પ્રકરણ – 35 | આઈનામાં જનમટીપ

‘સંકેત નાર્વેકર, જુહુ પોલીસ સ્ટેશન.’
‘પંચમ કુમાર, આર્થર રોડ જેલ.’ આટલું સાંભળતાં જ ગાડીનો સેલ બંધ કરીને નાર્વેકર સતેજ થઈ
ગયો, ‘દિલબાગસિંઘ યાદવ સે બાત કરવાયે.’ પંચમે જે સૂરમાં કહ્યું એમાં ક્યાંય વિનંતી નહોતી.
‘તમે કોણ છો?’ નાર્વેકરે પૂછ્યું તો ખરું, પણ પંચમ કુમારને મહારાષ્ટ્રની પોલીસ ન ઓળખતી હોય
એવું શક્ય જ નહોતું.
‘વાત કરાવો સાહેબ.’ પંચમ કુમારે કહ્યું, ‘એના દીકરાને બાપનો અવાજ સાંભળવો છે.’
‘લોક-અપમાં કેદી જોડે વાત કરાવવાનો કાયદો નથી.’ નાર્વેકરે કહ્યું.
‘સાહેબ… ટાઈમ અને પૈસા બેઉ બગાડશો. ચાર્જિંગ ઓછું છે.’ પંચમ હસવા લાગ્યો, ‘મારે ચંદુને ફોન
કરવો પડશે. એ સાથે જ છે ને?’ નાર્વેકર ચોંકી ગયો. આ ગુનેગારોના નેટવર્ક વિશે હંમેશાં જાણતો જ હોય,
પરંતુ જ્યારથી ટેકનોલોજી આવી ત્યારથી એ ટેકનોલોજી જેટલી પોલીસના કામમાં આવે છે એટલી જ બલ્કે,
એથી વધારે ગુનેગારોના કામમાં આવે છે એ વાત આખા પોલીસ ડિપાર્ટમેન્ટને સમજાવવા લાગી હતી. પંચમે
આગળ કહ્યું, ‘ફોન આપો છો કે, ચંદુને લગાવું?’
નાર્વેકરે ઝાઝું બોલ્યા વગર ફોન દિલબાગના કાને ધર્યો. એના બંને હાથ હાથકડીમાં બાંધેલા હતા. પછી
કંઈક વિચારીને નાર્વેકરે ફોન સ્પીકર પર મૂક્યો. દિલબાગે ધીમેથી કહ્યું, ‘બેટા…’
‘બાઉજી…’ મંગલસિંઘનો અવાજ ધ્રૂજી ગયો, ‘તમે ઠીક તો છો ને?
‘નાર્વેકર સાહેબની હિફાજતમાં મને શું થવાનું? બધું ઠીક છે. બે-ચાર દિવસમાં મામલો સુલ્ટી જશે.
પછી તારા કેસમાં લાગીશું.’ દિલબાગે કહ્યું.
‘મારા કેસમાં કરવા જેવું કંઈ છે જ નહીં. મારી પેશી થશે ત્યારે હું ગુનો માની જ લેવાનો છું.’ મંગલે
કહ્યું. દિલબાગનું કાળજું કંપી ઊઠ્યું, પણ એ કંઈ બોલ્યો નહીં. મંગલે આગળ કહ્યું, ‘બાઉજી તમારું ધ્યાન
રાખજો. તમારી સુપારી…’
‘બેટા! ફોન સ્પીકર પર છે.’ મંગલ આગળ કહે તે પહેલાં દિલબાગે એનું વાક્ય કાપી નાખ્યું. દિલબાગે
ઊંડો શ્વાસ લીધો.
‘મને ડર નથી.’ મંગલે કહ્યું, ‘મેં તમને સાવધાન કરવા ફોન કર્યો છે. સ્પીકર પર હોય તો સારું છે.
નાર્વેકર સાહેબ પણ વાત સાંભળી જ લે.’ મંગલસિંઘે ઉમેર્યું, ‘બાઉજીની સુપારી નીકળી છે. સુખવિન્દર સૂરીએ
ઉપાડી છે. સુખવિન્દરનો એક પણ વાર આજ સુધી ખાલી નથી ગયો એ બધા જાણે છે. મારા બાઉજીનું ધ્યાન
રાખજો, સાહેબ.’ મંગલે કહ્યું. એનું ગળું ભરાઈ આવ્યું.
નાર્વેકરે વચ્ચે જ કહ્યું, ‘હું એનું ધ્યાન રાખીશ. સારું થયું તેં જણાવ્યું.’ નાર્વેકરે વાત પૂરી કરતાં કહ્યું, ‘હું
ફોન મૂકું છું.’
‘બાઉજી…’ મંગલથી રડાઈ ગયું.
દિલબાગ જેવા કઠળ કાળજાના માણસની આંખોમાંથી પણ આંસુ વહેવાં લાગ્યા. ચંદુએ પાછલી
સીટમાંથી દિલબાગનો ખભો થપથપાવીને એને આશ્વાસન આપ્યું. નાર્વેકરે ફોન ડિસકનેક્ટ કરીને ડેશબોર્ડ પર
મૂક્યો. ગાડીનો સેલ માર્યો અને એ લોકો બહાર નીકળ્યા ત્યારે સાડા આઠ થયા હતા.

‘સૂરીની વાત તને કોણે કરી?’ ફોન કાપીને સૌથી પહેલો સવાલ પંચમે પૂછ્યો.
‘જેલમાં ઊડતી ઊડતી ખબર સાંભળી.’ મંગલે કહ્યું, ‘સાચું છે ને?’ પંચમે જવાબ ન આપ્યો. એ મટકું
ય માર્યા વગર મંગલસિંઘ સામે જોતો રહ્યો. મંગલસિંઘ પણ ડર્યા વગર એની આંખમાં આંખ પરોવીને ઊભો
રહ્યો, ‘તમને મળવા બે માણસો આવ્યા હતા.’
‘તને ખરેખર લાગે છે કે, હું દિલબાગની સુપારી…’ પંચમે પૂછ્યું. પછી એ હસી પડ્યો, ‘જેલમાં સો
માણસ સો વાત કરશે. જીતની ઝુબાન ઉતની બાતેં. કોનું માનવું, કોનું ન માનવું એ તો તારે જ નક્કી કરવાનું.
તને કોના પર વિશ્વાસ છે? જેણે ખબર આપી એના પર કે જેણે તારા બાપ સાથે વાત કરાવી તેના પર?’
‘તમને મળવા કોણ આવ્યું હતું?’ મંગલસિંઘે બીજી બધી વાત સાંભળ્યા વગર ફરી પોતાનો સવાલ
દોહરાવ્યો.
‘અવિનાશકુમાર અને એની સાથે કોઈ માણસ હતું.’ પંચમે ડર્યા વગર જવાબ આપ્યો, ‘દિલબાગની
સુપારી લઈને આવ્યા હતા એ લોકો, પણ મેં એમને મદદ કરવાની ના પાડી.’ એણે ફોન ફરી પાછો પ્લાસ્ટિકની
થેલીઓમાં વીંટાળીને એના પર કાળી પટ્ટી ચોંટાડી દીધી. કમોડ પર ચડીને ફ્લશની ટાંકી પર પાછળ ફોન
બરાબર ચીપકાવીને એ નીચે ઉતર્યો, ‘હું દલાલ નથી…’ કહીને પંચમ ટોઈલેટના પેસેજની બહાર નીકળવા
લાગ્યો. નીકળતા નીકળતા એણે કહ્યું, ‘અવિનાશકુમાર અને સૂરીની વચ્ચે દલાલી કરવાનો ધંધો નથી મારો.’
ડઘાયેલો મંગલસિંઘ ત્યાં જ ઊભો હતો, પરંતુ પંચમ ટોઈલેટ બ્લોક્સની બહાર નીકળીને પેસેજમાંથી પસાર
થઈને બેરેક સુધી પહોંચી ગયો.
ભાંગેલા પગલે બેરેકમાં પહોંચ્યો ત્યાં સુધી મંગલસિંઘ પૂરેપૂરો ગૂંચવાઈ ગયો હતો. ભોળા અને પ્રેમાળ
લાગતા શૌકત પર વિશ્વાસ કરવો કે ખુંખાર છતાં પ્રામાણિક લાગતા પંચમ પર! એને સમજાયું નહીં. સૂરીએ
સોપારી લીધી છે એ વાત સાચી છે કે ખોટી એ કન્ફર્મ કરવાનો કોઈ રસ્તો નહોતો મંગલસિંઘ પાસે, તેમ છતાં
પિતાને સાવધાન કરી દીધાના સંતોષ સાથે એ પોતાને મળેલી ખૂણાની જગ્યામાં પાથરેલા બ્લેન્કેટ પર આડો
પડી ગયો. એણે આંખો મીંચી અને નજર સામે ફરી એકવાર શ્યામાનો ચહેરો તરવરી ઊઠ્યો.
શું કરતી હશે એ! હોસ્પિટલમાં બિઝી હશે… મારો તો વિચાર પણ નહીં આવતો હોય એને. હું કોઈ
નથી એના માટે. મંગલસિંઘ વિચારતો રહ્યો, હું કબૂલાત કરી લઈશ, જેલમાં જઈશ એ પછી શ્યામા માફ કરશે
મને? દોસ્તી થઈ શકશે અમારી વચ્ચે? એની નજર સામે તરવરતો શ્યામાનો ચહેરો પોતાના બે હાથની વચ્ચે
પકડીને હોઠની નજીક લઈ આવવાની તીવ્ર ઈચ્છા જાગી ઊઠી મંગલસિંઘને. શ્યામાના ચહેરાનો, એની
ત્વચાનો, એના શરીરમાંથી આવતી સુગંધનો વિચાર કરતાં પણ મંગલસિંઘનું રોમરોમ થરથરી ઊઠ્યું. કેટલીય
છોકરીઓ સાથેના શરીર સંબંધ પછી પણ મંગલસિંઘને કોઈ દિવસ આવી અનુભૂતિ નહોતી થઈ. શ્યામાના
ખભા પર માથું મૂકીને પોતે જે રીતે સૂતો હતો એ ક્ષણના સ્પર્શની યાદ આવતા જ એની ભીતરનો પુરુષ
સળવળી ઊઠ્યો. શ્યામાનો એ તપી ગયેલા તાંબા જેવો ચહેરો, એની માછલી જેવી આંખોમાં દેખાતો
આક્રોશ, એના સ્વચ્છ દાંત સાથેનું નિર્દોષ સ્મિત, વારંવાર ચહેરા પર ધસી આવતા વાળ અને કપાળ પર જામી
ગયેલા પરસેવાના બુંદના એ દ્રશ્યો યાદ કરતાં મંગલસિંઘ ક્યારે ઊંઘી ગયો એની એને પોતાને ખબર ન રહી.

*

નાર્વેકરની જીપ રાહુલના ફાર્મ હાઉસના મોટા લોખંડના ગેટ સામે આવીને ઊભી રહી. એના માણસે
રિમોટનું બટન દબાવીને ગેટ ખોલ્યો. સેંકડો કિલો વજનનો ગેટ પૈડા ઉપર પાછળની બાજુ સરકી ગયો એટલે
નાર્વેકરની જીપ અંદર દાખલ થઈ. માણસે ગેટ પરથી સૂચના આપી, ‘વો લોગ આ ગયે.’ અવિનાશે સીપ કરી
રહેલા રાહુલ સામે જોઈને ડોકું ધૂણાવ્યું. રાહુલે વ્હિસ્કીનો ગ્લાસ ટેબલ પર મૂકી દીધો. એણે ઘડિયાળ જોઈ.
સાડા નવ થયા હતા.

નાર્વેકરની જીપ આવીને ફાર્મ હાઉસના પોર્ચમાં ઊભી રહી. પહેલા નાર્વેકર અને પાછળ પાછળ
હાથકડીમાં બંધાયેલો દિલબાગ ઉતર્યો. પાછળનો દરવાજો ખોલીને ચંદુ ઉતર્યો એ જોઈને રાહુલના ભવાં
સંકોચાયાં. ત્રણેય જણાં નજીક આવ્યા ત્યારે રાહુલે પૂછ્યું, ‘આ અહીં શું કરે છે?’
‘સાંભળ્યું છે તમારું ફાર્મ હાઉસ બહુ ખૂબસુરત છે એ જોવા આવ્યો છું.’ કહીને ચંદુ મૂર્ખની જેમ
હસ્યો. થોડીવાર સુધી કોઈ કશું બોલ્યું નહીં, પછી રાહુલે નાર્વેકરને પૂછ્યું, ‘ડ્રીંક?’
નાર્વેકરે હસીને ડોકું ધૂણાવ્યું, ‘ઓન ડ્યૂટી, સર.’
દિલબાગે કહ્યું, ‘મુજસે તો પૂછીએ સર?’ રાહુલ થોડીક ક્ષણ એની સામે જોઈ રહ્યો પછી એણે હસીને
ટ્રોલીમાં પડેલો એક ગ્લાસ ઉપાડીને દિલબાગનો પેગ બનાવ્યો. દિલબાગે પોતાના હાથ ઊંચા કરી હાથકડી
બતાવી. રાહુલે નજરથી હાથકડી ખોલવાનું કહ્યું અને નાર્વેકરે હાથકડી ખોલી નાખી, પણ એ બેઠો નહીં.
દિલબાગની ખુરશીની પાછળ ઊભો રહ્યો. ચંદુ હજી ઊભો હતો. એણે નાર્વેકરને પૂછ્યું, ‘મેં ભી મહેમાન હું
સર. મુજે ક્યું નહીં પૂછ રહે?’
રાહુલે તોછડાઈથી કહ્યું, ‘બિન બુલાયે મહેમાન હો.’ ચંદુ અપમાન ગળી ગયો અને હસતો રહ્યો. એ
સતત સાવધાન હતો અને એની નજર ચારેતરફ ફરતી હતી. અચાનક એને એરિકાપામના કુંડાઓની વચ્ચેથી
એક ગનનું નાળચું દેખાયું. એ સમજી ગયો કે, રાહુલે એકથી વધારે માણસો ભેગાં કર્યા હશે. નાર્વેકરનું પૂરું
ધ્યાન રાહુલ તરફ હતું. ચંદુ એને એ નાળચું બતાવીને કંઈ કહેવા માગતો હતો, પરંતુ નાર્વેકર એની તરફ જોતો
જ નહોતો. નીકળતી વખતે મંગલના ફોન પર એણે આપેલી સૂરી વિશેની સૂચના પછી આ નાળચું ચંદુ માટે
ભયાનક ડર અને ચિંતા પેદા કરી રહ્યું હતું.
ખાસી એવી મિનિટો સુધી કાચના ગ્લાસ પર બરફ ટકરાવાના અવાજ, તમરાના સૂર અને પાંદડામાંથી
પસાર થતી હવાની સરસરાહટ સિવાય સન્નાટો છવાયેલો રહ્યો. દિલબાગે ચૂપકીદી તોડતાં કહ્યું,
‘રાહુલબાબા…’
‘હોમ મિનિસ્ટર છું હું. સાહેબ! સાહેબ કહેવાનું.’ રાહુલથી કહેવાઈ ગયું. દિલબાગ હસી પડ્યો. એણે
ડોકું ધૂણાવીને ‘હા’ પાડી.
‘સાહેબ, તમારા પિતાનું નમક ખાધું છે. નમકહરામી નહીં કરું. તમારે મારાથી ડરવાની જરૂર નથી. હું
ક્યારેય મોઢું નહીં ખોલું એટલો ભરોસો રાખજો.’
‘ડરતો નથી તારાથી, પણ તારો છોકરો હાથની બહાર જઈ રહ્યો છે.’
‘એને ને તમારે કોઈ નિસ્બત નથી. એ પેલી ડૉક્ટરના બહેકાવામાં આવી ગયો છે. બળાત્કારનો ગુનો
કબૂલી લેશે તો એટલી સજા થશે. હું એમાં ક્યાંય નથી.’ રાહુલ થોડીક ક્ષણો દિલબાગની સામે જોઈ રહ્યો. વાત
તો બરાબર હતી. મંગલસિંઘના ગુનો કબૂલવાથી દિલબાગ ઉપર આંચ આવે એમ નહોતી. વળી, એણે જે
પ્રામાણિકતા અને સ્પષ્ટતાથી કહ્યું એનાથી રાહુલને મનોમન સધિયારો મળી ચૂક્યો હતો. સાહેબ સાચું કહું,
દિલબાગે પૂરી નિષ્ઠા સાથે કહ્યું, ‘તમે તો ક્યાંય સપડાઓ એવું છે જ નહીં. ભાઉ સાહેબે કદાચ, કોઈ ઊંચનીચ
કરી હોય તો એ ભાઉ સાહેબ સાથે ગઈ. જ્યાં સુધી મને કે મારા દીકરાને નુકસાન નહીં થાય ત્યાં સુધી હું પણ
તમને નુકસાન નહીં થવા દઉ.’ દિલબાગે કહ્યું, ‘વચન આપું છું.’ રાહુલ શાંત થઈ ગયો. એના ચહેરા પર નિરાંત
જોઈને અવિનાશકુમારને ઉચાટ થવા લાગી.

રાહુલે અવિનાશકુમારને દૂર ઊભો રાખ્યો હતો. એ આ વાતચીત સાંભળી શકતો નહોતો. માત્ર
હાવભાવ જોઈ શકતો હતો, પરંતુ દિલબાગ અને રાહુલના ચહેરા પર સ્મિત અને નિરાંત જોઈને અવિનાશને
લાગ્યું કે, બાજી બગડી ગઈ. એ કોઈપણ રીતે દિલબાગને ઉડાવવા માગતો હતો. ભાઉ સાહેબની સાથે રહીને
એણે કરેલા કાળાધોળાનો ઘણો હિસાબ દિલબાગ પાસે હતો. એટલું ઓછું હોય એમ અવિનાશકુમારની
લંપટતા અને એના સ્ત્રીઓનાં શોખને પણ દિલબાગે ઘણીવાર પોશિયો હતો. આ બધું ખૂલી જાય એ પહેલાં
દિલબાગ ખતમ થઈ જાય એ જ અવિનાશનો પ્રયાસ હતો. એણે દૂર ઊભેલા સૂરીને ઈશારો કર્યો. સૂરીએ
પોતાની ગનનું લોક ખોલ્યું. કોઈ કશું સમજે તે પહેલાં સાયલેન્સર ચડાવેલી ગનમાંથી એક ગોળી છૂટી.
બરાબર એ જ વખતે દિલબાગ પોતાનો ગ્લાસ મૂકવા વાંકો વળ્યો. આ બધું ક્ષણોની અંદર બની ગયું. ગોળી
સીધી નાર્વેકરના ખભા પર વાગી. એ ત્યાં જ ફસડાઈ પડ્યો. અવિનાશકુમાર ડઘાઈ ગયો અને રાહુલ બાજુમાં
પડેલી પોતાની પિસ્તોલ લઈને ઊભો થઈ ગયો.
‘કોણ છે?’ રાહુલે બૂમ પાડી. સાથે જ એણે ગેટ બંધ કરવાનો આદેશ આપ્યો. અવિનાશકુમાર દોડીને
નજીક આવ્યો. રાહુલની અને એની નજર મળી. અવિનાશની નજરમાં રહેલા ગુનેગારને રાહુલે તરત જ પકડી
પાડ્યો, ‘મેં ના પાડી હતી તેમ છતાં?’ રાહુલે અવિનાશને પૂછ્યું.
‘સાહેબ…’ અવિનાશ કંઈ કહેવા જતો હતો, પણ રાહુલે એને એક તમાચો જડી દીધો.
નીચે પડેલા નાર્વેકરને સહારો આપીને ચંદુએ ઊભો કર્યો. ગોળી છૂટવાને કારણે આસપાસ સંતાઈને
ઊભેલા રાહુલના માણસો પણ સૂચનાની રાહ જોયા વગર દોડી આવ્યા. સૌએ નાર્વેકરને ઉપાડીને ફાર્મ
હાઉસની અંદર સોફા પર સૂવાડ્યો. લોહી ઝડપથી વહી રહ્યું હતું. હોમ મિનિસ્ટરના ફાર્મ હાઉસ પર
એમ્બ્યુલન્સ આવે તો હો-હા થઈ જાય એ વાત સહુ સમજતા હતા… નાર્વેકરે ધીમેથી કહ્યું, ‘મારા ખીસામાં
દિલબાગની હાથકડીની ચાવી છે. એ કાઢીને એની હાથકડી ખોલી નાખો. દિલબાગ મને હોસ્પિટલ
પહોંચાડશે.’ રાહુલની નજર આભારવશ થઈ ગઈ. રાહુલના માણસે નાર્વેકરના ખીસામાંથી હાથકડીની ચાવી
કાઢી ને દિલબાગના હાથ ખોલ્યા. ચંદુ અને દિલબાગે નાર્વેકરને જીપની પાછલી સીટમાં સૂવાડ્યો. દિલબાગ
ડ્રાઈવિંગ સીટ પર બેઠો અને ચંદુ બાજુમાં ગોઠવાયો. જીપ બહાર નીકળી કે તરત ગેટ બંધ થઈ ગયા. હવે
રાહુલે સૂચના આપી, ‘કોણ હતું એ શોધી કાઢો?’ એણે અવિનાશને નજરથી ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો.
અવિનાશ ગોઠવાઈ તો ગયો, પણ એના ચહેરા ઉપર પકડાઈ જવાનો ડર નહોતો. એ જોઈને રાહુલને નવાઈ
લાગી.
અવિનાશ નિરાંતે ખુરશીમાં બેસીને ગોળી ચલાવનારને શોધવાની જે દોડધામ રાહુલના માણસો કરી રહ્યા હતા એ
જોઈ રહ્યો હતો. એને કોઈ ચિંતા જ નહોતી કારણ કે, દિલબાગને લઈને નીકળેલી જીપમાં સૂરી ફાર્મ હાઉસની બહાર નીકળી
ગયો હતો. હવે રાહુલના માણસો ગમે તેટલું શોધે એમને ગોળી ચલાવનાર માણસ મળવાનો નહોતો…

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *