પ્રકરણ – 21 | આઈનામાં જનમટીપ

‘આ બધું શું છે?’ ઘરમાં દાખલ થઈ રહેલા દિલબાગ સહિતના બીજા બે માણસો અને મંગલસિંઘને જોઈને
ભાસ્કરભાઈના હોશ ઊડી ગયા, ‘આ લોકો…’
‘આ લોકો થોડો સમય અહીં જ રહેશે.’ શ્યામાએ જે રીતે કહ્યું એનાથી ભાસ્કરભાઈ સમસમીને રહી ગયા. શ્યામા જે
રીતે ટેકો આપીને મંગલસિંઘને ઘરમાં લઈ આવી એ જોઈને ભાસ્કરભાઈનું મગજ છટક્યું. એ કશું બોલ્યા નહીં પણ એમની
આંખોમાં મંગલસિંઘ માટેનો ભારોભાર તિરસ્કાર એ છુપાવી ન શક્યા, ‘મંગલ કન્ફેશન કરવા તૈયાર છે.’ શ્યામાએ કહ્યું. આ
સાંભળીને દિલબાગની આંખો થોડીક ક્ષણો માટે બદલાઈ, જે ભાસ્કરભાઈએ નોંધ્યું, ‘રાહુલ તાવડેના માણસો એની પાછળ છે.
મને લાગ્યું આપણા ઘરથી વધુ સેફ જગ્યા બીજી કઈ…’
‘બરાબર છે. એક રેપિસ્ટ, ખૂની અને દલાલને છુપાવવા માટે એક ડૉક્ટરનું ઘર તો સદાય ખુલ્લું જ હોવું જોઈએ.’
ભાસ્કરભાઈએ કડવાશથી કહ્યું, ‘તું કદાચ ભૂલી ગઈ કે, આ ઘર મારું પણ છે. એમને અહીંયા લઈ આવતા પહેલાં તારે મને
પૂછવું જોઈતું હતું.’
‘ડેડ!’ શ્યામાને ખબર હતી કે, ભાસ્કરભાઈનો પ્રતિભાવ આવો જ હશે એટલે એને ખાસ નવાઈ ન લાગી. એણે નજીક
જઈને ભાસ્કરભાઈના ગળામાં હાથ નાખ્યો, વહાલથી એમને પોતાની નજીક ખેંચીને એણે કહ્યું, ‘હું તમારો ગુસ્સો સમજું છું,
તમે પણ મારી સ્થિતિ સમજો.’
‘શું સ્થિતિ?’ ભાસ્કરભાઈને આખી પરિસ્થિતિ સમજાતી જ નહોતી. મંગલસિંઘ અને દિલબાગ એમની નજર સામે
ઊભા હતા અને એમની દીકરી એ ખૂની-રેપિસ્ટની વકીલાત કરી રહી હતી, ‘મૂકી દે એમને છુટ્ટા. હોમ મિનિસ્ટરના માણસો
નહીં મારે તો એમની સામેની ગેંગના માણસો મારી નાખશે. આપણે આમાં પડવાની ક્યાં જરૂર છે. દરેક માણસને પોતાના
કર્મનો હિસાબ ચૂકવવો પડે છે. કદાચ, એમના કર્મનો હિસાબ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તું કારણ વગર આમાં સંડોવાઈ
જઈશ. એ લોકો તારા પણ દુશ્મન થઈ જશે, એ સમજાય છે તને?’ કહેતા કહેતા ભાસ્કરભાઈનું ગળું ભરાઈ આવ્યું, ‘તને કંઈ
થશે તો…’
‘મને?’ શ્યામાના ચહેરા પર કડવું સ્મિત આવી ગયું, ‘મને શું થવાનું, મને જે થવાનું હતું એ બધું ખરાબમાં ખરાબ,
વર્સ્ટમાં વર્સ્ટ થઈ ગયું…’ એણે ભાસ્કરભાઈના ગળામાં નાંખેલો હાથ થોડો વધુ ટાઈટ કર્યો. પિતાના ખભા પર માથું મૂકીને એણે
કહ્યું, ‘પ્લીઝ… એ મરી જશે તો મારી બધી મહેનત અને પ્રયત્નો પર પાણી ફરી વળશે.’ ભાસ્કરભાઈએ દીકરીની આંખોમાં
જોયું. શ્યામાની આંખોમાં વિનંતી હતી, ઝળઝળિયાં હતાં અને પરિસ્થિતિ બદલી શકવાની એક આશા હતી. ભાસ્કરભાઈ ના
ન પાડી શક્યા. એ કશું જ બોલ્યા વિના ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગયા. એમણે દરવાજો અંદરથી બંધ કરી દીધો.
આ બધું ચાલતું હતું ત્યાં સુધી ચૂપચાપ ઊભેલા દિલબાગ અને મંગલની સાથે એના બે માણસો શાની અને મુરલી,
પરિસ્થિતિનો તાગ લેવાનો પ્રયાસ કરતા રહ્યા. ભાસ્કરભાઈ ના પાડશે તો ક્યાં જવું એની ગણતરી પણ ચારેયના મગજમાં શરૂ
થઈ ચૂકી હતી, પરંતુ સદભાગ્યે એવું થયું નહીં. ભાસ્કરભાઈ કશું બોલ્યા વિના એમના રૂમમાં જતા રહ્યા એટલે ચારેયને ‘હાશ’
થઈ.
‘આવો.’ શ્યામાએ કહ્યું. શ્યામા આગળ વધે એ પહેલાં મુરલી અને શાનીની બંને તરફ હાથ લંબાવીને એને સહારો
આપી દીધો. શ્યામાએ ચારેય જણને બંગલાની પાછળ આવેલા ત્રણ રૂમમાંથી બે રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. ડ્રાઈવર,
નોકર કે કોઈ માણસને જો કાયમી અહીંયા રાખવાનો થાય તો એણે ઘરમાં ન રહેવું પડે એવું વિચારીને રસોડામાંથી ખૂલતા
દરવાજાની પાછળ ત્રણ રૂમ બાંધવામાં આવ્યા હતા. એમાંથી એક રૂમમાં એમના આખા દિવસની હેલ્પર અને ડૉક્ટર સાહેબનો ડ્રાઈવર રહેતા હતા. બે રૂમ ખાલી હતા. એ બંને રૂમમાંથી એકમાં મંગલસિંઘ, દિલબાગ, બીજા રૂમમાં મુરલી અને શાની ગોઠવાઈ ગયા.
શ્યામાએ મંગલને કહ્યું, ‘સાંજ સુધીમાં હું તમારો બેડ બદલીને હોસ્પિટલનો બેડ નંખાવી દઈશ. મેડિસિન્સ ટાઈમસર
લેશો અને થોડો આરામ કરશો તો જલદી ઊભા થઈ જશો.’ મંગલ હતપ્રભની જેમ શ્યામાને જોઈ રહ્યો હતો. એને સમજાતું
નહોતું કે, કોઈ આટલું સારું, આટલું રહેમદિલ કેવી રીતે હોઈ શકે! રાત પડી ગઈ હતી, શ્યામાએ સ્વીગી ઓર્ડર કરી દીધું.
એ જેવી રસોડામાં થઈને ઘરમાં દાખલ થઈ કે સામે જ ડાઈનિંગ ટેબલ પર બેઠેલા ભાસ્કરભાઈ એને જોઈને ઊકળી
ઊઠ્યા, ‘તને સમજણ પડે છે કે, તું આ ચાર જણની સાથે કેવડી મોટી મુસીબત લઈને આવી છે?’ એમની આંખોમાં શ્યામા
માટેની ચિંતા અને એણે કરેલી આ ભૂલ માટેનો ગુસ્સો બંને દેખાતા હતા, ‘આ છોકરાનો જીવ બચાવ્યો ત્યાં સુધી બરાબર છે,
પણ આપણા ઘરમાં? હોમ મિનિસ્ટરનો પાવર સમજે છે? એની સામેની ગેંગના માણસો…’
‘અલતાફ.’ શ્યામાએ કહ્યું, ‘અલતાફની ગેંગ.’
‘વ્હોટ એવર…’ ભાસ્કરભાઈ ભયાનક ગુસ્સામાં હતા, ‘મારે આ ગેંગવૉર પર પીએચડી નથી કરવી. અલતાફ હોય કે
સુલેમાન… મને કોઈ રસ નથી. આજની રાત આ લોકો ભલે અહીંયા રહેતા, કાલે સવારે એમને અહીંથી રવાના કરજે.’
‘ક્યાં જશે?’ શ્યામાએ પૂછ્યું.
એને જાગેલી સહાનુભૂતિ અને આવા ગુંડાઓ માટેની એની કાળજી જોઈને ભાસ્કરભાઈ વધુ ઉકળ્યા, ‘એ મારો પ્રશ્ન
છે? પ્લીઝ શ્યામા! હું તને મુસીબતમાં નહીં જોઈ શકું. એ લોકો આપણા ઘર પર ગોળીબાર કરશે. આ ખૂનીઓ છે, રેપિસ્ટ છે,
પોલીસ આપણને આવા લોકોને આશરો આપવાના ગુના હેઠળ જેલમાં નાખી શકે, તું સમજતી કેમ નથી?’
‘તમે નથી સમજતા, ડેડ. એ કોર્ટમાં કન્ફેશન કરશે. સ્વીકારશે કે એણે મારો રેપ કર્યો હતો. મને એટલું જ જોઈએ છે.’
શ્યામાએ કહ્યું.
હવે ભાસ્કરભાઈની ધીરજ ન રહી. એમણે સાવ નજીક આવીને શ્યામાના બંને ખભા પકડીને એને હચમચાવી, ‘જાગ!’
એમણે કહ્યું, ‘કોઈ કન્ફેશન નહીં કરે. એને અત્યારે બચવા માટે જગ્યા જોઈએ છે અને તારાથી વધુ મૂરખ એને કોઈ મળશે નહીં
એવી એને ખબર છે. એકવાર એનું કામ પતી જશે તો તને અને મને ગોળી મારીને ભાગી જશે આ બે જણાં…’ ભાસ્કરભાઈએ
જોરથી કહ્યું, ‘એ તારો ઉપયોગ કરે છે, હીઝ યુઝીંગ યુ. એને ખબર છે કે, તને શું જોઈએ છે…’
‘પણ ડેડ!’ શ્યામા આગળ બોલવા ગઈ, પણ ભાસ્કરભાઈએ બે હાથ જોડીને એને ચૂપ કરી દીધી,
‘કાલે સવારે એ લોકો મને અહીંયા ના દેખાવા જોઈએ.’ શ્યામા ચૂપચાપ પિતા સામે જોઈ રહી, ‘હાથ જોડું છું તને. ડોન્ટ
ક્રિએટ ટ્રબલ.’ શ્યામા કશું બોલ્યા વિના પિતાને ભેટી પડી. ભાસ્કરભાઈ પણ ક્યાંય સુધી એની પીઠ પર હાથ ફેરવતા રહ્યા.

‘યહાં જ્યાદા નહીં રુક સકતે.’ મુરલીએ કહ્યું. દિલબાગે ડોકું ધૂણાવ્યું, ‘એક રાત માટે બરાબર છે, પણ કાલે આપણી
વ્યવસ્થા કરી લેવી પડે. આ છોકરીનો બાપ પોલીસમાં ખબર કરી દેશે.’
‘નહીં કરે.’ મંગલસિંઘે વિશ્વાસપૂર્વક કહ્યું, ‘એ લોકો જુદા છે.’
‘જે હોય તે. મારે અહીંયા નથી રહેવું.’ દિલબાગે કહ્યું, ‘કાલે સવારે એ લોકો ઊઠે એ પહેલાં આપણે નીકળી જઈશું.’
‘મારી હાલત તો જુઓ.’ મંગલે દલીલ કરી, ‘ક્યાં જઈશું? આપણા ફાર્મ હાઉસ પર તો ઓલરેડી નજર હશે.
અલતાફના માણસો કૂતરાની જેમ શોધી રહ્યા છે. જવાની કોઈ જગ્યા છે તમારી પાસે?’ એણે પૂછ્યું.
‘અહીંથી નીકળીશું તો જગ્યા પણ મળી જશે.’ મુરલીએ ઉશ્કેરાઈને કહ્યું.
‘અને ડૉક્ટર?’ મંગલસિંઘે પૂછ્યું, જેનો જવાબ કોઈ પાસે નહોતો. બધાએ અત્યારે ચૂપચાપ સૂઈ જવું જ મુનાસિબ
છે. થોડીવાર કશું બોલ્યા વિના મુરલી અને શાની બેસી રહ્યા પછી ઊભા થઈને બંને પોતાના ઓરડામાં જતા રહ્યા. દિલબાગે
બારણું અંદરથી બંધ કર્યું, પડદા પાડ્યા અને રિવોલ્વર માથા પાસે મૂકીને એ પલંગ પર આડો પડ્યો.
ડૉ. ભાસ્કર મજુમદારના બંગલામાં આવેલા ચાર નવા મહેમાન અને ત્યાં વસતા બે જણાં આખી રાત ઊંઘી શક્યા
નહોતા. વહેલી સવારે ડૉ. શ્યામાના ઘરની કોલબેલ વાગી. આંખો ચોળતી શ્યામાએ કાચી ઊંઘમાંથી ઊઠીને દરવાજો ખોલ્યો.
બીજી તરફ ઘરની બેલ સાંભળીને દિલબાગ સાવધાન થઈ ગયો. રિવોલ્વર હાથમાં લઈને ધીમા પગલે દરવાજો ખોલીને એ
રસોડાની બારી પાસે એવી રીતે ઊભો રહ્યો કે, એને આવનાર વ્યક્તિ દેખાય, અને વાતચીત પણ સંભળાય.
દરવાજો ખોલતા જ પાવન કોઈ વાવાઝોડાની જેમ ધસી આવ્યો, ‘ક્યાં હતી તું?’ પાવનનો અકળાયેલો, ઉશ્કેરાયેલો
અવાજ સાંભળીને શ્યામાએ પોતાના મન પર પૂરેપૂરો સંયમ કેળવી લીધો.
‘ઘરે.’ એણે કહ્યું.
‘રબિશ! હું આવ્યો હતો ઘરે.’ પાવને કહ્યું, ‘હોસ્પિટલ હતી એવું પણ નહીં કહેતી કારણ કે, તું ત્યાં પણ નહોતી. તારો
સેલફોન બંધ હતો.’ એણે કહ્યું, ‘હવે કહે, ક્યાં હતી તું?’
‘બહાર…’ શ્યામાએ જવાબ આપ્યો, ‘તારે શું કામ છે?’
‘મંગલ હોસ્પિટલમાંથી ગાયબ છે.’ પાવને કહ્યું, ‘એનો બાપ ભગાડી ગયો એને.’ એણે વધુ ચીડાઈને ઉમેર્યું, ‘શું મળ્યું
એને બચાવીને? તું કોઈ દિવસ મારી વાત માનતી નથી, એ જ વખતે એને ખતમ કરી નાખ્યો હોત તો…’
‘તારી પાસે કોઈ નવી વાત છે?’ શ્યામાએ પૂછ્યું. એના અવાજમાં કંટાળો હતો, ‘એકની એક વાત કરવાનો કોઈ ફાયદો
નથી. એ બચી ગયો છે, મારી જોબ પૂરી થઈ ગઈ છે.’
‘તું ઘરે ક્યારે આવવાની છે?’ પાવને પૂછ્યું.
‘આ સવાલનો કોઈ મતલબ છે?’ શ્યામાની કાચી ઊંઘ બગડી હતી, એ કંટાળેલી અને થાકેલી હતી, ‘તારે ખરેખર કોઈ
કામ ન હોય તો મારે સૂઈ જવું છે’ એનાથી કહેવાઈ ગયું.
‘વ્હોટ ધ હેલ યુ મીન.’ પાવન વધુ ઉશ્કેરાયો.
‘પાવન, આઈ થિન્ક હવે આપણી પાસે વાત કરવાના વિષયો નથી રહ્યા. તને ખબર જ છે કે હું ઘરે પાછી નથી
આવવાની…’ કહીને શ્યામાએ ઉમેર્યું, ‘જે થયું એ પછી…’
‘શું થયું?’ પાવન શ્યામા ઉપર ધસી આવ્યો. શ્યામા બે ડગલાં પાછળ ખસી ગઈ, ‘જે માણસે ખરેખર તારા પર
બળાત્કાર કર્યો, એનો તે જીવ બચાવ્યો અને તારા પોતાના પતિને ગુનેગાર ઠેરવીને તું ક્યાં સુધી આવી રીતે ટોર્ચર કર્યા કરીશ?’
એ શ્યામાનો ખભો પકડવા ગયો, પણ શ્યામા વધુ બે ડગલાં પાછળ ખસી, ‘મારો વાંક શું છે એ તો કહે?’ પાવનના અવાજમાં
આજીજી હતી.
‘વાંક? જેણે બળાત્કાર કર્યો એની સાથે મારે કોઈ સંબંધ નહોતો, પણ તું તો મારો પતિ હતો, મારી સાથે ઊભા રહેવાને
બદલે, મારી મદદ કરવાને બદલે તું ભાગી ગયો અને હવે અપેક્ષા રાખે છે કે હું બધું ભૂલીને પાછી હતી એવી…’ શ્યામાની
આંખોમાં પાણી છલકાયાં, ‘સોરી! પાવન, હવે આપણે સાથે નહીં જ રહી શકીએ. તું ડિવોર્સ માટે ફાઈલ કરી શકે, હું સહી કરી
આપીશ.’
‘ડિવોર્સ?’ પાવને એવી રીતે કહ્યું જાણે એણે આ શબ્દ પહેલીવાર સાંભળ્યો હોય. એની આંખો પહોળી થઈ ગઈ. એણે
શ્યામાની નજીક જઈને એના બંને ખભા જોરથી પકડી લીધા. શ્યામાએ છોડાવવાની કોશિશ કરી, પણ પાવનની મજબૂત
પકડને કારણે એ છોડાવી શકી નહીં. એની આંખોમાં છલકાયેલાં પાણી હવે દર્દને કારણે ગાલ પરથી વહી ગયાં, ‘કોઈ કાળે નહીં
આપું તને ડિવોર્સ.’ પાવને કહ્યું, ‘મારી ઈમેજ, મારા એન્ડોર્સમેન્ટ, મારી કારકિર્દી બધું દાવ પર લગાડીને તને છોડી દઉં?’ એણે
ખભા પરની પકડ વધુ મજબૂત કરી, ‘ભૂલી જા…’ એણે કહ્યું.

બારીની બહાર ઊભેલો દિલબાગ આ બધું સાંભળી રહ્યો હતો. એ સામે ઊભેલા પાવનને જોઈ શકતો હતો. એ
દિવાલને એવો ચોંટીને ઊભો હતો કે, અંદરથી કોઈ એને જોઈ ના શકે. શ્યામાના ઘરમાં રોજિંદું કામ કરતી અંજુ પોતાના
રૂમમાંથી નીકળીને રસોડાના દરવાજા સુધી પહોંચી ત્યારે એણે જોયું કે, એક માણસ હાથમાં રિવોલ્વર લઈને દિવાલને
ચોંટીને ઊભો છે. ગઈકાલે રાત્રે એ પોતાના રૂમમાં પહોંચી ગઈ હતી, એ પછી દિલબાગ અને એની સાથેના માણસો આવ્યા, એટલે અંજુને એમની હાજરીની ખબર નહોતી. અત્યારે એને જોઈને અંજુ ડરી ગઈ.
દિલબાગ ઊંધો ફરીને ઊભો હતો એટલે એણે અંજુને જોઈ નહોતી.
અંજુથી ચીસ પડાઈ ગઈ, ‘ચોર, ચોર…’ અંજુએ બૂમાબૂમ કરી મૂકી. કોઈ કશું સમજે એ પહેલાં પાવને પોતાના હાથ
શ્યામાના ખભેથી હટાવી લીધા. મુખ્ય દરવાજો ખુલ્લો જ હતો. પાવન ત્યાંથી બહાર દોડ્યો. શ્યામા કદાચ સમજી ગઈ કે
અંજુએ આવી બૂમો શું કામ પાડી હશે. એટલે એ રસોડાના દરવાજેથી બહાર નીકળી.
શ્યામા અને પાવન પાછળની તરફ પહોંચ્યા ત્યારે દિલબાગ અંજુના ગળે હાથ વીંટાળીને એના લમણા પર રિવોલ્વર
તાકીને ઊભો હતો, ‘શટઅપ!’ એણે કહ્યું. શ્યામા અને પાવન એની સામે ઊભા હતા… પાવને આશ્ચર્યથી શ્યામા તરફ જોયું,
આવી ભયાનક ઘટનાને જોઈને પણ શ્યામાના ચહેરા પર આશ્ચર્ય કે આઘાત નહોતા એ જોઈને પાવનનું મગજ કામે લાગ્યું…
(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *