પ્રકરણ – 25 | આઈનામાં જનમટીપ

અવિનાશકુમારે હાથમાં રિમોટ પકડીને જોરથી બૂમ પાડી, ‘બાસ્ટર્ડ.’ પછી એની બાજુમાં ઊભેલા એના
આસિસ્ટન્ટને કહ્યું, ‘પૂછો રિપોર્ટરને, ક્યાંથી આવ્યો છે આ?’
‘જી, સર.’ કહીને આસિસ્ટન્ટ બહાર ગયો.
ત્યાં જ અવિનાશકુમારના ફોન પર સુધાકર સરિને મોકલેલો વીડિયો ફ્લેશ થયો. અવિનાશકુમારે ફોન લગાડીને
સુધાકર સરિનને પૂછ્યું, ‘કોણે મોકલ્યો છે આ વીડિયો? કયા નંબર પરથી આવ્યો?’
‘ડૉ. શ્યામાએ મોકલ્યો છે સર, એમના જ ફોન પરથી…’
‘એનો અર્થ એમ કે, મંગલસિંઘ અને શ્યામા સાથે છે. ક્યાં હોઈ શકે?’ અવિનાશકુમારે પૂછ્યું.
‘સર, એ પાંચ વાગ્યે મીડિયાને મળવાનો છે, હોસ્પિટલમાં. એનો અર્થ એ થાય કે, ડૉ. શ્યામાએ હોસ્પિટલમાં
જ ક્યાંક છુપાવ્યો છે. આમ પણ, એની મેડિકલ કન્ડીશન જોતાં એને માટે હોસ્પિટલ જ સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. એ
બિલ્ડિંગમાં જ ક્યાંક હોવો જોઈએ.’
અવિનાશકુમાર આંખો મીંચીને સુધાકર સરિનની વાત સાંભળી રહ્યો હતો. સાથે સાથે એનું મગજ લાઈફ કેર
હોસ્પિટલના બિલ્ડિંગમાં મંગલસિંઘ ક્યાં છુપાઈ શકે એની ગણતરી કરવા લાગ્યું હતું. અવિનાશકુમાર કંઈ વિચારે એ
પહેલાં એના ફોનના સ્ક્રીન પર ‘સાહેબ’ ફ્લેશ થવા લાગ્યું. અવિનાશકુમાર સમજી ગયા કે, પોતાને જે વીડિયો મળ્યો
છે એ રાહુલ સુધી પહોંચ્યો જ હશે. એણે ડરતાં ડરતાં ફોન ઉપાડ્યો, ‘સર! હું સમજું છું. બે જણાં સામસામે કૂતરા-
બિલાડાની જેમ લડ્યા ને હવે એકબીજાની સાથે…’
‘શેની વાત કરો છો?’ રાહુલે પૂછ્યું. અવિનાશકુમારને સમજાયું કે, એને કંઈ ખબર જ નથી. અવિનાશકુમારે
ઘડિયાળ જોઈ. હજી વહેલી સવાર હતી. શક્ય છે એમણે હજી ફોન ન જોયો હોય કે ટીવી શરૂ ન કર્યું હોય.
અવિનાશકુમારે કહ્યું, ‘સર! મંગલસિંઘ યાદવે વીડિયો મૂક્યો છે. એ સાંજે પાંચ વાગ્યે પ્રેસને મળવાનો છે. કન્ફેશન
કરવાનો છે.’
‘હમમ.’ રાહુલે કહ્યું. એણે કોઈ પ્રતિભાવ ન આપ્યો એનાથી અવિનાશકુમારને એટલું સમજાયું કે, રાહુલ પૂરી
પરિસ્થિતિને સમજ્યા વગર આ વાત ઉપર કોઈ ચર્ચા કરવા નથી માગતો. રાહુલની પ્રકૃતિ જ એવી હતી, સ્પોર્ટ્સમેન
હોવાને કારણે કોઈપણ પરિસ્થિતિમાં શાંત રહી શકે. ઉશ્કેરાટને બદલે સમજણથી કામ લેતાં એને આવડતું. આગળ કશું
બોલ્યા વગર રાહુલે ફોન મૂકી દીધો. એણે પોતાનો ફોન ઉપાડ્યો અને જોયું, સુધાકર સરિન અને એક અનનોન નંબર
પરથી મેસેજ હતો. અનનોન નંબરને એણે ટ્રુ કોલરમાં ચેક કર્યો તો ડૉ. શ્યામાનો હતો. એણે વીડિયો ખોલીને જોઈ
લીધો, પછી નિરાંતે બગીચાના હિંચકા પર જઈને એણે પરિસ્થિતિ વિશે વિચારવા માંડ્યું.

*

શ્યામાના બંગલામાંથી બહાર નીકળીને પાવને એના મેનેજરને ફોન કર્યો, ‘મારે આ બાઈથી છૂટા પડવું છે. આ
મંગલસિંઘ યાદવ કન્ફેશનનું નવું ટુટ લઈને બેઠો છે. કેસ ફરી ખૂલશે. કોઈપણ સંજોગોમાં મારે આ લફરામાં નથી
ફસાવું.’ એનો મેનેજર કંઈ બોલે એ પહેલાં જ પાવને કહ્યું, ‘કાલે મીડિયામાં મારો ધજાગરો થાય એ પહેલા…’

પાવનની વાત પૂરી થાય એ પહેલાં એના મેનેજરે કહ્યું, ‘સર! આ ટાઈમે જો તમે ડિવોર્સની વાત પણ કરશો ને
તો તમારી ઈમેજ ખતમ થઈ જશે.’
‘શું બકવાસ કરે છે?’
‘આઈ એમ સિરિયસ સર. અત્યારે તો તમારે શ્યામા મેડમની બાજુમાં ઊભા રહીને પબ્લિક સિમ્પથીના વોટ
જીતવાના છે… આપણી ફિલ્મ રિલિઝ થઈ રહી છે સર. અત્યારે એવું કંઈ ના કરતાં જેનાથી પિક્ચરને નુકસાન થાય.’
‘* # *’ પાવન માહેશ્વરી ગાળ બોલ્યો, ‘એટલે હવે મારે પિક્ચરના પ્રમોશન માટે આ બાઈની બેવકૂફીમાં સાથ
આપવાનો?’
‘સર! મારું માનો તો અત્યારે તમારે એમના ફર્સ્ટ સપોર્ટર બનવું જોઈએ.’ મેનેજરે અચકાઈને પણ સાચી
સલાહ આપી દીધી, ‘મેડમને તમે સપોર્ટ કરશો તો લેડીઝ વ્યૂઅર્સ તમને સપોર્ટ કરશે. શાહરૂખને જુઓ સર. વાઈફ,
છોકરાંઓ અને ફેમિલીની ઈમેજ સાચવી રાખી છે તો હીટ પર હીટ ફિલ્મો આપે છે. તમે પણ વાઈફના સપોર્ટમાં
ઊભા રહેશો તો…’
‘અરે યાર!’ પાવનને અત્યારે પેટ ભરીને પસ્તાવો થયો. ડૉ. શ્યામાના ઘરમાંથી બહાર નીકળ્યા પછી મેનેજરને
ફોન કરવાને બદલે એણે જરા ધીરજથી કામ લીધું હોત તો સારું થાત, એવો એને વિચાર આવ્યો. હવે પાછા કેવી રીતે
જવું એ વિશે એનું મગજ કામે લાગ્યું.
થોડીવાર બંગલાની બહારના રસ્તાની ફૂટપાથ પર આંટા માર્યા પછી પાવન પાછો અંદર ગયો.

*

શ્રમ, પીડા અને સ્ટ્રેસને કારણે મંગલસિંઘની પરિસ્થિતિ ખરેખર ખરાબ હતી. ગઈકાલથી આજ સુધીમાં
પ્રવાસ, પાવનનો માર અને પોતે વાપરી નાખેલા વધુ પડતા એક્સેસ બળને કારણે એની પાંસળીમાં ભયાનક દર્દ થતું
હતું, પગનું ફ્રેક્ચર પણ અતિશય પીડા આપી રહ્યું હતું. આ દર્દને કારણે એને થોડો તાવ ચડવા લાગ્યો હતો. શ્યામાએ
ઓક્સિજન સિલિન્ડર ચાલુ કર્યો અને એના શરીરની પોઝિશન આરામદાયક રીતે ગોઠવી કે તરત મંગલસિંઘની આંખો
ઘેરાવા લાગી. એને ઊંઘની સખત જરૂર હતી. શ્યામાએ એને ઊંઘી જવા દીધો, પછી ભાસ્કરભાઈ સાથે આઉટ
હાઉસમાંથી નીકળીને એ ઘરમાં પાછી આવી.
અંજુ ધ્રૂજતી-થથરતી ઊભી હતી. ઘરના કોઈની રજા લીધા વગર એણે પોલીસ બોલાવી લીધા એ વાતે હવે
બેન અને સાહેબ શું કહેશે એ વિચારીને અંજુ સખત ડરી ગઈ હતી. ભાસ્કરભાઈ અને શ્યામા જેવા ઘરમાં દાખલ થયા
કે એણે બે હાથ જોડીને કહ્યું, ‘સોરી. મારે ફોન નહોતો કરવો જોઈતો…’
શ્યામાએ એના બે હાથ પકડી લીધા, ‘તેં જે કર્યું એનાથી ફાયદો જ થયો છે. દિલબાગ પાછો કસ્ટડીમાં પહોંચી
ગયો.’ શ્યામાનું સ્નેહ જોઈને અંજુ રડવા લાગી. ભાસ્કરભાઈએ પણ એને સાંત્વના આપી. શાંત કરી, પછી શ્યામાએ
કહ્યું, ‘જે થયું એ બધું તારી સામે થયું છે, કદાચ તને સાક્ષીમાં બોલાવશે.’
‘હું આવીશને, મેડમ.’ અંજુએ બહાદુરીથી કહ્યું, ‘મેં બધું જોયું છે. હું કહીશ.’
‘હા’, શ્યામાએ સાવધાનીથી કહ્યું, ‘કદાચ તારે તે નથી જોયું એવું પણ કહેવું પડે.’ અંજુ નવાઈથી શ્યામાની
સામે જોઈ રહી. શ્યામાએ આગળ કહ્યું, ‘એટલે… જુઠ્ઠું નથી બોલવાનું, પણ કદાચ કેટલીક વાતો ન કહેવા જેવી હોય
તો…’
ભાસ્કરભાઈ ધ્યાનથી શ્યામાની વાત સાંભળી રહ્યા હતા. એમણે ધીમેથી કહ્યું, ‘તું મંગલને બચાવવા માગે છે?’
શ્યામાએ જવાબ ન આપ્યો, ફક્ત પિતા સામે જોયું. એની આંખોમાં કંઈક એવું હતું જે જોયા પછી ભાસ્કરભાઈએ
આગળ કંઈ કહ્યું નહીં, પણ એમને ખૂબ ચિંતા થવા લાગી.
‘સવાલ એ નથી કે, હું એને બચાવીશ કે સજા કરાવીશ.’ શ્યામાએ પૂરી સ્વસ્થતા સાથે કહ્યું, ‘સવાલ એ છે કે,
એ સુધરવા તૈયાર થયો છે. આપણે એને ગુનેગાર જ રહેવા દેવો છે કે પછી…’

‘સ્ટુપિડ છે તું.’ ભાસ્કરભાઈથી રહેવાયું નહીં, ‘એને બરાબર ખબર છે કે, દરેકે દરેક સ્ત્રીને એક જ શબ્દ
વાપરીને ફસાવી શકાય છે.’ ભાસ્કરભાઈ કડવું હસ્યા, ‘એણે અત્યાર સુધીમાં સ્ત્રીની સાયકોલોજી પર પીએચડી કરી
લીધું છે.’ શ્યામા કશું કહેવા જાય એ પહેલાં ભાસ્કરભાઈએ એને હાથ ઊંચો કરીને રોકી, ‘ભણેલી-ગણેલી ડૉક્ટર છે તું.
એની વાહિયાત ફાલતુ વાતોમાં આવીને તું પણ…’ ભાસ્કરભાઈએ નિરાશામાં ડોકું ધૂણાવ્યું, ‘ફાંસી થવી જોઈએ એને.’
કહીને ગુસ્સામાં ઉમેર્યું, ‘ફાંસી પણ ઓછી સજા છે આવા માણસ માટે.’
‘યુ આર રાઈટ, સર.’ કહેતો પાવન ઘરમાં પ્રવેશ્યો. એને પાછો આવેલો જોઈને ત્રણેય જણાં નવાઈ પામ્યા.
કોઈ શરમ કે અચકાટ વગર આગળ વધીને પાવને શ્યામાનો હાથ પકડી લીધો, ‘આઈ એમ સોરી.’ એણે કહ્યું. શ્યામાએ
હાથ છોડાવી લીધો, પણ પાવને ફરી પોતાના બંને હાથમાં એની હથેળી જકડીને કહ્યું, ‘હું અહીંથી બહાર નીકળ્યો કે
તરત મને સમજાયું, મારી બીજી ભૂલ થઈ ગઈ. આવા સમયમાં મારે તારી સાથે ઊભા રહેવું જોઈએ એના બદલે ફરી
એકવાર હું…’ એણે પોતાની અભિનયકલાને બરાબર કામે લગાડી, ‘શીટ! આઈ હેઈટ માય સેલ્ફ. હું કેવી રીતે આટલો
સ્વાર્થી બની ગયો!’ કહીને એ પૂતળું બની ગયેલી શ્યામાને ખેંચીને ભેટ્યો, ‘આઈ લવ યૂ.’ એણે કહ્યું. શ્યામા કોઈ
પ્રતિભાવ વગર એમ જ પૂતળાની જેમ ઊભી રહી. એની પીઠ પર હાથ ફેરવતા પાવને કહ્યું, ‘પેલા જુઠ્ઠા મક્કારની
જેમ તને ફસાવા માટે નથી કહેતો. પત્ની છે તું મારી. હું સાચે જ તને પ્રેમ કરું છું.’ પાવનને ભેટીને ઊભેલી શ્યામાની
આંખોમાં કોઈ ભાવ જ નહોતો.
ભાસ્કરભાઈ આ આખું દ્રશ્ય જોઈ રહ્યા હતા. એમનું પિતૃ હૃદય ભરાઈ આવ્યું, ‘બસ બેટા! દેર આયે દુરસ્ત
આયે. તને સમજાઈ ગયું એ સૌથી સારું થયું. હું તો ઈચ્છતો જ હતો કે, તમે બંને જણાં ફરી પાછા…’ ભાસ્કરભાઈએ
આંખો લૂછીને કહ્યું, ‘મારી દીકરી અત્યારે બહુ એકલી છે, એને તારા સાથની જરૂર છે.’
પાવને હળવેથી શ્યામાને પોતાનાથી દૂર કરી. એનો ચહેરો પોતાના હાથમાં લીધો, ‘ડુ યુ ટ્રસ્ટ મી?’ પાવને આ
સવાલ પૂછ્યો ત્યારે એને શ્યામાનો જવાબ ખબર હતો. એણે ખૂબ ચાલાકીથી કહ્યું, ‘હું સમજું છું તને મારા પર
ભરોસો નથી, પણ પેલા રાક્ષસ કરતાં તો હું સારો છું અને તારો છું, એટલું યાદ રાખજે.’ એણે કહ્યું. શ્યામા કશું બોલ્યા
વગર ધીમા પણ સ્થિર પગલાં ભરતી પોતાના રૂમમાં જતી રહી. પાવનને લાગ્યું કે હજી એના અભિનયથી એ અસર
ઊભી નથી થઈ જે કરવા માગતો હતો… પણ, હવે એણે આ બાજી ખેલી નાખવાનું નક્કી કરી લીધું. ભાસ્કરભાઈએ
બે હાથ પહોળા કરીને પાવનને પોતાની નજીક બોલાવ્યો. એ મોટામોટા ડગલાં ભરતો ભાસ્કરભાઈને ભેટી પડ્યો,
‘આઈ એમ સોરી…’ એણે કહ્યું, ‘ફોર એવરિથિંગ.’

*

રાહુલ તાવડેનો હિંચકો જેમ આગળ પાછળ થતો હતો તેમ તેમ એના વિચારો પણ આગળ પાછળ થઈ રહ્યા
હતા. બળપૂર્વક હિંચકો અટકાવીને એણે ફોન હાથમાં લીધો. એક નંબર જોડ્યો, સામેથી એક ખોખરો-કરડો અવાજ
સંભળાયો, ‘યસ સર!’
‘અલતાફ! ક્યા કરેંગે?’ રાહુલે પૂછ્યું, ‘માનતો નથી. એના બાપની સાથે સાથે મારા સ્વ. પિતાજીના ધોતિયાં
પણ ધોવાશે, મને મંજૂર નથી.’
‘શું કરવું છે?’ અલતાફે પૂછ્યું.
‘પ્રેસ કોન્ફરન્સ શરૂ થાય એ પહેલાં જ પૂરી કરી નાખવી પડે.’ રાહુલે કહ્યું.
‘તો કરો.’ અલતાફે કહ્યું.
એનો જવાબ સાંભળીને રાહુલને નવાઈ લાગી. ‘હું શું કરું?’ રાહુલથી પૂછાઈ ગયું, ‘એ તો તારે કરવાનું ને?’
અલતાફ હસી પડ્યો. રાહુલ ચિડાઈ ગયો, ‘તને મજાક લાગે છે? મારા બાપની ઈજ્જત ઉછળશે.’
‘સાહેબ! હું આ છોકરાની વિરુધ્ધમાં કંઈ નહીં કરું.’ અલતાફનો જવાબ સાંભળીને રાહુલ તાવડે, હોમ
મિનિસ્ટર સડક થઈ ગયો, ‘હું તો વર્ષોથી પ્રયત્ન કરતો હતો કે, એનો બાપ બૈરા વેચવાનું બંધ કરે, પણ દિલબાગ મને
ગાંઠતો નહોતો. આજે એ છોકરો સાચા રસ્તે જવા તૈયાર થયો છે તો એને રોકું? સોરી સાહેબ, હું તમારી સાથે નથી.’
કહેતાં કહેતાં અલતાફે છેલ્લો ચોગ્ગો ફટકારી દીધો, ‘પોલિટિશિયન માટે અમે બધા શતરંજના મહોરા છીએ.
એકબીજાની સામે લડાવીને તમે તમારું કામ કઢાવી લો છો, અમને પણ તમારી જરૂર છે એટલે અમે પણ…’ એ
બાકીના શબ્દો ગળી ગયો, ‘હું આ છોકરાની હિફાજત કરીશ. એને કંઈ નહીં થવા દઉ.’ અલતાફે કહ્યું. હવે આગળ વાત
કરવાનો કોઈ અર્થ નહોતો એવું રાહુલને સમજાઈ ગયું તેમ છતાં એણે કહ્યું, ‘જોઈ લે, ચાર મહિનામાં ઈલેક્શન
અનાઉન્સ થશે. ટિકિટ જોઈતી હશે તો…’
‘સાહેબ! તમે મદદ કરો તો સારી વાત છે ને ના કરો તો દુબઈની ટિકિટ લઈશ, પણ આ છોકરાની ટિકિટ નહીં
કપાવા દઉ. આ એક સાચા મુસલમાનનું વચન છે.’
રાહુલે ઉશ્કેરાઈને ફોન મૂકી દીધો. એ સીધે સીધો તો કોઈ રીતે મંગલસિંઘને અટકાવી શકે એમ નહોતો. હવે,
આ વીડિયો ફરતો થઈ ગયા પછી મંગલસિંઘને મારી નાખવો પણ બહુ યોગ્ય પગલું પૂરવાર નહીં થાય એટલું તો
રાહુલને સમજાતું હતું. વીડિયો ફરતો કરીને મંગલે પોલિટિકલ સેલ્ટર લઈ લીધું હતું. બીજી તરફ, અલતાફે જે રીતે
સ્પષ્ટ શબ્દોમાં એની સામે પડવાની વાત કરી એનાથી રાહુલ પહેલીવાર સહેજ મૂંઝાઈ ગયો. દિલબાગ એની કસ્ટડીમાં
હતો, મંગલસિંઘ ક્યાં હતો એની એને ખબર નહોતી, પણ એ પાંચ વાગ્યે હોસ્પિટલ ચોક્કસ પહોંચશે એવી એને
ખાતરી હતી… અને, જો મંગલ પાંચ વાગ્યે હોસ્પિટલ પહોંચી જાય, પ્રેસને મળે તો એ પછી આખા દેશના
રાજકારણના જંગલમાં આગ લાગવાનું, એ વિચારમાત્રથી રાહુલ તાવડે ધ્રૂજી ઊઠ્યો. એની કારકિર્દી, એના પિતાની
પ્રતિષ્ઠા બધું જ આ છોકરો ધૂળમાં મેળવવા તૈયાર થયો હતો, એને કઈ રીતે અટકાવવો એ રાહુલને સમજાતું નહોતું.
એણે અવિનાશકુમારને ફોન લગાડ્યો, ‘દિલબાગ નામના રાક્ષસનો જીવ મંગલ નામના પોપટમાં છે.
દિલબાગનું ગળું દબાવશો તો મંગલ નામના પોપટની જીભ એની મેળે આપણા હાથમાં આવી જશે.’ એણે કહ્યું.
‘જી સર.’ અવિનાશકુમારે કહ્યું. ફોન ડિસકનેક્ટ કરીને એ મનોમન પોતાની આવડત અને હોંશિયારી પર
મલકાયો કારણ કે, એણે રાહુલનો ફોન આવતાં પહેલાં જ વણીકરને ફોન કરીને દિલબાગ ઉપર પ્રેશર કરવાનું કહી દીધું
હતું.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *