પકડાયેલા ગુનેગારને મેજિસ્ટ્રેટ સામે હાજર કરીને એની જ્યુડિશિયલ કસ્ટડી અથવા રિમાન્ડ માટે કોર્ટમાં જવું
પડે. નાર્વેકર પૂરેપૂરો તૈયાર હતો. આજે મંગલસિંઘની કોર્ટમાં પેશી હતી. એણે ખૂબ મનોમંથન કર્યું. જો રિમાન્ડ માગે
અને મંગલસિંઘને પોતાના પોલીસ સ્ટેશનમાં લઈ આવવો પડે તો બાપ-દીકરો ભેગા થઈ જાય… પરંતુ, સાથે સાથે
સૌથી મોટી સમસ્યા એ હતી કે, પોલીસ રિમાન્ડ દરમિયાન વણીકર જો રાહુલ તાવડેના દબાણમાં આવી જાય તો પોતે
મંગલને બચાવી નહીં શકે… નાર્વેકરનું મગજ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોઈ વલોણાની જેમ ફરી રહ્યું હતું,
ઘડીકમાં આમ તો ઘડીકમાં આમ! એનું દિમાગ વલોવાઈ ગયું હતું. જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મંગલસિંઘ સલામત તો
નહોતો જ, રાહુલ તાવડેના હાથ જેલ સુધી ન પહોંચે એવું વિચારી પણ ન શકાય.
એણે ખૂબ મગજ ચલાવ્યું. આખી રાત ઊંઘી શક્યો નહીં, એ પબ્લિક પ્રોસિક્યુટર મહેશ ખામ્બેના ઘેર વહેલી
સવારે પહોંચી ગયો. આ કેસ સ્ટેટ વર્સિસ મંગલસિંઘ યાદવનો હતો, એટલે મહારાષ્ટ્ર સ્ટેટનો કેસ ખામ્બે લડવાનો
હતો. સફેદ લેંઘો અને સદરો પહેરીને હાથમાં ફાઈલ લઈને ખામ્બે ચા પીતો બેઠો હતો. સંકેત નાર્વેકરને જોઈને એને
જરાય નવાઈ ન લાગી, ઉલ્ટાનું એણે સ્મિત કરીને કહ્યું, ‘તુમચી જ વાટ પહાતે હોતે. બેસો, ચા પીવો.’ સંકેત પણ
હસી પડ્યો, ‘બરા આહે.’ કહીને એણે ખામ્બેની આંખોમાં આંખો પરોવી, ‘જ્યુડિશિયલ કસ્ટડી અને રિમાન્ડ બેઉમાં
પ્રોબ્લેમ છે.’
‘પણ, એક તો ઘ્યાવા લાગેલ.’ ખામ્બેએ કહ્યું, ‘ચાર્જશીટ તૈયાર કરે ત્યાં સુધી…’
‘રાહુલ તાવડે મારી નાખશે એને.’
‘નહીં મારે.’ ખામ્બેએ આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘એને ડર દિલબાગનો છે, મંગલનો નહીં.’ ખામ્બેની આંખો
અત્યંત સ્વચ્છ હતી. સામાન્ય માણસની આંખો હોય એના કરતાં વધુ સફેદ. કોઈ વિચિત્ર પ્રકારની સચ્ચાઈ અને
આત્મવિશ્વાસનું મિશ્રણ હતું એની આંખોમાં. એણે ફરી સ્મિત કર્યું. સંકેત નાર્વેકર એની સામે જોઈ રહ્યો, ‘તાવડેએ તો
કશું કર્યું જ નથી, જે કંઈ છે એ એના બાપનું પાપ છે. દિલબાગ એકવાર એને મળીને સધિયારો આપે કે મોઢું નહીં
ખોલે તો તાવડેને ખૂનખરાબામાં રસ નથી. એને ખબર જ છે કે, એ ઈલેક્શન જીતવાનો છે એવા ટાઈમે એ પોતાની
ઈમેજ બગાડશે નહીં.’ ખામ્બેએ અત્યંત સ્નેહથી સામે બેઠેલા નાર્વેકરનો હાથ પકડી લીધો, ‘શ્યામાને અન્યાય નહીં
થાય.’ એણે નાર્વેકરની આંખોમાં જોયું, ‘પ્રેમ તો નથી થઈ ગયો ને તમને?’
નાર્વેકર ખડખડાટ હસી પડ્યો, ‘એક પોલીસ અને એક ગુનેગાર બબ્બે જણાં ડૉ. શ્યામાના પ્રેમમાં પડે એટલી
બધી સ્પેશ્યલ નથી એ.’
‘સમજ્યો નહીં.’ કહેતાં જ મહેશ ખામ્બેને કદાચ સમજાઈ ગયું એટલે એણે પૂછ્યું, ‘મંગલસિંઘ પણ…?’
નાર્વેકરે ડોકું ધૂણાવ્યું, ‘એ બાઈએ આનો જીવ બચાવ્યો ને પછી કોણ જાણે શું ભાષણ આપ્યું તેં આ
વાલિયામાંથી વાલ્મીકિ થઈ ગયો છે.’ એણે ઊંડો નિઃસાસો નાખ્યો, ‘પણ, આ પ્રેમપ્રકરણ લાંબુ ચાલશે નહીં.’
ખામ્બેની પત્ની ચા લઈ આવી. એના ઘૂંટડા ભરતો નાર્વેકર ઊંડા વિચારમાં પડી ગયો.
પ્રેસ કોન્ફરન્સમાં મંગલસિંઘની કબૂલાતથી ખળભળાટ મચી ગયો હતો. લગભગ તમામ ટીવી ચેનલ અને
અખબારોની સુરખીઓ શ્યામા પ્રત્યેના મંગલના પ્રેમની કબૂલાતથી ચમકતી હતી. પાવન સ્વાભાવિક રીતે જ
અકળાયેલો હતો. એણે ડૉ. ભાસ્કરને ફોન કર્યો, ‘આ શું ચાલે છે?’ એનો અવાજ પહેલાં ક્યારેય નહોતો થયો એટલો
ઊંચો હતો, ‘તમારી છોકરીએ આબરુના ધજાગરા કરવામાં કઈ બાકી નથી રાખ્યું. હવે આ ગુંડો જાહેરમાં મારી બૈરી
સાથેના લફરાનો સ્વીકાર કરે છે. એન્ડ યુ એક્સ્પેક્ટ કે…’
‘આઈ ડોન્ટ એક્સ્પેક્ટ એનિથિન્ગ. મંગલસિંઘ કંઈ પણ કહે એનાથી મારી દીકરીને શું નિસ્બત?’ ડૉ. ભાસ્કર
પણ સામે ગુસ્સે થઈ ગયા, ‘એટલિસ્ટ એ માણસે મારી દીકરીનું સન્માન જાળવવાનો પ્રયત્ન કર્યો છે.’
‘શાબાશ. પહેલાં બળાત્કાર કરીને પછી જાહેરમાં કહેવાનું કે હું પ્રેમ કરું છું એટલે…’
ડૉ. ભાસ્કરે વાક્ય અધૂરેથી જ કાપી નાખ્યું, ‘મુદ્દો શું છે?’
‘બંધ કરો આ તાયફો, બીજું શું?’ પાવને ફ્રસ્ટ્રેશન સાથે કહ્યું, ‘તમારી દીકરીને તો હવે ઈજ્જત જેવું કંઈ રહ્યું
નથી, પણ મારે છે. મીડિયા મારું લોહી પી જાય છે.’
‘તો કહી દે, કે તેં તો તારી પત્નીને ક્યારની છોડી દીધી છે…’ કોઈ દિવસ ડૉ. ભાસ્કરે પાવન સાથે ખરાબ રીતે
વાત નહોતી કરી બલ્કે અત્યાર સુધી એ એવું જ ઈચ્છતા રહ્યા હતા કે, એમની દીકરી શ્યામા અને પાવન ફરી એકવાર
ભેગાં થઈ જાય, પરંતુ આજે પહેલી વખત એમણે સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહ્યું, ‘મારી દીકરીને જ્યારે જરૂર હતી ત્યારે
તું સાથે ઊભો નથી રહ્યો. તેં તો પોલીસ ફરિયાદ કરવાની પણ ના પાડેલી. તું ડરપોક છે, કાયર છે અને એથી આગળ
વધીને કહું તો સ્વાર્થી છે.’ પાવન ડઘાઈ ગયો. ડૉ. ભાસ્કરે કહ્યું, ‘મંગલે બળાત્કાર કર્યો, સાચી વાત! પણ એટલિસ્ટ એ
બળાત્કારનું પ્રાયશ્ચિત તો કરે છે. તેં જે કર્યું એનું પ્રાયશ્ચિત કરીશ તું?’
‘મેં???’ પાવનને ખરેખર આઘાત લાગ્યો, ‘મેં શું કર્યું છે?’
‘મંગલ તો ગુંડો હતો, એ એના સ્વભાવ અને એની પ્રકૃતિ પ્રમાણે વર્ત્યો, પણ તું તો ભણેલો-ગણેલો,
સોફેસ્ટિકેટેડ, કહેવાતી હાઈ સોસાયટીમાં ઉછરેલો સંસ્કારી માણસ હતો ને?’ ડૉ. ભાસ્કરે જાણે આજે બધું પૂરું જ કરી
નાખવાનું નક્કી કરી લીધું હતું, ‘તેં મારી દીકરીનું જે અપમાન કર્યું એ તો બળાત્કાર કરતાં ય ખરાબ હતું. એના ઘા પર,
એની પીડા પર મલમ લગાડવાને બદલે મીઠું ભભરાવ્યું તે. હવે આ છોકરો માંડ માંડ એની મદદ કરી રહ્યો છે, એનો
સાથ આપી રહ્યો છે…’
‘એને પ્રેમ કરી રહ્યો છે.’ પાવને વ્યંગ અને તિખાશથી કહ્યું.
‘હા, હા… પ્રેમ કરે છે તો કંઈ પ્રોબ્લેમ છે તને?’ ડૉ. ભાસ્કરે પૂછ્યું, ‘તું પ્રેમ કરતો હોત તો મારી દીકરીને તને
છોડીને આવી જ ના હોત.’
‘ઓકે.’ પાવનને લાગ્યું કે, આગળ દલીલ કરવાનો કોઈ અર્થ નથી, ‘તો તમને આ ગુંડા મંગલ અને તમારી
દીકરીના લફરા સામે કોઈ વાંધો નથી?’ પાવને પૂછ્યું, અને પછી તરત જ હતી એટલી કડવાશ ઠાલવીને ઉમેર્યું, ‘મારે
તો ત્યારે જ સમજી જવું હતું જ્યારે તમે એને તમારા ઘરમાં આશરો આપ્યો.’ એણે પૂરા વેર સાથે ડંખ માર્યો, ‘સગો
બાપ ઊઠીને દીકરીને આવો સોદો કરવાનું શીખવે તો…’
‘શટ અપ.’ ડૉ. ભાસ્કરે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. એમના કપાળ પર પરસેવો વળી ગયો હતો. આંખમાં
ઝળઝળિયાં હતાં. ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો અને હૃદયના ધબકારા વધી ગયા હતા. આજે પાવન જે કંઈ બોલ્યો એ
બધું આવનારા દિવસોમાં લોકો બોલશે, એ વિચારમાત્રથી ડૉ. ભાસ્કર ભીતર સુધી ધ્રૂજી ગયા. એમને વિચાર આવ્યો,
આજે પાવને આક્ષેપ કર્યો છે કે, શ્યામાએ મંગલને પોતાના પ્રેમમાં પાડીને આ કન્ફેશન કરાવ્યું, આવતીકાલે મીડિયા
અને સમાજ પણ આ જ વાતો કરશે… શ્યામાને રોકવી જોઈએ? એમણે પોતાના મનને પૂછ્યું. પછી એમણે જ એનો
જવાબ આપી દીધો, જે થઈ રહ્યું છે એમાંથી કશુંય રોકી શકાય એવી સ્થિતિમાં જ નથી. એમણે આંખો મીંચી દીધી.
ચશ્મા ઉતારીને ટેબલ પર મૂક્યા અને બંને હાથથી ચહેરો છુપાવીને શાંત થવાનો પ્રયાસ કરવા લાગ્યા.
પાવને ફોન મૂકીને આવડતી હતી એટલી બધી ગાળો બોલી નાખી. બે-ચાર મિનિટમાં એનો ક્રોધ ઓછો થયો
એ પછી એણે વિચારવા માંડ્યું… ખરેખર તો આ પરિસ્થિતિમાં સિમ્પથી ઊભી કરી શકાય. એક બળાત્કારી મારી
પત્નીને પ્રેમ કરવાનો દાવો કરે છે ને મારી પત્ની એને નકારતી તો નથી જ! આ મુદ્દાનો ફાયદો ઉઠાવી શકાય! એના
મગજમાં ઝબકારો થયો. એણે આ ઘટનાનું પૂરેપૂરો લાભ ઉઠાવવાનું નક્કી કરી લીધું.
‘સાહેબ! અસ… કશ… એમ કેવી રીતે એન્કાઉન્ટર કરી નંખાય?’ વણીકરના હાથ ધ્રૂજી રહ્યા હતા.
‘ન કેમ કરાય?’ અવિનાશકુમાર આરામથી વણીકરની ખુરશીમાં બેઠો હતો. વણીકર સામે ઊભો રહીને
અવિનાશના પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો. એવું લાગતું હતું કે જાણે પોલીસ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ અવિનાશકુમાર
છે અને વણીકર વર્દી પહેરેલો એનો જુનિયર કે સબઓર્ડિનેટ છે! ‘દિલબાગ ભાગવાની કોશિશ કરે તો તમે શું કરો?’
‘સાહેબ!’ વણીકર ગરીબડો થઈ ગયો, ‘રિટાયરમેન્ટમાં દોઢ મહિનો બાકી છે, મારે લોહી નથી રેડવું. તમે જે
કહેશો તે કરીશ, પણ એન્કાઉન્ટર…’ વણીકરે હાથ જોડ્યા. એ રડું રડું થઈ ગયો.
‘પોલીસ છો કે પૂજારી?’ અવિનાશકુમાર હસવા લાગ્યો, ‘તમે ન કરી શકો તો તમારા પોલીસ સ્ટેશનમાં કોઈ
બીજું…’
‘એક નાર્વેકર છે સાહેબ, પણ એ તો સિધ્ધાંતવાદી છે.’ વણીકરે કહ્યું.
‘અરે, કોન્સ્ટેબલ પણ ગોળી મારી શકે.’ અવિનાશકુમારે કહ્યું, ‘સેલ્ફ ડિફેન્સનો કેસ બનાવી દઈશું. ઈન્કવાયરી
બેસે તો પણ આપણા જ માણસો…’ એણે વણીકરની રિવોલ્વિંગ ચેર ઘૂમાવી, ‘ડોન્ટ વરી વણીકર.’ પછી ધીમેથી કહ્યું,
‘તમારા જુનિયરને જરા બોલાવો તો ખરા. એને એના સિધ્ધાંતની કિંમત પૂછી જોઈએ.’
‘સાહેબ… રહેવા દો.’ વણીકરે કોશિશ કરી જોઈ, પછી અવિનાશકુમારનો ચહેરો જોઈને એણે પોતાના
સેલફોનથી ફોન કર્યો, ‘કુઠે આહે?’ નાર્વેકરના જવાબની રાહ જોયા વિના એણે કહ્યું, ‘સાહેબ આલે આહેત, તુમ્હાલા
બોલોવતે.’
નાર્વેકર બે જ મિનિટમાં વણીકરની કેબિનમાં પ્રવેશ્યો. એને આછો અંદાજો હતો જ. કોઈ મહત્વના કામ વગર
અવિનાશકુમાર અહીંયા સુધી ધક્કો ન જ ખાય એટલું તો એ પણ સમજતો હતો. અંદર આવીને એણે અવિનાશકુમારને
સેલ્યુટ કર્યા. અવિનાશકુમાર એની સામે જોઈ રહ્યો. ઊંચો અને ફિટ, પહોળા ખભા ધરાવતો નાર્વેકર દેખાવે સોહામણો
હતો. એણે અવિનાશકુમાર સામે જોઈને પૂછ્યું, ‘હુકમ કરો સર.’
‘હુકમમાં તો એવું છે કે દિલબાગ અને વિક્રમજીતનું એન્કાઉન્ટર કરવાનું છે.’ આટલું કહીને અવિનાશકુમારે રાહ
જોઈ. નાર્વેકરના ચહેરા પર કોઈ ફેરફાર થાય છે કે નહીં, એની ઝીણી આંખે તપાસ કરી. નાર્વેકર શાંત અને સ્વસ્થ
ઊભો હતો એટલે અવિનાશકુમારે આગળ કહ્યું, ‘દિલબાગને પતાવવો પડશે.’
‘જી સર.’ નાર્વેકરે કહ્યું, ‘અઘરું નથી. એ ભાગવાનો પ્રયત્ન કરતો હોય તો અમારે ત્રણ વોર્નિંગ આપીને ગોળી
ચલાવવી જ પડે.’ અવિનાશકુમારે આંખોમાં વિજયના સ્મિત સાથે વણીકર સામે જોયું. વણીકરને પરસેવો વળી ગયો.
નાર્વેકર આગળ કહેતો રહ્યો, ‘ને એમાંય જો એ અમારા પર ગોળી ચલાવે તો સેલ્ફ ડિફેન્સમાં અમે…’ નાર્વેકરના ચહેરા
પર પહેલાં કોઈ દિવસ નહોતું જોયું એવું ક્રૂર સ્મિત જોઈને વણીકર બઘવાઈ ગયો.
‘શું બોલે છે?’ એનાથી પૂછાઈ ગયું. નાર્વેકરે ફરી એકવાર વણીકર સામે જોઈને એવું જ ક્રૂર સ્મિત કર્યું. વણીકર
આગળ કશું બોલી શક્યો નહીં.
‘ઠીક છે તો…’ અવિનાશકુમાર બંને હાથ ટેબલ પર મૂકીને વણીકરની ખુરશીમાંથી ઊભા થયા, ‘કામ પતે એટલે
જણાવજે. સાહેબ તને ખુશ કરી દેશે.’ જતાં જતાં અવિનાશકુમારે વણીકરના ખભે હાથ મૂક્યો, ‘આટલા ડરપોક
માણસ થઈને પોલીસ સ્ટેશનમાં આટલા વર્ષ કેવી રીતે કાઢ્યા તમે?’
‘સર!’ નાર્વેકરે બહાર નીકળી રહેલા અવિનાશકુમારને પૂછ્યું, ‘દિલબાગ તો બંધ છે, મંગલસિંઘ સ્ટેટમેન્ટ પર
સ્ટેટમેન્ટ કરી રહ્યો છે, પણ એને મારવાને બદલે તમે દિલબાગને…’
‘સવાલ ફક્ત હું પૂછું.’ કહીને અવિનાશ બહાર નીકળી ગયો.
એના ગયા પછી વણીકરે ગુસ્સામાં નાર્વેકર તરફ જોયું. નાર્વેકર એની આંખોમાં રહેલો અણગમો સમજી ગયો.
એણે વણીકરના ખભે હાથ મૂકીને કહ્યું, ‘સર, તમે સમજતા નથી… અત્યારે હું ના પાડત તો એ કોઈ બીજાને શોધી
લાવત. મેં એને ધરપત આપીને અહીંથી મોકલી દીધો છે. હવે આગળ શું કરવું એ આપણે જ વિચારવાનું છે. તમને
લાગે છે કે હું કોઈ કસ્ટડીમાં પૂરાયેલા માણસનું એન્કાઉન્ટર કરું?’ ભોળો અને ગભરું વણીકર આગળ વધીને નાર્વેકરને
લગભગ ભેટી પડ્યો. એને એક જાતની ધરપત થઈ ગઈ, પરંતુ નાર્વેકર હવે સમસ્યામાં મૂકાઈ ગયો. એણે એકવાર
અવિનાશકુમારને હા તો પાડી દીધી, પરંતુ એ દિલબાગનું એન્કાઉન્ટર કરવા તૈયાર નહોતો. હવે શું કરવું એની બાજી
એણે મનોમન ગોઠવવા માંડી.
(ક્રમશઃ)