પ્રકરણ – 22 | આઈનામાં જનમટીપ

‘આ દાક્તરણીને ત્યાં પનાહ તો લીધી છે, પણ હું તને કોઈ મુશ્કેલીમાં નહીં મૂકાવા દઉં એટલું યાદ રાખજે.’ મંગલસિંઘની
બાજુમાં સૂતેલા દિલબાગે દીકરા તરફ જોઈને કહ્યું, ‘સારી બુધ્ધિ વાપરી તેં… આ છોકરી તારી વાતમાં આવી ગઈ. આપણને
આનાથી સેફ જગ્યા ના મળી હોત.’
‘તમે જો કન્ફેશન કરવાની વાત કરતા હો તો હું એ બાબતમાં સીરિયસ છું.’ મંગલસિંઘે પિતાની આંખમાં આંખ
નાખીને કહ્યું.
‘ને હું તને એટલી આસાનીથી કન્ફેશન કરવા દઈશ?’ દિલબાગના અવાજમાં ઠંડી ક્રુરતા હતી, ‘દિમાગ ખરાબ થઈ ગયું
છે તારું?’ એણે પોતાના બંને હાથ માથાની પાછળ કોણીએથી વાળીને ગોઠવ્યા, છત તરફ જોતાં એણે કહ્યું, ‘બે દિવસમાં દેશ
છોડી દઈશું. બે-ચાર મહિના બહાર રહીને પછી…’
‘હું ક્યાંય નથી આવવાનો.’ મંગલસિંઘ આટલું બોલ્યો કે દિલબાગ ફટ્ કરતો બેઠો થઈ ગયો, ‘આ છોકરીએ મારો જીવ
બચાવ્યો છે, હું એને નહીં છેતરું.’ મંગલસિંઘે કહ્યું.
‘બેવકુફ છે. તું તો ફસાઈશ, સાથે અમને પણ ફસાવીશ.’ દિલબાગે કહ્યું, ‘બહુ ડહાપણ કરીશ તો છોકરીને ઉડાવી દઈશ.
ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.’ એણે કહ્યું. હજી આ વાક્ય પૂરું થાય એ પહેલાં પિતાના માથા પાસે પડેલી રિવોલ્વર
ઉઠાવીને મંગલસિંઘે પિતા તરફ તાકી. દિલબાગ બઘવાઈ ગયો. એને પગે લાગ્યા વગર ઘરની બહાર નહીં નીકળનારો છોકરો
એક સ્ત્રી માટે એની સામે રિવોલ્વર તાણી રહ્યો હતો એ વાતનો આઘાત દિલબાગની આંખોમાં, એના ચહેરા પર છતો થઈ
ગયો, ‘એ છોકરી માટે તારા બાપને મારીશ?’ દિલબાગે પૂછ્યું.
‘છોકરી માટે નહીં.’ મંગલે કહ્યું, ‘મારા પોતાના માટે. હું આમાંથી નીકળવા માગું છું. મારા આત્મા પર બોજ છે.’ એ
બોલ્યો અને દિલબાગ કોઈ પાગલ વિક્ષિપ્તની જેમ જોરજોરથી હસવા લાગ્યો. એને હસતો જોઈને મંગલસિંઘ વધુ ચીડાઈ
ગયો, ‘હું સાચું કહું છું બાઉજી. મારે નથી જીવવી આ જિંદગી. ભગવાને મને કદાચ એટલે જ પાછો મોકલ્યો છે કે હું મારા
પાપોનું પ્રાયશ્ચિત કરી શકું.’ એની આંખો ભીની થઈ ગઈ.
‘પાપ?’ દિલબાગે ગુસ્સામાં પૂછ્યું, ‘પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ કોણ કરે છે? તારી મા, તારા ટ્યુશન ટીચર સાથે
ભાગી ગઈ ત્યારે નાનકડો હતો તું. છાતીએ લગાવીને ઉછેર્યો છે તને. મેં પણ તને રસ્તા પર છોડી દીધો હોત તો પાપ અને
પુણ્યની વ્યાખ્યા કરી શક્યો હોત? પેટનો ખાડો ભરવા માટે જે સુઝ્યું, જે દેખાયું એ કર્યું મેં. એકવાર આ દલદલમાં પગ મૂક્યો
પછી બહાર નીકળવાનો રસ્તો નથી એની ખબર હતી મને, ને તો પણ તને એક સારી જિંદગી આપવા મેં મારી જાતને આ
ગુનાહની ભઠ્ઠીમાં ઝોકી દીધી… હું સળગ્યો છું રોજ, તને શેનો બોજ છે?’ દિલબાગ બોલતો રહ્યો.
‘બાઉજી, મહેનત-મજૂરી કરીને કોઈ સામાન્ય છોકરાની જેમ ઉછેર્યો હોત તો મોટો ના થયો હોત?’ મંગલસિંઘે પૂછ્યું,
‘સરકારી સ્કૂલમાં ભણ્યો હોત, કદાચ નાની ઉંમરથી નોકરી લાગ્યો હોત તો આપણે બંને આમ ભાગતા ન ફરતા હોત. ફક્રથી
માથું ઊંચું કરીને પ્રામાણિકતાથી જીવતા હોત.’ એણે કહ્યું.
‘ખરી વાત છે, બેટા. આ બધી અક્કલ તને આજે આવી છે. આ દાક્તરણીને મળ્યા પછી. પેલી શફક સાથે તું જે કરતો
હતો ત્યારે આ બધી બુધ્ધિ ક્યાં ગઈ ‘તી? રોજ નવી છોકરીઓને પથારીમાં રગદોળતો હતો, શરાબ પીને ગાડી ચલાવતો હતો,
રમકડાંની જેમ રિવોલ્વર વાપરતો હતો ત્યારે આ બધું ડહાપણ નહોતું તારામાં?’ દિલબાગને સાચે જ ફાળ પડી હતી.
‘બાઉજી તમે કંઈ પણ કહો, હું આ પાપની જિંદગી જીવવા નથી માગતો.’ મંગલસિંઘે કહ્યું, ‘મને તમારી ચિંતા છે, નહીં
તો કાલે સવારે જ કન્ફેશન કરી લઉં.’ એણે કહ્યું.

‘એટલે?’ દિલબાગે પૂછ્યું.
‘એટલે તમે જાઓ અહીંથી. હું તમને ફસાવવા નથી માગતો. આપણા રસ્તા અહીંથી જુદા પડે છે. હું તમારી સાથે નહીં
આવું. મારે લીધે તમે જેલમાં જાઓ એવું નહીં કરું, પણ હું તો…’ કહીને એ ચૂપ થઈ ગયો. દિલબાગ કશું બોલ્યો નહીં, પણ
એને ખરેખર મંગલસિંઘની ચિંતા થવા લાગી. શ્યામાની વાતમાં બરાબર આવી ગયો હતો આ છોકરો… હવે દિલબાગનું પણ
માને એમ નહોતો. અત્યાર સુધી પિતાની જેમ વિચારતા દિલબાગે હવે એક ગેંગસ્ટરની જેમ વિચારવા માંડ્યું. જો આ છોકરો
ન જ માને અને પોતાની સાથે ન જ આવે તો એને એના નસીબ પર છોડીને અહીંથી નીકળી જવામાં જ ડહાપણ હતું એવું
દિલબાગને એનું મગજ કહી રહ્યું હતું. બીજી તરફ, પિતાનું હૃદય દીકરાને આવી પરિસ્થિતિમાં એકલો મૂકીને જવાની ચોખ્ખી
ના પાડતું હતું.
દિલ અને દિમાગ વચ્ચેની આ જંગમાં દિલબાગ ક્યારે ઊંઘી ગયો એની એને પોતાને પણ ખબર ન રહી…
દિલબાગને જોઈને શ્યામાને આશ્ચર્ય ન થયું, એ વાતની પાવને નોંધ લીધી. વળી, દિલબાગ અને શ્યામાએ એકબીજા સામે જે રીતે
જોયું એનાથી પાવનને સમજાયું કે, દિલબાગ અહીં અચાનક નહોતો આવ્યો બલ્કે, ગઈકાલથી, અથવા કદાચ એથીયે પહેલાંથી એ અહીં જ
હતો!
અંજુના લમણે રિવોલ્વર તાકીને ઊભેલા દિલબાગે જોરથી કહ્યું, ‘શટઅપ.’
‘આ અહીંયા શું કરે છે?’ પાવને પૂછ્યું.
‘અ…’ શ્યામા જવાબ ના આપી શકી.
‘તને ખબર હતી કે, આ અહીંયા છે?’ પાવનના મગજમાં શંકાનો કીડો સળવળ્યો, ‘હોસ્પિટલથી તું જ એને અહીંયા
લાવી છે?’ એણે શ્યામા તરફ લાલઘૂમ આંખે જોયું, ‘તો કન્ફેશનનું ભૂત ઉતર્યું નથી તારા મગજમાંથી?’
‘કામ ડાઉન.’ શ્યામાએ કહ્યું.
‘કામ ડાઉન?’ પાવન વધુ ઉશ્કેરાયો, ‘તો આ બધી તારી ગોઠવણ છે?’ એણે સેલફોન કાઢ્યો, ‘હું હમણા જ પોલીસને
ફોન કરું છું.’
અંજુના લમણે રિવોલ્વર દબાવીને ઊભેલો દિલબાગ જોરથી બરાડ્યો, ‘જે હલશે એને ફૂંકી મારીશ.’
‘પ્લીઝ!’ શ્યામાને જાણે કોઈ ભય જ ના હોય એવી રીતે એ આગળ વધી, ‘આ બધું શું નાટક છે?’ એણે દિલબાગને
પૂછ્યું.
‘આ અહીંયા શું કામ આવી છે?’ દિલબાગે સામો સવાલ કર્યો, ‘તે કહ્યું હતું અમે અહીંયા સેફ છીએ.’
‘સેફ જ છો.’ શ્યામાએ કહ્યું, ત્યાં સુધીમાં એ દિલબાગ સુધી પહોંચી ચૂકી હતી. એણે દિલબાગના હાથમાંથી રિવોલ્વર
એવી રીતે લઈ લીધી જાણે બાળકના હાથમાંથી રમકડું લેતી હોય. પછી એનો હાથ ખોલીને અંજુને જવાનું કહ્યું.
ડઘાઈ ગયેલો પાવન આ આખું દ્રશ્ય જોતો રહ્યો. બે-ચાર ક્ષણ પછી જાણે ભાન આવ્યું હોય એમ એણે બૂમ પાડી, ‘હું
તને નહીં છોડું.’ એ દોડ્યો. સામે જોઈને દોડી રહેલા પાવનની નજર જમીનના એક નાના ખાડા પર ન પડી. એનો પગ એ
ખાડામાં પડ્યો અને પાવન નીચે પડી ગયો. આવી ભયાનક સિચ્યુએશનમાં પણ શ્યામાને હસવું આવી ગયું. દિલબાગના
હાથમાંથી છુટેલી અંજુએ ઘરમાં જઈને ભાસ્કરભાઈને જગાડ્યા.
ભાસ્કરભાઈ બહાર આવ્યા ત્યારે પાવન જમીન પર હતો. દિલબાગ અને શ્યામા બાજુ બાજુમાં ઊભા હતા.
‘આ બધું શું છે?’ ભાસ્કરભાઈએ પૂછ્યું.
‘આ માણસ અહીંયા શું કરે છે?’ પાવને ઊભા થઈને શરીર પરથી ધૂળ ખંખેરતા ભાસ્કરભાઈ પાસે જઈને પૂછ્યું, ‘આ
અહીંયા છે એટલે એનો દીકરો પણ…’ ભાસ્કરભાઈ શ્યામા સામે જોઈ રહ્યા હતા. એમણે કંઈ જવાબ ન આપ્યો એટલે પાવન
તાડુક્યો, ‘ટૂંકમાં તમને પણ બધી ખબર જ છે.’ એણે હાથમાં પકડેલા ફોનમાં નંબર ડાયલ કરવા માંડ્યા, ‘હવે તો પોલીસ
બોલાવવી જ પડે.’
કોઈ કશું સમજે એ પહેલા દિલબાગ વિજળીની ઝડપે પાવનની નજીક પહોંચી ગયો. હવે એણે રિવોલ્વર પાવનના
માથે તાકી, ‘એ ભૂલ નહીં કરતો. નહીં તો ભેજુ ઊડાડી દઈશ.’ પાવને ફોન ઊંધો કરી દીધો. દિલબાગ કહેતો રહ્યો, ‘અમે આમ
પણ થોડીવારમાં જવાના જ હતા. અહીં નથી રહેવાના.’
‘કેમ?’ શ્યામાએ પૂછ્યું.
‘આપો જવાબ.’ પાવને કહ્યું, ‘મેડમ તમને રોકાવાનો આગ્રહ કરે છે. બે-ચાર દિવસ મહેમાનગતિ માણીને’ બોલતા
બોલતા પાવને આંખ ઝરતી શ્યામા તરફ જોયું, ‘અત્યાર સુધી મને લાગતું હતું કે, હું ક્યાંક ખોટો છું, મારી ભૂલ થઈ છે એટલે
તને સમજાવવાનો, મનાવવાનો પ્રયત્ન કરતો હતો, પણ હવે મને લાગે છે કે, ડિવોર્સ જ સાચો રસ્તો છે.’ એ ત્યાંથી મેઈન ગેટ
તરફ ચાલવા લાગ્યો.
દિલબાગે જોરથી બૂમ પાડી, ‘હવે કોઈ બહાર નહીં જાય.’
‘શું?’ શ્યામાએ નવાઈથી પૂછ્યું, ‘કેમ?’
‘અમારી સેફ્ટીનો સવાલ છે.’ દિલબાગની આંખો ફરી ગઈ, ‘આ માણસ ઉપર મને જરાય વિશ્વાસ નથી.’ પછી એણે
પાવનને કહ્યું, ‘ચલ અંદર જા.’ એણે ભાસ્કરભાઈ તરફ જોયું, ‘સર આપ પણ અંદર જાઓ.’ દિલબાગના હાથમાં રિવોલ્વર હતી,
ચર્ચા કરવાનો અર્થ નહોતો. પહેલા પાવનને પાછળ ભાસ્કરભાઈ રસોડાના દરવાજેથી અંદર જતા હતા ત્યારે દિલબાગે કહ્યું,
‘તમારો ફોન મને આપી દેજો.’ ભાસ્કરભાઈનો ચહેરો તમતમી ગયો. એમણે શ્યામા સામે જોયું. શ્યામાની નજર ઝૂકી ગઈ.
ભાસ્કરભાઈએ કશું બોલ્યા વિના પોતાનો ફોન દિલબાગને હવાલે કર્યો. પાવને અચકાઈને ફોન આપ્યો. દિલબાગે શ્યામા તરફ
જોયું.
‘હું મારો ફોન નહીં આપું.’ શ્યામાએ કહ્યું. પછી દ્રઢતાથી ઉમેર્યું, ‘તમારે મારા પર વિશ્વાસ કરવો જ પડશે, ઓપ્શન
નથી.’ કહીને એણે દિલબાગના હાથમાં પકડેલો ભાસ્કરભાઈનો ફોન ઉઠાવી લીધો, ‘મારા ડેડને ફોન કરવો હોત તો ગઈકાલે રાત્રે
જ કરી દીધો હોત. સો…’ કહીને એણે શાંતિથી ઘર તરફ ચાલવા માંડ્યું.
બહાર આ બધું ચાલતું હતું ત્યારે કોઈને ય કલ્પના નહોતી કે, ડરીને ઘરમાં ગયેલી અંજુએ ઓલરેડી પોલીસને ફોન કરી
દીધો હતો. અંજુએ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો, 100 અને કંટ્રોલ રૂમમાંથી સમાચાર સીધા અવિનાશકુમાર સુધી પહોંચી ગયા
હતા. એમણે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં સૂચના આપીને ટીમને રવાના થવાનું કહી દીધું હતું.
શ્યામા શાંતિથી ઘરમાં દાખલ થઈ ગઈ. એ ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી કે તરત જ ભાસ્કરભાઈએ ચીડાઈને કહ્યું, ‘મારા ઘરમાં
મારો ફોન માગે છે…’ શ્યામાએ હસીને પિતાના હાથમાં એમનો ફોન આપી દીધો.
‘મારો?’ પાવને પૂછ્યું.
‘એને તારામાં વિશ્વાસ નથી.’ શ્યામાએ કહ્યું, ‘સાચું પૂછો તો મને પણ નથી.’
‘તો આ લોકોને તું લાવી છે અહીંયા?’ પાવને કહ્યું, ‘મારો શક સાચો છે.’ શ્યામા એની સામે જોઈ રહી, ‘શરમ નથી
આવતી? એક તરફથી એની સામે કોર્ટમાં કેસ કરે છે ને બીજી તરફ એને તારા જ ઘરમાં છુપાવે છે. મને તો કંઈ સમજાતું નથી.’
‘તને નહીં સમજાય.’ શ્યામાએ કહ્યું, ‘હવે તારે જવું જોઈએ.’ એના ચહેરા પર વિચિત્ર ગંભીરતા હતી, ‘આ દિલબાગનું
મગજ ફરશે તો કારણ વગર…’ બાકીના શબ્દો શ્યામા ગળી ગઈ, પણ એમાં સ્પષ્ટ ધમકી હતી. છંછેડાયેલા પાવને ભાસ્કરભાઈ
તરફ જોયું, પણ એમણે નજર ફેરવી લીધી. એ પોતાના રૂમ તરફ ચાલી ગયા.
‘મારો ફોન…’ પાવને કહ્યું.
‘મોકલી આપીશ.’ કહીને શ્યામાએ મુખ્ય દરવાજો ખુલ્લો હતો એ તરફ ઈશારો કર્યો. ગુસ્સે થયેલો પાવન શ્યામાના
ઘરની બહાર નીકળી ગયો. એ અપમાનિત અને તિરસ્કૃત હતો. એની અંદર વેર ફૂંફાડા મારી રહ્યું હતું. કોઈપણ સંજોગોમાં આ
લોકોને પકડાવી દેવા જોઈએ, એવો વિચાર એના મનમાં આવ્યો, સાથે જ એને વિચાર આવ્યો કે, શ્યામા ભલે એમને બચાવતી હોય, પણ આ લોકો શ્યામાને ધમકી આપીને, ડરાવીને ઘરમાં ઘૂસ્યા હોય એવું પણ બની જ શકે. શ્યામા પર શક કરવાને બદલે એને મદદની જરૂર હોઈ શકે એવો વિચાર પોતાને કેમ ન આવ્યો એમ વિચારીને પાવન અફસોસ કરવા લાગ્યો…
ભાસ્કરભાઈએ શ્યામા તરફ જોઈને કહ્યું, ‘ધે હેવ ટુ લીવ.’
‘ધે વીલ.’ શ્યામાએ જવાબ આપ્યો, ‘એક-બે દિવસનો સવાલ છે ડેડ. એ લોકો પણ અહીંયા રહેવા નથી જ માગતા,
પણ અત્યારે…’ બાપ-દીકરીની વાત પૂરી થાય એ પહેલાં તો પોલીસની સાયરન સંભળાવવા લાગી. ગેટથી માંડ સો ફૂટ દૂર
ગયેલો પાવન ત્યાં જ ઊભો રહી ગયો. એણે એક પછી એક ત્રણ પોલીસ જીપ મુખ્ય દરવાજામાંથી દાખલ થતી જોઈ. એ
મનોમન ખુશ થઈ ગયો.
પોલીસ જીપની સાયરન દિલબાગે પણ સાંભળી. એણે શાની અને મુરલીને સાવધ કરી દીધા. ત્રણ જણાં બહાર
આવ્યા. દિલબાગના કમ્પ્યુટર જેવા મગજે વિચારી લીધું, અત્યારે મંગલને અહીંથી લઈ જવો એ ખૂબ અઘરું કામ હતું.
અલતાફ અને અવિનાશકુમારથી બચવાનો સહેલો રસ્તો એ હતો કે, ફરી એકવાર પોલીસની કસ્ટડીમાં ઘૂસી જવું. એણે લાંબું
વિચારીને આઉટ હાઉસથી મુખ્ય દરવાજા તરફ ચાલવા માંડ્યું.
પોલીસો હજી તો જીપમાંથી ઉતરી રહ્યા હતા ત્યાં સામેથી આવીને દિલબાગે રિવોલ્વર નીચે મૂકી દીધી. હાથ ઊંચા કરી
દીધા. મુરલી અને શાનીએ પણ એનું અનુકરણ કર્યું. લડવાની, શુટઆઉટની તૈયારી સાથે આવેલા પોલીસોને આશ્ચર્ય થયું,
‘સાહેબ!’ દિલબાગે કહ્યું, ‘હું સરેન્ડર કરું છું.’
દિલબાગ જરાક પણ સામનો કરે તો એને ઉડાવી દેવાની સૂચના સાથે આવેલી આ પોલીસ ટુકડી ગૂંચવણમાં
પડી ગઈ. સરેન્ડર કરતા માણસ પર ગોળી કેવી રીતે ચલાવાય! અને એ પણ બે સાક્ષીની હાજરીમાં!

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *