને મોન્ટી બાબા પર કેસ કીયે રહી.”
સામેથી કશું કહેવાતું હતું. એ માણસ નમ્રતાથી સાંભળતો રહ્યો. ડોકું ધૂણાવતો રહ્યો. વચ્ચે હોંકારા ભરતો
રહ્યો. થોડીવારમાં ફોન મૂકીને એ ફરી ટોળાંમાં ભળી ગયો.
લગભગ સાડા ત્રણ કલાક સુધી ઓપરેશન થિયેટરનો દરવાજો બંધ થયો. દરવાજો ખૂલ્યો ત્યારે શ્યામાની
આંખોમાં ઓપરેશન કર્યાના થાક કરતા વધારે પોતાની જાત સાથે કરેલા યુધ્ધની ખુવારી દેખાતી હતી. એણે
બહાર આવીને ટોળાં તરફ ફરી એક નજર નાખી, “ઓપરેશન હો ગયા હૈ. સારે કાચ નિકાલ લિયે હૈ.
પેટ કા ઘાવ ભી સીલ દિયા હૈ, લેકિન અભી ખતરે સે બહાર નહીં હૈ.”
“મેડમ!” જે માણસે ચપ્પુ કાઢ્યું હતું એણે હાથ જોડ્યો, “મોન્ટીબાબા બચ તો જાયેંગે ના?”
“કુછ કહ નહીં સકતે, હોશ મેં આને કે બાદ હી કુછ કહ સકતે હૈ.” શ્યામાની વાત સાંભળીને
આખું ટોળું હાથ જોડીને એની આસપાસ ઘેરાઈ વળ્યું. બધાની આંખોમાં થોડું આશ્ચર્ય, આઘાત
અને આભારના મિશ્રિત ભાવ હતા. શ્યામાએ આ જ આંખોમાં ધમકી અને મોતનો ભય પણ જોયા
હતા. એણે સૌ તરફ ફરી એકવાર જોયું, “દો દિન… 48 ઘંટે ઓબ્ઝર્વેશન મેં રખેંગે.” એ ત્યાંથી
ચાલવા લાગી.
પેલો માણસ પાછળ દોડ્યો, “મૈડમ… મૈડમ…” શ્યામા અટકી નહીં. એણે પૂછ્યું, “બાબુજી
દેખને આ સકતે હૈ?”
“મેરે બાપ કી હોસ્પિટલ નહીં હૈ, વિઝિટિંગ અવરમેં યહાં કોઈ ભી આ સકતા હૈ.” કહીને
શ્યામા પોતાના ડૉક્ટર્સ રૂમ તરફ ચાલવા લાગી.
ડૉક્ટર્સ રૂમમાં આવીને એણે પોતાનો ફોન સ્વીચ ઓન કર્યો ત્યારે પાવનના 11 મિસ્ડ કોલ
હતા. શ્યામાએ એ જોયું, છતાં ઉશ્કેરાયા કે અકળાયા વગર સ્વસ્થતાથી પાવનને કોલ કર્યો, પહેલી જ
રિંગમાં પાવને ફોન ઉપાડ્યો, “તો? ફાઈનલી તેં મારું ન જ માન્યું.”
“એને બદલે એક ડૉક્ટરે પોતાનું કામ કર્યું એવું કહીએ તો ના ચાલે?” શ્યામાએ શાંતિથી કહ્યું,
“પાવન, બેહોશ માણસને મારી નાખવો, મારા એથિક્સમાં નથી આવતું.”
“ને એણે જે કર્યું એ એથિક્સ છે?” પાવનના અવાજમાં ડંખ હતો કે અહંકાર એ શ્યામાને
સમજાયું નહીં.
“એણે શું કર્યું એના ઉપર મારા વર્તનનો આધાર નથી, પાવન” શ્યામાએ કહ્યું. પછી એક
બગાસું ખાધું, “તું ક્યારેય મારું નથી માનતી” પાવને કહ્યું. ફોન ડીસકનેક્ટ થઈ ગયો.
“ઓકે” એની વાતમાં રસ ન હોય એમ પાવને ફોન મૂકી દીધો. સેલફોન હાથમાં પકડીને
શ્યામા એમ જ થોડીવાર અન્યમનસ્ક જેવી ઊભી રહી. એ સમજતી હતી પાવનના મનની સ્થિતિ.
કોઈપણ સામાન્ય માણસ પાવનની જગ્યાએ હોય તો આમ જ વર્તે, એ પણ શ્યામાને સમજાતું હતું
તેમ છતાં, એની ભીતરથી એને કોઈ કહી રહ્યું હતું, ‘તું એના જેવી નથી…’
ફોન બાજુએ મૂકીને શ્યામાએ પોતાના માટે એક કડક કોફી બનાવી. આરામથી કાઉચ પર
બેઠી. હળવે હળવે કોફીના સીપ ભરતાં, હવે એણે ઘડિયાળ જોઈ. સાત વાગીને 45 મિનિટ થઈ
હતી. કોફી પૂરી થઈ એટલે એણે એના કાઉચની બાજુમાં પડેલા સાઈડ ટેબલનું ડ્રોઅર ખોલ્યું એમાંથી
આઈ બ્લાઈન્ડર્સ કાઢીને આંખ ઉપર ચઢાવ્યા. આંખો મીંચીને એક કાઉચ પર લાંબી થઈ ગઈ. આમ
તો એ ઊંઘવા માગતી હતી, પરંતુ એની બંધ આંખોની સામે વિતી ગયેલા સમયની ભયાનક ક્ષણો એક
પછી એક પસાર થવા લાગી.
*
ત્રણેક વર્ષ પહેલાંની એ 24મી ડિસેમ્બરની રાત હતી. પનવેલ પાસે એક ફાર્મ હાઉસમાં
પાવનના એક ફિલ્મસ્ટાર મિત્રની ક્રિસમસ પાર્ટી હતી. મોડી રાતના દોઢ-બે વાગ્યા સુધી પાર્ટી પૂરેપૂરી
માણ્યા પછી પાવન અને શ્યામા ઘરે આવવા નીકળ્યા. પાવન અને શ્યામા વચ્ચે એક કરાર હતો.
બેમાંથી એક જ જણ પાર્ટીમાં દિલ ખોલીને શરાબ પીએ… પાછા ફરતી વખતે જેણે શરાબ ન પીધી
હોય એ ગાડી ચલાવે. આજે ગાડી ચલાવવાનો વારો શ્યામાનો હતો. પાવન થોડો ટિપ્સી હતો. એ
મોટા અવાજે ગાઈ રહ્યો હતો, “જિંગલ બેલ જિંગલ બેલ જિંગલ ઓલ ધ વે… સાંતાક્લોઝ ઈઝ
કમિંગ અલોંગ રાઈડિંગ ઓન હીઝ સ્લેજ…” એણે ગાડીનો દરવાજો ખોલવા ઝૂકેલી શ્યામાને
કમ્મરમાંથી પકડી લીધી. હળવા વિરોધ સાથે શ્યામા ખેંચાઈ આવી. શ્યામાને પ્રગાઢ ચૂંબન કરતાં
કરતાં પાવને પાછલી સીટના દરવાજા તરફ ધકેલી. રેન્જ રોવરની પાછલી સીટનો દરવાજો ખોલીને
પાવને શ્યામાના હોઠ પરથી હોઠ હટાવ્યા વગર જ એને બે હાથે ઊંચકીને સહેજ ઊંચી, રેન્જ
રોવરની સીટ પર બેસાડી દીધી.
“પાવન, નોટ હિયર…” શ્યામાના અવાજમાં હા હતી એવું પાવનને લાગ્યું. એણે શ્યામાને
થોડી વધુ અંદર ધકેલી ને પોતે પણ પાછલી સીટમાં ગોઠવાઈ ગયો. ગાડીનો દરવાજો એણે ખેંચીને
બંધ કર્યો અને શ્યામાના સ્પગેટી ટોપની સ્ટ્રીપ એક જ આંગળીથી પાવને નીચે ઉતારી નાખી, “શું કરે
છે આ?” શ્યામાએ પૂછ્યું.
“તને નથી ખબર?” પાવને નશાર્ત અવાજે શ્યામાના ગળા, હોઠ અને છાતી પર પોતાની એક
દિવસની વધેલી દાઢી અને હોઠ ઘસવા માંડ્યા. શ્યામાનો વિરોધ બહુ ટક્યો નહીં. એણે પણ પોતાના
બંને હાથ ઉઠાવીને પાવનની આસપાસ લપેટી લીધા. એનો ડ્રેસ હાથથી કમ્મર સુધી ઊંચો કરીને
પાવને એની પેન્ટી ઉતારી કે ગાડીનો દરવાજો ખૂલ્યો. બંને જણાં ચોંકી ગયાં.
ગાડીની બહાર એક 24-25 વર્ષનો છોકરો ઊભો હતો. ઊંચો, પહોળા ખભા અને સહેજ
કાળો પણ હેન્ડસમ દેખાતા એ છોકરાની આંખોમાં વિચિત્ર હેવાનિયત હતી. એની સાથે બીજા ત્રણ
જણાં હતા. એ પણ નશામાં ધૂત હતા. દરવાજો ખૂલ્યો ત્યારે પાવન ગાડીની પાછલી સીટમાં
શ્યામાની લગભગ ઉપર હતો. શ્યામાના બંને પગ પાવનની કમ્મર પર લપેટાયેલા હતા. એની પેન્ટી
ઘૂંટણથી નીચે હતી અને ડ્રેસ કમ્મર સુધી. શ્યામાના પાતળા, લાંબા પગ અને સ્પગેટી ટોપની સરકી
ગયેલી સ્ટ્રીપ પછી નીચે ઉતરી ગયેલા ડ્રેસમાંથી એનું યૌવન ડોકિયાં કરતું હતું.
“ચલ નીચે ઉતર” પેલા છોકરાએ હુકમ કર્યો.
“વ્હોટ નોનસેન્સ” પાવને નીચે ઉતરીને દરવાજો બંધ કર્યો, “હુ ધ હેલ આર યૂ?” એ પણ
નશામાં હતો.
“ચલ હટ” પેલા છોકરાએ એક જ હાથે ધક્કો મારીને પાવનને ચાર ફૂટ દૂર ફેંકી દીધો. એની
સાથે આવેલા એના ચમચાઓએ પાવનના બંને હાથ પકડીને એને થોડો વધુ દૂર ઘસડ્યો. કોઈ કશું
સમજે એ પહેલા પેલા છોકરાએ ગાડીનો દરવાજો ખોલી કાઢ્યો. અંદર બેઠેલી શ્યામાએ પોતાની
જાતને બની શકે એટલી વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં, એના વસ્ત્રો ક્રિસમસની પાર્ટી
માટેના હતા. એણે પેલા છોકરાને જોઈને ફરી પોતાનો ડ્રેસ નીચેની તરફ ખેંચ્યો.
એ છોકરાએ એક પગ ગાડીની અંદર મૂક્યો અને ઉઘાડા દરવાજા ઉપર પોતાના બંને હાથ
ટેકવીને ઊભો રહ્યો. એની આંખોમાં ભાવતું ભોજન જોઈને એક રાની પશુની આંખમાં આવે એવી
ચમક હતી. એ થોડીક ક્ષણો સુધી શ્યામાને જોતો રહ્યો. દૂર એના માણસોએ પકડી રાખેલો પાવન
ધમપછાડા કરતો હતો, બૂમો પાડતો હતો. એક તો એ નશામાં હતો અને ત્રણ મજબૂત માણસોએ
એને પકડ્યો હતો. પાવન બીજું કશું કરી શકતો નહોતો, પણ છૂટવાના પ્રયત્નો કરી રહ્યો હતો. દૂર
ફાર્મ હાઉસના બંગલામાં મોટા અવાજે વાગતું સંગીત અહીં સુધી સંભળાતું હતું, એટલે પાવનની બૂમ
ત્યાં સુધી પહોંચવાની નહોતી એની આ ચારેય જણાને ખાતરી હતી.
છોકરાએ ફક્ત ડોકું હલાવીને એના માણસોને થોડે દૂર જવાનો ઈશારો કર્યો. પહેરેલા લેધર
જેકેટની ઝીપ ખોલીને એણે જેકેટ ઉતાર્યું. શ્યામા ભીતરથી થથરી ગઈ. એને સમજાતું હતું કે,
પરિસ્થિતિ કઈ દિશામાં જઈ રહી હતી. એણે ગાડીનો દરવાજો બીજી તરફથી ખોલીને ઉતરવાનો
પ્રયાસ કર્યો, પરંતુ એ છોકરાએ ચીત્તાની ઝડપથી શ્યામાનો પગ પકડી લીધો. શ્યામાનું બેલેન્સ ગયું.
એનો એક પગ ગાડીની બહાર હતો અને બીજો આ છોકરાના હાથમાં…
એ પાછલી સીટમાં ફસડાઈ પડી. છોકરાએ જેકેટ બહાર ફેંક્યું, એ પૂરા અધિકાર અને
અહંકારથી ગાડીની પાછલી સીટમાં બેઠો. દરવાજો નિરાંતે બંધ કરીને એણે શ્યામાને પોતાના તરફ
ખેંચી. શ્યામાએ એના ચહેરા પર, પીઠ પર નખોરિયા માર્યા, બચકા ભર્યા, એને ધકેલવાનો પ્રયાસ કર્યો
અને છૂટવાના બહુ તરફડિયા માર્યા તેમ છતાં અંતે એ છોકરો પોતાની ઈચ્છા પૂરી કરીને ગાડીમાંથી
ઉતર્યો.
શ્યામાનો બળાત્કાર થઈ ચૂક્યો હતો. નફ્ફટની જેમ ગાડીમાંથી નીકળીને એ છોકરાએ
આરામથી પોતાના પેન્ટમાં પગ નાખ્યો. નિરાંતે પેન્ટ ઉપર ચઢાવ્યું, ઝીપ બંધ કરી, ગાડીની બહાર
પડેલા જેકેટને ઉપાડીને એના પરથી ધૂળ ખંખેરી, જેકેટ પાછું પહેર્યું… આ બધા દરમિયાન છૂટવાના
મરણિયા પ્રયાસ કરી રહેલો પાવન એના માણસોનો માર ખાઈને અધમૂઓ થઈ ગયો હતો. એનું માથું
ઢળી ગયું હતું. પાવનને ઢસડીને ગાડીની પાછલી સીટમાં નાખીને પેલા છોકરાની સાથે આવેલા ત્રણ
જણાંએ દરવાજો બંધ કરી દીધો.
ચારેય જણાં જાણે કશું બન્યું જ ન હોય એમ નિરાંતે ત્યાંથી ચાલવા લાગ્યા. હાથમાં પકડેલી
રિમોટ કીથી એણે થોડે દૂર પડેલી થારને ખોલી. ચાર જણાં એ થાર ગાડીમાં ગોઠવાયા. હજી હમણાં
જ, પાર્ટીમાંથી જ નીકળ્યા હોય એમ ચાર જણાં શાંતિથી ગાડીમાં બેસીને ત્યાંથી ચાલી ગયા.
પાછલી સીટમાં બેઠેલી શ્યામાનો ડ્રેસ એની કમ્મર સુધી ઊંચો થઈ ગયો હતો. એની પેન્ટી સીટની
આગળ પડી હતી. વાળ વીખરાયેલા હતા અને ચહેરા ઉપર પેલા છોકરાએ મારેલા તમાચાના ચાર આંગળા
ઊપસી આવ્યાં હતાં. એની લિપસ્ટિક લૂંછાઈને છેક ગાલ સુધી રેલાઈ હતી. આંખમાંથી વહેલા આંસુને કારણે
આઈ લાઈનર અને કાજલ પણ ગાલ સુધી ફેલાયા હતા. એ હતપ્રભ જેવી, પત્થર થઈને બેઠી હતી. એની
બાજુમાં બેઠેલા પાવનના ચહેરા પર ભૂરા ચાઠાં ઉપસી આવ્યાં હતાં. એની આંખ નીચે એક ચીરો પડ્યો હતો. એ
બેહોશ જેવી સ્થિતિમાં માથું ઢાળીને પડ્યો હતો. એના મોંમાંથી હુંકારા નીકળી રહ્યા હતા… છેક સૂરજ ઊગ્યો
ત્યાં સુધી બંને જણાં ગાડીની પાછલી સીટમાં બેસી રહ્યાં.
પાર્ટીમાંથી નીકળતા લોકો એક પછી એક પોતપોતાની ગાડીમાં બેસીને ત્યાંથી રવાના થતાં હતાં. એમાંના
કેટલાકને શ્યામા ઓળખતી પણ હતી, પણ પાર્કિંગમાં અંધારું હોવાને કારણે અને ગાડીના ગ્લાસ ઉપર ફિલ્મ
લાગેલી હોવાને કારણે કોઈએ એમને જોયા નહીં. કોઈને બૂમ પાડીને બોલાવવાની, જે કંઈ બન્યું છે તે કહેવાની
શ્યામાની હિંમત નહોતી.
*
આજે એ જ માણસ આઈસીયુમાં મોનિટર્સ અને બ્લડની બોટલ્સ સાથે બેહોશ પડ્યો હતો. એનો જીવ
બચી ગયો હતો, પરંતુ એને જોયા પછી શ્યામા વિચલિત થઈ ગઈ હતી… એ બધી જ ક્ષણો અને પીડા જે
શ્યામાએ મહામહેનતે પોતાના મગજના ખૂણામાં ભંડારી દીધી હતી એ બધી પીડા, અપમાન, અવહેલના,
તિરસ્કાર, કટુતા અને બળાત્કારની એ ભયાનક સ્મૃતિ આ છોકરાને જોઈને પાછી ફરી હતી.
એ રાત, એ ક્ષણ અને એ બધું જ નાગની જેમ ફેણ ઊંચકીને શ્યામાની સામે ડોલી રહ્યું હતું…
(ક્રમશઃ)