પોલીસ કમિશનરના યુનિફોર્મનો કોલર પકડીને એમને હચમચાવતી વખતે શ્યામા ભૂલી ગઈ કે,
યુનિફોર્મ પહેરેલા ઓફિસરને હાથ લગાડવો કાયદેસર ગુનો બને છે. મંગલ નથી જડતો, એ જાણીને શ્યામા
બેબાકળી થઈ ગઈ હતી. એને અહીં સુધી લાવવા માટે શ્યામાએ ભયાનક સાવધાની રાખી હતી અને ખૂબ
મહેનત કરી હતી. હવે પ્રેસ કોન્ફરન્સ બોલાવ્યા પછી મંગલની ગેરહાજરી એ શ્યામા માટે નવેસરથી
અપમાનનું કારણ બની ગયું.
મંગલનો વીડિયો લગભગ બધે પહોંચી ગયો હતો જેમાં એણે કન્ફેશન કરવાની જાહેરાત કરી હતી.
લગભગ આખા દેશનું મીડિયા હાજર હતું ત્યારે મંગલ હાજર ન થાય તો આપોઆપ એવું સાબિત થઈ જાય કે,
મંગલ પાસે આ વીડિયો જબરજસ્તી રેકોર્ડ કરાવામાં આવ્યો હતો. ફરી એકવાર શ્યામા ખોટી સાબિત થાય…
‘મેડમ!’ પોલીસ કમિશનરે હળવેથી કોલર છોડાવ્યો, ‘સામે પ્રેસ છે. તસવીરો પ્રકાશિત થશે તો હું પણ
નહીં બચાવી શકું તમને. યુનિફોર્મ્ડ ઓફિસર પર હુમલો કરવાનો ચાર્જ લાગી જશે.’ એમણે પોતાની વર્દી
ખંખેરતા કહ્યું, બલ્કે આમ તો લાગી જ ગયો.
‘આઈ ડોન્ટ કેર.’ શ્યામા વિવહળ થઈ ગઈ હતી. એની બધી મહેનત બેકાર ગઈ હતી, આશા પર પાણી
ફરી વળ્યું હતું, ‘નાખી દો મને જેલમાં.’
‘મેડમ, સવાલ જેલમાં નાખવાનો નથી.’ પોલીસ કમિશનર એકદમ ધીમા અવાજે બોલી રહ્યા હતા.
સામે પ્રેસમાં ચહલપહલ અને ગણગણાટ ચાલતો હતો, ‘આપણા બધાનું નાક કપાશે. મંગલ ભાગી ગયો લાગે
છે.’
‘એ કોઈ દિવસ ભાગે નહીં. એને અહીંથી કોઈએ કિડનેપ કર્યો છે.’ શ્યામાએ કહ્યું. પછી ઝાઝું વિચાર્યા
વગર એ માઈક તરફ ગઈ. એણે ફરીથી માઈક સરખું કર્યું અને સામે ઊભેલા સૌ તરફ જોઈને કહ્યું,
‘મંગલસિંઘને હું જાતે અહીં લઈ આવી છું. અહીં પાછળના ગેટ પર ઉતારીને હું ગાડી પાર્ક કરવા ગઈ…
એટલામાં મંગલસિંઘ ગૂમ થઈ ગયો. પગમાં અને પાંસળીમાં ફ્રેક્ચર સાથે એ પોતે ભાગી શકે એવી
પોસિબિલિટી બહુ ઓછી છે.’
‘શક્ય છે તમે જબરજસ્તી કન્ફેશન કરાવતા હો એટલે…’ પ્રેસમાંથી એક ચિબાવલા માણસે કહ્યું,
‘એનો બાપ તો પોલીસ કસ્ટડીમાં છે, તો મંગલસિંઘ ક્યાં જઈ શકે?’
‘શક્ય છે તમે જ આ બધી ગેમ…’ કોઈક બીજી વ્યક્તિએ સામે બેઠેલા ટોળાંમાંથી કહ્યું.
એક પછી એક આક્ષેપો થવા લાગ્યા, શ્યામા અકળાવા લાગી. મંગલને ભાગી જ જવું હતું તો એણે
આટલો વિશ્વાસ અને આટલી દોસ્તી કેમ ઊભી કરી એ વાત શ્યામાને સમજાઈ નહીં. બે દિવસમાં મંગલસિંઘ
પાસે ભાગવાના અનેક મોકા હતા, પરંતુ એ ભાગ્યો નહીં. એણે વીડિયો કરીને પોતે કન્ફેશન કરવા માગે છે એ
વાત વહેતી કરી ને હવે… શ્યામા ખૂબ ચીડાઈ હતી. હતાશ થઈ ગઈ હતી. એટલામાં એના સેલફોનની રિંગ
વાગી. શ્યામાએ સેલફોન જોયો. એક અજાણ્યો નંબર હતો. ફોન ઉપાડવો કે નહીં એની અસમંજસમાં એનાથી
કમિશનર તરફ જોવાઈ ગયું. કમિશનરે નજરથી જ શ્યામાને ફોન ઉપાડવાનું સૂચન કર્યું.
‘હલો.’ શ્યામાએ ફોન રિસીવ કર્યો.
‘હું સેફ છું.’ મંગલનો અવાજ સંભળાયો. શ્યામાને જાણે રાહત થઈ ગઈ, ‘આ લોકોએ તો મને
ફસાવવાનો પૂરેપૂરો પ્લાન બનાવ્યો જ હતો, પણ હું બચી ગયો છું. પાંચ મિનિટમાં પહોંચીશ. કોઈને જવા
નહીં દેતી.’
‘હમમ.’ શ્યામાએ ડોકું હલાવ્યું, ‘તું છે ક્યાં?’ એણે પૂછ્યું.
‘એ ઈમ્પોર્ટન્ટ નથી. હું આવું છું.’ કહીને મંગલે ફોન મૂકી દીધો. ફોન ડિસકનેક્ટ કર્યો.
શ્યામાએ સેલફોન પકડીને જાહેરાત કરી, ‘મંગલ પાંચ મિનિટમાં આવે છે.’ કમિશનરનો ચહેરો સફેદ
પડી ગયો. એમણે આંખોથી જ બાજુમાં બેઠેલા અન્ય પોલીસ ઓફિસરને પૂછ્યું, ‘શું થયું?’ પોલીસ ઓફિસરે
ખભા ઊલાળીને, ‘ખબર નથી’ નો ઈશારો કર્યો. પ્રેસમાં ગણગણાટ વધી ગયો. નિરાશ અને કંટાળેલા લોકોમાં
ફરી ચેતનાનો સંચાર થયો. બધાએ પોતપોતાના કેમેરા સંભાળી લીધા.
થોડીક ક્ષણો એક વિચિત્ર સન્નાટામાં અને પ્રતીક્ષામાં વિતી. શ્યામા, પોલીસ કમિશનર, ડાયસ પર
બેઠેલા બીજા બે ઓફિસર અને સામે ઊભેલા 50-60 કે તેથી ય વધુ મીડિયા કર્મચારીઓ અધ્ધર શ્વાસે
પ્રતીક્ષા કરી રહ્યા હતા. એક સ્તબ્ધતા પથરાઈ ગઈ હતી.
થોડી જ મિનિટોમાં મંગલસિંઘ એ હોલમાં દાખલ થયો. એના ચહેરા પર લોહી હતું. લંગડાતો,
ધસડાતો એક ખુરશીને ધકેલતો એના સહારે મંગલસિંઘ જેવો હોલમાં પ્રવેશ્યો કે ધડાધડ ફ્લેશ લાઈટો થવા
લાગી. વીડિયો કેમેરા ચાલુ થઈ ગયા. મંગલસિંઘે એક હાથે ખુરશી પકડીને મહામહેનતે બીજો હાથ ઊંચો કરી
સૌ મીડિયા કર્મચારીનું અભિવાદન કર્યું. કમિશનર એકદમ બેચેન થઈ ગયા. શ્યામા લગભગ દોડતી મંગલસિંઘ
પાસે જઈ પહોંચી અને હાથ પકડીને એને સ્ટેજ પર લઈ આવી. એક-સવા ફૂટનું સ્ટેજ ચડતા મંગલસિંઘને
પારાવાર મુશ્કેલી થઈ, પરંતુ સામે ઊભેલા તમામ મીડિયા કર્મચારીઓ ધીરજથી એના માઈક સુધી પહોંચવાની
પ્રતીક્ષા કરતા રહ્યા.
‘તમે સૌએ મારી પ્રતીક્ષા કરી એ બદલ ધન્યવાદ.’ મંગલસિંઘે હાંફતા અને ડરથી કણસતા અવાજે શરૂ
કર્યું, ‘હું અહીં પહોંચ્યો પછી બે પોલીસ ઓફિસર્સ મને અંદર લઈ આવ્યા. 15 ડગલાં ચાલતા જ મને સમજાયું
કે, એ પોલીસ ઓફિસર્સ નહોતા. પોલીસના યુનિફોર્મમાં મને ઉપાડી જવા માટે આવેલા બે અજાણ્યો માણસો
હતા. હું કઈ સમજું તે પહેલાં એમણે મને લગભગ ટીંગાટોળી કરીને સાઈડના દરવાજેથી બહાર કાઢ્યો. ત્યાં
એક એમ્બ્યુલન્સ ઊભી હતી. એમાં સૂવડાવીને મને લઈ જવાની તૈયારીમાં જ હતા પણ ગાડી જ ચાલુ ના
થઈ.’ સામે ઊભેલા મીડિયા કર્મીઓ હસવા લાગ્યા અને મંગલસિંઘ પણ હસી પડ્યો, ‘મેં દરવાજો ખોલવાનો
પ્રયત્ન કર્યો, પણ અંદર મારી સાથે બેઠેલા માણસે થોડી મુક્કાબાજી કરી.’ એણે પોતાના ચહેરા તરફ હાથ કર્યો.
સૌ ફરી હસવા લાગ્યા. મંગલસિંઘે આગળ કહ્યું, ‘કહેવાય છે ને કે મારને વાલે સે બચાને વાલા બડા હોતા હૈ.
જે લોકો મને પકડીને લઈ જવા માગતા હતા, કન્ફેશન રોકવા માગતા હતા તો બીજી તરફ, હું આ કન્ફેશન કરું
એવું ઈચ્છતો એક માણસ સતત મારી સુરક્ષા કરી રહ્યો હતો… મને ખબર નહોતી, પણ અલતાફના માણસો
સતત મારું ધ્યાન રાખતા હતા. એના બે માણસોએ આવીને એમ્બ્યુલન્સમાંથી મને બહાર કાઢ્યો. અહીં સુધી
પહોંચાડ્યો. અત્યારે પણ એ બે જણાં દરવાજાની બહાર ઊભા છે. કદાચ, હવે મારા કન્ફેશનનો સમય થઈ જ
ગયો છે.’ મંગલસિંઘે ઊંડો શ્વાસ લીધો. મીડિયા કર્મીઓમાં શાંતિ પથરાઈ ગઈ. મંગલસિંઘે આગળ કહ્યું, ‘હું
મંગલસિંઘ યાદવ, દિલબાગસિંઘનો દીકરો આજે તમારા સૌની સામે સ્વીકારું છું કે, ડૉ. શ્યામાનો બળાત્કાર મેં
કર્યો હતો. એટલું જ નહીં, જે રાત્રે એક્સિડેન્ટ થયો એ રાત્રે શફક રિઝવી મારી સાથે હતી. રેશ ડ્રાઈવિંગ અને
શરાબના નશામાં મેં ત્રણ નિર્દોષ લોકોનો જીવ લીધો છે. હું ગુનેગાર છું અને આજે અહીં, પોલીસ કમિશનર
ઓફિસમાં તમારા સૌની સામે મારી જાતને સરેન્ડર કરું છું. પોલીસ કાર્યવાહીમાં જ્યાં જેટલા કો-ઓપરેશનની
જરૂર પડશે એ આપવાનું વચન આપું છું. હું મારા પિતા વિરુધ્ધ અને એમને સપોર્ટ કરનારા સૌ રાજનેતા
વિરુધ્ધ હું જાણું છું એટલી બધી જ માહિતી આપીશ એવી ખાતરી આપું છું.’ ફટાફટ ફ્લેશ લાઈટો થઈ રહી
હતી. લાઈવ ટેલિકાસ્ટ ચાલુ હતું. શ્યામાની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. મંગલસિંઘની આટલી જાહેરાત
પૂરી થતાં જ પોલીસ કમિશનર ઊભા થઈને રૂમની બહાર નીકળીને કોઈની સાથે ફોન પર વાત કરવા લાગ્યા.
એ ભયાનક ડરેલા દેખાતા હતા.
ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહેલા અલતાફના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘દિલબાગને જરૂર
કોઈ અચ્છા કામ કિયા હોગા, તભી ઐસા બેટા મિલા હૈ.’ એણે કહ્યું, ‘હિંમત હૈ લડકે મેં.’
‘કસ્ટડી મેં માર ડાલેંગે. હિંમત ઈધર કી ઈધર હી રહ જાએંગી.’ ત્યાં બેઠેલા માણસોમાંથી એક જણે
કહ્યું.
‘તો હમ કિસ લિયે હૈં?’ અલતાફની આંખો ફરી ગઈ, ‘એક આદમી અચ્છા કામ કર રહા હૈ… હમ
ઉસકે સાથ રહેંગે, હિફાજત કરેંગે.’ એણે કહ્યું.
‘તમે સમજતા નથી ને ભાઈ.’ રમીઝે અલતાફને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘એમને એક જ સેકન્ડની
ગફલત જોઈએ છે અને આપણે દરેક સેકન્ડે તો એની સાથે નહીં રહી શકીએ. પોલીસ કસ્ટડીમાં કોઈને મારી
નાખવો અઘરો નથી. બહુ બહુ તો સસ્પેન્શન આવશે, ઈન્કવાયરી બેસશે, બીજું શું?’
‘હમમ.’ અલતાફે ડોકું ધૂણાવ્યું. વાત ખોટી નહોતી. એકવાર સરેન્ડર કરે અને પોલીસ કસ્ટડીમાં બંધ
થઈ જાય, પછી અલતાફની પહોંચ પૂરી થઈ જાય. સ્વયં હોમ મિનિસ્ટર જેનું મોઢું બંધ કરવા માગતા હોય એને
કેવી રીતે બચાવી શકાય એ સવાલ અલતાફના મગજમાં ઘૂમરાવા લાગ્યો.
ટીવી ઉપર લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહેલા નાર્વેકરથી સલામમાં હાથ ઊંચો થઈ ગયો. જ્યારે વણીકર
અકળાઈ ઊઠ્યો, ‘આ શું ચાલે છે?’ એણે ટેબલ પર હાથ પછાડ્યો, ‘નાની અમથી વાતને આ લોકોએ ક્યાંથી
ક્યાં પહોંચાડી છે.’ એનાથી કહેવાઈ ગયું, ‘જીવતો નહીં બચે આ.’
‘શશશ.’ નાર્વેકરે આંખોથી જ ઈશારો કરીને કહ્યું કે, દિલબાગસિંઘ અંદર બેઠો છે. ટીવીનો અવાજ
અંદર પણ સંભળાતો હતો. દિલબાગસિંઘ દીકરાનું કન્ફેશન સાંભળી રહ્યો હતો. વણીકર અને નાર્વેકરની વાતને
એના સરવા કાને સાંભળી લીધી હતી.
‘મારા દીકરાને હાથ લગાડવાની કોઈની હિંમત નથી.’ એણે લોકઅપમાંથી રાડ પાડી, ‘એકવાર ભાગ્યો
છું તો બીજીવાર ભાગતાં વાર નહીં લાગે મને.’ એણે કહ્યું. પછી લોકઅપમાં બેઠેલા વિક્રમજીત સામે જોયું.
વિક્રમજીતની આંખોમાં પૂરી સંમતિ અને મંગલસિંઘ માટે જીવ આપી દેવાની તૈયારીનું ઝનૂન જોઈને દિલબાગ
પોરસાયો. એણે ફરી વખત જોરથી કહ્યું, ‘તારા કમિશનરને સંદેશો આપી દેજે, મારા દીકરાનો વાળ પણ વાંકો
થયો છે તો એનો આખો પરિવાર પતી જશે.’
નાર્વેકર ઊઠીને લોકઅપની નજીક આવ્યો. એણે નજરથી જ દિલબાગને ચૂપ રહેવાનું કહ્યું.
દિલબાગની એકદમ નજીક જઈને એણે ધીમેથી કહ્યું, ‘આ સંદેશો તમારે જ આપવો જોઈએ.’
‘એટલે?’ દિલબાગ બહાદુર હતો, પણ ઝીણી વાત સમજવામાં એની લઠ્ઠ બુધ્ધિને વાર લાગતી.
‘એટલે એમ કે કમિશનરને આ ધમકી તમારે જાતે જ આપવી જોઈએ.’ વિક્રમજીતે નાર્વેકરની વાત
દિલબાગના ભેજામાં ઉતારી, ‘ફોન કરો.’
‘કોને?’ દિલબાગ હજી સમજ્યો નહોતો.
‘રાહુલ તાવડે.’ વિક્રમજીતે કહ્યું. પછી એણે નાર્વેકર તરફ જોયું. નાર્વેકરે હકારમાં ડોકું હલાવ્યું.
‘પણ…’ પહેલાં દિલબાગ ગૂંચવાયો અને થોડીક સેકન્ડ પછી સમજ્યો. એણે વિક્રમજીત પાસે સેલફોન
માગ્યો. વિક્રમજીતે સેલફોન દિલબાગના હાથમાં મૂક્યો. દિલબાગે તાવડેને ફોન લગાવ્યો.
તાવડે ટીવી જ જોઈ રહ્યો હતો. વિક્રમજીતનો આ નંબર એની પાસે નહોતો. અજાણ્યો નંબર જોઈને
ફોન ઊઠાવવો કે નહીં એવું વિચારી રહેલા રાહુલે અંતે ફોન ઉપાડી લીધો.
‘દિલબાગસિંઘ.’ એ ઘેરો, ઘૂંટાયેલો, તોછડો અવાજ સંભળાયો.
‘હમમ.’ તાવડેએ કોઈપણ પ્રકારની પંચાતમાં પડ્યા વગર માત્ર હોંકારો કર્યો.
‘મારા દીકરાનો વાળ પણ વાંકો થયો છે તો…’
‘એનો આધાર તારા દીકરા ઉપર જ છે.’ રાહુલે કહ્યું, ‘એ જો વધારે પડતું મોઢું ખોલશે તો જીભ ખેંચી
કાઢવી પડશે મારે. પેલી ડૉક્ટર અને એક્સિડેન્ટ સુધી ઠીક છે, બાકી મને યાદ કરશે તો મારે પ્રગટ થવું પડશે.’
રાહુલ જરા કડવાશથી હસ્યો.
‘એ તમારા વિશે કંઈ જાણતો નથી.’ દિલબાગે કહ્યું, ‘કદાચ જાણતો હોય તો એની પાસે કોઈ પુરાવા
નથી. એ કંઈ કરી નહીં શકે.’
‘બસ તો!’ રાહુલે સાવ સહજતાથી કહ્યું, ‘એનો આત્મા જાગ્યો છે. શ્યામાને ન્યાય અપાવવા માટે ઝંડો
ઉપાડ્યો છે તો ભલે ઉપાડ્યો… મને કઈ પ્રોબ્લેમ નથી.’ કહીને એણે ફોન કાપી નાખ્યો.
દિલબાગ વિચારમાં પડ્યો. મંગલ જે રીતે કન્ફેશન કરી ચૂક્યો હતો એ રીતે હવે બળાત્કાર અને હિટ
એન્ડ રન, માનવ હત્યાના કેસ તો ખૂલવાના જ હતા. એકનો એક દીકરો એક છોકરી માટે સામેથી મોતના
મોઢામાં માથું મૂકવા તૈયાર થયો હતો. દિલબાગ કોઈપણ રીતે દીકરાનો જીવ બચાવવા માગતો હતો, પણ એને
સમજાતું નહોતું કે, એ શું કરી શકે, કેવી રીતે કરી શકે!
પ્રેસ કોન્ફરન્સમાં હવે પ્રશ્નનો મારો શરૂ થયો. મંગલસિંઘ અત્યંત સ્વસ્થતાથી એકેએક સવાલના
જવાબ આપી રહ્યો હતો. શ્યામાની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા.
પ્રેસમાંથી કોઈકે પૂછ્યું, ‘અલતાફ તમારી મદદ શું કામ કરે છે?’
‘એ મારી નહીં, એક સાચા માણસની મદદ કરે છે.’ મંગલસિંઘે કહ્યું.
‘સાચો માણસ? તમે હવે જાગ્યા છો?’ સામેથી સવાલ આવ્યો, ‘પહેલાં તો તમે આ જ શ્યામાનું
અપમાન કર્યું, એને કોર્ટમાં ખોટી પાડી અને હવે સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી?’ સવાલ સાંભળતાં જ
હસાહસ થઈ ગઈ, પરંતુ પૂરેપૂરી ગંભીરતા સાથે મંગલસિંઘે સામે ઊભેલાં સૌ તરફ એક નજર ફેરવી. શાંતિ
છવાઈ ગઈ. શ્યામા પણ શ્વાસ રોકીને જવાબની પ્રતીક્ષા કરવા લાગી.
‘સાંભળીને કદાચ માન્યામાં ન આવે, પરંતુ સત્ય એ છે કે, હું શ્યામાને પ્રેમ કરવા લાગ્યો છું અને જે
વ્યક્તિને પ્રેમ કરીએ, એનું સન્માન જો આપણે હણ્યું હોય તો એને એ પાછું મેળવી આપવાની જવાબદારી
પણ આપણી જ હોય. મેં શ્યામાનું અપમાન કર્યું છે હવે હું જ એને એ માન પાછું અપાવીશ.’ મંગલસિંઘે કહ્યું.
પ્રેસ કોન્ફરન્સમાં સોંપો પડી ગયો.
(ક્રમશઃ)