પ્રકરણ – 31 | આઈનામાં જનમટીપ

કોર્ટથી ઘર સુધીના રસ્તે શ્યામાના મનમાં એક જ વાત ઘૂમરાતી રહી. એની આંખો સામે મંગલસિંઘનો
નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડતો ચહેરો વારેવારે દેખાતો રહ્યો, ‘ડોન્ટ હેઈટ મી શ્યામા!’ એ કહેતો હતો.
શ્યામાએ આંખો મીંચી દીધી, સીટના બેકરેસ્ટ પર માથું ઢાળીને એ ઊંડા ઊંડા શ્વાસ લેતી રહી…
‘હું ખરેખર ધિક્કારું છું એને?’ શ્યામાએ પોતાની જાતને પૂછ્યું, હું માફ કરી શકીશ એને? શ્યામાની
બંધ આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી. શ્યામા જ્યારે જ્યારે એ રાત વિશે વિચારતી ત્યારે એનું મન
વિષાદ અને ધૃણાથી ભરાઈ જતું. આજે પહેલીવાર એના મનમાં કરુણા હતી. મંગલની આંખોમાં દેખાતી
અસહાયતાએ શ્યામાને ભીતરથી વલોવી નાખી હતી.
‘હું બચાવ નથી કરતો મારો, પણ એક સવાલ પૂછું તને?’ શ્યામાના ઘરના આઉટ હાઉસના વરંડામાં
બેસીને મંગલસિંઘે પૂછ્યું હતું, ‘હું જે કંઈ છું એ માટે માત્ર હું જ જવાબદાર છું?’ શ્યામા એના નિર્દોષ ચહેરા
પરથી નજર હટાવી શકી નહોતી, ‘હું ખૂબ નાનો હતો જ્યારે મા બાઉજીને છોડીને ભાગી ગઈ એવું મને
સમજાવી દીધું. મેં પણ એ જૂઠનો ક્યારેય વિરોધ ન કર્યો. નાનો હતો… બાઉજીથી ડરી ગયો હતો હું. જે જોયું,
એ પછી બાઉજીને સાચું કહેવાની હિંમત જ નહોતી બચી મારામાં.’ એની આંખોમાં હજી પણ એ પળનો
વિષાદ ભૂંસાયો નહોતો, ‘બાઉજીએ આખી જિંદગી મારા મગજમાં ઘૂંટી ઘૂંટીને એક જ વાત લખી, મારી મા
મને છોડીને, પોતાની જવાબદારી તરછોડીને એના યાર સાથે ઐયાશી કરવા ભાગી ગઈ…’ મંગલે ઊંડો શ્વાસ
લીધો. નજર ઝુકાવીને એણે બહુ ધીમેથી, કદાચ પોતે જ સાંભળી શકે એટલા ધીમેથી કહ્યું, ‘મા ભાગી નહોતી.
બાઉજીએ એને…’ શ્યામા અધ્ધર શ્વાસે કોઈ રહસ્યનો પડદો ખૂલવાનો હોય એમ સાંભળતી રહી, ‘શ્યામા!’
મંગલસિંઘે અનાયાસે જ હાથ લંબાવીને શ્યામાના હાથ ઉપર પોતાનો હાથ મૂકી દીધો. એના હૂંફાળા હાથના
સ્પર્શથી શ્યામાના આખા શરીરમાં એક સંવેદનાની લહેર પસાર થઈ ગઈ. શ્યામાએ હાથ સરકાવાનો પ્રયાસ
કર્યો, પણ મંગલસિંઘે હળવાશથી એનો હાથ પકડી રાખ્યો હતો, ‘મારી મા એ રાત્રે જ આ દુનિયા છોડી ગઈ
હતી.’ કહેતાં કહેતાં મંગલસિંઘની આંખોમાંથી બે આંસુ ટપકી ગયાં. ‘એ દિવસે રાત્રે બાઉજી ફાટેલા
લોહીલુહાણ શર્ટ સાથે ઘરે આવ્યા હતા. મારી મા ઊંઘમાંથી જાગી ગઈ હતી. એના પડખામાં હું ઊંઘતો હતો,
હું પણ જાગી ગયો હતો એ રાત્રે, પણ બાઉજીના તેવર જોઈને મેં આંખો મીંચેલી જ રાખી. બાઉજીના શરીર
પર ઠેર ઠેર ઉઝરડા હતા. ઘરમાં આવીને એમણે દરવાજો બંધ કરી દીધો. એ હાંફતા હતા.’ મંગલસિંઘે કહેતાં
કહેતાં આંખો મીંચી દીધી જાણે અત્યારે પણ એ દ્રશ્ય એને એટલી જ તકલીફ આપી રહ્યું હોય! એ બંધ આંખે
બોલી રહ્યો હતો, ‘કોઈ જોરજોરથી દરવાજો પીટતું હતું. બાઉજીએ દરવો ઊઘાડવાની ના પાડી. મારી મા
પાંદડાની જેમ ધ્રૂજતી હતી. બાઉજીએ શર્ટ ઉતારીને ખાટલાની નીચે નાખી દીધું. ત્યાં લટકતું ગંજી પહેરીને
એમણે હાથ-મોઢું ધોઈ નાખ્યા. મારી મા આ જોતી રહી. હું પણ બધું જોતો હતો.’ મંગલસિંઘ ચૂપ થઈ ગયો.
ભૂતકાળની કોઈ એવી ગલીમાં ભટકી ગયો જ્યાંથી પાછા આવવાનો રસ્તો કદાચ મળતો નહોતો…
‘મંગલ…’ શ્યામાએ પોતાનો હાથ સરકાવી લીધો, ‘મંગલના હાથ પર મૂકી અને સહેજ ઢંઢોળ્યો.

‘હમમ્.’ મંગલ ચોંક્યો, ‘એ રાત ભયાનક હતી. બાઉજીએ દરવાજો ન જ ખોલવા દીધો. બહાર
ઊભેલા લોકો મોટેમોટેથી બૂમો પાડતા હતા અને દરવાજો તૂટી જાય એટલા જોરથી પીટતા હતા. થોડીવાર
પછી દરવાજો તૂટી જ ગયો. ચાર-પાંચ જણાં અંદર આવ્યા. એમણે બાઉજી સાથે જે વાત કરી એ બધી તો
મને યાદ નથી, પણ એમણે બાઉજીને ખૂબ માર્યા ને જતાં જતાં મારી માને ઊઠાવી ગયા. રડતી-કકળતી, ચીસો
પાડતી મારી માને બચાવવા માટે બાઉજી ઊભા થઈ શકે એમ નહોતા. હું એટલો ડરી ગયો હતો કે, બધું જોઈ
શકતો હોવા છતાં આંખો મીંચીને પડી રહ્યો.’ મંગલ રડી પડ્યો, ‘કાયર હતો હું. મારી માને બચાવવાની પણ
હિંમત નહોતી મારામાં. કદાચ એટલે જ, બાઉજીએ લોકોને જે કીધું એ વાતને મેં પણ ખોટી પાડવાને બદલે
એમના જૂઠમાં સાથ આપ્યો. અમે બંને કાયર, અમે બંને નામર્દ હતા.’ પોતાના બંને હાથની વચ્ચે ચહેરો
ઢાંકીને મંગલ ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો હતો. એની બાજુમાં બેઠેલી શ્યામાને સમજાતું નહોતું કે, એ મંગલને રોકે કે
રડી લેવા દે…
થોડીવાર રડી લીધા પછી મંગલે કહ્યું, ‘એ પછી બે દિવસને બે રાત હું ને બાઉજી ઘરમાં પૂરાઈ ગયા.
તૂટી ગયેલા દરવાજો ઊભો કરીને પાછળ ટેબલ મૂકી દીધું. બારીબારણા કશુંય ખોલ્યા વગર ઘરમાં જે હતું એ
ખાઈને અમે ચૂપચાપ પડી રહ્યા. ત્રીજે દિવસે દરવાજો ખોલ્યો, અને બાઉજી બહાર ગયા. એ પાછા આવ્યા
ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. આમતેમ જોતા, એ ચોરની જેમ ઘરમાં દાખલ થયા. એમના ખભે મારી મા
બેહોશ હતી. કોઈ લાશ ઝૂલતી હોય એમ એના બે હાથ બાઉજીની પીઠની છેક નીચે ઝૂલતા હતા. એના બે
પગ ઉપર હાથ લપેટીને બાઉજીએ એને પકડી રાખી હતી. એનો બ્લાઉઝ, ચણિયો ગાયબ હતા, ફાટેલી
સાડીમાં કોઈ ગંદી ચીજ લપેટી હોય એમ, મારી માનું શરીર લપેટાયેલું હતું. એના ચહેરા પર ચકામાં હતા,
હાથ પર, ગળા પર કોઈએ બચકાં ભર્યાં હોય એવાં નિશાન હતાં. વાળ વિખરાયેલા હતા… હું ડઘાઈ ગયો
હતો. બાઉજીએ ઘરમાં આવીને મને કહ્યું, કિસી કો મત બતાના…’ મંગલસિંઘ અટક્યો. એણે જે રીતે શ્યામાની
સામે જોયું એ આંખોના ખાલીપાથી શ્યામા ડરી ગઈ. એ થોડીવાર શ્યામાની સામે જોતો રહ્યો. એની
આંખોમાં કોઈ ભાવ, કોઈ સંવેદના જ નહોતા. જાણે કાચના બે ટૂકડાં હોય એવી આંખોથી એ શ્યામા સામે
જોતો રહ્યો, પછી એણે સ્વગત બોલતો હોય એમ જ કહ્યું, ‘મારી મા બુખારમાં તડપતી રહી. ડર અને
આતંકથી ચીસો પાડતી રહી, પણ બાઉજીએ ડાક્ટર ન બોલાવ્યા અંતે, તડપી તડપીને મારી માએ પ્રાણ છોડી
દીધા. એ પછી પણ બાઉજીએ એના શરીરને લઈ જવા માટે રાતના અંધારાની રાહ જોઈ. જેવી રીતે લઈ
આવ્યા હતા એવી જ રીતે ખભે નાખીને અડધી રાત્રે એ મારી માને લઈ ગયા…’ મંગલસિંઘે ફરી એકવાર
આંખો મીંચી દીધી, ‘મેં એ પછી મારી માને કોઈ દિવસ જોઈ નથી.’
‘આઈ એમ સો સોરી.’ શ્યામાથી કહેવાઈ ગયું.
‘સોરી?’ મંગલસિંઘ હજી પણ જાણે સ્વગત જ બોલતો હોય, ‘ગુનો હતો મારો. બાઉજીથી ડરીને હું
પણ ચૂપચાપ બેસી રહ્યો. ડૉક્ટર બોલાવ્યા હોત. મારી માને સમયસર સારવાર મળી હોત તો કદાચ બચાવી
શક્યા હોત અમે.’
‘પણ… આ બધું…’ શ્યામાએ પૂછ્યું, ‘આ બધું કોણે કર્યું? કેમ?’
‘નથી જાણતો.’ મંગલસિંઘે કહ્યું, ‘પણ મને ખબર છે કે, મારા બાઉજીએ કરેલા કોઈ કર્મની સજા મારી
માને મળી.’ એ ચૂપચાપ નીચું જોઈને બેસી રહ્યો, ક્યાંય સુધી. શ્યામાની પણ કશું પૂછવાની હિંમત ન ચાલી.
હવે આ વિશે આગળ વાત કરવાની મંગલસિંઘમાં તાકાત નથી એ શ્યામાને સમજાતું હતું. એના હૃદય પર
રહેલો બહુ જ મોટો બોજ એણે આજે ઉતાર્યો હતો. જે વાત એને આટલા વર્ષોથી ડંખી રહી હતી એ રાઝ
એણે શ્યામાની સામે ખોલવાની હિંમત કરી હતી. શ્યામા એના એકાંતને, એની પીડાને છંછેડ્યા વગર એને
એના દુઃખ અને ખાલીપા સાથે ત્યાં જ બેસી રહેવા દીધો. એ ચૂપચાપ ઊઠીને પોતાના ઘર તરફ નીકળી ગઈ,
બીજા દિવસની સવાર ભયાનક પડવાની હતી એ વાતની શ્યામાને ખબર જ હતી.

મહાલક્ષ્મી અને ચિંચપોકલીના ઉપનગરીય સ્ટેશનની વચ્ચે જેકબ સર્કલ મોનોરેબની વચ્ચે ચારેતરફ
હાઈરાઈસ બિલ્ડિંગોની વચ્ચે આર્થર રોડ જેલ આવેલી છે. મુંબઈની અદાલત 10-15 કિલોમીટર દૂર છે
એટલે મોટાભાગના અંડર ટ્રાયલ કેદીઓને અહીં રાખવામાં આવે છે. અનેક વખત આ જેલ વિશે જાતભાતનું
લખાઈ ચૂક્યું છે. વધુ પડતી ભીડ, અમાનવીય સ્થિતિ, અતિશય ભ્રષ્ટાચારથી શરૂ કરીને અહીં ભાગ્યે જ એવી
કોઈ બાબત છે જેને વિશે અખબાર અને મીડિયામાં છપાયું ન હોય. 2006માં દાઉદ ઈબ્રાહીમ અને છોટા
રાજનની બે ગેંગ વચ્ચે જેલમાં ગેંગવોર થઈ હતી. એવી જ રીતે 2010માં અબુ સલેમ અને મુસ્તફા દોસાની
ગેંગ વચ્ચે પણ જેલની અંદર ખુલ્લી મારામારી થઈ હતી. અહીં આત્મહત્યાના કિસ્સા અનેકવાર બન્યા છે.
બોમ્બે હાઈકોર્ટને પત્ર લખીને આર્થર રોડ જેલની ભયાવહતાનું વર્ણન જે કેદીએ કર્યું હતું એ કોર્ટ સુધી પહોંચે
એ પહેલાં જ જેલમાં ‘હાર્ટ એટેક’થી એનું મૃત્યુ થયાના ખબરથી મીડિયા જગતમાં સન્નાટો છવાઈ ગયો હતો.
લગભગ બે એકરમાં ફેલાયેલી આ જેલ 1926માં બની હતી.
બડા ચક્કર, છોટા ચક્કર, નાનામોટા બેરેક્સ, કપડાં ધોવાની ચોકડીઓ, નાહવાના ચોકઠા અને
ટોઈલેટ્સ બ્લોક્સની સાથે રસોડું અને કેદીઓને જમવા માટેનો હોલ, સુથારીકામ, દરજીકામ, સાબુ અને
બીજી વસ્તુઓ બનાવવાના વર્કશોપની એક અલગ જગ્યા સાથે આ જેલ 800 કેદીઓને રાખવા માટે
બનાવવામાં આવી હતી, પરંતુ મંગલસિંઘ જે દિવસે જેલમાં દાખલ થયો એ દિવસની ગણતરી 3,776
કેદીઓની હતી!
મંગલસિંઘ માટે તો અહીં બધી સુવિધાઓ ઉપલબ્ધ હતી કારણ કે, અલતાફે અંગત રીતે એની
સલામતી અને સગવડની જવાબદારી ઉપાડી હતી, પરંતુ મંગલસિંઘને એના પતિના સલામતીની ચિંતા થઈ
રહી હતી. એને શ્યામાના ઘરે મૂકીને મુરલી અને શાની સાથે પોલીસની વેનમાં બેસીને નીકળ્યો એ પછી
દિલબાગના કોઈ ખબર મંગલ સુધી પહોંચ્યા નહોતા. અત્યારે પણ એ દિલબાગના સમાચાર જાણવા બેચેન
હતો.
મંગલસિંઘે ધીમેથી પંચમને કહ્યું, ‘ફોન… યહાં ફોન હોગા?’ પંચમ થોડીક ક્ષણો એની સામે જોઈ રહ્યો
પછી હસી પડ્યો. હસતાં હસતાં એણે ડોકું ધૂણાવ્યું. પંચમની આંખોમાં મંગલસિંઘના ભોળપણ કે બેવકૂફી
ભરેલા સવાલો વિશે એક વિચિત્ર વ્હાલસોયો ઠપકો હતો.
‘બીજું કોઈ પૂછત તો હું કહેત કે, જેલ છે કે, ફાઈવસ્ટાર હોટેલ? પણ ભાઈનો હુકમ છે કે તને તકલીફ
ના પડવી જોઈએ એટલે ફોન તો મેળવી આપીશ.’ પછી એણે ભવાં ઊલાળીને પૂછ્યું, ‘દાક્તરની કો ફોન કરના
હૈ?’ મંગલસિંઘે ડોકું ધૂણાવીને ના પાડી, ‘તો?’ પંચમે પૂછ્યું, ‘કોની સાથે વાત કરવી છે?’
‘બાઉજી. ‘ કહેતાં કહેતાં મંગલને ડૂમો ભરાઈ ગયો, ‘ખબર નહીં શું પરિસ્થિતિ હશે! મેં તો મારી લડાઈ
શરૂ કરી દીધી, પણ એમને શું સહન કરવું પડતું હશે એનો વિચાર આવે છે તો પણ ડરી જાઉ છું. એકવાર
એમનો અવાજ સાંભળી લેત તો…’
‘રાત્રે વાત કરાવી દઈશ.’ પંચમે વચન આપ્યું. મંગલસિંઘ ભીંતને ટેકો દઈને બેઠો બેઠો વિતેલા દિવસો
અને આવનારી પરિસ્થિતિના વિચારોમાં ગૂંથાયો.

ચૂપચાપ બેઠેલા મંગલસિંઘનું ધ્યાન અચાનક દૂર બેસીને પોતાને જોઈ રહેલા શૌકત તરફ ગયું. શૌકત
સામે બેસીને મંગલસિંઘને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે કોઈ નવી નવાઈની વસ્તુ જોઈ રહ્યો હોય.
મંગલસિંઘે ભવાં ઊલાળીને એને પૂછ્યું, ‘શું જુએ છે?’ એણે હાથ હલાવીને શૌકતને પોતાની નજીક બોલાવ્યો.
મંગલસિંઘના બોલાવવાની જ રાહ જોતો હોય એવી રીતે તરત ઊભો થઈને શૌકત નજીક આવ્યો. એ
મંગલસિંઘની બાજુમાં ગોઠવાઈ ગયો. એણે ધીમેથી કહ્યું, ‘યે પંચમ જૂઠ બોલતા હૈ.’ મંગલસિંઘે ઝાઝું રિએક્ટ
થયા વગર માત્ર નજરથી એની સામે જોયું. શૌકત કહેતો રહ્યો, ‘આપ કી બાત નહીં કરાયેંગે.’ મંગલ સાંભળતો
રહ્યો, ‘આપ કે બાઉજી કો એન્કાઉન્ટર કરેંગે.’ મંગલે હજીયે કોઈ પ્રતિભાવ ન આપ્યો. એને લાગ્યું કે, જો
રિએક્ટ થશે તો સામે બેઠેલા પંચમને ખ્યાલ આવી જશે કે, આ બે જણાં શું વાત કરે છે. એણે નજર ઝૂકાવી
લીધી. ખૂબ ધ્યાનથી શૌકતની વાત સાંભળવા અને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો. શૌકત પણ ખૂબ ધીમા
અવાજે કહી રહ્યો હતો. જેલની જિંદગીએ એને ઘણું શીખવાડ્યું હતું. એના ચહેરા પર સ્મિત હતું જાણે
મંગલ સાથે શ્યામાની વાત કરતો હોય એમ એ હસતો હસતો વાત કરતો હતો. ‘પંચમ કો મિલને આયે થે. દો
લોગ. એક ને સફારી પહેના થા.’ મંગલ પોતાની આંગળીથી જમીન પર આડાઅવળા લીટા દોરી રહ્યો હતો,
‘એક ને પંચમ કો બહોત સારે પૈસે દિયે. જેલમેં પૈસા બહોત કામ કી ચીજ હૈ.’ કહીને શૌકતે પણ નીચે જોયું.
એ મંગલની આંગળીથી દોરાતા લીટા જોતો રહ્યો. થોડીવાર ચૂપ રહીને એણે કહ્યું, ‘કિસી પુલિસવાલે કો કામ
દિયા થા, એમ કહેતા હતા. પેલા બીજા માણસે કહ્યું કે, એને પોલીસવાળા પર ભરોસો નથી, એટલે પંચમે એમને
સૂરીભાઈનો નંબર આપ્યો છે. સૂરી શૈતાન કહે છે બધા એને. એ એકવાર સુપારી ઊઠાવે પછી ચોવીસ કલાકમાં માણસ
ખતમ.’
‘તો?’ મંગલસિંઘે ઊંચું જોયા વગર જ પૂછ્યું, ‘સૂરીએ સુપારી લીધી?’
‘એ મને નથી ખબર…’ શૌકતે કહ્યું અને હસતો હસતો ઊભો થઈ ગયો. પંચમની સામે જોઈને એણે
કહ્યું, ‘ક્યા આશિક હૈ! કહતે હૈ મર જાયેંગે, લેકિન ભાભી કો ઈન્સાફ દિલાયેંગે…’

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *