દિલબાગે જે રીતે સરેન્ડર કર્યું એનાથી પીઆઈ સાવંતને નવાઈ લાગી. એ કશું બોલ્યો નહીં. થોડીવાર ગૂંચવણમાં ઊભો
રહ્યો પછી સાવંતે ખૂણામાં જઈને ફોન લગાવ્યો, ‘સાહેબ આ તો સરેન્ડર કરે છે!’
‘હોંશિયાર છે.’ અવિનાશકુમારના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘બેસાડી લો.’ એણે કહ્યું.
‘નંતર?’ સાવંતે પૂછ્યું, ‘પછી શું કરીએ?’
‘પછીની વાત પછી…’ અવિનાશકુમારે કહ્યું, ‘હાથમાં આવ્યો છે તો લઈ લો.’ પછી એણે પૂછ્યું, ‘છોકરો ક્યાં છે?’
‘એ તો નથી.’ સાવંતે જવાબ આપ્યો.
‘ગાઢવ! આ આખી કવાયત જ છોકરા માટે હતી.’ અવિનાશકુમારનું મગજ છટક્યું, ‘પૂછ એને છોકરો ક્યાં છે?’
‘મંગલ ક્યાં છે?’ દિલબાગની નજીક જઈને સાવંતે પૂછ્યું.
‘એને શોધવા તો હું લોક-અપમાંથી બહાર નીકળ્યો હતો… મને એમ કે અહીંયા હશે પણ…’ દિલબાગે એક્ટિંગ કરી.
‘તો તને ખબર જ નથી, કે તારો છોકરો ક્યાં છે?’ સાવંતે પૂછ્યું.
‘અરે, સાહેબ! ખબર હોત તો એને લઈને રફુચક્કર ના થઈ જાત? દિલબાગસિંઘ નામ છે મારું… આજ સુધી
પોલીસના હાથમાં નથી આવ્યો, તો હવે શું કામ સરેન્ડર કરું?’ દિલબાગે કહ્યું.
‘શું કામ કરે છે સરેન્ડર?’ સાવંતે પૂછ્યું.
‘કારણ કે, એક તરફથી મારો છોકરો મને ફસાવવા બેઠો છે ને બીજી તરફથી અલતાફના માણસો મને શોધે છે.’
દિલબાગે સ્મિત કર્યું. એના ક્રૂર ચહેરા પર સ્મિત વિચિત્ર લાગતું હતું, ‘તમારા સાહેબને કહો કે, મારો છોકરો ગાંડો થઈ
ગયો છે. એ જે કંઈ કરી રહ્યો છે એમાં મારો સાથ નથી.’ એણે બે હાથ જોડ્યા, ‘મારો વાંક નથી.’
‘મારા સાહેબ? કોણ મારા સાહેબ?’ ઈન્સ્પેક્ટરે અજાણ્યા થવાનો પ્રયત્ન કર્યો, દિલબાગ હસ્યો. પછી એણે કહ્યું,
‘આપણા બેના સાહેબ જુદા નથી… મારા માટે તો આજે પણ એ સાહેબ જ છે. હું તો મંગલને એટલે જ શોધું છું કે
એને સમજાવી શકું. સરેન્ડર પણ એટલે જ કરું છું, જેથી સાહેબને ખાતરી થાય કે મને કોઈ…’ પછી ઉમેર્યું, ‘હું તો તમારી
કસ્ટડીમાં જ સેફ છું.’
આ બધું ચાલતું હતું ત્યાં શ્યામા અને ભાસ્કરભાઈ બહાર આવ્યા. દિલબાગ અને શ્યામાની નજર મળી એટલે
શ્યામાએ કહ્યું, ‘ગઈકાલે રાત્રે આ લોકો જબરજસ્તી અંદર ઘૂસી આવ્યા. મને અને મારા ડેડને બાનમાં લઈને આખી રાત અહીં
રોકાયા.’
‘કેટલા જણાં છે?’ સાવંતે પૂછ્યું.
‘ત્રણ.’ દિલબાગ જવાબ આપે એ પહેલાં શ્યામાએ જવાબ આપ્યો. શ્યામાની આ ચતુરાઈ અને મંગલસિંઘને બચાવી
લેવાની એની આવડત ઉપર દિલબાગસિંઘ વારી ગયો. એણે આભારવશ નજરે શ્યામા તરફ જોયું. શ્યામાએ પાપણ નમાવીને
એને ચિંતા નહીં કરવાનો ઈશારો કર્યો. દિલબાગ, શાની અને મુરલી પોલીસ જીપમાં બેસી ગયા. પોલીસ જીપ બહાર નીકળી
ત્યાં સુધી પાવન ગેટથી થોડે દૂર ઊભો રહીને તમાશો જોતો રહ્યો.
*
આ બધું પૂરું થયા પછી ભાસ્કરભાઈએ શ્યામા તરફ જોયું, ‘પેલો અહીં જ રહેવાનો છે?’
‘એ ક્યાં જશે, ડેડ?’ શ્યામાએ કહ્યું, ‘એની મેડિકલ કન્ડીશન 15 દિવસ સુધી એને ક્યાંય જવાની રજા આપી
શકાય એવી નથી.’
‘મને કંઈ સમજાતું નથી.’ કહીને ભાસ્કરભાઈ નારાજગી સાથે અંદર ચાલી ગયા. શ્યામા બહાર, આઉટ
હાઉસના રૂમ તરફ આગળ વધી ગઈ.
‘તારા બાઉજીને પોલીસ લઈ ગઈ છે.’ શ્યામાએ સમાચાર આપતી હોય એમ મંગલને કહ્યું. મંગલના ચહેરા પર
કોઈ ફેરફાર ના થયો. શ્યામા એની સામે જોઈ રહી, ‘કદાચ, તને જ લેવા આવ્યા હતા એ લોકો, પણ તારા બાઉજીએ
સરેન્ડર કરીને તને બચાવી લીધો.’
‘તો હું કંઈ બહુ દિવસ બહાર નહીં રહું.’ એણે કહ્યું, ‘તારે મીડિયાને બોલાવવું જોઈએ.’
‘કેમ?’ શ્યામા સમજી તેમ છતાં એણે પૂછ્યું.
‘હું જે કંઈ કહું એ મીડિયા સામે કહું તો જ એ લોકો મને જીવતો રહેવા દેશે. અંગત રીતે પોલીસ સ્ટેશનમાં
જઈને હું કન્ફેશન કરું એ પછી હું જીવતો નહીં રહું.’ મંગલસિંઘે કહ્યું, ‘આઈ એમ શ્યોર, તું સમજે છે.’
‘હા, પણ…’ શ્યામા સહેજ ગૂંચવાઈ, ‘એ પછી તને કંઈ થશે તો? આ લોકો તને…’ એ સહેજ ડરી ગઈ,
મંગલસિંઘ હસી પડ્યો. એને હસતો જોઈને શ્યામા સહેજ ચીડાઈ, ‘હા. હું જ ઈચ્છું છું કે તું કન્ફેશન કરે, મને જ
ન્યાય જોઈએ છે અને તો પણ મને ડર લાગે છે… તારા માટે!’ એણે વધુ અકળાઈને પૂછ્યું , ‘એમાં હસવા જેવું શું છે?’
‘હું તારા માટે નથી હસતો.’ મંગલે કહ્યું, ‘હું મારા માટે હસું છું. ગઈકાલ સુધીનો મંગલ અને આજનો મંગલ
જુદા છે. જે મંગલને તું ગઈકાલ સુધી ધિક્કારતી હતી, આજે એની ચિંતા કરે છે… બસ આ જ ફરક છે, જે મને હવે
સમજાયો છે, એટલે હસું છું.’
‘સાચું કહું.’ શ્યામાએ પૂરી પ્રામાણિકતાથી કહ્યું, ‘એક બાજુથી હું ઈચ્છું છું કે, તું તારો ગુનો કબૂલ કરે. મારા
પરનો રેપ જ નહીં, બીજી છોકરીઓ સાથેના અત્યાચાર, તારા પિતાનું સેક્સ રેકેટ અને એમના ધંધા ખુલ્લા પાડે…
પણ બીજી તરફથી મને એવો સવાલ થાય છે કે, એ બધા પછી શું થશે? રાહુલ તાવડે જેવા માણસો સુધરશે? તારા
પિતાના ગ્રાહક હતા એવા ઓફિસર્સ, મિનિસ્ટર્સ અને બીજા લોકો બદલાશે?’
‘ના.’ મંગલસિંઘે કહ્યું, એ લોકો બીજો એક દિલબાગ ઊભો કરી લેશે.
‘તો શું ફાયદો? તને જેલમાં મોકલવાથી પરિસ્થિતિ નહીં બદલાય…’
‘તને તારું સન્માન પાછું મળશે.’ મંગલે કહ્યું, અત્યાર સુધી શ્યામાને ‘તમે’ કહીને સંબોધતા એણે પહેલીવાર
શ્યામાને ‘તું’ કહીને સંબોધી. શ્યામાએ ક્ષણવાર માટે એની સામે જોયું, પછી નજર ઝુકાવી દીધી, ‘એ જ તો જોઈએ
છે ને તારે?’ કહેતો કહેતો મંગલ ઊભો થવા ગયો, પણ એનો હાથ લાકડાના પલંગ પર બરાબર ગોઠવાયો નહીં, પગમાં
પ્લાસ્ટરના વજનને લીધે એ લપસી પડ્યો. જમીન પર પડે એ પહેલાં શ્યામાએ દોડીને એને સંભાળી લીધો.
શ્યામા અને મંગલ એકમેકના બાહુપાશમાં એવી રીતે લપેટાઈ ગયા, કે છુટા પડે તો બેમાંથી એક નીચે પડી
જાય! સંકોચ અને અસમંજસમાં બંને જણાં એકબીજાથી છુટા પડવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. મંગલને સંભાળીને…
ધીમે ધીમે હાથ છોડીને શ્યામાએ એને ઊભો રહી શકે એ સ્થિતિમાં પોતાનાથી દૂર કર્યો, પરંતુ એક પગ પ્લાસ્ટરનો
હોવાને કારણે મંગલે પડવાના ડરથી ફરી શ્યામાનો સહારો લઈ લીધો. એકમેકને ટેકે ઊભેલાં બંને જણાં પોતપોતાની
જાતને સંભાળવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે જ પાવન દાખલ થયો.
‘ઓહ! હવે મને સમજાયું…’ પાવને દાખલ થતાંની સાથે કહ્યું, ‘અચાનક વાલિયામાંથી વાલ્મીકિ કેવી રીતે બની
ગયો…’
‘શું બોલે છે!’ શ્યામા સહેજ સંકોચાઈ, સહેજ અકળાઈ.
‘જે જોયું એ જ બોલું છું.’ પાવને કહ્યું, ‘બાપને પોલીસને હવાલે કર્યો ને પોતે અહીંયા મારી બૈરીની સાથે
ચુમ્માચાટી કરે છે… હરામખોર સાલો.’
‘પાવન!’ શ્યામા આગળ કશું બોલી ન શકી.
‘અરે જા…’ પાવન એટલો બધો ગુસ્સામાં હતો કે, એનો સંયમ એના હાથમાંથી છૂટી ગયો હતો, એ બોલતો
રહ્યો, ‘જે માણસે તારો બળાત્કાર કર્યો, જેના પર તે કોર્ટમાં કેસ કર્યો, હવે એને જ તારા ઘરમાં આશરો આપ્યો છે અને
એની જ સાથે લફરા કરે છે. હું પણ ક્યારનો વિચારતો હતો કે અચાનક ડિવોર્સની વાત આવી ક્યાંથી? પણ, હવે મને
સમજાયું.’
‘એના પગમાં ફ્રેક્ચર છે, હું એને ઊભો કરવાનો પ્રયત્ન…’ શ્યામાને પોતાને પણ ન સમજાયું કે, એ શા માટે
ખુલાસો આપતી હતી.
‘ને તું… ચાન્સ મારે છે?’ પાવને મંગલસિંઘને કહ્યું, ‘એક વાત યાદ રાખજે, જે મારા જેવા પ્રેમાળ પતિની ન
થઈ શકી એ તારા જેવા ગેંગસ્ટરની પણ નહીં જ થાય… સાલી! કેટલાક બૈરાને પ્રેમ કરવા કરતાં બળાત્કારમાં વધારે
મજા આવતી હોય છે. તારું પણ એવું જ થયું લાગે છે.’ એણે ગાળની જેમ કહ્યું, ‘વિકૃત!’ હવે પાવન આગળ બોલી શકે
એ પહેલાં મંગલસિંઘ એના ફ્રેક્ચરવાળા પગને ઘસડતો એના સુધી પહોંચી ગયો. એણે પાવનના ચહેરા પર એક મુક્કો
જડી દીધો. એના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. પાવન હસવા લાગ્યો… એના હાસ્યમાં એક નફ્ફટ તિરસ્કાર હતો.
ઉશ્કેરાયેલા મંગલે બીજો મુક્કો માર્યો. મુક્કો મારવાના ફોર્સમાં મંગલ પછડાયો.
જમીન પર પડેલા મંગલને પાવને લાત મારી. શ્યામાથી ચીસ પડાઈ ગઈ, ‘સ્ટોપેડ પાવન…’ એણે શ્યામા સામે
એવી રીતે જોયું જાણે શ્યામા કોઈ ગુનો કરતા પકડાઈ ગઈ. એણે કડવું હસીને મંગલના પડખામાં ફરી લાત મારી.
મંગલે બંને હાથ પેટ ઉપર લપેટી દીધા. એને પાંસળીમાં ભયાનક દુઃખાવો થવા લાગ્યો, ‘શું કરે છે તું? એને શું કામ
મારે છે?’ શ્યામાએ પૂછ્યું. પછી નીચે બેસીને એ મંગલને ઊભો કરવાની કોશિશ કરવા લાગી, પણ મંગલનું વજન
આમ પણ એની ઊંચાઈને કારણે ઘણું વધારે હતું. પગના પ્લાસ્ટરને કારણે એ પોતે પોતાની મેળે ઊભો થઈ શકતો
નહોતો એટલે ફસડાઈ પડ્યો.
‘શું કામ મારું છું? મને પૂછે છે? સાલી!’ પાવને ગાળ બોલીને લાત મારવા પગ ઊંચો કર્યો, પણ મંગલે પાસે
પડેલી પાણીની બોટલ ઉપાડીને પાવનના પગ પર તોડી નાખી. ચીસો પાડતો પાવન જમીન પર બેસી ગયો.
દરમિયાનમાં શ્યામાએ મંગલને ધીમે ધીમે ધક્કો મારીને પલંગ સુધી પહોંચાડ્યો. શ્યામાનો અને પલંગનો આધાર લઈને
મંગલ બેઠો થયો.
‘હવે એક પણ ગાળ બોલ્યો છે ને તો મોઢું તોડી નાખીશ તારું.’ મંગલે કહ્યું.
‘ગાળ? અરે હું એના હાડકાં તોડી નાખીશ. એક તરફથી રેપિસ્ટ જોડે લફરાં કરે છે… સાલી…’ એણે ફરી ગાળ
દીધી અને એ ઉશ્કેરાઈને ધસી આવ્યો, પણ પલંગ પર બેઠેલા મંગલે ઓશિકું ઉપાડીને પાવનના મોઢા પર છુટ્ટું ફેંક્યું.
અણધાર્યા હુમલાથી પાવન પડી ગયો.
‘હાથ લગાડવાનો તો વિચાર જ નહીં કરવાનો.’ મંગલે કહ્યું, ‘આ તો મારો પગ તૂટેલો છે એટલે બાકી…
અત્યારે તો તું એમ્બ્યુલન્સમાં હોત.’
‘અચ્છા?’ પાવન ખરેખર ચીડાઈ ગયો હતો, ‘આ તું બોલે છે? જેણે કેટલીયે સ્ત્રીઓનાં રેપ કર્યાં છે, કેટલીને
સપ્લાય કરી છે, કેટલીની જિંદગી બરબાદ કરી છે… એ?’
‘તો? મને બદલાવાનો, સુધરવાનો અધિકાર નથી?’ મંગલે કહ્યું. એની આંખોમાં એક વિચિત્રતા તરલતા
છલકાઈ. એણે જે વહાલ અને આદરથી શ્યામા તરફ જોયું એ નજર શ્યામાથી સહેવાઈ નહીં, ‘આ…’ મંગલે શ્યામા
તરફ હાથ ઉઠાવ્યો, ‘આણે બદલ્યો છે મને. અત્યાર સુધી કોઈ સ્ત્રી મારા જીવનમાં હતી જ નહીં. બાઉજીએ જે
શીખવાડ્યું એ શીખ્યો હું… ઘરમાં મા હોત, બહેન હોત તો કદાચ સમજાયું હોત કે, એક સ્ત્રીની હાજરી કેટલી સુંદર,
કેટલી પવિત્ર હોઈ શકે! એ પછી સ્ત્રી માત્ર સેક્સનું, ઉપભોગનું સાધન છે, વાપરવાની કે વીનિમયની વસ્તુ છે એટલું
જ સમજાવવામાં આવ્યું, તો હું એટલું જ સમજ્યો.’ એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, એક સ્ત્રી પોતાનું
અપમાન કરનાર, એના પર અત્યાચાર કરનાર, જુઠ્ઠું બોલનાર એક ગુંડાનો જીવ બચાવી શકે એટલી પ્રામાણિક અને
મમતામયી હોઈ શકે એ તો મને શ્યામાને મળીને સમજાયું, શફકને મળીને સમજાયું. એ દિવસે જો શફકે ઓક્સિજનનું
માસ્ક મને ન આપ્યું હોત તો આજે અહીં ન હોત હું… એને માટે તો કંઈ ન કરી શક્યો, પણ શ્યામા માટે ચોક્કસ મારો
ગુનો કબુલ કરીશ. એને એનું આત્મસન્માન પાછું અપાવીશ, મેં વચન આપ્યું છે એને. મારી જિંદગીના બદલામાં
એટલું તો કરી જ શકું…
પાવને બે હાથે તાળીઓ પાડી, ‘મને એમ કે એક્ટર તો હું છું, પણ તું તો મારાથી ય સારો એક્ટર છે…’ એણે
શ્યામા સામે જોયું, ‘આત્મસન્માનની વાત કરે છે? આ બાઈ? મને તો લાગે છે કે ત્યારે પણ રેપ-બેપ નહીં થયો હોય,
એને મજા જ પડી હશે.’ એ ગંદુ-વિકૃત હસ્યો, ‘રોજ વેરાયટી જોઈતી હોય તો હોસ્પિટલ નહીં, હોટેલમાં જવું પડે.
કહે તારા બાપને આને ધંધે લગાડી દે…’
કોઈને કશું સમજાય એ પહેલાં મંગલસિંઘ પલંગનો આધાર લઈને ઊભો થયો. કોણ જાણે કયા બળે
પ્લાસ્ટરવાળો પગ ઢસડતો એ છ-સાત ફૂટ દૂર ઊભેલા પાવન સુધી પહોંચ્યો, એણે પાવનને કોલરમાંથી પકડીને નીચે
પાડી દીધો. દુઃખાવાના પરવા કર્યા વિના પોતે પછડાયો અને નીચે પડેલા પાવનના ચહેરા પર અંધાધૂંધ મુક્કા મારવા
માંડ્યો, ‘એક શબ્દ નહીં. નોટ અ સિંગલ વર્ડ અગેઈન્સ્ટ હર.’ એ જોરજોરથી કહી રહ્યો હતો.
મુક્કા ખાતો પાવન ચહેરો આમ-તેમ ઘૂમાવીને પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ‘આટલું બધું
શેનું લાગી આવે છે તને?’ એણે પૂછ્યું, ‘તારે શું લેવાદેવા છે?’
‘હું પ્રેમ કરું છું એને.’ પાવનને કોલરમાંથી પકડીને હચમચાવી નાખતા મંગલે કહ્યું, ‘આઈ લવ હર, ડેમ ઈટ!’
જમીન પર પડેલો લોહીલુહાણ પાવન, થોડે દૂર ઊભેલી શ્યામા અને આ બૂમાબૂમનો અવાજ સાંભળીને ત્યાં
આવી પહોંચેલા ભાસ્કરભાઈ બધા જાણે કોઈ ચિત્રમાં ચિતરેલા આકારો હોય એમ સ્તબ્ધ થઈ ગયા.
(ક્રમશઃ)