પ્રકરણ – 3 | આઈનામાં જનમટીપ

શ્યામાની નજર સામે સૂતેલો મંગલ, અત્યારે તો બેહોશ હતો. એના શરીર પર મોનિટર્સના વાયર અને નસોમાં
નળીઓ હતી. ગઈકાલે રાત્રે એ આવ્યો ત્યારે કોઈને ખાતરી નહોતી કે એ બચી જશે. ફેફસાંમાં કાચના ટૂકડા અને
છાતીમાં પેસી ગયેલા સ્ટિયરિંગ પછી ડૉ. શ્યામાએ એને બચાવ્યો તો ખરો, પરંતુ અત્યારે એની સામે જોઈ રહેલી
શ્યામાને એ રાત, એ રાતની ભયાનકતા અને પોતાની સાથે થયેલા બળાત્કારની પીડા દઝાડી રહી હતી.

આ એ જ માણસ હતો જેણે રાક્ષસની જેમ શ્યામાના શરીરને ચૂંથ્યું હતું. એ રાત્રે શ્યામાએ જોયેલો મંગલસિંઘ
યાદવનો ભયાનક ચહેરો એ ક્યારેય ભૂલી શકી નહોતી!

*

એ યાદ કરતાં એ અત્યારે પણ થથરી ઊઠી. ત્રણ વર્ષ પહેલાંની એ 24 ડિસેમ્બરની રાત… શ્યામાના પતિ
પાવનના એક ફિલ્મસ્ટાર મિત્રના ફાર્મ હાઉસ પર પાર્ટી પૂરી થયા પછી એના જ પાર્કિંગમાં મંગલસિંઘ યાદવે પાવનની
નજર સામે શ્યામાનો બળાત્કાર કર્યો હતો.

શ્યામાનો ડ્રેસ કમ્મર સુધી ઊંચો થઈ ગયો હતો. એની પેન્ટી આગળની સીટમાં પડી હતી. લિપસ્ટિક,
આઈલાઈનર રેલાઈને ચહેરો ભયાનક દેખાતો હતો.

શ્યામા ગાડીમાંથી બહાર નીકળી ત્યારે સવાર થઈ ચૂકી હતી… એણે જોયું કે, પાર્કિંગમાં બે-ચાર ગાડીઓ
સિવાય કોઈ નહોતું. દૂર દેખાતા ફાર્મ હાઉસમાં નિરવ શાંતિ હતી. પાર્ટી પૂરી થઈ ચૂકી હતી અને પાવનનો ફિલ્મસ્ટાર
મિત્ર નિખીલ ખન્ના અત્યારે ઘસઘસાટ ઊંઘતો હશે, એવું નક્કી હતું. પાછલી સીટમાં લગભગ બેશુધ્ધ હાલતમાં
પડેલા પાવનને એમ જ રહેવા દઈને શ્યામા ડ્રાઈવિંગ સીટમાં ગોઠવાઈ. સહેજ લાંબા થઈને એણે ડેશબોર્ડમાંથી
વેટવાઈપ મેક-અપ રિમુવરનું પેકેટ કાઢ્યું. ચહેરો લૂછવા માટે એક ભીનો નેપકીન બહાર કાઢ્યા પછી એણે મન બદલી
નાખ્યું. એ જ હાલતમાં એણે ગાડી સીધી પોલીસ સ્ટેશન તરફ લીધી. પનવેલ પોલીસ સ્ટેશનમાં શ્યામાની ગાડી પાર્ક
થઈ ત્યારે સવારની ડ્યુટી પર હજી હમણાં જ હાજર થયેલા, અને રાતની પેટ્રોલિંગ ડ્યુટી પૂરી કરીને આવેલા કેટલાક
કોન્સ્ટેબલ્સ ઊભા ઊભા ચા પી રહ્યાં હતાં.

ક્રિસમસની સવાર હતી… આસપાસના ફાર્મ હાઉસિસમાં થયેલી રેવ પાર્ટીઓ વિશે જાતભાતની ગોસિપ કરી
રહેલા કોન્સ્ટેબલ્સ ગાડીમાંથી ઉતરતી શ્યામાને જોઈને લગભગ ડઘાઈ ગયા. એનો વનપીસ ડ્રેસ ચૂંથાયેલો હતો. એક
સ્ટ્રીપ ખભાથી નીચે ઉતરી ગઈ હતી. વાળ વિખરાયેલા હતા. આંખોની આસપાસ કાળા ડાઘા અને લિપસ્ટિક છેક
ગાલ સુધી લંબાયેલી હતી. એ ઉઘાડા પગે જ ગાડીમાંથી ઉતરી. લથડતી ચાલે એ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ અને
ત્યાં ઊભેલા બધા જ કોન્સ્ટેબલ્સ એની પાછળ લગભગ દોડતા પોલીસ સ્ટેશનની બિલ્ડીંગમાં દાખલ થયા.

રાતની ડ્યુટીનો પીઆઈ આખી રાતના પેટ્રોલિંગ પછી, ક્રિસમસ ઈવની રાતના ઉજાગરા પછી હજી હમણાં
જ, દસ મિનિટ પહેલાં ઘેર જવા નીકળ્યો હતો. સવારની ડ્યુટીનો પીઆઈ હજી આવ્યો નહોતો. કોન્સ્ટેબલ્સ બહાર
ઊભા હતા એટલે પોલીસ સ્ટેશનનું આખું બિલ્ડીંગ લગભગ ખાલી હતું. શ્યામાએ દાખલ થઈને બૂમ પાડી, “કોઈ
હૈ?”

એની લથડતી ચાલ, વિખરાયેલા વાળ, ચહેરા પરના ડાઘા અને ચૂંથાયેલા કપડાં પરથી શું થયું હશે એનો
અંદાજ લગાવવો અઘરો નહોતો. દોડી આવેલા પાંચ-છ કોન્સ્ટેબલ્સમાંથી એકે આગળ આવીને શ્યામાને
સહાનુભૂતિપૂર્વક કહ્યું, “બાઈ! બસા.” અને પછી જોરથી બૂમ પાડી, “લેડી કોન્સ્ટેબલને બોલાવો.”

“મારે ફરિયાદ નોંધાવી છે, રેપ થયો છે મારા પર.” શ્યામાના અવાજમાં ડૂમો હતો, “મારા હસબન્ડને
બેરહેમીથી માર્યા છે. હજી બેહોશ છે.” એણે કહ્યું. પછી હાથ ઊથાવીને આંગળી ચીંધી, “ત્યાં… ગાડીમાં છે.”

શ્યામાની વાત પૂરી થાય એ પહેલાં બીજા એક કોન્સ્ટેબલે એમ્બ્યુલન્સને ફોન કર્યો. મહિલા પોલીસને
બોલાવવાની વ્યવસ્થા કરી… આ બધું ચાલી રહ્યું હતું ત્યાં જ સવારની ડ્યુટીનો પીઆઈ મહાદેવ આઠવલે દાખલ
થયો. એની અનુભવી આંખે એક જ સેકન્ડમાં બધું માપી લીધું. એણે સૌથી પહેલાં શ્યામા પાસે જઈને કહ્યું, “આપ
અંદર આઈયે.” શ્યામા કોઈ ચાવી દીધેલા પૂતળાની જેમ એની પાછળ પાછળ અંદરના રૂમમાં ગઈ, “હું ચેક-અપની
વ્યવસ્થા કરું છું.” એણે કહ્યું. સરકારી હોસ્પિટલમાં ફોન કરીને એણે ચેક-અપ માટેની સૂચનાઓ આપી. ક્રિસમસની
સવાર, જાહેર રજા અને સાથે લોન્ગ વિક એન્ડનો સોમવાર… ઘણા કર્મચારીઓ રજા પર હતા છતાં, થોડી આળસ અને
થોડી સુસ્તી સાથે બધા કામે લાગ્યા.

થોડીવારમાં એમ્બ્યુલન્સની સાઈરન ગૂંજવા લાગી. બે કોન્સ્ટેબલ્સે લગભગ બેહોશ પાવનને માંડ ગાડીમાંથી
કાઢીને એમ્બ્યુલન્સમાં સૂવડાવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એના એક પગમાં ફ્રેક્ચર હતું. એમ્બ્યુલન્સ પાવનને લઈને
પનવેલની સરકારી હોસ્પિટલ તરફ નીકળી ગઈ.

શ્યામાએ બનેલી ઘટનાની ઝીણામાં ઝીણી વિગત સાથે એફઆઈઆર લખાવી. મહિલા પોલીસની હાજરીમાં
એને સરકારી હોસ્પિટલ લઈ જઈને ચેક-અપ કરવામાં આવ્યો. બળાત્કાર થયાના પૂરાવા રૂપે એના શરીર પરના ઘાના
ફોટા પાડવામાં આવ્યા. શરીરની ભીતરથી મળેલા સીમનના સેમ્પલ લેવામાં આવ્યા. એના નખની અંદરથી
ઉતરડાયેલી ચામડી અને વાળના સેમ્પલ મળ્યા. જેને ડીએનએ ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા. ગાડીને પોલીસે
કબજામાં લીધી. ગાડીની સીટ પરથી મળેલા વીર્યના સેમ્પલ અને ગાડીમાંથી પણ વાળના સેમ્પલને ડીએનએ ટેસ્ટ
માટે મોકલવામાં આવ્યા. એફઆઈઆર લખવામાં આવી…

આ બધું થતાં થતાં સાંજ પડી ગઈ. શ્યામાએ પોતાના ઘરે પહોંચીને પિતા ડૉ. મજુમદારને ફોન કર્યો. ડૉ.
ભાસ્કર મજુમદારને તો હજી ખબર જ નહોતી કે શું બન્યું છે. ક્રિસમસની પાર્ટી પછી પાવન અને શ્યામા રજા માણતા
હશે એમ માનીને એમણે પણ ફોન નહોતો કર્યો. શ્યામાએ રડ્યા વગર સ્વસ્થ અવાજે પિતાને આખી ઘટના વિશે
જણાવ્યું. ભાસ્કરભાઈ હતપ્રભ થઈ ગયા.

પિતા સાથે વાત થયા પછી શ્યામા બાથરૂમમાં ગઈ. પહેરેલા કપડે શાવર ચાલુ કરીને શ્યામા અડધો કલાક સુધી
નાહતી રહી. એણે શરીરને ચોળી ચોળીને ધોયું. ત્રણ વખત શાવર જેલ લગાડી, લૂફાંથી એણે શરીર એટલું ઘસ્યું કે
ક્યાંક તો ઉઝરડા પડી ગયા. અંતે એના ડ્રેસરના દરવાજા પર, ‘ધબ્ ધબ્ ધબ્’નો અવાજ સાંભળીને એણે શાવર બંધ
કર્યું. ભાસ્કરભાઈ આવી પહોંચ્યા હતા. શ્યામા બહાર નીકળી ત્યારે એની આંખો લાલચોળ હતી, વાળ ભીના હતા
અને ચહેરો કોઈ પત્થરની મૂર્તિ જેવો ભાવવિહીન હતો.

ભાસ્કરભાઈએ બંને હાથ પહોળા કરીને એને બાથમાં લઈ લીધી. અત્યાર સુધી આંખમાંથી એક આંસુ પણ
નહોતું પડ્યું, પણ પિતાની છાતી પર માથું મૂકતાં જ શ્યામાનું ડૂસકું છૂટી ગયું. ભાસ્કરભાઈને ભેટીને શ્યામા ક્યાંય સુધી
રડતી રહી. એના ભીના વાળ પર, વાળથી ભીની થયેલી પીઠ પર, ખભા પર, ગાલ પર ભાસ્કરભાઈનો સ્નેહાળ હાથ
ફરતો રહ્યો, “ઈટ્સ ઓકે… ઈટ્સ ઓકે, બેટા.” ભાસ્કરભાઈ કહેતા રહ્યા, પરંતુ એમને બરાબર ખબર હતી કે, ઈટ વોઝ
નોટ ઓકે!

બાપ-દીકરી ફરી ગાડી લઈને છેક પનવેલની સરકારી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. પાવન
જાગૃત હતો. એના પગને પ્લાસ્ટર કરીને ઊંચો લટકાવ્યો હતો. એના માથામાં પડેલા ઘા ઉપર ટાંકા લઈ લેવાયા હતા.
એના ચહેરા પર, પીઠમાં અને બાવડે વાગેલા તમામ ઘા ઉપર દવા લગાડવામાં આવી હતી. એની આંખ નીચે પડેલા
ચીરામાં ચાર ટાંકા આવ્યાં હતાં. એના ઉપર પણ ડ્રેસિંગ કરી દેવાયું હતું. હોઠ ભૂરા પડી ગયા હતા. દેશભરમાં જે ચહેરો
હોર્ડિંગ્સ અને એડવર્ટાઈઝિંગ્સમાં કેટલીયે સ્ત્રીઓના હોશ ઉડાવી દેતો હતો એ ચહેરો અત્યારે ઓળખી ન શકાય એવો
બની ગયો હતો.

ભાસ્કરભાઈ અને શ્યામાને જોતાં જ પાવન રડી પડ્યો, “આઈ એમ સોરી, આઈ એમ વેરી સોરી” એ કહેતો
રહ્યો. શ્યામા એના પલંગની નજીક પડેલા સ્ટીલના સ્ટુલ પર બેસી. એણે પાવનનો હાથ પોતાના હાથમાં લીધો. બીજા
હાથમાં ડ્રીપ ચાલુ હતી. શ્યામા ક્યાંય સુધી પાવનનો હાથ પંપાળતી રહી, ને પાવન પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી
ધ્રૂસકે ધ્રૂસકે રડતો રહ્યો. અત્યારે આ બંનેને એકલાં છોડી દેવા જોઈએ એમ વિચારીને ભાસ્કરભાઈ હોસ્પિટલમાં ફરજ
પરના ડૉક્ટરને મળવા ચાલી ગયા.

“હું કાયર છું… નપુંસક… ઈમ્પોટન્ટ…” પાવને કહ્યું.

“ના. હું એવું નથી માનતી.” શ્યામાના અવાજમાં રહેલી સ્વસ્થતા પાવનને વધુ વિચલિત કરી રહી હતી, “એ
ત્રણ હટ્ટાકટ્ટા ગુંડાઓ સામે તારાથી જે થાય તે કર્યું તે… એમના ચપ્પુ અને રિવોલ્વર સામે આપણે બંને લાચાર
હતા.”

“તો પણ… હું પોલીસને ફોન કરી શક્યો હોત.” પાવને કહ્યું. એની આંખના ખૂણામાંથી આંસુ વહીને તકિયામાં
ચૂસાઈ રહ્યાં હતાં.

“કેવી રીતે? ફોન તારા ખીસ્સામાં હતો અને તારા હાથ એમણે પકડી રાખ્યા હતા.” શ્યામાએ અત્યંત સ્નેહથી
એના ગાલ પર હાથ ફેરવ્યો, “હું તને બ્લેઈમ નથી કરતી, તું પણ ન કર”

“આપણે આ ઘટનાને ભૂલી જઈશું” પાવને કહ્યું, “હું તને ભૂલવામાં મદદ કરીશ.” પાવને પોતાનો ચહેરો શ્યામા
તરફ ફેરવ્યો.

“કેમ?” અત્યાર સુધી સહાનુભૂતિ અને સ્નેહથી પાવન સાથે વર્તી રહેલી શ્યામાનો ચહેરો બદલાઈ ગયો. એની
ભ્રમર સંકોચાઈ. એણે દૃઢતાથી કહ્યું, “હું નથી ભૂલવા માગતી. બલ્કે એ ઘટનાની ઝીણી ઝીણી વાતો યાદ રાખીને હું
ડાયરીમાં નોંધી લેવા માગું છું. કોર્ટમાં પૂછશે ત્યારે…”

“કોર્ટમાં?” હવે પાવનનો ચહેરો બદલાઈ ગયો, “તેં પોલીસ કમ્પલેઈન કરી છે?” એણે પૂછ્યું. એની આંખોમાં
એક દહેશત હતી. ભય અને રિજેક્શનનો મિશ્રિત પડછાયો હતો એના અવાજમાં, “મને પૂછ્યા વગર?” એણે જરાક
કડવાશથી પૂછ્યું.

“બળાત્કાર મારી પર થયો છે. હું કેસ કરીશ. એને સજા થવી જોઈએ…” શ્યામાનો અવાજ હજી સહજ હતો,
“એમાં તને શું પૂછવાનું?”

“આઈ એમ યોર હસબન્ડ, ડેમ ઈટ” પાવન ઉશ્કેરાઈ ગયો, “મારી પબ્લિક ઈમેજ, એન્ડોર્સમેન્ટના કોન્ટ્રાક્ટ્સ
અને કરિયર વિશે એકવાર પણ વિચાર ન આવ્યો? મીડિયા ચૂંથી નાખશે આ વાતને. ટ્રોલ તો હું થઈશ. મારી ઈમેજ
ડિસ્ટ્રોટ થઈ જશે…” એનો અવાજ ઊંચો થતો જતો હતો.

“તું જે બોલે છે એ સમજે છે?” શ્યામાએ પૂછ્યું, એનો અવાજ હજી સંયત હતો, “તું એવું કહેવા માગે છે કે,
હું પોલીસ કમ્પલેઈન ન કરું? તારી ઈમેજ અને કરિયર માટે?”

“ફરિયાદ કરવાથી જે થયું એને બદલી શકાશે?” પાવને પૂછ્યું. શ્યામા એની સામે જોઈ રહી. પાવનની આંખો,
એનો ચહેરો અત્યારે પેલા બળાત્કારી છોકરાના ચહેરા જેવા જ લાગ્યા, શ્યામાને! એ કશું બોલી નહીં. પાવન સામે
જોતી જ રહી.

પાવને પોતાના અવાજમાં બને એટલી સહાનુભૂતિ ઉમેરવાનો પ્રયાસ કર્યો, “આઈ અન્ડરસ્ટેન્ડ… આઈ
સિમ્પથાઈઝ.” એણે નિશ્ચેષ્ટ થઈ ગયેલા શ્યામાના હાથ પર પોતાનો હાથ મૂક્યો. શ્યામાએ હળવેથી હાથ ખસેડી
લીધો. પાવન બોલતો રહ્યો, “હું તો તારા માટે કહું છું. કારણ વગર લોકો વાતો કરશે. કોર્ટમાં સવાલ-જવાબ થશે.
ગોસિપ થશે. મીડિયામાં કિસ્સો ઉછળશે. બળાત્કાર થયો ત્યારે હું ત્યાં જ ઊભો હતો એ ખબર પડશે તો મારી ઈમેજ
બગડશે.” એણે જરા ચતુરાઈથી ઉમેર્યું, “એન્ડોર્સમેન્ટના કોન્ટ્રાક્ટ કેન્સલ પણ થઈ શકે છે… સમજે છે તું?” એણે
પૂછ્યું. એ જવાબની આશાએ શ્યામા સામે જોતો રહ્યો.

કશું જ બોલ્યા વગર શ્યામા ઊભી થઈ ગઈ. એણે એક ક્ષણ માટે આંખો મીંચી. ઊંડો શ્વાસ લીધો. થૂંક ગળા
નીચે ઊતાર્યું. પછી પાવન સામે જોઈને કહ્યું, “કાલે સવારે તને ‘લાઈફકેર’માં શિફ્ટ કરી દેશે. ડિસ્ચાર્જ અગેઈન્સ્ટ
મેડિકલ એડવાઈઝના પેપર સાઈન કરીને જાઉં છું.” એણે ફરી એક ક્ષણ માટે આંખ મીંચી, ફરી ઊંડો શ્વાસ લીધો અને
ઉમેર્યું, “ક્રિસમસની રજા લીધી હતી, પણ હવે હું આવતીકાલથી ડ્યુટી જોઈન કરું છું.” પાવન કશું બોલે એ પહેલાં
એણે વોર્ડના દરવાજા તરફ ચાલવા માંડ્યું. સામેથી ડૉ. ભાસ્કરને આવતા જોઈને એ અટકી. એણે પાછળ ફરીને પાવન
તરફ જોઈને કહ્યું, “ડેડ સાથે આ બધી ચર્ચા નહીં કરતો.” પછી ઉમેર્યું, “પ્લીઝ!”

ડૉ. ભાસ્કરે દાખલ થતાંની સાથે કહ્યું, “ગુડ મોર્નિંગ, બચ્ચાંઓ.” એમણે પાવનની નજીક જઈને એના વાંકડિયા
વાળમાં વહાલથી હાથ ફેરવ્યો. “કોઈ ખાસ ઈન્જરીસ નથી, થેન્ક ગોડ. ફ્રેક્ચર પણ નાનકડું છે. 15 દિવસમાં ચાલી
શકીશ તું. એક્સ-રે જોયો મેં.” એ બને એટલા સહજ રહેવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ આઘાત અને પીડા છુપાવી
શક્યા નહીં. એમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, “આપણે બધા આને એક ખરાબ સપનાંની જેમ ભૂલી જઈશું.
સમય બધા ઘા ભરી દેશે” એમણે કહ્યું.

“હું પણ એ જ કહું છું.” પાવનથી ન રહેવાયું, “પણ શ્યામાએ પોલીસ કમ્પલેઈન કરી છે. એફઆઈઆર
રજિસ્ટર થઈ ગઈ છે. એણે વિચાર્યા વગર જ બધું ગૂંચવી નાખ્યું છે. મીડિયા, કોર્ટ કેવી રીતે હેન્ડલ કરીશું બધું…”

શ્યામાએ આ સાંભળીને પાવન સામે જે નજરથી જોયું એ નજરનો સામનો પાવન કરી શક્યો નહીં. શ્યામાએ
ચોખ્ખી ના પાડ્યા છતાં, પાવને ડૉ. ભાસ્કર સાથે પોલીસ ફરિયાદની ચર્ચા કરી એનાથી શ્યામા આહત થઈ હતી.

પાવને કહ્યું, “એણે જરા ઉતાવળ કરી નાખી. મારી સાથે વાત કરી હોત તો…”

“તો?” ડૉ. ભાસ્કરનો અવાજ બદલાઈ ગયો, “મને લાગે છે એ નિર્ણય શ્યામાનો જ હોવો જોઈએ” એમણે
કહ્યું. ધીમેથી શ્યામા તરફ ફરીને એમણે દીકરીના ખભાની આસપાસ હાથ વીંટાળ્યો, “હું તારી સાથે છું. જરાય ચિંતા
નહીં કરતી” કહીને એમણે પાવન તરફ જે નજરે જોયું એ પછી પાવનની નજર ઝૂકી ગઈ.

શ્યામા અને ડૉ. ભાસ્કરે એકબીજા સામે જોયું. બંનેની આંખોમાં એકમેક માટે સધિયારો હતો. ડૉ. ભાસ્કર માટે
એમની દીકરી એમનું ગૌરવ હતી. એની સાથે જે કંઈ થયું એ પછી ચૂપ ન જ બેસી રહેવાય એ વાત ડૉ. ભાસ્કરની
નજરમાં સ્પષ્ટ હતી. શ્યામાની આંખોમાં દૃઢ નિર્ધાર હતો, મંગલસિંઘ યાદવને સજા થવી જ જોઈએ…

*

અત્યારે પણ એ ક્ષણ યાદ આવતાં શ્યામાની આંખો ભરાઈ આવી. પાવને કેટલા સ્વાર્થી થઈને વિચાર્યું હતું!
અત્યારે પણ એ વિચારે શ્યામાનું મન કડવાશથી ભરાઈ ગયું.

જોકે, ફરિયાદ કરીને, કોર્ટ કચેરી પછી પણ શ્યામાને ન્યાય નહોતો જ મળ્યો. નિરાશ થયેલી શ્યામાને સધિયારો
કે સહારો આપવાને બદલે પાવને જે દિવસે હાઈકોર્ટનો ફેંસલો આવ્યો એ દિવસે કહ્યું હતું, “પત્યું? થઈ ગઈ તારી જીદ
પૂરી? શું મળ્યું?”

*

આજે પણ બેહોશ મંગલસિંઘ યાદવની સામે બેઠેલી શ્યામા એ પળ યાદ કરીને ધૂંધવાઈ ઊઠી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *